Home Blog Page 893

શિક્ષણમાં આરક્ષણ ખતમ કરતી મોદી સરકાર: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો0 કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયના લાયક ઉમેદવારોને જાણીબૂજીને ‘યોગ્ય નથી મળ્યા’ જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્વથી દૂર રાખી શકાય.

રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે દિલ્હીની યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU)ના વિદ્યાર્થીઓ સાથે તેમની તાજેતરની મુલાકાતનો વિડિયો પણ શેર કર્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ હિન્દીમાં લખ્યું હતું  કે નોટ ફાઉન્ડ સુટેબલ હવે નવો મનુવાદ છે. SC/ST/OBC ના લાયક ઉમેદવારોને જાણબૂજીને ‘અયોગ્ય’ જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્વથી દૂર રાખી શકાય.”

‘મનુવાદ’ એ મનુસ્મૃતિથી શાસિત સમાજની વિચારધારા છે. રાહુલ ગાંધીએ બી.આર. આંબેડકરના ક્વોટ સાથે જણાવ્યું હતું કે શિક્ષણ સમાનતાનું સૌથી મોટું હથિયાર છે અને મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર તથા RSS આ શક્તિને નષ્ટ કરવાના પ્રયાસમાં છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર આ હથિયારને ખતમ કરવા માટે વ્યસ્ત છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રોફેસરોના 60 ટકાથી વધુ આરક્ષિત પદો અને એસોસિયેટ પ્રોફેસરોના 30 ટકાથી વધુ આરક્ષિત પદો ‘નોટ ફાઉન્ડ સુટેબલ (NFS)’ પદ્ધતિથી ખાલી રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, “આ કોઈ અપવાદ નથી – આવું કાવતરું IIT, કેન્દ્રીય યુનિવર્સિટીઓ વગેરેમાં પણ ચાલી રહી છે. NFS એ બંધારણ પર હુમલો છે. NFS એ સામાજિક ન્યાય સાથે વિશ્વાસઘાત છે. ભૂતપૂર્વ કોંગ્રેસાધ્યક્ષે કહ્યું હતું કે આરક્ષણ મેળવવું એ હક, સન્માન અને ભાગીદારીની લડાઈ છે. તેમણે કહ્યું હતું  કે મેં DUSU ના વિદ્યાર્થીઓ સાથે વાત કરી, હવે આપણે બધા મળીને બંધારણની શક્તિથી BJP/RSS ના દરેક આરક્ષણવિરોધી પગલાનો જવાબ આપીશું.

આ વિડિયોમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જોવા મળે છે કે હિંદુત્વ પ્રોજેક્ટનો ઉદ્દેશ SC, ST અને OBCના ઇતિહાસને અસ્તિત્વમાંથી મિટાવવાનો છે. જોકે  દિલ્હી યુનિવર્સિટી (DU)એ 22 મેની મુલાકાત બદલ રાહુલ ગાંધીની અઘોષિત મુલાકાત  સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને સંસ્થાગત પ્રોટોકોલનો ઉલ્લંઘન અને વિદ્યાર્થી વહીવટમાં ખલેલ ગણાવ્યો હતો.

PM મોદીનો ગાંધીનગરમાં ભવ્ય રોડ શોઃ અનેક પ્રોજેક્ટસનું ઉદઘાટન

ગાંધીનગરઃ PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગરમાં રોડ શો કરી રહ્યા છે. ગાંધીનગરમાં બેથી 2.5 કિલોમીટરના રોડ શો દરમ્યાન 30,000થી વધુ લોકો વડા પ્રધાન મોદીનું ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા છે. PM મોદી મહાત્મા મોદી મહાત્મા મંદિરથી ગુજરાતને રૂ. 5536 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં તેઓ PM આવાસ યોજના હેઠળ બનેલાં 22,055 ઘરોનું ઉદઘાટન કરશે એ સાથે તેઓ સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાની આધારશિલા મૂકશે.

ગાંધીનગર આવેલા વડા પ્રધાનને આવકારવા માટે ગાંધીનગર વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે મહાત્મા મંદિર જવા રવાના થશે. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પણ રોડ શો કરવાના છે તે જગ્યાને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો છે.

PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. 145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કરશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ રૂ. 1447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરનાં વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. રૂ. 1347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે રૂ. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. 1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બનાસકાંઠામાં રૂ. 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ. 678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં તેઓ રૂ. 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં રૂ. 588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને રૂ. 569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે. 

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

 

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

 

પોતાના હોય એટલે કે જેમનું પાલન કરવાની જવાબદારી પોતાને શિરે હોય તેવા આધારીતો તરફ બેદરકારી બતાવી. એમને ભૂખે મરવાનો દિવસ આવે તેમ કરવું. એથી ઊલટું જેની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય તેવા સાવ પરાયાને ઉપર પડતાં જઇ પોષવા.

પ્રકૃતિ અથવા જાતે દુ:ખ વેઠીને પોતાના પરિવારને સહન કરતું રાખીએ પારકાને દાન કરવું તે નરી મૂર્ખતા છે. એ પ્રકારનો મતલબ આ કહેવતમાંથી નીકળે છે.

આવા જ અર્થવાળી કહેવત ‘ઘરમાં ગરીબાઇ ને ગોરને સીધું જોઈએ’ તે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સેલ્ફ ડિફેન્સ હવે જરૂરી સ્કીલ છે

અમદાવાદમાં રહેતી યશિકા એક ખાનગી કંપનીમાં કામ કરતી, આધુનિક વિચારો અને આત્મવિશ્વાસ ધરાવતી યુવતી છે. રોજની જેમ એ દિવસે પણ એ ઓફિસનું કામ પૂરું કરીને રાત્રે લગભગ સાડા આઠ વાગે ઘરે જવા નીકળી, પણ એ સાંજ કંઈક અલગ હતી. એ ટેક્સી બુક કરી રહી હતી ત્યારે યશિકાને લાગ્યું કે પાછળથી ત્રણ અજાણ્યા યુવકો એની પર નજર રાખી રહ્યા છે.

હવે એ થોડી સાવધ બની. એને ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ લાગ્યું. એ ઝડપથી ચાલવા લાગી. મોબાઈલ હાથમાં લઈ ઘરે ફોન કરવા જતી હતી ત્યાં જ એ યુવકોએ એનો રસ્તો રોક્યો. એમના હાવભાવ અને આંખોની નજરમાં કંઈક ભયજનક હતું. એક ક્ષણ માટે યશિકા પણ ગભરાઈ ગઈ, પણ એ ડરી નહીં. એણે આત્મવિશ્વાસ ભર્યા અવાજે કહ્યું, “મારો રસ્તો છોડો… નહીં તો જે થશે એની જવાબદારી તમારી રહેશે!” યુવકોએ હસીને એને પકડવાનો પ્રયાસ કર્યો. યશિકાએ પોતાનું પર્સ જમીન પર મૂક્યું અને તરત જ કરાટેના ત્રણ નિયંત્રિત અને દૃઢ પ્રહાર કર્યા. ત્રણે યુવકો જમીન પર ધસી પડ્યા. યશિકા સાવચેતી સાથે ત્યાંથી નીકળી ગઈ. એણે પોતાની હિંમત અને શીખેલા પડકાર પ્રતિબદ્ધ કૌશલ્યથી પોતાને બચાવી લીધી.

એ સલામત રહી, કારણ કે એ સજાગ અને સશક્ત હતી. પણ જો એ સેલ્ફ-ડિફેન્સ ન શીખી હોત તો? તો આજે વાત જુદી પણ હોત…

યાદ રહે, હવે સેલ્ફ-ડિફેન્સ કોઈ વિકલ્પ નથી. એ જરૂરી છે દરેક યુવતી માટે, દરેક સ્ત્રી માટે. અહીં એટલું સમજવું ખૂબ જ જરૂરી છે કે મહિલાએ માત્ર નમ્ર બનવું નહીં, સજાગ પણ બનવું જોઈએ. પોલીસ છે, કાયદા છે, પણ કદાચ બધી જ જગ્યાએ ત્વરીત મદદ મળી જાય એવું શક્ય નથી. એટલે સ્ત્રી માટે સેલ્ફ ડિફેન્સ એ વૈભવ નહીં, જરૂરિયાત છે.

