Home Blog Page 920

જાવેદ અખ્તર પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીર પર થયાં કાળઝાળ

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે બૉલિવૂડ લિરિસિસ્ટ જાવેદ અખ્તરે પાડોશી દેશના જનરલ આસિમ મુનીર સામે આંખ લાલ કરી થે. જાવેદ અખ્તરનું કહેવું છે કે મુનિરે ખૂબ જ અસંવેદનશીલ ભાષણ આપ્યું છે જેમાં તે હિંદુઓને ગાળો આપી રહ્યાં છે. આટલું જ જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેની કાયરતા યાદ અપાવી જ્યારે કારગિલ યુદ્ધ બાદ તેમણે પોતાના જ સૈનિકોની લાશો લેવાની ના પાડી દીધી હતી.

રાજકારણી કપિલ સિબ્બલ સાથેની વાતચીત દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે ભારત સામાન્ય પાકિસ્તાનીઓને બદનામ કરવા નથી ઈચ્છતું પણ તેના પ્રતિનિધિઓના અસંવેદનશીલ કમેન્ટ પર તેણે નારાજગી વ્યક્ત કરી છે. સંગીતકારે વધુમાં ઉમેર્યુ કે, કોઈ પણ દેશ એકજેવો નથી રહેતો. કોઈ દેશનો નાગરિક એક જેવો નથી હોતો. જો કોઈ દેશની સરકાર ખરાબ છે તો તેની અસર સૌથી પહેલા તેના નાગરિકો પર પડશે…આપણને માત્ર સરકાર, સેના અને કટ્ટરપંથીઓથી સમસ્યા હોવી જોઈએ. આપણી સહાનુભૂતિ એ નિર્દોષ લોકો સાથે હોવી જોઈએ જે તેમના કારણે પીડિત છે.

જાવેદ મુનીર પર ગુસ્સો વ્યક્ત કર્યો

જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં રહેતા લોકોની સ્થિતિને ખરાબ ગણાવતાં કહ્યું કે,’મેં યુટ્યુબ પર તેના સેના પ્રમુખનું ભાષણ જોયું. તે કેટલો અસંવેદનશીલ માણસ લાગી રહ્યો છે.નિઃશંકપણે જો તમને લાગે છે કે અમે ખરાબ છીએ તો ભારતીયોને ગાળો આપો પણ તમે હિંદુઓને કેમ ગાળ આપી રહ્યા છો? શું તેમને ખ્યાલ નથી કે પાકિસ્તાનમાં પણ હિંદુઓ રહે છે?શું તમારા તમારા લોકોનું સન્માન ન કરવું જોઈએ? તમે કેવા માણસ છો?તમે આખરે શું કરી રહ્યા છો? તમારામાં સમજણ ન નથી.’

જનરલ મુનીરે ઓક્યું હતું ઝેર

જાવેદ જનરલ આસિમ મુનીરના એ ભાષણની વાત કરી રહ્યાં હતાં જેમાં, મુનીરે કહ્યું હતું કે,’આપણાં પૂર્વજોનું માનવું હતું કે આપણે જીવનના દરેક પાંસાએ હિન્દુઓથી અલગ છીએ.આપણો ધર્મ અલગ છે. આપણા રિતિ-રિવાજો અલગ છે.આપણી પરંપરાઓ અલગ છે.આપણા વિચારો અલગ છે.આપણી મહત્વકાંક્ષા અલગ છે.’

વિશ્વ કુટુંબ દિવસ: આંતરરાષ્ટ્રીય સ્તરે વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો

અમદાવાદ: માનવ સભ્યતાના ઉષાકાળથી કુટુંબ એક એવી અવિચળ સંસ્થા રહી છે, જેણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી છે. તે માત્ર જૈવિક સંબંધોનું માળખું નથી, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો, જ્ઞાન અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રથમ પારણું છે. સંસ્કાર, મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કુટુંબમાં જ થાય છે, જે એક મજબૂત ચારિત્ર્ય અને તે દ્વારા એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના વૈશ્વિક મહત્ત્વ અને તેના ઉદ્દેશ્યોથી માંડીને, ભારતીય શાસ્ત્રોમાં કુટુંબની ગહન દાર્શનિક વિભાવના, ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતની ભારતની વૈશ્વિક નીતિમાં વ્યાપકતા, અને ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓના દૂરગામી પ્રભાવ પણ સર્વવિદિત છે.

દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1993માં આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ પરિવારોને લગતા મુદ્દાઓ પર વૈશ્વિક જાગૃતિ લાવવાનો અને તેમને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક બાબતો અંગેના જ્ઞાનને ફેલાવવાનો છે.

