Home Blog Page 890

મુર્શિદાબાદની હિંસા માટે TMC સરકારની નિર્મમતા જવાબદારઃ PM મોદી

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભા દરમિયાન રાજ્યની TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ થોડા સમય પહેલા મુર્શિદાબાદમાં થયેલી હિંસક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં ઘર સળગતા રહ્યા અને પોલીસ તમાશો જોતી હતી.

તેમણે કહ્યું હતું કે મુર્શિદાબાદ અને માલદામાં જે કંઈ બન્યું, તે TMC સરકારની નિર્મમતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે હવે બંગાળના લોકોને TMC સરકારની વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ રહ્યો નથી. અહીંના લોકોને હવે માત્ર કોર્ટથી જ ન્યાયની આશા છે. એટલે આખું બંગાળ કહી રહ્યું છે बंगाल में मची चीख-पुकार, नहीं चाहिए निर्मम सरकार!

તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં ભારત નવી શક્તિ સાથે સમૃદ્ધિનું નવું અધ્યાય લખી રહ્યું છે. આજે દેશનો દરેક નાગરિક ભારતને વિકાસશીલ બનાવવામાં વ્યસ્ત છે. વિકાસશીલ ભારત માટે પશ્ચિમ બંગાળનો વિકાસ પણ જરૂરી છે. તેથી પશ્ચિમ બંગાળે નવી ઊર્જા સાથે આગળ વધવું પડશે.

તેમણે કહ્યું હતું કે બંગાળે ફરી તે ભૂમિકા નિભાવવી પડશે, જે તેની ઓળખ હતી. એ માટે જરૂરી છે કે બંગાળ ફરીથી જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર બને. બંગાળ “મેક ઇન ઈન્ડિયા”નું મોટું હબ બને. બંગાળે પોતાની વારસાને ગૌરવ સાથે સંભાળીને આગળ વધવું જોઈએ.

PM મોદીએ દાવો કર્યો કે આજે પશ્ચિમ બંગાળ એકસાથે અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે. તેમણે સભામાં કહ્યું હતું કે આજકાલ દેશભરમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવી રહી છે. હું ઈચ્છું છું કે પશ્ચિમ બંગાળમાં પણ 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મફત ઈલાજ મળે, પણ TMC સરકાર એ કરવાની મંજૂરી નથી આપતી.

ઓરેન્જ કેપ માટે ખરાખરીની સ્પર્ધા, ટોપ-5 માં બધા 600 ને પાર

IPL 2025 ની પ્લેઓફ મેચોની શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે IPL ની પહેલી ક્વોલિફાયર મેચ છે. જ્યાં ટીમો ટ્રોફી જીતવા માટે સ્પર્ધા કરી રહી છે. તે જ સમયે, ઓરેન્જ કેપ કબજે કરવા માટે એક રસપ્રદ સ્પર્ધા પણ ચાલી રહી છે. હાલનો માહોલ એવો છે કે ઓરેન્જ કેપ યાદીમાં ટોચના પાંચ બેટ્સમેનોએ છસો રન પૂરા કર્યા છે. જોકે, આ બેટ્સમેનોમાં એક એવો બેટ્સમેન છે જેની ટીમ પ્લેઓફનો ભાગ નથી. આવી સ્થિતિમાં, આ બેટ્સમેનનું દિલ તૂટી જવાની શક્યતા છે.

ટોપ-5 માં આ ખેલાડીઓનો સમાવેશ થાય છે

હાલમાં, ઓરેન્જ કેપ માટે પાંચ ખેલાડીઓની દોડમાં સામેલ હતા. આમાં સૌથી આગળ સાઈ સુદર્શન છે, જેમણે 679 રન બનાવ્યા છે. બીજા નંબર પર શુભમન ગિલ છે, જેના ખાતામાં 649 રન છે. સૂર્યકુમાર યાદવ પણ 640 રન બનાવીને બંનેને કઠિન સ્પર્ધા આપી રહ્યા છે. આ પછી મિશેલ માર્શનો વારો આવે છે. મિશેલ માર્શના ખાતામાં 627 રન છે. જોકે, માર્શની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ હવે પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.

