Home Blog Page 899

બધી જ સમસ્યાઓના હલ ધનથી આવી જશે એવું ક્યારેય માનવું નહીં

શેખરભાઈએ વર્ષો સુધી પ્રામાણિકપણે અને મહેનતપૂર્વક કામ કરીને નિવૃત્તિ તરફ વળવાનું નક્કી કર્યું. જોકે, એમને પહેલો સવાલ એ આવ્યો કે સક્રિય જીવનમાંથી છૂટા થયા બાદ તેઓ કરશે શું? એમને વાંચન, લેખન, સંગીત સાંભળવું, બાગકામ કરવું, સામાજિક મેળમિલાપ કરવો, ધાર્મિક કાર્યક્રમોમાં જવું કે  સમાજસેવા કરવી, વગેરે જેવો કોઈ શોખ ન હતો. પોતાના અત્યાર સુધીના વ્યવસાયને લગતું કામકાજ કરવું એવો એક વિકલ્પ હતો, પરંતુ એમાં પણ હવે નવું તંત્રજ્ઞાન આવી ગયું હોવાથી એમને એ ફાવે તેમ ન હતું.

શેખરભાઈના ધર્મપત્ની ઘણાં સક્રિય હતાં. તેઓ હંમેશાં વ્યસ્ત રહેતાં. એમનો ઘણો સમય વાંચનમાં જતો. તેઓ નજીકના આશ્રમમાં જતાં અને સ્વયંસેવક તરીકે કાર્ય કરતાં. મિત્રોને મળવા જવાનું પણ એમને ગમતું. આ દંપતિની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ હતી. ભગવાને એમને સારી તંદુરસ્તી બક્ષી હતી. તેઓ મોટા દીકરાના પરિવાર સાથે રહેતા. ઘરમાં બધા જ સભ્યો એમની દેખભાળ સારી રીતે રાખતાં, પરંતુ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતાં.

વૃદ્ધાવસ્થા અને બીમારી એ બન્ને વસ્તુઓ જીવનના બે મુશ્કેલ તબક્કા હોય છે. જો વૃદ્ધાવસ્થામાં બીમારી આવી પડે તો મુશ્કેલી બમણી થઈ જાય છે.

ખરી રીતે તો માણસ તંદુરસ્ત હોય અને આયુષ્યની સાઠીમાં પ્રવેશે એની પહેલાં જ એણે કોઈક શોખ વિકસાવવો જોઈએ. એ કામ એવું હોવું જોઈએ, જેમાં બીજાઓ પર નિર્ભર રહેવું પડે નહીં. વડીલોના ઘણાં ગ્રુપ બગીચાઓમાં મળતા હોય છે. બીજાં અનેક ગ્રુપ નાસ્તા-પાણી માટે ભેગાં થતાં હોય છે. જેમણે કોઈ શોખ વિકસાવ્યા નથી એવા ઘણા વરિષ્ઠ નાગરિકોને કોવિડના સમયગાળામાં પારાવાર મુશ્કેલી થઈ છે. ફરી એક વાર કહેવું ઘટે કે બીજાઓ પર નિર્ભર રહેવું ન પડે એવી ધંધા-રોજગાર સિવાયની કોઈક ઇતર પ્રવૃત્તિ હોવી જ જોઈએ.

યોગિક સંપત્તિમાં સામાજિક અને ભાવનાત્મક સંપત્તિ એ બન્ને મુખ્ય ઘટક છે. શેખરભાઈ પાસે ધનની કમી ન હતી, પરંતુ પૈસા હોવા માત્રથી વ્યક્તિ પ્રવૃત્તિમય રહી શકતી નથી. પોતે આયુષ્યભર કરેલી મહેનતના ફળનો આનંદ લેવા માટે પણ માણસ પાસે સામાજિક અને ભાવનાત્મક સંપત્તિ હોવી જરૂરી છે.

