Home Blog Page 910

ભાજપના મંત્રીની ટિપ્પણી બદલ SITની રચના

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશી પરની ટિપ્પણી બદલ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરતાં પહેલા વિચાર કરવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે જે કહ્યું છે તેનું પરિણામ ભોગવવું પડશે. એ સાથે જ સર્વોચ્ચ કોર્ટ આ મામલાની તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે તમે એક જાહેર પદવી ધરાવતી વ્યક્તિ છો. તમે અનુભવી રાજકારણી છો. સમાજમાં તમારું વર્તન ઉદાહરણરૂપ હોવું જોઈએ. તમે વાત કરતાં પહેલાં તમારા શબ્દો અંગે તમારે વિચાર કરવો જોઈએ. આ સશસ્ત્ર દળો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે. એ સાથે જ કોર્ટે વિજય શાહની માફી નામંજૂર કરી હતી.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે અમે ત્રણ IPS અધિકારીઓની SIT બનાવી રહ્યા છીએ અને તેમાંથી એક IG અથવા DGP રેન્કના હોવો જોઈએ. આ બધા રાજ્યની બહારના હોવા જોઈએ. આ એક લિટમસ ટેસ્ટ છે અને અમે ઇચ્છીએ છીએ કે રાજ્ય SIT રિપોર્ટ અમને સોંપે. અમે આના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના DGPને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં IG રેન્કના અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે આ એક એવો દેશ છે જે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. ભલે તે નાનો હોય કે મોટો. ન્યાયાધીશો કોઈની સામે પૂર્વગ્રહ રાખતા નથી. આ કોર્ટના આદેશથી કોઈને નુકસાન થશે નહીં. આખો દેશ તમારાથી શરમ અનુભવે છે, તમારા ઉપર નિર્ભર છે કે તમે તમારી જાતને કેવી રીતે સુધારશો. અમે કોઈ સૂચના આપી નથી. એવું કહેવું યોગ્ય નથી કે હાઈકોર્ટે તમને દોષિત ઠેરવ્યા છે.

 

224 ઇનિંગ્સમાં 8000 રન, આ ખેલાડી બન્યો દુનિયાનો ત્રીજો સૌથી ઝડપી સ્કોરર

18 મે 2025ના રોજ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 60મી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટે પરાજય આપીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આરુણ જટલી સ્ટેડિયમ, દિ sketchલ્હી ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી, પરંતુ ગુજરાતના ઓપનર્સ શુભમન ગિલ અને સાઈ સુદર્શનની વિસ્ફોટક બેટિંગે મેચનો પાસો પલટી નાખ્યો.

કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરતાં 65 બોલમાં અણનમ 112 રન ફટકાર્યા, જેમાં 14 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આ તેમની આઈપીએલ કારકિર્દીની પાંચમી અને ટી20 ફોર્મેટમાં સાતમી સદી હતી. રાહુલે 60 બોલમાં સદી પૂરી કરી, જે આઈપીએલ 2025માં પ્રથમ રાઈટ-હેન્ડેડ બેટ્સમેનની સદી હતી. આ સાથે, તેઓ આઈપીએલમાં ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી (પંજાબ કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ) માટે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા.

રાહુલે આ ઇનિંગ્સ દરમિયાન ટી20 ક્રિકેટમાં 8000 રનનો આંકડો પણ પાર કર્યો, જે તેમણે માત્ર 224 ઇનિંગ્સમાં હાંસલ કર્યો. આ સિદ્ધિ સાથે તેઓ વિશ્વના ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન બન્યા, જેમાં ક્રિસ ગેલ (213 ઇનિંગ્સ) અને બાબર આઝમ (218 ઇનિંગ્સ) તેમનાથી આગળ છે. ભારતીય ખેલાડીઓમાં રાહુલે વિરાટ કોહલી (243 ઇનિંગ્સ)નો રેકોર્ડ તોડ્યો.

આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાની યાદીમાં વિરાટ કોહલી 8 સદી સાથે ટોચ પર છે, જ્યારે જોસ બટલરે 7 અને ક્રિસ ગેલે 6 સદી ફટકારી છે. કેએલ રાહુલ 5 સદી સાથે ચોથા સ્થાને છે. ટી20 ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ સદીની વાત કરીએ તો, વિરાટ કોહલી (9), રોહિત શર્મા (8), અને કેએલ રhip્હુલ તથા અભિષેક શર્મા (7-7) ટોચના સ્થાને છે.

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. દિલ્હી કેપિટલ્સે રાહુલની 112* રનની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 199/3 રન બનાવ્યા. અભિષેક પોરેલ (30), એક્સર પટેલ (25) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (21*)એ રાહુલને સારો સાથ આપ્યો. ગુજરાત માટે અર્શદ ખાન, પ્રસીદ્ધ કૃષ્ણા અને આર. સાઈ કિશોરે એક-એક વિકેટ ઝડપી. જવાબમાં, ગુજરાત ટાઈટન્સના ઓપનર્સ શુભમન ગિલ (93* રન, 53 બોલ) અને સાઈ સુદર્શન (108* રન, 61 બોલ)એ અણનમ 205 રનની ભાગીદારી કરી, જે આઈપીએલ 2025ની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની. સુદર્શને સિઝનની બીજી સદી ફટકારી, જ્યારે ગિલે આક્રમક અંદાજમાં રન ચેઝને સરળ બનાવ્યું. ગુજરાતે 19 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું, જેનાથી તેઓ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે પ્લેઓફમાં પહોંચ્યા.

મુંબઈના KEM હોસ્પિટલમાં કોરોનાથી બેનાં મોત

મુંબઈઃ દેશમાં ફરી એક વાર કોરોનાની વાપસી થઈ છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, મુંબઈના KEM હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓનાં મોતના કેસ સામે આવતાં ચિંતા વધી છે. આ મૃતકમાં એક 58 વર્ષીય મહિલા અને બીજી 13 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે.

આ સ્થિતિને લઈને ડોક્ટરો અને BMC અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. મુંબઈના KEM હોસ્પિટલમાં મોત થયેલી 59 વર્ષની મહિલા કેન્સરથી પીડિત હતી અને બીજી 13 વર્ષની કિશોરી કિડનીની ગંભીર સમસ્યાથી પીડિત હતી. આ બંનેનાં મોત પહેલાં કરાયેલા કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.કોરોનાને લઈને ડોક્ટરો અને BMCએ સાવધાની રાખવા માટે જણાવ્યું છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ બેદરકારી ન રાખે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કોરોના ડેશબોર્ડ મુજબ ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 46 કેસ તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં નોંધાયા છે. દેશમાં હાલ કુલ 93 એક્ટિવ કેસ છે.એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલ ડરવાની જરૂર નથી, પરંતુ લાપરવાહી પણ ન કરવી જોઈએ. ખાસ કરીને વડીલો, ગંભીર બીમારીઓથી પીડિત લોકો અને વિદેશથી પાછા આવેલા મુસાફરો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે અને કોરોના બચવાના નિયમોનું પાલન કરવું જોઈએ.

પાકિસ્તાનનો ગોલ્ડન ટેમ્પલ પરનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાને સુવર્ણ મંદિર પર ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલો સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના દરેક હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન, સુવર્ણ મંદિરની બધી લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.

15મી ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રિએ સોમવારે જણાવ્યું હતું કે સેનાના એર ડિફેન્સ ગનર્સે સુવર્ણ મંદિર પર છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા.