કયા નંબર પર વિરાટ કોહલી છે

IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં, વિરાટ કોહલી હાલમાં પાંચમા ક્રમે છે. હાલમાં તેના ખાતામાં 602 રન છે. કોહલી પાસે આજે પોતાના ખાતામાં થોડા વધુ રન ઉમેરીને પોતાને આગળ વધારવાની સુવર્ણ તક હશે. જો વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે સદી રમશે, તો તે ઓરેન્જ કેપ યાદીમાં બધાને પાછળ છોડી દેશે અને આગળ વધશે. જો કોહલીની ટીમ ફાઇનલમાં પહોંચે છે. અથવા જો તે બીજા ક્વોલિફાયર રમતી વખતે ફાઇનલમાં પહોંચે છે, તો તેની પાસે પોતાના રનની સંખ્યા વધારવાની સુવર્ણ તક હશે.

સાઈ સુદર્શન, શુભમન ગિલ અને સૂર્યાની સ્થિતિ શું છે

કોહલી સિવાય, સાઈ સુદર્શન, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ પાસે વધુ રન છે. જોકે, તેમની પાસે તુલનાત્મક રીતે ઓછી તકો છે. કારણ એ છે કે, જો મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ એલિમિનેટર મેચ રમશે. જે પણ ટીમ હારશે તે આઈપીએલમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં, તેમના બેટ્સમેનોને રન બનાવવાની તકો આપમેળે ઓછી થઈ જશે.

 

POKના લોકોને જલદી ભારતમાં સામેલ કરાશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનવાળા કબજાબાળા કાશ્મીર (POK)ના લોકો ભારતના પરિવારનો હિસ્સો છે. તેઓ ખુદ ભારતની મુખ્ય ધારામાં પરત ફરશે. મારું માનવું છે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના લોકો આપણા છે, આપણા પરિવારનો હિસ્સો છે, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાર્ષિક વેપાર શિખર સંમેલન-2025માં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આજે વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ વિવાદ ચાલી રહ્યા છે. આમ તો તેનાં ઘણાં કારણો છે, પરંતુ આજની આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાનું મુખ્ય કારણ છે વિશ્વાસમાં આવેલો ઘટાડો.

તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષામાં ‘મેક ઇન ઇન્ડિયા’ એક અગત્યનું પાસું છે. જો અમારી પાસે આ ક્ષમતા ન હોત તો ભારતની સેનાઓ પાકિસ્તાનના નીચલા ભાગથી લઈને PoK સુધી આતંકવાદ સામે એટલી અસરકારક કાર્યવાહી ન કરી શકત. આતંકવાદ ચલાવવો કોઇ કોસ્ટ ઇફેક્ટિવ વ્યવસાય નથી, પણ તેની ખૂબ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, અને તેનો અંદાજ આજે પાકિસ્તાનને થઇ ગયો છે.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જયારે પણ વાત થશે તો ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે.”

તેમણે આગળ કહ્યું હતું કે હું માનું છું કે POKના લોકો આપણા પોતાના છે, આપણા પરિવારમાંના એક ભાગ છે. અમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ અને અમને પૂરું વિશ્વાસ છે કે અમારા તે ભાઈઓ, જે આજે ભૌગોલિક અને રાજકીય રીતે અમાથી અલગ છે, તેઓ પણ પોતાના આત્મસન્માન, આત્માની અવાજ અને સ્વેચ્છાથી ભારતમાં મુખ્ય ધારામાં ક્યારેક તો જરૂરથી પાછા ફરશે. ત્યાંના મોટા ભાગના લોકો ભારતમાં ઊંડું જોડાણ ધરાવે છે.