સેલ્ફ ડિફેન્સ એટલે માત્ર લડતા આવડે એ નહીં…

સેલ્ફ ડિફેન્સમાં ફક્ત શરીરથી નહીં, પણ મનથી પણ મજબૂત હોવું એટલું જ જરૂરી છે. આજના સમયમાં મહિલાઓ ઘણી બધી ફ્રન્ટ પર આગળ વધી રહી છે, પણ અંદરખાને ચાલી રહેલી લડાઈનું શું?

થિયા એજ્યુકેશન પ્રા.લી.ના સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તેજલ વસાવડા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “કોઇ સ્ત્રી પોતાના જીવન કે પરિવાર વિશે નિર્ણય લે છે તો એના ઉપર જ આંગળી કરવામાં આવે છે. એનો વિરોધ કરવો પણ સેલ્ફ ડિફેન્સ જ છે. જ્યારે મહિલા સમજદારીપૂર્વક પોતાનું માનસિક વલણ વ્યક્ત કરે છે, પોતાનો દ્રષ્ટિકોણ મુકે છે અને આગળ વધે છે.  એ પણ આત્મરક્ષણનું જ એક સ્વરૂપ છે. કોર્પોરેટ જગતમાં પણ મહિલાઓ ઘણીવાર એવું અનુભવતી હોય છે કે તેઓ વધુ મહેનત કરે છતાં પણ શ્રેય બીજા લે છે. એવા સમયે પોતાનું સ્થાન અને વેલ્યૂ સાબિત કરવી પણ એક પ્રકારનું માનસિક સેલ્ફ ડિફેન્સ છે.”

વધુમાં એ ઉમેરે છે કે, “આજે જ્યાં એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થાય છે, મહિલાઓ જ કેટલીકવાર મહિલાઓની સૌથી મોટી ટીકા કરે છે. સાસુ હોય કે ઓફિસની સિનિયર, ઘણીવાર મહિલાઓ પોતાની સહ સ્ત્રીઓ માટે અવાજ નહિ ઉઠાવે, પણ એમને દબાવવા માટે અન્ય સાથે મળીને ઉભી રહે છે. આવા સમયમાં સાચું સેલ્ફ ડિફેન્સ એ છે કે મહિલાઓ એકબીજાને સમજતા શીખે અને એકબીજાના અવાજ માટે પણ લડે.”

પોતાનું રક્ષણ કરવા માટે પ્રશિક્ષિત રહેવું અત્યંત આવશ્યક

માતાઓએ દીકરીને સમજાવવાનું બંધ કરીને એમને તાલીમ આપવી જોઈએ.  શારીરિક સુરક્ષાની પણ અને માનસિક મજબૂતીની પણ. દીકરીઓએ પોતાનું મૂલ્ય ઓળખવું જોઈએ અને પોતાના અવાજ માટે ઊભા રહેતા શીખવું જોઈએ. કેમ કે  જે સ્ત્રી પોતાની વાત માટે ઊભી રહી શકે છે, એ જ દુનિયા સામે લડી શકે છે.

સખી ગ્લોબલ વુમનના સ્થાપક સોનલ શાહ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “આજના ગતિશીલ વિશ્વમાં, મહિલાઓ માટે એમની સલામતી અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સ્વ-બચાવ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. સુરુચિ ભંગ, ઉત્પીડન, હુમલો અને જાતીય હિંસાના વધતા જતા બનાવોને કારણે છોકરીઓ પોતાનું રક્ષણ કરવા માટે પ્રશિક્ષિત રહેવું અત્યંત આવશ્યક છે. સ્વ-બચાવ એ માત્ર શારીરિક શક્તિ જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, જાગૃતિ અને માનસિક સ્થિતિ સ્થાપકતા પણ વધારે છે. એ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. સ્વ-બચાવના પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવાથી એક સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે અને મહિલાઓ માટે આદર અને સમભાવ ધરાવતા સમાજને પ્રોત્સાહન મળે છે.”

પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ શીખવું જરૂરી

આજના સમયમાં જ્યારે મહિલા ઓફિસથી લઈને ઘરની બહાર એકલા મુસાફરી કરે છે. ઘણી જગ્યાએ મોડી રાત સુધી કામ કરવું પડે છે ત્યારે એની માટે સેલ્ફ ડિફેન્સ એક કવચ જેવું કામ કરે છે.

બેન્કિંગનો અભ્યાસ કરતી એશ્વર્યા વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “એવું જરૂરી નથી કે હંમેશા ફિઝિકલ જ હુમલો થાય, પણ જો થાય તો એ વખતે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, એ શીખવું જરૂરી છે.

ઘણા લોકો માનસિક રીતે સ્ત્રીઓનું શોષણ કરે છે, કાર્યસ્થળે ટિપ્પણીઓ કરે છે, એ સમયે પણ ચુપ ન રહીને જવાબ આપવો એ પણ એક પ્રકારનું સેલ્ફ ડિફેન્સ જ છે. મહિલા માટે અભ્યાસ, કારકિર્દી, અને સફળતા તરફના રસ્તા પર હજારો અવરોધો આવે છે, પણ જો એ મનથી મક્કમ હશે, માનસિક રીતે સ્ટ્રોંગ હશે અને શારીરિક તૈયાર હશે તો એ કોઈપણ સંજોગો સામે લડી શકે છે.”

સત્ય એ છે કે જો મહિલા મનથી મજબૂત હશે તો જ એ દુનિયાની બધી લડાઈ લડી શકશે. ફક્ત ફિઝિકલ પ્રોટેક્શન પૂરતું નથી. જ્યાં સુધી અંદરથી હિંમત નહીં આવે કે “હું પણ કંઈક છું” ત્યાં સુધી બહારની કોઇ લડાઈ જીતી શકાય નહીં.

હેતલ રાવ

સપનાએ ‘છૈયાં છૈયાં’ ગીત એવું ગાયું કે ‘દિલ સે’ માં રહ્યું      

સપના અવસ્થીએ લગ્ન કર્યા પછી ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. સપનાએ પહેલું ગીત ‘દુશ્મની’ નું ‘બન્નો તેરી અંખિયાં’ (1995) ગાયું હતું પણ એ મોડું બહાર આવ્યું હતું. સપનાને મળેલા દરેક ગીત પાછળ રસપ્રદ વાત જોડાયેલી રહી છે. બાળપણથી જ ગાયનના શોખને લીધે રેડિયો પર ગીતો સાંભળતા હતા અને ગાવાની શરૂઆત રેડિયોથી જ કરી હતી. લગ્ન પછી સપના 1988 માં લખનઉથી મુંબઇ આવ્યા ત્યારે પતિ કાર્તિક અવસ્થીને સંગીતકાર સમીર ટંડનના મામાને ત્યાં જાહેરાતમાં કોપીરાઇટ કરવાનું લખવાનું કામ મળ્યું હતું. સપનાને એક વર્ષ બાદ ગુલઝાર બનાવતા હતા એ સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’ માં એક ગીત ગાવાની તક મળી હતી.

અલ્હાબાદના મિત્ર મીરાજ ગુલઝારના મુખ્ય સહાયક હતા અને એમણે મુલાકાત કરાવી ત્યારે સપના પાસે કોઈ લોકગીત હોય તો સંભળાવવા કહ્યું હતું. સપનાએ એક ગીત ગાયું અને એને સિરિયલમાં રાખી લેવામાં આવ્યું હતું. એના નિર્માતાએ સપનાના અવાજમાં ‘ટી સીરીઝ’ મારફત દસ ગીતોનું એક પ્રાઈવેટ આલબમ ‘ઉત્તરપ્રદેશ કે શાદી ગીત’ પણ બહાર પાડ્યું હતું. વળી એક વર્ષ બાદ એ આલબમના સંગીતકાર રાજેશ શર્માએ સંગીતકાર મિલિન્દના લગ્ન પ્રસંગના એક કાર્યક્રમમાં ગાવાનું આમંત્રણ આપ્યું. ત્યારે એ કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ આવી હતી.