તેમણે કહ્યું હતું કે અમને અંદાજ હતો કે તેઓ ભારતીય સૈન્ય મથકો, ધાર્મિક સ્થળો અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવશે. આમાંથી સુવર્ણ મંદિર સૌથી પ્રખ્યાત હતું. સુવર્ણ મંદિરને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવચ પૂરું પાડવા માટે અમે વધારાનાં આધુનિક શસ્ત્રો એકત્રિત કર્યાં હતાં. આઠ મેએ સવારના અંધારામાં, પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને એક વિશાળ હવાઈ હુમલો કર્યો.

તેમણે કહ્યું કે અમે આ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતા, કારણ કે અમને તેની અપેક્ષા રાખી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય સેના એક વ્યાવસાયિક અને જવાબદાર દળ છે, જેણે હંમેશાં કોઈ પણ ઉશ્કેરણી વિના સંયમિત રીતે જવાબ આપ્યો છે. અમે ફક્ત આતંકવાદી ઠેકાણાંઓ પર જ સચોટ હથિયારોથી હુમલો કર્યો છે, જેનો પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર કર્યો છે. તે જ સમયે પાકિસ્તાની સેના પાસે ભારત પર હુમલો કરવા માટે કોઈ કાયદેસર લક્ષ્ય નથી અને ન તો પાકિસ્તાની સેના પાસે ભારતીય સેનાનો સામનો કરવાની હિંમત અને ક્ષમતા છે. પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ રાષ્ટ્રીય નીતિ તરીકે કરે છે. પાકિસ્તાને તેની ધરતી પરથી માનવરહિત હવાઈ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

રાજકોટમાં એક સાથે 38 ગુનેગારોના 55 ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું

રાજકોટ, ગુનેગારો સામે કડક હાથે કામ લઈને તેમના રહેઠાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે રાજકોટમાં વહેલી સવારથી 38 જેટલા ગુનેગારોની સામે સરકારી એજન્સીઓની સિંક ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી વારંવાર ગુનાઓ આચરવાની ટેવ ધરાવતા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આજે સવારે પોલીસ, મહેસૂલ વિભાગ, કોર્પોરેશન, વીજ કંપની સહિતની સરકારી એજન્સીઓની સયુંકત ટીમે અટલ સરોવર અને સ્માર્ટ સીટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે તે રૈયા ગામ, વિસ્તારમાં દબાણ હટાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી જેવી ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયને ગેરકાયદે દબાણ કરનાર 38 ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનેગારોની 55 ગેરકાયદે મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. બુલડોઝર કાર્યવાહીથી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ગત શુક્રવારે શહેરના પોપટપરા વિસ્તારમાં બુટલેગરની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી રાજકોટ પોલીસ અને અન્ય સરકારી કચેરીના સંયુક્ત ઓપરેશનમાં ગુનેગારો ગુનો આચરી ગેરકાયદે રહેઠાણ ઊભા કરે છે, મિલકતો ઊભી કરે છે તેને ધરાશાયી કરવા માટેની કાર્યવાહી થઈ રહી હોય ગુનેગારોમા ફફડાટ ઉભો થયો છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)
તસવીર, નિશુ કાચા

ગુજરાતમાં ગરમી સાથે વરસાદી ઝાપટા, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી છ દિવસ દરમિયાન હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 22 અને 23 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના 19 જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી, પરંતુ આજે અમદાવાદ, રાજકોટ, ભુજ અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટ, ભુજ અને ડીસામાં પણ 40 ડિગ્રી, વડોદરા અને ભાવનગરમાં 39 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, જ્યારે પોરબંદર અને દ્વારકામાં 35 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા 19 જિલ્લાઓમાં તેમજ દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે 18 મેના રોજ અમદાવાદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં વડોદરામાં 37.2 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, ભુજમાં 37.9 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી, દ્વારકામાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી, કંડલામાં 38.2 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી, ઓખામાં 34.4 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, સુરતમાં 34.8 ડિગ્રી અને વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

BCCIએ એશિયા કપમાં રમવાનો કર્યો ધરાર ઇનકાર

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા ટેન્શન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCIએ) એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નાં તમામ આયોજનોમાંથી હાલ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. BCCI એ ACC ને જાણ કરી છે કે તે આગામી મહિને શ્રીલંકામાં યોજાનારૂ વુમન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં યોજાનાર પુરુષ એશિયા કપમાંથી બહાર રહેશે. આ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન થઈ શકે છે.

