Home Blog Page 901

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહીવટી તંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ મૂકી દીધો છે.  ટ્રમ્પ વહીવટી તંત્રના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ  દ્વારા ગુરુવારે આ સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશનો સીધો અર્થ એ થાય છે કે હવે હાર્વર્ડ યુનિવર્સિટી નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને હાલ જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ટ્રાન્સફર લેવાનો કે કાયદેસર ઈમિગ્રેશન સ્ટેટસ ગુમાવવાનો ખતરો ઊભો થવાની શક્યતા છે.

આ પગલાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર અને હાર્વવર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે અને તેમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ વહીવટી તંત્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટી તંત્ર સામે ફેડરલ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે ટ્રમ્પ સરકારની માગણીઓને સ્વીકારીશ નહીં.

હાર્વર્ડે જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રનું આ પગલું સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ નિર્ણયનો હાર્વર્ડ યુનિવર્સિટી પર મોટો પ્રભાવ પડશે, કારણ કે અહીં 27 ટકા વિદ્યાર્થીઓ અમેરિકા બહારના છે.

શું છે સમગ્ર મામલો?

ટ્રમ્પ વહીવટી તંત્રએ યુનિવર્સિટી પર આરોપ મૂક્યો હતો કે તેણે એવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે જેમનો કેમ્પસમાં વ્યવહાર અમેરિકા વિરુદ્ધ અને આતંકવાદીઓને ટેકો આપનાર પ્રકારનો છે.

હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી એલ. નોએમે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીએ કેન્દ્ર સરકારની તે વિનંતીને અવગણી હતી, જેમાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં હિંસક પ્રદર્શન અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ વિદ્યાર્થીઓનો રેકોર્ડ આપવામાં આવે. તેમણે આ પણ કહ્યું હતું કે હાર્વર્ડે ચીનની પેરામિલિટરી ફોર્સના સભ્યોને આમંત્રિત કર્યા હતા અને તેમને તાલીમ આપી હતી.

વાસ્તુ: નૈરુત્ય અને અગ્નિનો દોષ

માણસ એક સામાજિક પ્રાણી છે. એટલે એને અમુક પ્રાણીઓ ગમવાના. કોઈને તો વળી અજગર અને વાઘ પાળવાના પણ શોખ હોય છે. પછી એક દિવસ ખબર પડે કે એ પાળેલો અજગર જ માલિકને ગળી ગયો. આજના ભૌતિકતાના યુગમાં તો પાળેલો માણસ પણ માલિકના ધંધાને ગળી જાય છે. સહુથી અવિશ્વાસુ પ્રાણી માણસ છે. એ ક્યારે શું કરશે એને કળવું અઘરું છે. કદાચ એટલે જ માણસથી બચવા લોકો જાનવરો પાળતા હશે. પણ ધીમે ધીમે માણસના સહવાસમાં જાનવરો પણ એમના જેવા થઇ જશે તો? કોઈની અદેખાઈ કરવી, સ્વાર્થ માટે કોઈને રંજાડવા, ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એ ભયથી માણસનું ખૂન કરી નાખવું જેવી ઘણી બધી બાબતો જો પ્રાણીઓ શીખી જશે તો માણસ પોતાના જ પાળેલા પ્રાણીઓનો ભોગ બની જશે. કદાચ એને જ કર્મનો સિદ્ધાંત કહેતા હશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: કુતરાઓની સોસાયટી હોય ખરી? અમારી સોસાયટીમાં કુતરાઓ બિન્ધાસ્ત ફરે છે. એના માલિકો પાસે સમય નથી એટલે એમણે માણસો રાખ્યા છે. માણસો પોતાના મોબાઈલમાં બીઝી હોય એટલે કુતરાઓ એની મેળે ફર્યા કરે છે. એક સાતમાં માળ વાળા અંકલ કુતરાને સાચવી નથી શકતા એટલે કુતરાને સોસાયટીની લીફ્ટમાં કે બગીચામાં ટોઇલેટ કરાવી દે છે. એવું એક નવા પાડોસી પણ કરે છે. એમનો તો છોકરો પણ લીફ્ટમાં પેસાબ કરી જાય છે. મેં એમને ટોક્યા તો કહે છે કે મારો છોકરો પણ મારા માટે તો મારા કુતરા જેવો જ છે! મોઢા પર કશું બાંધ્યા વિના કુતરાને છોડી દે એવું થોડું ચાલે. પેલા અંકલ કહે છે કે આંટીના ગયા પછી મારા માટે તો આ લુસી જ તારી આંટી છે. એને હું દુખી નહિ જોઈ શકું.