બ્રિટિશ સરકારે કહ્યા આ શેઠને બેરોનેટ

અમદાવાદમાં ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજા મુખ્ય માર્ગ પરના પથારાની વચ્ચે, પ્રેમાભાઇ હોલની સામે સર ચિનુભાઈ માધવલાલ રણછોડલાલ (26 મે 1864 – 3 માર્ચ 1916), પ્રથમ બેરોનેટનું એક સ્ટેચ્યુ છે. જેનું અનાવરણ ખુદ ગાંધીજીએ 1933માં કર્યું હતું. એ બ્રિટિશ સમયના ભારતના પ્રથમ હિન્દુ બેરોનેટ હતા. બેરોનેટ બ્રિટિશ સમયની એક સન્માનનિય ઉપાધી ગણાતી હતી. ચિનુભાઇ એક મિલ માલિક અને એકદમ પરોપકારી માણસ હતા. અમદાવાદની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરનાર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા.

ચિનુભાઇ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી જેવી ભાષાઓમાં નિષ્ણાત હતા. અભ્યાસ પૂર્ણ કરીને એ પારિવારિક વ્યવસાયમાં જોડાયા અને વ્યવસાયને આગળ વધાર્યો. આગળ જતાં એ પોતાના દાદાની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ પણ બન્યા.

શૈક્ષણિક સંસ્થાઓમાં એમણે ખૂબ દાન કર્યું. હોસ્પિટલો તેમજ સાહિત્ય ક્ષેત્રે પણ એટલું જ દાન કર્યું હતું. એટલે જ ગાંધીજીએ એમના માટે કહ્યું હતું કે, સર ચિનુભાઈ દ્વારા આપવામાં આવેલા દાનની યાદી સાંભળીને મને ખ્યાલ આવ્યો કે સર ચિનુભાઈના દાન વિશ્વ વિખ્યાત પારસી દાન જેટલા જ છે. હું શહેરના સમૃદ્ધ લોકોને સંદેશ આપું છું કે તેઓ સર ચિનુભાઈ દ્વારા દર્શાવેલ પરોપકારના માર્ગને અનુસરે અને અમદાવાદને વિશ્વ સમક્ષ એક આદર્શ તરીકે રજૂ કરે!’

(પ્રજ્ઞેશ વ્યાસ)

ટ્રોલિંગની વચ્ચે શશિ થરૂરે કોંગ્રેસને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર’ અંગે ભાજપના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારને સમર્થન આપવાના કારણે પોતાની પાર્ટી તરફથી ટીકા સહન કરનાર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ગુરુવારે પોતાના ટીકાકારોએ તેમના વિચારોને “તોડીમરોડીને રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.

થરૂરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર આતંકવાદી હુમલાઓના પ્રતિશોધ વિશે વાત કરી હતી, ભૂતકાળનાં યુદ્ધો વિશે નહીં. તેમણે કહ્યું હતું  કે પનામામાં એક લાંબા અને સફળ દિવસ પછી મને અડધી રાત્રે કામ પૂરું કરવું છે, જ્યાંથી છ કલાક પછી મને કોલંબિયાના બોગોટા માટે રવાના થવું છે, તેથી મારી પાસે આ માટે સમય નથી, પરંતુ જે લોકો ભૂતકાળમાં નિયંત્રણ રેખા પાર ભારતીય શૌર્ય અંગે મારી કથિત અજ્ઞાનતા માટે ચીસો પાડી રહ્યા છે, તેમના માટે હું સ્પષ્ટ કરું છું કે હું માત્ર આતંકવાદી હુમલાઓના પ્રતિશોધ અંગે બોલી રહ્યો હતો, મેં કોઈ યુદ્ધોની ચર્ચા નથી કરી.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે મારી ટિપ્પણી પહેલાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં થયેલા અનેક હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય પ્રતિક્રિયા નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પ્રત્યે આપણા જવાબદાર સન્માનને કારણે મર્યાદિત અને સંયમિત રહ્યા હતા.

ટ્રોલ્સને આવકારતાં થરૂરે કહ્યું હતું કે  હંમેશની જેમ ટીકાકારો અને ટ્રોલ્સને મારા વિચારો અને શબ્દોને વિકૃત કરવા આપનું સ્વાગત છે, જેમ તેઓ યોગ્ય સમજે. મારી પાસે ખરેખર વધુ મહત્વપૂર્ણ કામ છે. શુભ રાત્રિ.”