હાલમાં ACCનું નેતૃત્વ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી કરી રહ્યા છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે. આ નિર્ણય પાકિસ્તાની ક્રિકેટને અલગ પાડવાની વ્યૂહરચનાનો ભાગ છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ તે ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેનું આયોજન ACC દ્વારા થશે અને જેના પ્રમુખ એક પાકિસ્તાની મંત્રી હોય. આ દેશની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે ACCને મૌખિક રીતે વુમન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી બહાર રહેવાની માહિતી આપી દીધી છે, અને ભવિષ્યમાં તેમનાં આયોજનોમાં અમારી ભાગીદારી હાલમાં અટકાવામાં આવી છે. અમે સતત ભારતીય સરકાર સાથે સંપર્કમાં છીએ.

BCCIના આ વલણને કારણે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનાર પુરુષ એશિયા કપ પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમ ભાગ લેવાની હતી, પરંતુ હવે તે સ્થગિત થવાની શક્યતા છે. સૂત્રો કહે છે કે BCCI ને ખબર છે કે ભારત વગર એશિયા કપનું આયોજન વ્યવહારુ નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટના મોટા ભાગના પ્રાયોજક ભારતથી છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન મુકાબલાના વિના એશિયા કપ પ્રસારકો માટે આકર્ષક રહેશે નહીં, જે ટુર્નામેન્ટની આર્થિક સફળતાનો મુખ્ય ઘટક છે.

વર્ષ 2024માં એશિયા કપના પ્રસારણ અધિકારો સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) એ આગામી આઠ વર્ષ માટે 170 મિલિયન અમેરિકી ડોલરમાં મેળવી લીધા હતા. જો આ વર્ષે ટુર્નામેન્ટ યોજાશે નહીં, તો આ સોદા વિશે પુનર્વિચાર થશે. ACCના પાંચ સંપૂર્ણ સભ્યો – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને પ્રસારણ આવકમાંથી 15 ટકા હિસ્સો મળે છે, જ્યારે બાકીની રકમ સહયોગી અને સંબંધિત સભ્યોમાં વહેંચાય છે.

સુવિચાર – ૧૯ મે ૨૦૨૫

૧૯ મે ૨૦૨૫

કર્મ – તમારી રચના

કર્મ એટલે કાર્ય. કાર્ય એટલે, આપણે તમારા કાર્ય વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે કાર્યની વાત આવે છે તો, તમે કાર્ય ચાર અલગ અલગ રીતે કરો છો. તમે તમારા શરીર સાથે કાર્ય કરી શકો છો, તમે માનસિક કાર્ય, ભાવનાત્મક કાર્ય અને ઊર્જાકીય કાર્ય કરી શકો છો. આ ચારેય સ્તરોમાં, કાર્ય સતત થઈ રહ્યું છે – તેમાંથી થોડુંક તમે જાગરૂકપણે કરો છો, મોટા ભાગનું અજાગરૂકપણે થતું હોય છે.

આ ચારેય પરિમાણોમાં તમે જે પણ કાર્ય કરો છો, તેની છાપ હંમેશા તમારી અંદર અવશેષ તરીકે રહી જાય છે. આ છાપો સમયાંતરે એકઠી થઈને તેમની પોતાની વૃત્તિઓ વિકસાવે છે. આ સોફ્ટવેર જેવું છે. તમારા મનમાં, તમારી ભાવનામાં, તમારા શરીરમાં અને તમારી ઊર્જામાં તમે જે પ્રકારના કાર્યો કરો છો તેના આધારે અજાગરૂકપણે તમે તમારું પોતાનું સોફ્ટવેર લખો છો. તમે જે પણ પ્રકારનું સોફ્ટવેર લખ્યું છે, થોડા સમય પછી આ આખી સિસ્ટમ એવી રીતે કાર્ય કરશે. તે કોઈ અન્ય પરિમાણ અથવા શક્તિ દ્વારા લખાયેલું નથી, તે તમારા દ્વારા લખાયેલું છે. પરંતુ કેમ કે તમે તેમાંથી મોટાભાગનું અજાગરૂકપણે કર્યું છે, તેથી તમે માની નથી શકતા કે તે તમે કર્યું છે.