આનંદચાચા નામના એક સજ્જનને લોકો સાથે હળવા-મળવાનું ઘણું ગમે. તેઓ હંમેશાં પોતાની આસપાસ લોકોને ભેગા કરી લેતા, પરંતુ કોવિડના રોગચાળાના સમયમાં એ શક્ય હતું નહીં. એમણે પોતાના પરિવાર કે બીજાઓ પર નિર્ભર રહેવું પડતું. હવે મિત્રો કે સંબંધીઓને મળવા જવાતું નહીં હોવાથી એમને ઘણું વસમું લાગે છે. વૃદ્ધાવસ્થામાં આવી અનેક જાતની તકલીફો થતી હોય છે. મારા દૂરના એક ફુઆને ટીવી જોવાનું ઘણું ગમે, પરંતુ આજકાલનાં ઓટીટી પ્લેટફોર્મ્સ પરના કાર્યક્રમો એમને ગમતા નથી. વળી, હવે એમની આંખો પણ નબળી પડી ગઈ છે અને બેઠાં-બેઠાં શરીર જકડાઈ જાય છે. એમના કિસ્સામાં પણ કોઈક ગૅજેટ પરની નિર્ભરતા જોઈ શકાય છે.

આ બધાથી વિપરીત, હું 71 વર્ષના એવા એક ગૃહસ્થને ઓળખું છું, જેમણે આખો દિવસ વ્હીલચેર પર રહેવું પડે છે. તેઓ પોતાના સાધનસંપન્ન પરિવાર સાથે જ રહે છે. એમની પાસે શોફર ડ્રિવન કાર છે. વડીલની દેખરેખ માટે એક નોકર પણ રાખવામાં આવ્યો છે. તેઓ દરરોજ સવારે નજીકના મંદિરમાં જઈને સમય વિતાવે છે. સાંજ પડ્યે નજીકના વૃદ્ધાશ્રમમાં જઈને પથારીવશ વરિષ્ઠ નાગરિકોને અખબાર વાંચી સંભળાવે છે. કોઈ બીમાર હોય ત્યારે તેઓ એ વ્યક્તિના ઘરે જઈને એનો સમય પસાર કરવામાં મદદરૂપ થાય છે. આમ, તેઓ અનેક રીતે પ્રવૃત્ત રહે છે. એમની પાસે સંપત્તિ છે એટલે તેઓ ડ્રાઇવર અને નોકર રાખી શકે છે, પરંતુ પોતાનો સમય પસાર કરવા માટે તેઓ એમના પર નિર્ભર નથી. તેઓ પોતાની અલગ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેમાં એમને આનંદ આવે છે. પોતાની સંપત્તિનો પણ તેઓ આનંદપૂર્વક ઉપભોગ કરી શકે છે.

ધારો કે કોઈ માણસ પાસે ડ્રાઇવર અને નોકર રાખવા જેટલી સંપત્તિ છે, પણ જો એમની પાસે કરવા જેવી બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય એ માણસ શું કરે?

ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે બધી જ સમસ્યાઓના હલ ધનથી આવી જશે એવું ક્યારેય માનવું નહીં. ધ્યાન રહે, યોગિક સંપત્તિ ત્યારે જ કહેવાય, જ્યારે શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિ બધી એકસાથે હોય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

રોટી વેજ ટાકોસ

બાળકો માટે વેકેશન એટલે રમત-ગમતની પ્રવૃત્તિ, સમર કેમ્પ, મિત્રો સાથે ફરવા જવું વગેરે વગેરે… પરંતુ સહુ બાળકોનો સરખો, એક જ રસનો વિષય એટલે ભાવતું, ચટપટું ખાવાનું… બાળકોને ભાવે તેવા વેજ ટાકોસ ઘરે જ રોટલી કે રોટલીના લોટમાંથી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • ટામેટું 1
  • કાંદો 1
  • સિમલા મરચું 1
  • મકાઈના બાફેલા દાણા ½ કપ
  • કોબી ઝીણી સમારેલી ½ કપ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • શેઝવાન ચટણી 1-1 ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2-2 ટે.સ્પૂન
  • ચીઝ ક્યુબ 2-2
  • બાફેલા બટેટા 2
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ ઘઉંનો લોટ રોટલી માટે બાંધીએ તેવો બાંધવો અથવા રોટલી કર્યા પછી વધેલો લોટ પણ લઈ શકાય છે.