 

 

ગીતકાર સમીરે સપનાના ગીતો અને અવાજની નોંધ લીધી હતી. એક દિવસ સમીરે ફોન કરીને કહ્યું કે નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘દુશ્મની’ માટે એક અલગ પ્રકારનું ગીત જોઈએ છે. તમારી પાસે હોય તો લઈને આવો. બીજા જ દિવસે સપનાના અવાજમાં ‘બન્નો તેરી અંખિયાં’ નું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. પણ ફિલ્મ બનવામાં ઘણા વર્ષ નીકળી ગયા. સપનાને બીજું ગીત સમીરે જ ‘ઈક્કા રાજા રાની’ (1994) માં ‘મેરે સાવરે સાંવરિયા’ અપાવ્યું હતું. જે પહેલું બહાર આવ્યું અને થોડું લોકપ્રિય થયું હતું. તેથી આઈટમ ગીત માટે એમનું નામ થવા લાગ્યું હતું.

બે વર્ષ પછી ‘બન્નો તેરી અંખિયાં’ આવ્યું ત્યારે સપના ગાયિકા તરીકે છવાઈ ગયા હતા. સપનાને ટિપ્સ, વીનસ જેવી સંગીત કંપનીઓના પ્રાઈવેટ ગીતોના આલબમમાં ગાવાની તક મળવા લાગી હતી. ‘દિલવાલો કે દિલ કા કરાર લૂંટને’ ગાઈને પણ ધૂમ મચાવી દીધી હતી. ‘રાજા હિન્દુસ્તાની’ (1996) નું ‘પરદેસી પરદેસી’ લોકપ્રિય થયા પછી ફિલ્મ ‘દિલ સે’ (1998) નું ‘છૈયાં છૈયાં’ ગીત ગાવાનો અનુભવ અલગ જ રહ્યો હતો. સપનાને જ્યારે આ ગીત ગાવા માટે ગીતકાર ગુલઝારની ભલામણથી બોલાવવામાં આવ્યા ત્યારે એને કોના પર ફિલ્માવવામાં આવશે કે એમાં ધૂન કેવી હશે એની પણ ખબર પડી ન હતી.

સંગીતકાર એ. આર. રહેમાને ધૂન વગર માત્ર ક્લીક પર જ સપનાને પોતાની રીતે ગાવાનું કહી ‘છૈયાં છૈયાં’ નું રેકોર્ડિંગ કરાવ્યું હતું. અને કહ્યું હતું કે જો યોગ્ય લાગશે તો રાખવામાં આવશે નહીંતર બીજા પાસે ગવડાવવામાં આવશે. છ મહિના પછી સુખવિંદર સિંહનો ફોન આવ્યો કે ‘છૈયાં છૈયાં’ ગીતનો પ્રોમો બની ગયો છે ત્યારે સપનાને નવાઈ લાગી હતી. ફિલ્મમાં લતા મંગેશકર, ઉદીત નારાયણ, ખુદ એ.આર. રહેમાન વગેરેએ ગીતો ગાયા હતા છતાં નવા ગણાતા સપના અને સુખવિંદરે જુસ્સાથી ગાયેલા ‘છૈયાં છૈયાં’ ની ધૂન એટલી સારી બની હતી કે એના આધારે ફિલ્મના સંગીતનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ મે ૨૦૨૫

IPL 2025 : પંજાબ કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ટોપ પર પહોંચ્યું

આખરે, IPL 2025 ના પ્લેઓફ પહેલા, એક ટીમે ટોપ-2 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બધા દાવાઓ અને અપેક્ષાઓથી વિપરીત, શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ, જે તેમના કરતા વધુ મજબૂત દેખાતી હતી, ને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. જયપુરમાં રમાયેલી લીગ તબક્કાની તેની છેલ્લી મેચમાં, પંજાબે અર્શદીપ સિંહની ઉત્તમ બોલિંગ અને પ્રિયાંશ આર્ય-જોશ ઇંગ્લિસના મજબૂત વળતા હુમલાના આધારે 19 ઓવરમાં 185 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને હવે પ્રથમ ક્વોલિફાયર રમશે. મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને રહેશે અને એલિમિનેટર રમશે.