થોડા સમય પહેલા અન્ય એક જગ્યાએ  એક પાળેલા કુતરાએ ચાર લોકોને ફાડી ખાધા. મેં સોસાયટીમાં રજૂઆત કરી તો ત્યાં બેઠેલા એક જાડિયા બહેન મને બટકું ભરીને કહે આને વ્હાલ કહેવાય. ફાડી ખાધું ન કહેવાય. વ્હાલમાં કોઈ બટકા થોડું ભરે? બીજા એક નવમાં માળ વાળા બહેન કુતરાને અમારા દાદરા પર પોટ્ટી કરાવતા હતા મેં એમને રોક્યા તો કહે મારા વરને મારા માટે ટાઈમ નથી એટલે કુતરા પાળવા પડે છે. બાકી મને કુતરા પાળવાનો શોખ નથી. સોસાયટી એ જાહેર જગ્યા છે. એમાં કુતરાને ગમે તેમ ન ફરવા દેવાય. પણ આ વાત કોઈ સમજતું નથી. કોઈ કુતરો કોઈકના નાના બાળકને ફાડી ખાય એની રાહ થોડી જોવાય? વળી પેલા અંકલનો કુતરો તો બે ત્રણ નાના બાળકોને કરડી ગયો છે.

અમારી સોસાયટીમાં કુલ બત્રીસ કુતરાઓ છે. અને એમાંથી બધા જ મોઢા પર બાંધ્યા વિના ફરે છે. મ્યુંનીસીપાલીટીમાં રજીસ્ટર કરવાની વાતો કાગળ પર છે. આમેય આપણે ત્યાં હોનારત થયા પછી જ બધા એકશનમાં આવે છે. વળી પાછા એક કુતરા પ્રેમી આંટી મને સમજાવતા હતા કે મને મારા વિકાસ કરતા પણ સોસાયટીના કુતરા પર વધારે લાગણી છે. ગયા જનમમાં આ બધા મારા છોકરા હશે. સ્થૂળ કાયાનો વિકાસ ખરેખર ભયાનક છે. પણ એના માટે કુતરાને છુટ્ટા થોડા મુકાય? કોઈ વાસ્તુ દોષ હોય તો આવું થાય?

જવાબ: માણસને માણસ કરતા કુતરા સાથે વધારે પ્રેમ છે એ વાત સારી લાગે પણ માણસો એવા તે કેવા છે કે આવી સ્થિતિ ઉદ્ભવી? પ્રાણીઓને પણ અનુશાશન શીખવાડવું જોઈએ. પોતાના બાળકોને ન શીખવાડનાર મમ્મીઓને એ ન આવડે એ સ્વાભાવિક છે. પણ કુતરા પાળવા માટેના કેટલાક નિયમોને સમજવા જરૂરી છે. બાકી વ્હાલા લાગતા એ જીવ ઘાતક બની શકે છે. તમે કુતરાને દુર રાખવા માટેનું સ્પ્રે સાથે રાખો. કોઈને રંજાડવા માટે નહિ પણ સુરક્ષા માટે એ જરૂરી છે. આજકાલ સોસાયટી વિષે ઘણા સવાલો જોવા મળે છે. દરેક વ્યક્તિ સામુહિક વિચારના બદલે સ્વાર્થી વિચાર ધરાવે એવું વધી રહ્યું છે. આવા સમય આત્મસુરક્ષા એ જ ઉપાય છે.

