Home Blog Page 9

મુંબઈમાં ઠાકરે બંધુઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં કરશે વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ 26 જુલાઈના રોજ મુંબઈમાં સંયુક્ત વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. બંને નેતાઓએ સરકાર પર વિદ્યાર્થીઓના અવાજોને દબાવવાનો આરોપ લગાવ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને તેમાં જોડાવા અપીલ કરી.

મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની નારાજગી સરકાર સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે.

ઠાકરે બંધુઓએ પત્રકાર પરિષદમાં શું કહ્યું?

મુંબઈમાં આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓ સાથે ક્રૂર વર્તન કરી રહી છે, પરંતુ તેઓ હવે ડરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ તેમના અધિકારો માટે જોરશોરથી હિમાયત કરી રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી આંદોલન હવે એટલું વ્યાપક બની ગયું છે કે સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓને અવગણી શકે નહીં.

રાજ ઠાકરેએ એવી પણ ચેતવણી આપી હતી કે 26 જુલાઈના રોજ મુંબઈમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું,”જે લોકો અમારા શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમને બક્ષવામાં આવશે નહીં.” બંને નેતાઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી.

શું છે આખો મામલો?

મે 2026 માં વિદ્યાર્થીઓએ NEET પેપર લીક થવાના કારણે વિરોધ કર્યો હતો. ત્યારબાદ, 20 જૂને જંતર-મંતર ખાતે CJPનો વિરોધ શરૂ થયો. 28 જૂને સોનમ વાંગચુક પણ તેમાં જોડાયા. 20 જુલાઈએ, CJPએ સંસદ માર્ચનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો.

ગુરુવારે, વડા પ્રધાન મોદીએ કહ્યું કે પેપર લીકના તમામ કેસોમાં ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે સજા મળે અને કેસોનો ઝડપથી ઉકેલ આવે તે સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ રહેતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે જો બપોર સુધી સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન ફરી શરૂ કરવામાં નહીં આવે તો સર્વોચ્ચ અદાલત આ મામલે હસ્તક્ષેપ કરશે. CJIએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ વિકાસ સિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. વિકાસ સિંહે મેટ્રો સ્ટેશન બંધ હોવાથી વકીલો અને અદાલતના કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું.

અહેવાલ મુજબ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા પ્રદર્શનને કારણે આસપાસનાં અનેક મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં છે. વિકાસ સિંહે જણાવ્યું હતું કે મેટ્રોનો ઉપયોગ કરતા વકીલો અને અદાલતના કર્મચારીઓની સ્ટેશન પર જ તપાસ (સ્ક્રીનિંગ) કરી શકાય, જેથી કોઈ સમસ્યા ન સર્જાય. પરંતુ સ્ટેશન સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય નથી.

હું હસ્તક્ષેપ કરીશ — મુખ્ય ન્યાયાધીશ

વિકાસ સિંહે કહ્યું હતું  કે મેટ્રોમાં વકીલો અથવા રજિસ્ટ્રીના કર્મચારીઓની સ્ક્રીનિંગ કરી શકાય છે. સ્ટેશન બંધ હોવાથી અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જો લંચ સુધી સ્ટેશન ખોલવા અંગે કોઈ પગલું લેવામાં નહીં આવે, તો હું હસ્તક્ષેપ કરીશ.

દિલ્હીનાં આ મેટ્રો સ્ટેશનો બંધ રહેશે

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 16 મેટ્રો સ્ટેશનો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે. તેમાં બારાખંભા રોડ, કેન્દ્રીય સચિવાલય, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, આઈટીઓ, જનપથ, જોર બાગ, ખાન માર્કેટ, લોક કલ્યાણ માર્ગ, મંડી હાઉસ, પટેલ ચોક, રાજીવ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, સેવા તીર્થ, શિવાજી સ્ટેડિયમ અને સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રો પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાના માર્ગ (રૂટ) વિશેની તાજી માહિતી ચકાસી લે અને જરૂરી હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે.