એક બાઉલમાં ટામેટું, સિમલા મરચું, કાંદો ઝીણાં સમારી લેવા. તેમાં ઝીણી સમારેલી કોબી મેળવી સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, પિઝા સિઝનિંગ મસાલો, ચિલી ફ્લેક્સ, શેઝવાન ચટણી, ટોમેટો કેચ-અપ મેળવીને 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરવા. ત્યારબાદ બાફેલા બટેટા પણ બારીક છૂંદો કરીને મેળવી દેવા.

બાંધેલા લોટમાંથી નાના નાના એવા લૂવા કરી લેવા. તેમાંથી પુરી સાઈઝની પાતળી રોટલીઓ વણી લેવી. નોનસ્ટીક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે વણેલી રોટલીમાંથી ચાર જેટલી રોટલી તવામાં ગોઠવી દેવી. રોટલીની ઉપર બબલ્સ આવે એટલે તેને ફેરવી દેવી. આ રોટલીઓની એક સાઈડ ચોકલેટી ટપકાં આવે તે રીતે શેકી લેવી.

એક વાટકીમાં ટોમેટો કેચ-અપ 2 ટી.સ્પૂન અને શેઝવાન ચટણી 1 ટી.સ્પૂન મેળવીને ચમચી વડે દરેક રોટલી ઉપર ચોપડી દો. તૈયાર કરેલું પૂરણ રોટલીની અડધી બાજુ પર મૂકી દો. ઉપર ફરીથી ચીઝ ખમણી દો, સમારેલી કોથમીર ભભરાવીને રોટલીને અડધી વાળી લો.

૨૪ મે ૨૦૨૫

Today in the history 23052025

‘આસમાન સે ઊંચા’ માં ગોવિંદાનો ડુપ્લિકેટ હતો 

નિર્દેશક મેહુલકુમારમાં એવી ખાસિયત હતી કે લેટલતીફ કલાકારો સમયસર સેટ પર આવી જતાં હતા. શત્રુધ્ન સિંહા અને ગોવિંદા સેટ પર મોડા આવવા બાબતે બદનામ રહ્યા છે. મેહુલકુમાર એમને પોતાની રીતે સમજાવવામાં સફળ રહ્યા હતા એના કિસ્સા એક મુલાકાતમાં કહ્યા છે. શત્રુધ્ન સાથે એક જ ફિલ્મ ‘નાઇન્સાફ’ (1989) કરી હતી. જ્યારે એમણે શત્રુધ્નને સેટ પર સમયસર આવવા બાબતે વાત કરી ત્યારે એમણે કહ્યું કે સેટ પર કોઈને કોઈ મોડું આવે છે અને શુટિંગ જલદી શરૂ થતું નથી તેથી તે સમય પર આવતા નથી.

મેહુલકુમારે કહ્યું કે આપણે આવતીકાલે એ રેકોર્ડ તોડી નાખીએ. સવારે દસ વાગે શુટિંગ શરૂ થઈ જશે અને પહેલો આપનો જ શૉટ લેવામાં આવશે. શત્રુધ્નએ હા પાડી અને મેહુલકુમારે યુનિટને કહ્યું ત્યારે બધા હસવા લાગ્યા હતા. કોઈ એ માની શકતું ન હતું કે શત્રુધ્ન સવારે દસ વાગે સમયસર આવી શકે. બધાના આશ્ચર્ય વચ્ચે શત્રુધ્ન પોણા દસ વાગે જ હાજર થઈ ગયા અને બધાને ખોટા પાડ્યા. જોકે, શત્રુધ્નએ એ દિવસનું શુટિંગ પૂરું થયા પછી કહ્યું હતું કે હવે ફરી આમ સમયસર આવી શકાશે નહીં! પણ ગોવિંદા એમની ફિલ્મના સેટ પર સમયસર આવતો થઈ ગયો હતો.