વાસ્તુ પ્રમાણે જે જગ્યાએ નૈરુત્ય અને અગ્નિનો દોષ હોય તો આવું થઇ શકે. પણ તમારી સોસાયટીમાં તમે કશું નહિ કરી શકો. જે પ્રકારનું વાતાવરણ છે એ પ્રમાણે માત્ર પોતાને સુખી કરવાનો વિચાર કરો. કુતરા ન પાળવા એવું ન કહેવાય. પણ એને વેક્સીન અને ટ્રેઈનીંગ આપવા જરૂરી છે.

સુચન: જો કોઈ કમિટી મેમ્બર અગ્નિમાં રહેતા હોય તો સોસાયટીમાં ભૌતિકતાની અસર દેખાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

ધનવાન લોકો સાદા કપડાં કેમ પસંદ કરે છે?

ઘણી વખત આપણે અમીર લોકોને તેમનામાં પૈસા અને માભાથી ઓળખીએ છીએ. તેમના બ્રાન્ડેડ કપડાં અને એસેસરીઝ આપણી લાઈફસ્ટાઇલ પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે. પરંતુ હકીકત માત્ર થોડા લોકો માટે જ સિમિત રહેતી હોય છે. આપણે ફેશન માટે હંમેશા સેલીબ્રિટીસને ફોલો કરતાં હોય છે જે માત્ર એમનો પીઆર સ્ટન્ટના ભાગ રૂપે હોય છે જે એમના કામનો હિસ્સો બને છે જયારે હકીકત સાવ વિપરીત છે. તેમની પાસે અપાર પૈસા હોય છે, તેઓ કદી ચમકતા કપડાં પહેરતાં નથી. તમે જો બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ કે રતન ટાટા જેવા ધનિકોને જુઓ તો એક વસ્તુ તમારું ધ્યાન ખેંચશે. તેમના કપડાં સામાન્ય, સાદા અને એક સરખા હોય છે.

સાદગી એક સ્ટેટમેન્ટ

સાદા કપડાં પહેરવાં, એ કોઈ પસંદગી નથી. પણ ઘણી વખત તે એક વિચારધારા હોય છે. ધનિકો માટે, તેમના કપડાં માત્ર આવરણ છે, દેખાવ નહીં. તેઓ પોતાને કપડાંથી નહીં, પણ પોતાના વિચારો, કાર્યો અને સિદ્ધિઓથી ઓળખાવા માંગે છે. જ્યાં સામાન્ય લોકો પોતાના કપડાંથી પોતાને ખાસ દેખાડવાનો પ્રયાસ કરે છે, ત્યાં અમીર લોકોની ઓળખ માટે કપડાંની જરૂર નથી હોતી.

માર્ક ઝુકરબર્ગ કાયમી એક જેવા ગ્રે ટી-શર્ટ અને જીન્સ પહેરે છે. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેનો જવાબ હતો “હું મારું સમય અને ઊર્જા એ નક્કી કરવા માટે વેડફતો નથી કે આજે શું પહેરું.” એટલે, તેઓ ‘decision fatigue’ થી બચીને એનો ટાઈમ બચાવે છે. જયારે વિવિધ કપડાં અને સ્ટાઇલ એમની પર્સનાલિટી અને ઇમોશન બતાવે ત્યારે ઘણી વાર એ લોકો પ્રિડિક્ટિબીલિટી એટલે કે અનુમાનોથી બચવા આ સ્ટેપ લેતાં હોય છે.

બ્રાન્ડ નહીં, પણ વ્યક્તિત્વનું મહત્વ

સાદા કપડાં બતાવે છે કે વ્યક્તિ પોતાનાં વ્યક્તિત્વથી જુદી પડીને કંઈ સાબિત કરવા માંગતો નથી. ધનિકો જાણે છે કે સાચી કિંમત બ્રાન્ડમાં નહીં, પણ વ્યક્તિના કામ અને વિચારશૈલીમાં છે. તેઓ લોકોના ધ્યાનમાં રહેવા માટે ચમકદાર કપડાં નહિ પહેરે, પણ પોતાના વિચારોથી છાપ છોડે છે.