 

26 મે, સોમવારના રોજ જયપુરમાં રમાયેલી લીગ સ્ટેજની 69 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી. તેના માટે, રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને ઝડપી શરૂઆત આપી. પરંતુ બંનેમાંથી કોઈ પણ મોટો સ્કોર કરી શક્યું નહીં પરંતુ સૂર્યકુમાર યાદવે (57) જવાબદારી સંભાળી. તેણે આ સિઝનમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને બીજી શાનદાર અડધી સદી ફટકારી. જોકે, તેને બીજા છેડેથી વધારે ટેકો મળ્યો નહીં અને જે પણ બેટ્સમેન આવ્યો, તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. જોકે, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ અને નમન ધીરે ઝડપથી રન બનાવ્યા. પરંતુ છેલ્લી ઓવરમાં, અર્શદીપે માત્ર 3 રન આપીને 2 વિકેટ લીધી અને મુંબઈને 200 રન બનાવતા અટકાવી દીધું.

પ્રિયાંશ-ઇંગ્લિશએ વિજયી ભાગીદારી કરી

પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રભસિમરન સિંહ આ વખતે લયમાં ન દેખાતા અને પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહનો શિકાર બન્યા. મુંબઈના શાનદાર ફોર્મ અને ઘાતક બોલિંગથી બધાને એવું લાગતું હતું કે પંજાબ માટે અહીંથી વાપસી કરવી મુશ્કેલ બનશે, પરંતુ પ્રિયાંશ (62) અને જોશ ઈંગ્લિસ (73) એ મળીને મુંબઈના બોલિંગના ગૌરવને ચકનાચૂર કરી નાખ્યું. બંનેએ માત્ર મોટી ભાગીદારી જ નહીં પરંતુ ખૂબ જ ઝડપી ગતિએ રન પણ બનાવ્યા. આ દરમિયાન, બંનેએ એક પછી એક પોતાની અડધી સદી પૂર્ણ કરી. પ્રિયાંશ અને ઇંગ્લિસના આઉટ થયા પછી, કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમને વિજય તરફ દોરી અને વિજયી છગ્ગો પણ ફટકાર્યો.

પંજાબ પ્રથમ ક્વોલિફાયર રમશે

આ જીત સાથે, પંજાબે લીગ સ્ટેજનો અંત ૧૪ મેચમાં ૧૯ પોઈન્ટ સાથે કર્યો. આ રીતે, ટીમે ગુજરાતને પાછળ છોડી દીધું અને પ્રથમ સ્થાન મેળવ્યું અને હવે તે પ્રથમ કે બીજા સ્થાને રહેશે તે નિશ્ચિત છે. આના આધારે, ટીમ 29 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર રમશે, જ્યાં તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. પરંતુ પ્રથમ ક્વોલિફાયરમાં તેનો સામનો કોની સાથે થશે તે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં નક્કી થશે. જો બેંગલુરુ જીતશે, તો તે પ્રથમ કે બીજા સ્થાન પર રહેશે અને તેનો સામનો પંજાબ સામે થશે. પરંતુ જો બેંગલુરુ હારશે અથવા મેચ ડ્રો થશે, તો ગુજરાત બીજા સ્થાને રહેશે, જ્યારે બેંગલુરુ ત્રીજા સ્થાને રહેશે અને તેનો મુકાબલો મુંબઈ સામે થશે.

પંચાંગ 27/05/2025

આજે રાત્રે મુંબઈની માથે મોટી આફત, હાઈ ટાઈડ એલર્ટ

મુંબઈમાં આજે એટલે કે સોમવારે રાત્રે 11 વાગ્યે દરિયામાં 4.1 મીટરની ઊંચી ભરતી આવશે. આ સમય દરમિયાન, આશરે 13 ફૂટ ઊંચા મોજા ઉછળશે. જો ભારે વરસાદ પડશે, તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, જે મંગળવારે સવારે મુંબઈકરો માટે સમસ્યા બની જશે. હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવારે બપોરે 12:14 વાગ્યે દરિયામાં 4.92 મીટરની પહેલી ઊંચી ભરતી આવશે. આ સમય દરમિયાન દરિયામાં ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળશે. મંગળવારે રાત્રે 11.54 વાગ્યે 4.08 મીટરની ઊંચી ભરતી આવશે. હવામાન વિભાગે આવતીકાલે પણ મુંબઈ માટે યલો એલર્ટ જારી કર્યું છે. રાયગઢ અને કોંકણ માટે ઓરેન્જ એલર્ટ છે. આવી સ્થિતિમાં, આવતીકાલનો દિવસ મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે પણ મુશ્કેલીભર્યો બની શકે છે.