ફિલ્મ ‘આસમાન સે ઊંચા’ (1989) નું કાશ્મીરમાં શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે બરફમાં ફાઇટના દ્રશ્યો હતા. સોનમને એક ગુંડો છેડે છે ત્યારે ત્યાં ગોવિંદા આવે છે અને એને બચાવવા ફાઇટ કરે છે. બરફને કારણે એક દિવસ માટે શુટિંગ અટકાવવું પડ્યું હતું. ગોવિંદાને બીજી જગ્યાએ જવાનું હતું. મેહુલકુમારે કહ્યું કે તું એક દિવસ રોકાઈ જા. ફરીથી યુનિટ લઈને આવવાનું મુશ્કેલ બનશે. ગોવિંદાએ વાત માની નહીં અને કહ્યું કે મારે જવું પડે એમ છે. મેહુલકુમારે કહ્યું કે હું તારા વગર શુટિંગ કરી લઇશ.

ગોવિંદાને નવાઈ લાગી હતી કે એના વગર કેવી રીતે કામ થઈ શકે? અને મેહુલકુમારે ઉસ્માન નામના ડુપ્લિકેટને આંખો પર મોટા કાળા ચશ્મા પહેરાવી ફાઇટના દ્રશ્યોનું શુટિંગ કરી લીધું હતું અને ગોવિંદાના ક્લોઝઅપ મુંબઈમાં લીધા હતા. કાશ્મીરમાં બરફમાં ફિલ્માવવામાં આવેલા એ લાંબા ફાઇટ દ્રશ્યોમાં ગોવિંદા શરૂઆતમાં ચશ્મા ઉતારીને પોતાનો ચહેરો બતાવતો દેખાય છે. ત્યારે ગોવિંદાએ સ્વીકાર્યું હતું કે તમારી સાથે મારે શિસ્તમાં કામ કરવું પડશે. નહીંતર તમે ગમે ત્યાં મારો ડુપ્લિકેટ ઉપયોગમાં લઈને દ્રશ્ય પૂરું કરી દેશો!

પંચાંગ 24/05/2025

પ્રેક્ષક અટવાયો સમયચક્રમાં….

આપણે એટલે કે આપનો વિશ્વાસુ લેખક સ્કૂલમાં ભણતો ત્યારે કુમારભારતીમાં શરૂઆતમાં કવિતા આવતી. તે સમજાવતા શિક્ષક કહેતા, અહીં કવિ એ કહેવા માગે છે કે… ‘મેડોક ફિલ્મ્સ’ની ભૂલ ચૂક માફ જોવાની શરૂ કરી ને ઓલમોસ્ટ બે કલાક વીતી ગયા પછી પણ સમજાતું નથી કે ફિલ્મનો ઉદ્દેશ શું છે અથવા ડિરેક્ટર કહેવા શું માગે છે. આનું રહસ્યોદઘાટન થાય છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. ઓક્કે. પોતે જે કહેવા માગે છે (અથવા પોતે કંઈ કહેવા માગે છે એવું બતાવવા) લેખક-દિગ્દર્શકે ટાઈમ લૂપનો પ્રકાર પસંદ કર્યો છે, પણ એ વિશે પછી, પહેલાં વાર્તા જુઓઃ

વારાણસીમાં વસતા રંજન તિવારી (રાજકુમાર રાવ)ને તિતલી મિશ્રા (વામિકા ગબ્બી)ને પ્રેમ છે. રંજનનું તો જાણે સમજ્યા, પણ તિતલીને શું કામ છે એ સમજાતું નથી. રંજન બેકાર છે, ફક્કડ ગિરધારી છે, જીવનમાં શું કરવું છે એ વિશે સ્પષ્ટ નથી, તિતલી સાથે લગ્ન કરવાં એટલી જ સ્પષ્ટતા છે. તિતલીના પિતા (ઝાકીર હુસૈન) કહે છે, તને સરકારી નોકરી મળશે તો લગ્ન કરાવીશ. રંજન નોકરી મેળવવા જાતજાતના પેંતરા રચે છે. એ લાંચનો રસ્તો પણ લે છે. સેટિંગ કરનાર વચેટિયાનું નામ, હે હરિ હરિ… ભગવાન (સંજય મિશ્રા) છે. રંજન જેમની નગરી છે એ શંકર ભગવાનની માનતા પણ લે છે. અને, હર હર મહાદેવ, માનતા ફળે છે, લગ્ન નક્કી થાય, પણ, રંજન માનતા કરવાનું ભૂલી જાય છે. લગ્નના એક દિવસ પહેલાં રંજનને ખબર પડે છે કે એ એને માટે સમયચક્ર થંભી ગયું છે. એ સવારે જાગે ત્યારે લગ્નનો આગલો દિવસ જ હોય. લગ્નનો દિવસ આવે જ નહીં. જો એ સમયચક્ર ફરી વહેતું નહીં કરે તો તિતલી સાથે એનાં લગ્ન ક્યારેય નહીં થાય.