પૈસાદાર લોકોને લોકો સામે કશું સાબિત કરવાની જરૂર હોતી નથી બલ્કે એમનું ફોક્સ દેખાડામાં નહીં પણ કામ પર વધુ હોય છે, જેની અસર તેમની પર્સનાલિટી પર પડે છે. કેટલાય દિગ્ગજોની સાદગી એમના બ્રાન્ડનો ભાગ બની ગઈ છે. પ્લેઈન કપડા પહેરીને પણ લોકો એમના વિચારો, કાર્યો અને લીડરશિપ માટે એમને યાદ રાખે છે. સ્ટીવ જોબ્સનું કાળો ટર્ટલનેક અને બ્લુ જીન્સનો કોમ્બિનેશન એટલો ફેમસ હતો કે લોકો તેને uniforms તરીકે ઓળખતા હતાં.

સાદગી ફક્ત કપડાં પૂરતી જ હોતી નથી પણ તે જીવનની ગતિ, વિચારની ઊંડાઈ અને કાર્યની સ્પષ્ટતામાં પ્રતિબિંબિત થાય છે. Minimalism એ ફક્ત ફેશન ટ્રેન્ડ નથી, એ એક લાઈફસ્ટાઈલ છે,જે અમીર લોકો પોતાના અનુભવથી પોતે સ્વીકારી ચૂક્યા છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ મે ૨૦૨૫

Chitralekha Gujarati – 02 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 23/05/2025

CBI ચાર્જશીટની વચ્ચે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની મુશ્કેલીઓ વધી  છે. કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારના મામલે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સત્યપાલ મલિકનું નામ સામેલ છે. તેમની સાથે-સાથે કેટલાક અન્ય લોકો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

CBIના એક અધિકારીએ જણાવ્યું કે કથિત કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર કેસમાં સત્યપાલ મલિક તેમના પ્રાઈવેટ સેક્રેટરી અને ચાર અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી વિશે હાલ સુધી સત્યપાલ મલિક દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ અગાઉ તેમણે આવી તમામ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો.

હવે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે રૂ. 2200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રેક્ટને લઈને કથિત ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તે સમયે તો પોતે સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે રૂ. 300 કરોડની લાંચ આપવાની કોશિશ કરવામાં આવી હતી.

આ વિવાદમાં વધુ એક આરોપ એ છે કે આ પ્રોજેક્ટના સિવિલ વર્કના વિતરણમાં અને ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શનને અનુસરવામાં નથી આવ્યું.કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ભ્રષ્ટચાર મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટની માહિતી મળતાં જ મલિકની તબિયત લથડી ગઈ છે અને તેઓ તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. સીબીઆઈએ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાર મામલે કાર્યવાહી કરી છે.

સત્યપાલ મલિકની તબિયત લથડી

CBIની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. CBIએ આજે (22 મે) મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજી તરફ મલિકે સોશિયલ મિડિયા પર માહિતી શેર કરી છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.

સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના વ્યાપ વિશે આ અભિનેત્રીએ ખોલ્યું રહસ્ય

મલયાલમ ફિલ્મ ઉદ્યોગ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. થોડા સમય પહેલા અભિનેત્રી વિન્સી એલોસિયસે શાઈન ટોમ ચાકો પર દારૂ પીધેલી હાલતમાં હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હવે ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી સાન્દ્રા થોમસે ઉદ્યોગમાં ડ્રગના ઉપયોગ વિશે વાત કરી છે. એટલું જ નહીં અભિનેત્રીના મતે, ફિલ્મના બજેટમાં જ આ માટે એક અલગ રકમ રાખવામાં આવી છે.

એક તરફ દર્શકો ફિલ્મોને એક કલા માને છે, ત્યારે પડદા પાછળનું કાળું સત્ય આઘાતજનક છે. ‘મનોરમા ટીવી’ સાથેની એક મુલાકાતમાં સાન્દ્રા થોમસે ઉદ્યોગમાં ડ્રગ્સના ઉપયોગ વિશે એવી વાતો કહી, જેણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.

ડ્રગ્સ માટે ખાસ રૂમ અને બજેટ?