આખરે આલિયા ભટ્ટે તોડ્યુ મૌન, CJP પ્રદર્શન પર આપી પ્રતિક્રિયા

NEET પેપર લીક પર આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓનું સમર્થન કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના સંઘર્ષને વાજબી ઠેરવ્યો હતો. સલમાન ખાન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સલમાન ખાન અને સોનાક્ષી સિંહા જેવા બોલિવૂડ સ્ટાર્સનો સપોર્ટ મળ્યો. આખરે હવે આલિયા ભટ્ટે પણ NEET પેપર લીક સામે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું છે. તેણીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં પોતાના વિચારો શેર કર્યા છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો અને વ્યક્તિઓએ મોટા સુપરસ્ટાર્સના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.

તાજેતરમાં આલ્ફામાં દેખાતી આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વિશે પોસ્ટ કરીને વિદ્યાર્થીઓના વિરોધને યોગ્ય ઠેરવતા કહ્યું કે તેઓ પોતાના માટે, પોતાના પરિવારો માટે અને ભાવિ પેઢી માટે લડી રહ્યા છે. આલિયા ભટ્ટે લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારું હૃદય ઘણી વખત તૂટ્યુ. પરંતુ આશાઓ આધારે જોડાયું પણ. આજે, દરેક વિદ્યાર્થી પોતાના હકો માટે મક્કમતાથી ઉભો છે. તેમના સપના પાછળ તેમના પરિવારની આશાઓ છે. તેમની વર્ષોની મહેનત અને બલિદાન છુપાયેલું છે. આ વિદ્યાર્થીઓ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ તે બધા માટે લડી રહ્યા છે જેમણે તેમનામાં વિશ્વાસ રાખ્યો છે. આ બાળકો ભવિષ્યની પેઢીઓ માટે વધુ સારો માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની હિંમત મને પણ પ્રેરણા આપે છે. આજે, તેમની હિંમત દરેકને પ્રશ્ન કરે છે કે શું આપણે ખરેખર યુવાનોના અવાજો સાંભળી રહ્યા છીએ જે આ દેશના ભવિષ્યને આકાર આપશે અને તેને આગળ લઈ જશે. આ લડાઈ વિદ્યાર્થીઓની છે, વિદ્યાર્થીઓ માટે છે. ભવિષ્ય તેમનું છે. જય હિંદ.

આલિયા ભટ્ટ પહેલા સલમાન ખાને પણ પોતાનો ટેકો આપ્યો હતો

સલમાન ખાને પણ NEET પેપર લીકના આરોપો અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “આ એક શાંતિપૂર્ણ વિરોધ હતો. દુઃખની વાત છે કે તે હિંસક બન્યું. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે મારી સંવેદના છે. પેપર લીક એક ગંભીર મુદ્દો છે. હું સમર્પણ અને સખત મહેનત સાથે પોતાના ભવિષ્ય માટે લડી રહેલા તમામ વિદ્યાર્થીઓની હિંમતને બિરદાવું છું.”

વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં બોલિવૂડ

પ્રીતિ ઝિન્ટા, સ્વરા ભાસ્કર, હુમા કુરેશી, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, રાજકુમાર રાવ, અનુરાગ કશ્યપ, અરિજિત સિંહ અને રફ્તાર જેવા કલાકારો અને ગાયકોએ વિદ્યાર્થીઓ માટે પોતાનું સમર્થન આપ્યું છે. પ્રકાશ ઝા, શબાના આઝમી અને હુમા કુરેશી જેવા સ્ટાર્સે દિલ્હીમાં જંતર મંતરની મુલાકાત પણ લીધી હતી.

 

સોનગઢના વડપાડા ખાતે ઘરમાં પાણી ભરાતાં ૭૦ વર્ષીય વડીલનું સુરક્ષિત સ્થળાંતર

તાપી: જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દરમિયાન, સોનગઢ તાલુકાના વડપાડા (પ્ર. ઉમરદા) ગામના પારસી ફળિયા ખાતેથી વહીવટી તંત્રની માનવતા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

અહીં રહેતા ૭૦ વર્ષીય વડીલ અમૃતભાઈ છીબાભાઈ સોલંકીના ઘરમાં અચાનક વરસાદી પાણી ઘૂસી જતાં તેઓ ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડીલના સુરક્ષિત રેસ્ક્યૂ માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં આશ્રય, રહેવા-જમવાની પૂરતી વ્યવસ્થા

તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વડીલ અમૃતભાઈને ઘરમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને ગામની જ વડપાડા (પ્ર. ઉમરદા) પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા વડીલ માટે આશ્રય સ્થાન પર જ રહેવાની તથા પૌષ્ટિક જમવાની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આપત્તિના સમયમાં તંત્રની સમયસરની અને સંવેદનશીલ કામગીરીને કારણે વડીલને ભારે રાહત મળી છે અને સ્થાનિકોમાં પણ તંત્રની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

લાંચથી કરોડપતિ બન્યો સરકારી એન્જિનિયરઃ 150 કરોડથી વધુની સંપત્તિ

હૈદરાબાદ: તેલંગાણામાં ભ્રષ્ટાચારવિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સરકારી એન્જિનિયરનાં સ્થાનો પર દરોડા પાડતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ એન્જિનિયર 150 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. તેનાં સ્થાનો પરથી 10 એપાર્ટમેન્ટ, પ્રીમિયમ મિલકતો, બે કિલોગ્રામ સોનું, લક્ઝરી કારો અને મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. ACBએ તપાસ બાદ પુષ્ટિ કરી છે કે એન્જિનિયર પાસે 150 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સંપત્તિ મળી છે.

REDCOનો ડિવિઝનલ એન્જિનિયર નીકળ્યો કરોડપતિ

તેલંગાણા ACBએ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (REDCO), ખૈરતાબાદ, હૈદરાબાદમાં કાર્યરત ડિવિઝનલ એન્જિનિયર મુતિયમ વેંકટ રમણા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધ્યો છે. બુધવારે ACBએ તેમના નિવાસસ્થાન, કચેરી તેમ જ તેમના સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામી વ્યક્તિઓ સાથે જોડાયેલાં સાત અન્ય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

ACBના જણાવ્યાનુસાર પ્રાથમિક પુરાવાઓથી સંકેત મળ્યો હતો કે તેમણે સરકારી સેવાના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા વિશાળ સંપત્તિ એકત્રિત કરી હતી. આ આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી.

અનેક સ્થળોએ કરોડોના ફ્લેટ મળ્યા

તપાસમાં સેરિલિંગમપલ્લી અને કુકટપલ્લીમાં ચાર રહેણાક ફ્લેટ મળ્યા, જેમની નોંધાયેલ કિંમત 1.23 કરોડ રૂપિયા છે. ઉપરાંત કુકટપલ્લીના અંજનેયા નગરમાં 160 ચોરસ ગજ વિસ્તારમાં આવેલું G+3 વ્યાવસાયિક મકાન મળી આવ્યું, જેની સત્તાવાર કિંમત 1.82 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સેરિલિંગમપલ્લીના ગુટ્ટાલા બેગમપેટ વિસ્તારમાં 250 ચોરસ ગજ જમીન પર બનેલું G+5 વ્યાવસાયિક મકાન પણ મળી આવ્યું, જેનું સત્તાવાર મૂલ્ય 2.90 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

પત્નીને નામે રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ

ACBને જાણવા મળ્યું કે રમણાએ પોતાની પત્નીના નામે નોંધાયેલી ચાર બાંધકામ કંપનીઓ મારફતે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ તેમણે અંજનેયા નગર, મુસાપેટ વિસ્તારમાં બાંધકામ હેઠળના 10 રહેણાક એપાર્ટમેન્ટ વિકસાવ્યાં છે, જેમાં અંદાજે 20 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

ચાર કરોડ રૂપિયાથી વધુનું બે કિલોથી વધુ સોનું પણ મળ્યું

અચલ સંપત્તિઓ ઉપરાંત અધિકારીઓને 52.02 લાખ રૂપિયાની બેંક થાપણો, અંદાજે ચાર કરોડ રૂપિયા મૂલ્યના 2.094 કિલોગ્રામ સોનાના દાગીના, આશરે 45 લાખ રૂપિયા મૂલ્યની ત્રણ કારો (કિયા, મહિન્દ્રા અને મારુતિ બલેનો), 30 લાખ રૂપિયા મૂલ્યના ઘરગથ્થુ સામાન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા અંદાજે 2.5 લાખ રૂપિયા મૂલ્યની 20 દારૂની બોટલો મળી આવી હતી.

