પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિને હિસાર પોલીસ દ્વારા હિસાર કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રાને સિવિલ જજ સુનીલ કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જ્યોતિને હિસારની સેન્ટ્રલ જેલ નંબર 2 માં રાખવામાં આવશે. આ એક મહિલા જેલ છે.
સુનાવણી દરમિયાન, કોર્ટની અંદરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યોતિને અગાઉ પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી અને બીજી વખત ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી. ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ રવિવારે સાંજે જ્યોતિને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
એવી અટકળો હતી કે જ્યોતિને સવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પરંતુ પોલીસ જ્યોતિને બપોરે લગભગ 3:30 વાગ્યે કોર્ટમાં લાવી. આજે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે જ્યોતિ કોર્ટમાં હાજર થયા પછી હિસારના એસપી શશાંક કુમાર પણ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. તે જ સમયે, પોલીસને જ્યોતિના મોબાઇલમાંથી કોલ ડિટેલ્સ ડિલીટ કરવાનો રિપોર્ટ મળ્યો છે. જોકે, લેપટોપમાંથી ડેટા ડિલીટ થયાનો કોઈ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ (ICECD), યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (YFLO) અને રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ વચ્ચે ભાગીદારી હેઠળ “નવી દિશા” નામનો પરિવર્તનકારી પ્રોજેક્ટ ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ એ મજબૂત માન્યતા પર આધારિત છે કે, આર્થિક સ્વાવલંબન અને સમયસર ક્ષમતા નિર્માણ એ સૌથી શક્તિશાળી સામાજિક પરિવર્તનના સાધનો છે. ઉદ્યોગ વ્યવસાય વિકાસ, જીવનકૌશલ્ય, શિક્ષણ અને આરોગ્ય અંગેના માહિતીસભર હસ્તક્ષેપ દ્વારા, ‘નવી દિશા’ પ્રોજેક્ટ હજારો જીવને સ્પર્શવા માટે ઉદ્દેશિત છે. જેમાં પ્રથમ પગથિયું ભાટ ગામ છે.
ICECDના ચેરપર્સન ડો. હીના શાહે કહ્યું કે, “ગ્રામ્ય સ્તરે 38 વર્ષના ઊંડા અનુભવ સાથે, ICECD જાણે છે કે પરિવર્તન એ એક વખતનો પ્રસંગ નથી, પણ તે સતત ચાલતી પ્રક્રિયા છે. YFLO અને રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ જેવા પ્રતિબદ્ધ ભાગીદારો સાથે મળીને ‘નવી દિશા’ શરૂ કરતા અમને ગૌરવ થાય છે.આ પ્રોજેક્ટ મહિલાઓને સ્વાવલંબન તરફ દોરી જશે અને બાળકો માટે પણ સર્વાંગી વિકાસના માર્ગો ખોલશે.”
YFLO, જે હંમેશાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ માટે કાર્યરત રહી છે, પોતાનું મજબૂત નેટવર્ક અને સ્થળ પર આધારભૂત સહાય લાવે છે, જ્યારે રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ મુખ્ય પ્રાયોજક તરીકે જોડાઈને સમુદાયના ટકાઉ વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.
YFLOના ચેરપર્સન નેહા ગોયલે કહ્યુ કે, “મહિલાઓને સશક્ત બનાવવી હંમેશા મારા હૃદયના ખૂબ નજીક રહી છે. YFLOમાં મારી કાર્યકાળ દરમિયાન હું માત્ર પ્રતીકાત્મક ઇવેન્ટ્સ કરતા આગળ વધીને કંઈક ટકાઉ બનાવવા ઇચ્છતી હતી. વિમેન એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ એક સરળ પણ શક્તિશાળી માન્યતા પરથી ઉદ્ભવ્યો હતો. જ્યારે એક મહિલા આર્થિક રીતે સ્વતંત્ર બને છે, ત્યારે તે માત્ર પોતે નહિ, પણ આખું કુટુંબ અને સમુદાય ઊંચો થાય છે. આ કાર્યક્રમ કોઈ તાત્કાલિક ઉકેલ નથી, આ છે પેઢીગત પરિવર્તન. જ્યારે એક મહિલા પોતાની પગે ઉભી થાય છે, ત્યારે તેના બાળકોની દૃષ્ટિ બદલાય છે, તેમના માટે નવી દુનિયા ખુલે છે. એ જ સાચો સશક્તિકરણ છે. ટકાઉ, વ્યવહારુ અને આંતરિક રીતે પરિવર્તન લાવનાર.”