આ પહેલાંના નિવેદનમાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે પોતાના સહકાર્યકર પર આક્રમણ વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે થરૂરે પાર્ટીની છબિ બગાડવાનો પ્રયાસ કર્યો છે. શું શશિ થરૂરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, ત્યારે રાજે કહ્યું, “આ નિર્ણય કાર્યકારિણી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધી પર નિર્ભર છે. જો તેઓ ખોટું નિવેદન આપે છે અને કોંગ્રેસના ઇતિહાસને ભુલાવવા પ્રયત્ન કરે છે, તો હું કોંગ્રેસની સાથે ઊભો છું. હું વ્યક્તિગત લાભની ચિંતા કરતો નથી, હું ત્યાગ કરવા તૈયાર છું.

ઉદિત રાજે દાવો કર્યો હતો કે થરૂર વડા પ્રધાન મોદીની “ખોટી સર્જિકલ સ્ટ્રાઇક”નું મહિમા ગાન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે (થરૂરે) એવું કહીને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીએ કશું કર્યું જ નથી. તમે વડા પ્રધાન મોદીની ખોટી સર્જિકલ સ્ટ્રાઇકનું મહિમા ગાન કરી રહ્યા છો.

અમેરિકી વહીવટી તંત્રમાંથી એલન મસ્કનું રાજીનામું

વોશિંગ્ટનઃ ટેસ્લાના CEO એલન મસ્કે વ્યાપક વિરોધ વચ્ચે ગુરુવારે ‘વિશિષ્ટ સરકારી કર્મચારી’ તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સરકાર દ્વારા થતા ફિજુલ ખર્ચ ઘટાડવાનો મોકો આપવા બદલ આભાર માન્યો.

તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે વિશિષ્ટ સરકારી કર્મચારી તરીકે મારો નિર્ધારિત સમયગાળો પૂરો થયો છે, તેથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો મોકો આપવા બદલ આભાર માનું છું.

મસ્કે કહ્યું હતું કે તેઓ 24/7 કામમાં વ્યસ્ત છે. અને કોન્ફરન્સ રૂમમાં સૂઈ રહ્યા છે, કારણ કે વોશિંગ્ટનમાં વિતાવેલા સમય બાદ તેઓ કોર્પોરેટ જીવનમાં પાછા ફર્યા છે. મસ્કની અત્યંત કડક કામની સંસ્કૃતિ હવે મદદરૂપ બની રહી છે, કારણ કે આ અબજોપતિએ ઘણી લથડતી કંપનીઓ સાથે સંભાળવી પડી રહી છે।

મસ્કના જણાવ્યા અનુસાર સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ Xને મોટા ઓપરેશનલ સુધારાઓની જરૂર છે. ઇન્વેસ્ટર્સ રાહત અનુભવતા દેખાય છે, કેમ કે હવે મસ્ક પોતાનું ધ્યાન દૈનિક કામ પર કેન્દ્રિત કરી રહ્યા છે.  મસ્કની એકમાત્ર જાહેરમાં ટ્રેડ થતી કંપની ટેસ્લાના શેર છેલ્લા મહિને 25 ટકા વધ્યા છે.

મસ્કે ટ્રમ્પના વ્યાપક કર અને ખર્ચ કાપ પેકેજ વિશે ચિંતાની વાત કરતાં મંગળવારે પ્રકાશિત કરેલા વિડિયોમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે આથી અમેરિકાનો બજેટ ખાધ વધશે અને સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રયાસોને નુકસાન પહોંચશે.