સીજેપી પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું તો સોનુ નિગમ ભડક્યા

પ્રખ્યાત ગાયક સોનુ નિગમને તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સવાલ પૂછતા જ તેઓ નારાજ દેખાયા હતા.

NEET પરીક્ષા પેપર લીક કેસને લઈને દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પેપર લીક સામે ક્રોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં શરૂ થયેલું અભિયાન હવે સોશિયલ મીડિયાથી રસ્તાઓ પર પહોંચી ગયું છે. જંતર મંતરથી સંસદ કૂચ કાઢવામાં આવી અને વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ થયો. વિરોધ પ્રદર્શને ખુબ જ મોટુ રૂપ ધારણ કર્યુ. ઘણા સ્ટાર્સ વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલ્યા છે. શબાના આઝમી સહિતના સેલેબ્સે તો જંતર મંતર પહોંચી વિદ્યાર્થીઓનો અવાજ મજબુત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by TELLYFILMS (@laxmikantbabloo2.0)

બૉલિવૂડના કેટલાક વિરોધમાં જોડાઈ રહ્યા છે જ્યારે કેટલાક સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં સોનુ નિગમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પત્રકાર પર ભડકી ગયા હતાં.

સોનુ નિગમે શું કહ્યું?

પ્રખ્યાત ગાયક સોનુ નિગમે તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.વાતચીત દરમિયાન ગાયકને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે,’દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન વિશે તમે શું કહેવા માંગો છો?” સોનુ નિગમે જવાબ આપ્યો, “હું અહીં શેના માટે આવ્યો છું? બસ.” જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો, “હવે બધું પૂરું થયું,બસ.”

ગાયકાના પ્રદર્શન અંગેના પ્રશ્ન પરની પ્રતિક્રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક તેમને અનફોલો કરવાની હાકલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક બહિષ્કારની હાકલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે, “કહેવાતી સેલિબ્રિટી.”

મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના પગલે ઊભી થયેલી કટોકટીપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાકીદે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા હતા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવીને ઉચ્ચસ્તરીય આકસ્મિક સમીક્ષા બેઠક યોજી હતી.

વલસાડ, સુરત અને નવસારીના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લામાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મંત્રી નરેશ પટેલ તેમજ વલસાડ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. સ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ જરૂર પડે તુરંત જ NDRFની વધારાની ટીમો ડિપ્લોય કરવાની ખાતરી આપી હતી.

આ ઉપરાંત, તેમણે સુરત અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે પણ સીધી વાતચીત કરી હતી. નદી-નાળાઓના વધતા પાણી અને પૂરની શક્યતાઓને પગલે નીચાણવાળા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ત્વરિત ખસેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્ત્વની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વહીવટી તંત્રને ૨૪-કલાક એલર્ટ મોડ પર રહેવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યુંઃ નદીઓમાં પૂરની સ્થિતિ, ગામો સંપર્ક વિહોણા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ, વાપી, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓરંગા નદીમાં આવેલા પૂર અને અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે વહીવટી તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઓરંગા નદીમાં આવેલા પૂરના કારણે નદીનું પાણી સીધું શેઠીયા નગરમાં ઘૂસી ગયું છે. ઓરંગા નદીના પ્રચંડ પ્રવાહ સામે તંત્ર પણ લાચાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 23 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો જળબંબાકાર બની ગયો છે.

વાપીમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ

વાપીમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વાપીમાં પડેલા 17 ઇંચ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ધરમપુરમાં 20 ઇંચ વરસાદ

ધરમપુરમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા ઓરંગા નદી ગાંડીતૂર બની ગઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ પાસેથી પસાર થતી ઓરંગા નદીએ પોતાના કિનારા વટાવી દીધા છે. અડધી રાત્રે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર નદી કાંઠે પહોંચી ગયું હતું અને સાયરન વગાડીને લોકોને તાત્કાલિક પોતાના ઘર છોડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

 ડાંગ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર

ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સંસદના મકર દ્વાર પર NDA વિરુદ્ધ વિપક્ષના સાંસદોનું પ્રદર્શન

નવી દિલ્હી: સંસદના મોન્સૂન સત્રનો આજે ચોથો દિવસ છે. અત્યાર સુધીના છેલ્લા ત્રણ દિવસ ભારે હંગામાથી ભરેલા રહ્યા છે. આજે ચોથા દિવસે પણ સંસદનું મોન્સુન સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે. સંસદમાં ચાલી રહેલા ગતિરોધથી અલગ દિલ્હી પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત પ્રદર્શન અને હંગામાની સાક્ષી બની રહી છે.

NEET પેપર લીક અને ભરતી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં જંતર-મંતર ખાતે કોક્રોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. સોનમ વાંગચુક પણ હોસ્પિટલમાંથી અનશન પર અડગ છે. આ દરમિયાન સંસદ તરફ કૂચ કરનાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક વખત અથડામણો થઈ ચૂકી છે, જેમાં ઘણા પ્રદર્શનકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. દિલ્હીમાં શરૂ થયેલું આ આંદોલન હવે પટના, મુંબઈ જેવાં શહેરોમાં પણ ફેલાયું છે.

મકર દ્વાર પર NDA અને વિરોધ પક્ષના સાંસદોનું પ્રદર્શન

સંસદ ભવનના મકર દ્વાર પાસે એક તરફ NDAના સાંસદો પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના સાંસદો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. NDAના સાંસદો કોંગ્રેસના વલણ અને સંસદને ચાલવા ન દેવાના આરોપોને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષના સાંસદો વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે.

બંને પક્ષોના સાંસદો એકબીજા સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.NEET પેપર લીક મામલે રસ્તાથી લઈને સંસદ સુધી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે વિરોધ પક્ષ સમક્ષ ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું છે કે સરકાર આ ગંભીર મુદ્દા પર સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે વિરોધ પક્ષને ચર્ચાની તારીખ અને સમય નક્કી કરવા જણાવ્યું હતું, કારણ કે સરકારનો ઉદ્દેશ પેપર લીક અટકાવવા માટેની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.

કબીરવાણી: જીવનની ચાદર નિર્મળ રાખો

 

સૌ ચાદર સુર, નર, મુનિ ઓઢિન; ઓઢી કે મેલી કીની ચદરિયા।
દાસ કબીર જતન સે ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા॥

આપણે જીવનમાં કર્મનાં બંધનો ભોગવીએ છીએ. કબીરજી માનવજીવનને ચાદરની ઉપમા આપે છે. આ ચાદર ઈશ્વરની અનામત છે, ખુદાની બક્ષિસ છે. જીવનમાં આપણે જે ભૂલો કરીએ છીએ અથવા જે દોષોને સ્વીકારીએ છીએ, તેનાથી પ્રભુની આ અમૂલ્ય થાપણને મેલી કરીએ છીએ.

દેવતા સમાન મનુષ્યો હોય કે ઋષિ-મુનિઓ, જો તેઓ પણ જાગૃતિ અને કાળજી વિના જીવન પસાર કરે, તો ભગવાને આપેલી આ અમૂલ્ય ચાદર મેલી થઈ જાય છે.

કબીરજી કહે છે કે આ અમૂલ્ય માનવજીવનમાં સતત જાગૃત અને સાવચેત રહેવું જરૂરી છે. પ્રભુએ જે નિર્મળ ચાદર આપણને આપી છે, તેના પર દુર્ગુણોની છાપ ન પડે, દુરાચારના ડાઘ ન લાગે અને પરદુઃખ પ્રત્યેની નિષ્ઠુરતાનો મેલ ન ચડે—તે માટે જીવનભર સંભાળપૂર્વક વર્તવું આપણી જવાબદારી છે.

હેતુલક્ષી, પરોપકારી, પવિત્ર અને સચેત જીવન જીવીએ, તો પ્રભુની પ્રસાદીરૂપ આ મનુષ્ય અવતાર સાચા અર્થમાં સાર્થક બને છે. વિચાર, વાણી અને વર્તનને નિર્મળ રાખનાર જ પ્રભુને પ્રિય બને છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)