આ ત્રિપક્ષીય ભાગીદારી મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા અને વિકસાવવાની તાલીમ આપવા, પરિવારોને પણ સાથે જોડવા અને બાળકો માટે સન્માનપૂર્ણ અને સંભાવનાભર્યા વાતાવરણ ઊભું કરવાની દિશામાં કાર્ય કરશે.
પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભાટ ગામમાં થયેલ સમારંભમાં થયું, જ્યાં સ્થાનિક આગેવાનો, ભાગીદારો અને ભાવિ મહિલા ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા. આ એક નવી યાત્રાનું પ્રારંભ છે જે માત્ર રોજગાર નહીં પણ નવી દિશા તરફ લઈ જાય છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની આર્થિક હાલત ખસ્તા આખી દુનિયાને ખબર છે. પાકિસ્તાની સરકાર પોતાના દેશમાં ખર્ચ ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર (IMF) અને દુનિયાના અનેક દેશોમાંથી ભીખ માગી રહી છે. બીજી બાજુ, સરકાર પાસે પોતાના દેશના નાગરિકોને ભણાવવા કે ખવડાવવા માટે પૈસા નથી, પણ તે ભારત સાથે યુદ્ધ કરવા માટે ઉત્સુક છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે હવે વર્લ્ડ બેંકનો એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનની આર્થિક હકીકતને પર્દાફાશ કરવામાં આવી છે. વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં ગરીબી વધારવામાં જનરલ સેલ્સ ટેક્સ (GST)નો સૌથી મોટો હિસ્સો છે, જ્યારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે ચલાવાતા માસિક કેશ ટ્રાન્સફર કાર્યક્રમની અસમાનતા ઓછી કરવામાં સૌથી વધુ અસરકારક સાબિત થયો છે.
‘The Effects of Taxes and Transfers on Inequality and Poverty in Pakistan’ શીર્ષક ધરાવતા વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં GST પેમેન્ટ પ્રી-ટેક્સ ખર્ચના સાત ટકા કરતાં વધુ છે. આ જ કારણ છે કે દેશના ગરીબ અને નબળા વર્ગની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
પાકિસ્તાનનો GST દેશમાં ગરીબી વધારવાનું મુખ્ય કારણ
પાકિસ્તાની અખબાર ડોન દ્વારા રવિવારે (25 મે, 2025એ) પ્રકાશિત અહેવાલ મુજબ જ્યારે કોઇ વ્યક્તિગત ફિસ્કલ ઇન્સ્ટ્રુમેન્ટના માર્જિનલ યોગદાન કે તેનો ગરીબી અને અસમાનતા પર થતો અસરનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને જ્યારે આ બધા ફિસ્કલ ઇન્સ્ટ્રુમેન્ટને એકસાથે સમાવીને જોવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે GST ગરીબી વધારવામાં સૌથી મોટું યોગદાન આપે છે. આ ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં અસમાનતા વધારવાનો બીજું મોટું કારણ પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી એજ્યુકેશન પર થતા ઓછા ખર્ચ છે.
78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની ફેશન સ્ટાઇલ અને આકર્ષક લુકથી બધાને દિવાના બનાવી દીધા. આજકાલ તેના રેડ કાર્પેટ લુકની ચર્ચા બધે થઈ રહી છે. આ વખતે કાનના રેડ કાર્પેટ પર આલિયાને એકદમ અલગ અંદાજમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેના લુક સામે ઘણી બોલિવૂડ અભિનેત્રીઓની ફેશન, સ્ટાઇલ, પોશાક નિષ્ફળ જતો લાગતો હતો.પહેલા દિવસે આલિયાએ સોફ્ટ બેજ રંગના પ્રિન્સેસ લુક ગાઉનમાં બધાને પ્રભાવિત કર્યા હતા, જ્યારે બીજા દિવસે તેણે ખૂબ જ અનોખી સાડી પહેરીને બધાનું દિલ જીતી લીધું.