ટ્રમ્પને કોર્ટનો આંચકોઃ વ્હાઇટ હાઉસે કાયદા વિરુદ્ધ કર્યું કામ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. કોર્ટે તેમના ‘લિબરેશન ડે’ ટ્રેડ ઓર્ડર્સને અમાન્ય ઘોષિત કર્યા છે અને એકતરફી ટેરિફ લગાવવાના તેમના અધિકાર પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. યાદ રહે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર મનમાની રીતે ટેરિફ લગાવી દીધા હતા, જેના કારણે એશિયાનાં શેરબજારો પર મોટી અસર થઈ હતી. ટેરિફ મુદ્દે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા હતા અને ઘણા દિવસો સુધી ટેન્શનની સ્થિતિ રહી હતી. ઘણા દિવસો પછી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો હતો.

US કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પે વૈશ્વિક ટેરિફને ન્યાયસંગત ઠેરવવા માટે IEEPA (International Emergency Economic Powers Act)નો ઉપયોગ કર્યો અને આ રીતે તેમણે પોતાના અધિકારોનો વધુપડતો ઉપયોગ કર્યો છે. જજોની પેનલે કહ્યું હતું કે વ્હાઈટ હાઉસે આ મામલામાં સંપૂર્ણ રીતે કાયદાના વિરુદ્ધ કામ કર્યું છે. કોર્ટે જણાવ્યું કે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફ ઓર્ડર્સ તેમના કાનૂની અધિકારથી પણ આગળ વધે છે. આ ચુકાદા બાદ ટ્રમ્પની સૌથી મહત્ત્વપૂર્ણ ટ્રેડ પોલિસી પર રોક લાગી ગઈ છે.

કોર્ટનો આ નિર્ણય ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ઝટકો સાબિત થયો છે કારણ કે ટ્રમ્પે આ નીતિને દેશના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું સાધન માનીને રજૂ કરી હતી.

વ્હાઈટ હાઉસે આ ચુકાદાની ટીકા કરી છે અને કહ્યું છે કે આ એક પ્રકારનું ન્યાયિક અતિક્રમણ છે.

સુવિચાર – ૨૯ મે ૨૦૨૫

૨૯ મે ૨૦૨૫

કબીરવાણી: સાધકમાં તિતિક્ષાનો ગુણ જરૂરી…

 

લગા રહે સત જ્ઞાન સો, સબહી બંધન તોડ,

કહૈ કબીર વા દાસ સો, કાલ રહે હથ જોડ.

 

સાધકમાં તિતિક્ષાનો ગુણ જરૂરી છે. સાતત્યપૂર્ણ વૈરાગ્ય દૃઢ નિશ્રય અને શિસ્તથી જ શક્ય બને છે. જીવનમાં અનેક આકર્ષણો છે, ઈચ્છાઓ છે, મનોરથ છે. તેના કારણે સાંસારિક સંબંધોની જાળ રચાય છે. કબીરજી કહે છે કે, આ સઘળાં બંધનો તોડવાં જરૂરી છે. ભક્તિમાર્ગમાં ત્યાગ, સેવા, પ્રેમ અને સદ્દગુણો પાયારૂપ છે.

આજના ભૌતિકવાદના યુગમાં ક્યારેય આવો ઉપદેશ વ્યવહારુ ન લાગે પરંતુ એ હકીકત છે કે જીવન ક્ષણભંગુર છે. તેનો હેતુ ભોગ-વિલાસ નહીં પણ પ્રભુએ જે બુદ્ધિ આપી છે તેના દ્વારા પરમાત્માની ઓળખ કરવાની છે.

આજની ભોગવૃત્તિનો ભક્તિમાર્ગમાં નિષેધ છે. આ સાખીમાં દાસ શબ્દનો ઉપયોગ કરી કબીરજી નમ્રતા, સમર્પણ અને વફાદારીના ગુણો તરફ સંકેત કરે છે. આવી જ્ઞાની, મુક્ત અને નમ્ર વ્યક્તિ માટે મોક્ષનો દરવાજો તો આપમેળે ખૂલી જાય છે. આવી વિભૂતિ આત્માનું અમરતત્ત્વ પિછાણે છે, તે કાલાતિત છે. સ્વયં કાળ તેની સામે હાથ જોડી તેને નમન કરે છે. કબીરજી ખુદ જ્ઞાની સદ્દગુરુ છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)