સમયનું ચક્ર થંભી જવું અથવા ટાઈમલૂપ રસપ્રદ વિષય છે. વિદેશમાં ‘ગ્રાઉન્ડહોગ ડે,’ ‘એજ ઑફ ટુમોરો’ કે જર્મન થ્રિલર ‘રન લોલા રન,’ વગેરે યાદ આવે. આપણે ત્યાં ‘રન લોલા રન’થી પ્રેરિત ‘લૂપ લપેટા,’ ‘દોબારા,’ ‘બાર બાર દેખો’ કે ‘ઍક્શન રિપ્લે’ યાદ આવે. ‘ભૂલ ચૂક માફ’ના સર્જક કરન શર્માએ ટાઈમ લૂપને હળવી બાનીમાં, એક મેસેજ આપીને, રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. કરનનો વિચાર મજેદાર છે, પણ ઓ હેલ્લો, માત્ર સારા વિચારથી સારી ફિલ્મ બનતી નથી, કેમ કે લેખન નબળું છે. અનેક ઠેકાણે તો ઓબ્જેક્શન લેવાનું મન થાય એવું લેખન છે. જેમ કે, પ્રેગ્નન્સીને તુચ્છ બનાવતો આ સંવાદઃ “દુનિયાનું સૌથી ઈઝી કામ છે બાળક પેદા કરવું, પણ એમાંયે 9 મહિના લાગી જાય છે.” ફિલ્મમાં એક પુરુષની એટલા માટે હાંસી ઉડાડવામાં આવે છે કેમ કે એની પત્ની નાના પાયે અથાણાંનો બિઝનેસ કરીને ઘરખર્ચ ચલાવે છે.

હા, ક્લાઈમેક્સ સારી રીતે લખાયો અને શૂટ થયો છે, પણ મેરિટ અને મોરાલિટી (લાયકાત અને નૈતિકતા)નો સંદેશ હજુ વધુ સારી રીતે આપી શકાયો હોત.

ફિલ્મની મને ગમી ગયેલી વાત એટલે અખૂટ ઊર્જાવાન રાજકુમાર રાવ. સાવ સહજતાથી એ વાર્તાને રસપ્રદ બનાવવાના પ્રયાસ કરે છે. વામિકા ગબી ઓકે. આ ઉપરાંત, નૉર્થ ઈન્ડિયા, ખાસ કરીને વાર્તાની પૃષ્ઠભૂ વારાણસી હોય તો એમાં ચાર ચાંદ લગાડતા કેટલાક સપોર્ટિંગ એક્ટરોનો સબળ ટેકો ડિરેક્ટરને મળ્યો છે. જેમ કે, રંજનની બહેન કેરીના બૉયફ્રેન્ડની ભૂમિકામાં જય ઠક્કર, સીમા પાહવા, અનુભા ફતેહપુરી, હિમાંશુ કોહલી, રઘુબીર યાદવ, ઝકીર હુસૈન, ઈશ્તિયાક ખાન વગેરે. ભગવાન શિવની પાવન ભૂમિ વારાણસીની ગલીઓ, ગૌમાતા, ગુરુઓ, ગેંદાનાં ફૂલ પણ અહીં પાત્રો બન્યાં છે.

ટૂંકમાં એક સારો કથાવિચાર, અપાર શક્યતાઓ કેવી રીતે વેડફાઈ જાય એનું ક્લાસિક ઉદાહરણ છેઃ ‘ભૂલ ચૂક માફ.’ જો વીકએન્ડમાં કંઈ જ કરવાનું ન હોય તો આ એવરેજ ફિલ્મ જોઈ શકો.