ગુચીની પહેલી સાડીએ તેને ખૂબ જ લોકપ્રિય બનાવી દીધી
આલિયાએ પોતાની અદ્ભુત શૈલીથી કાનમાં ધૂમ મચાવી દીધી છે. ગઈકાલે (24 મે) કાન ફિલ્મ ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો અને આ દિવસે પણ આલિયાએ પોતાની ભવ્યતા અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
ખરેખર, આલિયા સાડીના લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાડીની ખાસ વાત એ હતી કે તેને પહેલી વાર પ્રખ્યાત ફેશન હાઉસ ગુચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આલિયા આ લક્ઝરી ફેશન હાઉસની પ્રથમ ભારતીય વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આલિયાની સાડીની ખાસિયત
ગુચી દ્વારા બનાવવામાં આવેલી આ અનોખી સાડી સ્વરોવસ્કી ક્રિસ્ટલ્સથી જડેલી હતી. આ સાડીની પેટર્ન નેટ છે. તેમજ તેમાં બ્રાન્ડનો લોગો પણ ઉમેરવામાં આવ્યો છે. આ જાળીવાળા વર્કના બેઝ સાથે ન્યુડ કલરનું કાપડ જોડવામાં આવ્યું છે. બ્લાઉઝની ડિઝાઇન ડીપ વી નેકલાઇનમાં છે.
સાડીમાં કોઈ પ્લીટ્સ નથી પણ તેને ટાઈટ ફિટિંગ સ્કર્ટનો લુક આપવામાં આવ્યો છે. પલ્લુને ખભા પર રત્નજડિત દુપટ્ટાની જેમ પહેરવામાં આવ્યો હતો. આલિયાના આ લુક સામે ત્યાં હાજર દરેક સુંદરીનો લુક ફિક્કો દેખાતો હતો. ચાહકોએ પણ આલિયા પર ઘણો પ્રેમ વરસાવ્યો. કાનસમાં તેના બધા જ લુક્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
અમદાવાદ:રાજ્યમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર 19મી જૂનમાં મતદાન અને 23 જૂનના મતગણતરી હાથ ધરાશે. આ બંને બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે.
વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી, પરંતુ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યાર બાદ આ બેઠક ફરીથી હાંસલ કરવા માટે આપ ખૂબ જ મહેનત કરી રહી છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા મહિનાઓમાં ભેંસાણ, વિસાવદરના ગામડાંઓમાં સભાઓને સંબોધી હતી. આપના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ પ્રચારમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસ કે ભાજપ તરફથી સત્તાવાર રીતે આ બેઠક પર ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ બંને પાર્ટીઓએ તૈયારીઓ તો આદરી દીધી છે. ભાજપે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે વિધાનસભા ચૂંટણી પ્રભારી તેમ જ ચૂંટણી સંયોજક-સહ સંયોજક તરીકેની જવાબદારી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને રાજકોટના પૂર્વ શહેરપ્રમુખ કમલેશ મિરાણીને સોંપવામાં આવી છે. જૂનાગઢ પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભરત વડાલિયાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢ પૂર્વ જિલ્લા મંત્રી નરેન્દ્ર કોટીલાને સહ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.
વિસાવદર બેઠક માટે પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પુજા વંશ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠીયા તેમજ કડી બેઠક માટે લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અને દંડક કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને વડા શંકરસિંહ વાઘેલા “બાપુ”એ પણ ઝંપલાવ્યું હતું અને વિસાવદરમાં તેમણ સભાને પણ સંબોધી હતી.
ચૂંટણી પંચે ચાર રાજ્યોની પાંચ વિધાનસભાની બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ વૈશ્વિક બજારોથી મળતા મિશ્ર સંકેતો અને સમયથી પહેલાં ચોમાસું બેસતાં સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. ઓટો, IT અને FMCG શેરોમાં લેવાલી રહી હતી. મેટલ રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી 25,000ની ઉપર બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત થઈને 85.09ના મથાળે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
બીજી બાજુ, અમેરિકાએ યુરોપિયન યુનિયનથી આયાત પર લગાવેલા 50 ટકા ટેરિફને નવ જુલાઈ સુધી ટાળી દીધો છે. જેની પણ બજારના સેન્ટિમેન્ટ્સ પર સકારાત્મક અસર પડી હતી.આ સાથે રિઝર્વ બેન્ક નાણાકીય વર્ષ 2025 માટે કેન્દ્રને રૂ. 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે, જે મધ્યસ્થ બેન્ક દ્વારા અપાનારું અત્યાર સુધીનું સૌથી વધુ સરપ્લસ છે. આ સાથે ડોલર ઇન્ડેક્સ છેલ્લાં સેશનથી ઘટી રહ્યો છે. જે છેલ્લા એક મહિનાથી નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. એનાથી ભારત જેવા ઉભરતાં બજારોનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે. ડોલરમાં ઘટાડાથી ઉભરતાં બજારોમાં વિદેશી ફંડ વધવાની સંભાવના હોય છે.