તમે ભેગા કરેલા કર્મના જથ્થા અને પ્રકારને આધારે અથવા તમારી કર્મની છાપના આધારે, તમે ચોક્કસ વૃત્તિઓ વિકસાવો છો. આ વૃત્તિના આધારે, તમે ચોક્કસ દિશાઓમાં આગળ વધશો અને ચોક્કસ પ્રકારના જીવનને પણ તમારી તરફ આકર્ષિત કરશો. જો તમને લાગે કે તમે તમારા જીવનમાં સતત મુશ્કેલીજનક વસ્તુઓને આકર્ષી રહ્યાં છો, કોઈ કારણ વિના જો તમે ખોટા લોકો અને ખોટી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છો, તો તમારે પ્રથમ અને મુખ્ય વસ્તુ જે કરવાની જરૂર છે તે છે, એક પગલું પાછા હટો, બેસો, ધ્યાનની ચોક્કસ અવસ્થા સુધી પહોંચો અને જુઓ કે આ સોફ્ટવેર જે અજાગરૂકપણે તમારી અંદર લખાયેલું છે તેને કેવી રીતે ફરીથી લખવું. તે સૌથી મહત્ત્વપૂર્ણ છે.

આ એવું છે કે, ધારો કે તમે ડ્રાઇવ કરી રહ્યા છો અને તમારી કાર નિયંત્રણ બહાર થઈ જાય છે. તમારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તમે બ્રેક લગાવો અથવા તેને ગમે તે રીતે રોકવા માટે કંઈ પણ કરો. જ્યારે કોઈ વસ્તુ નિયંત્રણની બહાર જાય છે, ત્યારે પ્રથમ વસ્તુ એ છે કે તમે તેને રોકવા માંગો છો. તો તે જ છે જે તમારે કરવાની જરૂર છે. જો તમે જુઓ કે વસ્તુઓ, કોઈ સમજાવી શકાય તેવા કારણ વિના, એમ જ નિયંત્રણની બહાર જઈ રહી છે, તો પ્રથમ વસ્તુ જે તમારે કરવાની જરૂર છે તે છે કે ખાલી તેને થોડા સમય માટે રોકો, અને જુઓ કે તેની સાથે શું થઈ રહ્યું છે. ફક્ત થોડા સમય માટે, મનની પ્રક્રિયા, ભાવનાની પ્રક્રિયા, દરેક વસ્તુની પ્રક્રિયા બંધ કરો, અને તમે જોશો કે તે પોતે જ પોતાને સુધારી નાખશે.

આપણે જેને ધ્યાન કહીએ છીએ તે ફક્ત આ જ છે, કે તમે દિવસમાં થોડી ક્ષણો માટે બધું જ બંધ કરી દીધું. તમારે કોઈ ભગવાનને બોલાવવાની અથવા આ કે તે કરવાની જરૂર નથી. તમે બસ તેને રોકો – કંઈ કરવાની જરૂર નથી. અચાનક તમે જોશો કે તમારું જીવન એક ચમત્કારની જેમ કામ કરે છે, ફક્ત એટલા માટે કે તમે તે બધું બંધ કરીને આ આખી સિસ્ટમને તે પોતે ઈચ્છે તે રીતે પોતાને ઠીક કરવા અને સુધારવા માટે જરૂરી સમય આપ્યો છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.