મલયાલમ રેપર વેદાને ગીત દ્વારા PM મોદીનું અપમાન કર્યું? ભાજપ નેતાએ ફરિયાદ કરી

તાજેતરમાં, કેરળના પ્રખ્યાત મલયાલમ રેપર વેદાન, જેનું સાચું નામ હિરણદાસ મુરલી છે. તેમના પર એક મહિલા ભાજપ નેતાએ ભારતીય વડા પ્રધાન મોદીનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. આ સાથે NIAને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમને જણાવો કે મામલો શું છે.

પલક્કડ નગરપાલિકાના વિકાસ સમિતિના અધ્યક્ષ અને શહેર કાઉન્સિલર વીએસ મિનિમોલે બે દિવસ પહેલા રેપર વેદાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે,’કલાકારે વડા પ્રધાન વિશે પાયાવિહોણી, અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણીઓ કરી છે, જે તેમની વ્યક્તિગત અને રાજકીય છબીને કલંકિત કરે છે, પરંતુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને પણ ઓછી કરે છે. આ ફરિયાદ દ્વારા ભાજપ નેતા કહે છે કે એક ગીતના લાઇવ કોન્સર્ટ દરમિયાન રેપર વેદાને તેમનું નામ લઈને વડા પ્રધાન પદનું અપમાન કર્યું.

જૂના વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો

મહિલા ભાજપ નેતા દ્વારા રેપર વેદાન વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદમાં તેમના જૂના કાનૂની કેસોનો પણ ઉલ્લેખ છે. તેમાં કોચી નજીક ત્રિપુનિથુરામાં તેમની સામે ડ્રગ કેસનો પણ ઉલ્લેખ છે, જેમાં ગયા મહિને 28 એપ્રિલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

NIA ને પત્ર લખીને માંગ કરી

વીએસ મિનિમોલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને પણ પત્ર લખીને રેપર સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે વેદને હિન્દુ સમુદાયને જાતિના આધારે વિભાજીત કરવાના હેતુથી એક ગીતમાં વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.

ભારત પાકિસ્તાન વિરુદ્ધ FATFને દસ્તાવેજ સોંપશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથેના ટેન્શન વચ્ચે હવે ભારત FATF (ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં આતંકી નાણાંની ચુકવણીના મુદ્દાને ઉઠાવશે, જેથી પાકિસ્તાનને ફરીથી FATFની ગ્રે લિસ્ટમાં નાખી શકાય. સૂત્રોએ કહ્યું હતું કે ભારત ખાસ કરીને તે કાનૂની જોગવાઈઓને ઉઠાવશે, જે પાકિસ્તાને 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવતી વખતે અનુસરવાનું વચન આપ્યું હતું.

સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે અને તેની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર એક ડોઝિયર તૈયાર કરી રહી છે, જે FATFની આગામી સંપૂર્ણ બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક જૂન 2025માં યોજાવાની છે. ભારત જૂનમાં વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય સહાયની સમીક્ષા પર પણ પોતાનો વિરોધ નોંધાવશે, એમ સરકારી સૂત્રે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર FATFમાં પડોશી દેશને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય આપતા ફંડને અટકાવવા માટે વિચારણા કરી રહી છે. ભારત સરકારે આ નિર્ણય 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લીધો હતો. આ હુમલામાં ભારતના 26 નાગરિકો મોત થયા હતા.

પાકિસ્તાનને જૂન 2018માં FATFની ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2022 સુધી તે “વધારાની દેખરેખ” હેઠળ હતું. આ યાદીમાં હોવાને કારણે વિદેશી નાણાં અને રોકાણ પર નકારાત્મક અસર પડે છે, કારણ કે વેપાર વ્યવસાયોને વધુ કડક ચકાસણીનો સામનો કરવો પડે છે. સરકારી અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આ પગલાંએ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ભારતમાં થતા ગેરકાયદે નાણાં પ્રવાહને ઘટાડવામાં મદદ કરી હતી. ભારતે આ મહિનાની શરૂઆતમાં IMFના બોર્ડ મીટિંગમાં પણ પાકિસ્તાન માટે જુલાઈ 2024થી શરૂ થનારા સાત અબજ ડોલરના સહાય પેકેજ હેઠળ નાણાં જારી કરવામાં વાંધો ઉઠાવ્યો હતો, જેમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાંનો દુરુપયોગ થતો હોવાનું કારણ આપ્યું હતું.

‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં રૂ. 53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે પૂર્ણ થયો છે. આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ – આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટાપાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

ખાટલા ભવાની મંદિરનો વિકાસ

માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો બારેમાસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે. માસ્ટર પ્લાન અંતર્ગત નવરાત્રિ પહેલા આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે કે જ્યાં પહોંચવા માટે પગથિયા (ધાબા સાથે) તથા ગાડી જઈ શકે એવો રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રીપેરિંગ, વાહનો મારફતે આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરીત ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે, જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે, તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસકાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપ ઉત્તર-પૂર્વ પ્રદેશમાં રૂ. એક લાખ કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં આગામી દશ વર્ષમાં રૂ. ૧,૦૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની આજે મહત્ત્વની જાહેરાત કરીને વિવિધ ઉદ્યોગોના વિકાસની વિપુલ શક્યતા ધરાવતા આ પ્રદેશની ઔદ્યોગિક કાયાપલટ સાથે રોજગાર નિર્માણની તકો સાથે આત્મનિર્ભર ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યોગદાન આપવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

​વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર-પૂર્વી રાજ્યોના CMઓ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વરિષ્ઠ અગ્રણીઓ તથા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ગ્લોબલ રોકાણકાર શિખરમાં સંબોધન કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના સમૂહનું લક્ષ્ય કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો મારફત સ્માર્ટ મીટર્સ, હાઇડ્રો, પમ્પ્ડ સ્ટોરેજ હરિત ઊર્જા, વીજ ટ્રાન્સમિશન, માર્ગો અને ધોરીમાર્ગો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ક્ષમતા નિર્માણનું રહેશે.

​ફક્ત ત્રણ મહિના પહેલાં ફેબ્રુઆરીમાં યોજાયેલી એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં અદાણી જૂથ દ્વારા જાહેર કરાયેલા રૂ. 50,000 કરોડના રોકાણની આ પ્રતિબદ્ધતા બમણી કરે છે. ​વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને સંબોધન કરતાં અદાણીએ આજે કહ્યું હતું કે આપના નેતૃત્વથી પ્રેરણા મળી છે. ત્યારે જાહેરાત કરું છું કે અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ઉત્તર-પૂર્વમાં વધારાનું 50,000 કરોડનું રોકાણ કરશે.

અદાણીએ વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તર-પૂર્વમાં થઇ રહેલા પરિવર્તનની પ્રશંસા કરતાં આ પ્રદેશમાં મોટા પાયે માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપવાની બાબત ટાંકીને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં 2014થી રોડ નેટવર્કનું વિસ્તરણ કરી લગભગ 16,000 કિ.મી સુધી બમણું કરવા માટે રૂ. 6.2 લાખ કરોડનું રોકાણ થયું હતું તથા ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા નવથી વધારી 18 કરવામાં આવી છે.

​”એક્ટ ઇસ્ટ, એક્ટ ફાસ્ટ, એક્ટ ફર્સ્ટ”ના વડા પ્રધાનના સિદ્ધાંતને આ પ્રદેશના વિકાસ માટેના ટર્નિંગ પોઇન્ટ તરીકેનું શ્રેય તેમણે આપ્યું હતું. આ કેવળ નીતિ નથી. તે તમારી મોટી વિચારસરણીની વિશેષતા છે, એમ અદાણીએ કહ્યું હતું.

અદાણીએ પ્રથમ લોકાભિમુખ અભિગમને ધ્યાનમાં રાખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે શારીરિક માળખાગત સુવિધાઓ ઉપરાંત અદાણી ગ્રુપનાં રોકાણો નોકરીઓની તકોનું સર્જન, ઉદ્યોગસાહસિકતા અને સમુદાયોને જોડવાને પ્રાધાન્ય આપશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ અમે લોકોમાં રોકાણ કરીશું. અમારો પ્રત્યેક અભિગમ સ્થાનિક નોકરીઓ, સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને સમુદાયને જોડવાને પ્રાથમિક્તા આપશે.