મુંબઈમાં આજે દિવસભર પડેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે એટલે કે 27 મેના રોજ મુંબઈમાં વધુ ભારે વરસાદ પડશે. તેથી, મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે મુંબઈના તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તે જ સમયે, મેટ્રો અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. દરમિયાન, IMD એ જણાવ્યું હતું કે મુંબઈમાં મે મહિનામાં સદીનો સૌથી ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં છેલ્લા 107 વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે.

મુંબઈના ઇતિહાસમાં 26 મેના રોજ પડેલો આ સૌથી વધુ વરસાદ છે. 100 વર્ષ પહેલાં મે મહિનામાં શહેરમાં આટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ મુંબઈના કોલાબામાં 24 કલાકમાં 135 મીમી વરસાદ પડ્યો. આઈએમડી ડિરેક્ટર શુભાંગી ભૂટેએ જણાવ્યું હતું કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વરસાદનું પાણી ક્યાં એકઠું થયું?

રવિવાર રાત્રે મુંબઈમાં શરૂ થયેલો વરસાદ બંધ થવાના કોઈ સંકેત દેખાતો નથી. હિંદમાતા, સાયન-કિંગ્સ સર્કલ, અંધેરી સબવે, મિલાન સબવે પાણીમાં ડૂબી ગયા છે. મધ્ય રેલ્વે પર લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ છે. વર્લીના આચાર્ય અત્રે સ્ટેશનમાં પાણી ઘૂસવાને કારણે મેટ્રો-3નું સંચાલન પણ સ્થગિત કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા રસ્તાઓ પર ચાલી રહેલા બાંધકામના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં ડ્રેઇન સફાઈનો કાટમાળ ગટર અને ગટરના કિનારે એકઠો થયો છે, જેના કારણે તે ફરીથી ગટરોમાં વહે છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમીક્ષા બેઠક યોજી

રાજધાની મુંબઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં વરસાદની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે અને સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા નિર્દેશ આપ્યો છે. જે સ્થળોએ નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક પંચનામા તૈયાર કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સેલ સાથે સતત સંપર્કમાં છે.

રાજ્યના પુણે, સતારા, સોલાપુર, રાયગઢ, મુંબઈ અને એમએમઆર વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. દાઉદમાં 117 મીમી, બારામતીમાં 104.75 મીમી, ઇન્દાપુરમાં 63.25 મીમી વરસાદ પડ્યો છે. બારામતીમાં 25 ઘરો આંશિક રીતે ધરાશાયી થયા છે અને પૂરમાં ફસાયેલા સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 70 થી 80 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

એજન્સીઓ એલર્ટ મોડ પર

મુંબઈમાં કુલ છ સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. કુલ 18 શોર્ટ સર્કિટના બનાવો બન્યા, જ્યારે પાંચ સ્થળોએ ઇમારતની દિવાલો ધરાશાયી થવાની ફરિયાદો મળી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર વિભાગ, મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ બધી જ તૈયાર છે. મુંબઈમાં પાંચ સ્થળોએ NDRF ટીમો કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

ચોમાસુ 12 દિવસ વહેલું આવી ગયું

મહારાષ્ટ્રમાં ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં 12 દિવસ વહેલું મહારાષ્ટ્રમાં પ્રવેશી ગયું છે. દર વર્ષે ચોમાસુ સામાન્ય રીતે 7 જૂને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે ચોમાસુ 25 મેના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને ભારે વરસાદ પડી રહ્યો છે.