સ્થાનિક બજારમાં નિફ્ટી 144 પોઇન્ટ ઊછળી 25,001ના સ્તરે બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 455 પોઇન્ટ ઊછળી 82,176ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 174 પોઇન્ટની તેજી સાથે 55,572ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 380 પોઇન્ટની તેજી સાથે 57,067ના સ્તરે બંધ થયો હતો.
BSE પર કુલ 4267 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2298 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1774 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 195 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 107 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 42 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 332 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 243 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડની તપાસ હવે વધુ ઊંડી બની રહી છે. આ કૌભાંડમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયાનું નામ સામે આવ્યા બાદ, તે સોમવારે સવારે આર્થિક ગુના શાખાની ઓફિસમાં હાજર થયો. જો સૂત્રોનું માનીએ તો, મોરિયા સવારે 11 વાગ્યે તપાસ અધિકારીઓ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા. EOW સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓને ડીનો મોરિયા, તેના ભાઈ અને મુખ્ય આરોપી કેતન કદમ વચ્ચે ઘણી ફોન વાતચીત મળી આવ્યા બાદ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ વાતચીતોના સ્વરૂપ અને સંદર્ભની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
નવા ખુલાસા સામે આવ્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે EOW ની તપાસમાં અત્યાર સુધીમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. નવીનતમ અપડેટમાં, એ વાત સામે આવી છે કે ડીનો મોરિયા, તેના ભાઈ અને આ કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમ વચ્ચે ઘણી વાતચીત થઈ છે. આ કોલ્સના રેકોર્ડિંગ અને ડેટા હવે તપાસ એજન્સીઓના રડાર પર છે. તમને જણાવી દઈએ કે ડીનો મોરિયા છેલ્લે ઈશાન ખટ્ટર અને ભૂમિ પેડનેકર સ્ટારર વેબ સિરીઝ ધ રોયલમાં જોવા મળ્યો હતો. આ વેબ સીરિઝ આ મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
મીઠી નદી કૌભાંડ શું છે?
આ કૌભાંડ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા કાદવ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ઊંચા દરે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. મીઠી નદીના કથિત કાદવ કાઢવાના કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
સાઉથ કેરોલિના: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકતી નથી. રવિવાર રાત્રે ફરી એક વાર ગોળીબારની ઘટના બની છે. સાઉથ કેરોલિનાના એક ભીડભાડવાળા શહેરમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે, જેમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નોર્થ ઓશન બુલેવાર્ડ પર અનેક વ્યક્તિઓને સામેલ કરતાં એક ઉપદ્રવ જોવા મળ્યો હતો, જ્યારે એક વ્યક્તિએ હથિયારથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે એના જવાબમાં એક અધિકારીએ ગોળીબાર કર્યો હતો. તેણે વ્યક્તિને ગોળી મારી હતી, જે પછી ઇજાને કારણે તે વ્યક્તિનું મોત થયું હતું.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ ગોળીબારમાં ઘાયલ થયેલા 11 લોકોને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘાયલોને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ઘાયલોની સ્થિતિ અંગે હજી કોઈ માહિતી નથી
પોલીસના જણાવ્યા મુજબ લિટલ રિવરમાં રાતના લગભગ 9:30 વાગ્યે ગોળીબારની ઘટના બની હતી, પરંતુ ઘાયલ થયેલી વ્યક્તિઓની સ્થિતિ વિશે હજુ કોઈ વિગતો આપવામાં આવી નથી. હોરી કાઉન્ટી પોલીસે સોશિયલ મિડિયા પર જણાવ્યું હતું કે ઘાયલોને ખાનગી વાહનોમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.
ગોળીબારને કારણો સામે આવ્યાં
અધિકારીઓએ શક્ય શંકાસ્પદ વ્યક્તિઓ અથવા ગોળીબારનાં કારણો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
આ ગોળીબાર ઇન્ટ્રાકોસ્ટલ વોટરવે નજીકની બોટિંગ બિઝનેસ સાથે જોડાયેલી એક ભીડભાડવાળી રહેણાક રોડ પર થયો હતો.