સાન્દ્રા કહે છે કે હવે ફિલ્મ સેટ પર ડ્રગ્સના ઉપયોગ માટે અલગ રૂમની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં, ડ્રગ્સની ખરીદી પણ ફિલ્મોના નિર્માણ બજેટમાંથી કરવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્યોગમાં મોટાભાગના લોકો આ પ્રથાથી વાકેફ છે પણ ચૂપ રહે છે કારણ કે તેમની કારકિર્દી આ ઉદ્યોગ પર નિર્ભર છે. આ વાતચીતમાં સાન્દ્રાએ એમ પણ કહ્યું કે ફક્ત પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ ડ્રગ્સનો ઉપયોગ કરી રહી છે. કલાકારો હોય, ટેકનિશિયન હોય કે બીજું કોઈ, દરેક વ્યક્તિ આ દુષ્ટતામાં સામેલ છે.

બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે

આ ઉપરાંત, સાન્દ્રાએ સંગઠન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એસોસિએશને વર્ષો પહેલા પગલાં લેવા જોઈતા હતા. તેમણે કહ્યું કે સેટ પર શું થઈ રહ્યું છે તે બધા જાણે છે પણ કોઈ આગળ આવતું નથી કારણ કે બધાને ડર છે કે જો સત્ય બહાર આવશે તો તેઓ પોતાની નોકરી ગુમાવી શકે છે.

બે વર્ષ પહેલા પણ એલર્ટ આપવામાં આવ્યું હતું

નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે સાન્ડ્રા થોમસે ડ્રગ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હોય. તેમણે વર્ષ 2023 માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ ત્યારે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. અભિનેત્રીના મતે બે વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, બલ્કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

 

પાકિસ્તાનને સમર્થન આપતા તુર્કીને ભારતનો કડક સંદેશ

ભારતના વિદેશ મંત્રીએ તાજેતરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ અફઘાન મંત્રીનો આભાર માન્યો હતો.

વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ એ હકીકતને પણ સંપૂર્ણપણે નકારી કાઢી હતી કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ છે. તેમણે કહ્યું કે કેટલાક ખોટા અને બનાવટી અહેવાલો દ્વારા બંને દેશો વચ્ચે મૂંઝવણ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને ભારત સંપૂર્ણપણે નકારી કાઢે છે.

તુર્કી અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે અપેક્ષા રાખીએ છીએ કે તુર્કી પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને દાયકાઓથી આશ્રય આપેલા આતંકવાદી માળખા સામે વિશ્વસનીય અને નક્કર પગલાં લેવા વિનંતી કરશે. દ્વિપક્ષીય સંબંધો એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા પર બાંધવામાં આવે છે. સેલેબી કેસ અંગે તુર્કી દૂતાવાસ સાથે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ મારી સમજ મુજબ આ નિર્ણય નાગરિક ઉડ્ડયન સુરક્ષા દ્વારા લેવામાં આવ્યો હતો.

પ્રવક્તાએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળોની વિદેશ મુલાકાતોમાં આતંકવાદ સામેની ભારતની લડાઈને મુખ્ય રીતે પ્રકાશિત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોને જવાબદાર ઠેરવવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર તેમનો પર્દાફાશ કરવો જરૂરી છે.”

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “કુલ સાત પ્રતિનિધિમંડળો છે. ત્રણ પ્રતિનિધિમંડળો રવાના થયા છે… આ એક રાજકીય મિશન છે. અમારો ઉદ્દેશ્ય વિશ્વ સાથે વ્યાપક સંપર્ક સ્થાપિત કરવાનો છે જેથી અમે સંદેશ આપી શકીએ કે ભારત આતંકવાદ સામેની લડાઈ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદના તમામ સ્વરૂપો અને સ્વરૂપો સામે એક થાય. અમે વિશ્વને અપીલ કરીએ છીએ કે સરહદ પાર આતંકવાદ માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવે. જે દેશો છેલ્લા 40 વર્ષથી ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પાકિસ્તાનની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવો મહત્વપૂર્ણ છે. ભારત પર થયેલા આતંકવાદી હુમલાઓ માટે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”