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે ડિજિટલ ફોરેન્સિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની ISI દ્વારા ઘડવામાં આવેલી વાર્તા-નિર્માણ યોજનામાં જ્યોતિ મલ્હોત્રા એક ‘સંપત્તિ’ હતી. હરિયાણાની હિસાર પોલીસે જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને લેપટોપમાંથી 12 TB ડિજિટલ ફોરેન્સિક ડેટા મેળવ્યો છે, જેના કારણે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિસાર પોલીસને મળેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટ અનુસાર, જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓમાં શંકાસ્પદ નાણાંનું ટ્રેલ મળી આવ્યું છે. તેણી 4 પીઆઈઓના સંપર્કમાં હતી અને તેમની ઓળખથી વાકેફ હતી. ડિજિટલ ડેટામાં કોઈ ગ્રુપ ચેટના પુરાવા નથી, પરંતુ ફક્ત એક-એક વાતચીતનો પુરાવો છે. પાકિસ્તાનની તેમની પહેલી મુલાકાત પછી તેમને ખાસ વિઝા, ISI તરફથી સુરક્ષા અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરી આપવામાં આવી.
જ્યોતિએ ISI ને તેના આયોજનમાં મદદ કરી
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાકિસ્તાની પ્રવાસના વીડિયો સામે આવ્યા પછી તેના ફોલોઅર્સ અને વ્યૂઝમાં અચાનક વધારો થયો હતો. હિસાર પોલીસના જણાવ્યા અનુસાર, જ્યોતિએ જાણી જોઈને ISIના આયોજનને ટેકો આપ્યો હતો જેથી તેણીને સુવિધાઓ મળતી રહે. તેમને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જે ISI દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને આકર્ષવાની રીત છે.
જ્યોતિની ધરપકડથી રાષ્ટ્રીય સુરક્ષા સંકટ ટળી ગયું
હિસાર પોલીસને મળેલા જ્યોતિના ડિજિટલ પુરાવા એટલા મજબૂત છે કે તેની સામે અનેક કલમો હેઠળ કેસ દાખલ કરી શકાય છે. જ્યોતિ મલ્હોત્રાની સમયસર ધરપકડ કરવામાં આવી, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષામાં મોટો સંકટ ટળી ગયો. તે પહેલાથી જ પીઆઈઓના ઈશારે કામ કરી રહી હતી જેથી તેને વ્યક્તિગત લાભ મળી શકે. પાકિસ્તાનની તેમની પહેલી મુલાકાતથી જ ભારતીય એજન્સીઓ તેમના પર નજર રાખી રહી હતી. અત્યાર સુધી હિસાર પોલીસને અત્યંત સંવેદનશીલ માહિતી લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત, તેને મળેલા ભંડોળના સ્ત્રોતની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં, પોલીસ તેની કસ્ટડી માંગી રહી નથી કારણ કે તેઓ પહેલા ડિજિટલ પુરાવાઓની તપાસ કરશે.
યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા મોટા ડ્રોન હુમલા દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, રશિયન લશ્કરી અધિકારીઓનો દાવો છે કે રાષ્ટ્રપતિના વિમાનના માર્ગમાં આવતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં પુતિને કુર્સ્ક પ્રદેશની મુલાકાત લીધી હતી. રશિયાનો દાવો છે કે 1,000 થી વધુ યુક્રેનિયન ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન એર ડિફેન્સ યુનિટ કમાન્ડર યુરી દશકિને જણાવ્યું હતું કે એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોનને રાષ્ટ્રપતિના વિમાનના માર્ગ પર પહોંચે તે પહેલાં જ તોડી પાડ્યું હતું. કમાન્ડર કહે છે કે 20 થી 22 મે દરમિયાન, યુક્રેને રશિયા પર એક મોટો ડ્રોન હુમલો કર્યો હતો, જેનો રશિયન સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો અને 1170 ડ્રોનનો નાશ કર્યો.
હું ખાસ કરીને એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે સુપ્રીમ કમાન્ડર-ઇન-ચીફના વિમાનની કુર્સ્ક પ્રદેશમાં ઉડાન દરમિયાન હુમલાઓની તીવ્રતા નોંધપાત્ર રીતે વધી ગઈ હતી. દશ્કિને કહ્યું હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં, અમે તેમની સાથે હવાઈ યુદ્ધ લડ્યું અને ખાતરી કરી કે રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સુરક્ષિત રહે. તેમણે દાવો કર્યો હતો કે પુતિનના હેલિકોપ્ટર પાસે આવતા એક ડ્રોનને ઓળખી કાઢવામાં આવ્યું હતું અને રશિયન દળો દ્વારા તેને તાત્કાલિક તોડી પાડવામાં આવ્યું હતું.