કુટુંબ એ સફળ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો અચલ પાયો છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને શક્તિ તેના નાગરિકોના ચારિત્ર્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે, અને આ ત્રણેય પાસાંઓનું ઘડતર મુખ્યત્વે કુટુંબમાં થાય છે. કુટુંબ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના કેન્દ્રમાં દેશના દરેક નાગરિકના પરિવારનું કલ્યાણ ઉત્કર્ષ અને સર્વાંગીણ વિકાસ જ રહેલો છે. કુટુંબ એ સમાજ અને રાષ્ટ્રનો આધારસ્તંભ છે. તે માત્ર વ્યક્તિગત જીવનનું કેન્દ્ર નથી, પરંતુ તે રાષ્ટ્રીય ચારિત્ર્ય, સામાજિક સૌહાર્દ અને વૈશ્વિક શાંતિનો આધાર છે. ભારતીય શાસ્ત્રોએ જે કુટુંબ ભાવના અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના ઉદાત્ત આદર્શને વિશ્વ સમક્ષ મૂક્યો છે, તે આજના જટિલ અને પરસ્પરાવલંબી વિશ્વમાં વધુ પ્રસ્તુત બન્યો છે.

શિકાગો યુનિવર્સિટીના નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી જેમ્સ હેકમેનના સંશોધનો દર્શાવે છે કે પ્રારંભિક બાળપણમાં પારિવારિક વાતાવરણ વ્યક્તિની ભવિષ્યની શૈક્ષણિક સિદ્ધિઓ, વ્યક્તિનું આરોગ્ય અને આર્થિક ઉત્પાદકતા પર ગહન અસર કરે છે. મજબૂત પારિવારિક બંધનો સોશિયલ કેપિટલનું નિર્માણ કરે છે, જે સમુદાયમાં વિશ્વાસ, સહકાર અને નાગરિક ભાગીદારી વધારે છે. સંશોધનો સૂચવે છે કે જે સમાજમાં કુટુંબ વ્યવસ્થા મજબૂત હોય છે, ત્યાં ગુનાખોરીનો દર ઓછો, શૈક્ષણિક સ્તર ઊંચું અને આરોગ્ય સેવાઓનો બહેતર ઉપયોગ જોવા મળે છે. બાળકોમાં નૈતિક મૂલ્યો, પ્રામાણિકતા, સહાનુભૂતિ અને જવાબદારીની ભાવનાનું સિંચન તેમને ઉત્પાદક અને કાયદાનું પાલન કરનારા નાગરિક બનાવે છે, જે રાષ્ટ્રની આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા માટે અનિવાર્ય છે. સુસંગઠિત અને સુખી પરિવારો સમાજમાં સ્થિરતા અને સુમેળ જાળવવામાં મદદ કરે છે.

કુટુંબ ભાષા, પરંપરાઓ, રિવાજો અને ઐતિહાસિક સ્મૃતિઓનું વાહક છે. તે રાષ્ટ્રીય ઓળખ અને સાંસ્કૃતિક સાતત્યને જાળવી રાખવામાં અને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુટુંબ તેના સભ્યોને ભાવનાત્મક સુરક્ષા અને હૂંફ પૂરી પાડે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ અને દર્શન શાસ્ત્રોમાં કુટુંબને અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવી છે. તેને માત્ર સામાજિક વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચાર પુરુષાર્થોની સિદ્ધિ માટેના એક મહત્વપૂર્ણ સાધન અને ક્ષેત્ર તરીકે જોવામાં આવ્યું છે.

તૈત્તિરીય ઉપનિષદમાં ‘માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ’ જેવા ઉદ્ઘોષો પારિવારિક અને સામાજિક સંબંધોમાં આદર અને દૈવીભાવના મહત્ત્વને રેખાંકિત કરે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રોમાં કુટુંબના સભ્યોના પરસ્પર અધિકારો, કર્તવ્યો, વારસાના નિયમો અને સ્ત્રીઓના સ્થાન વિશે વિસ્તૃત ચર્ચા છે. ભારતીય પરંપરામાં પ્રત્યેક વ્યક્તિ પર ત્રણ મુખ્ય ઋણ – દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ – માનવામાં આવ્યા છે. મહા ઉપનિષદમાંથી ઉદ્ભવેલો ‘उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्’ (ઉદાર ચરિત્રવાળા માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે)નો મંત્ર ભારતીય વિદેશ નીતિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણનો પાયાનો સિદ્ધાંત રહ્યો છે. પ્રાચીન કાળથી ભારતે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને જ્ઞાનના પ્રસાર દ્વારા વિશ્વ સાથે સંબંધો કેળવ્યા છે. આઝાદી પછી, પંચશીલના સિદ્ધાંતો, બિન-જોડાણવાદી ચળવળ અને સંયુક્ત રાષ્ટ્રમાં વિકાસશીલ દેશોના હિતોની હિમાયત આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.ભારતે G-20 સમિટની અધ્યક્ષતા (ડિસેમ્બર ૨૦૨૨ – નવેમ્બર ૨૦૨૩) માટે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ (One Earth, One Family, One Future) થીમ પસંદ કરી હતી. આ અધ્યક્ષતા હેઠળ, ભારતે કેટલાક નક્કર પરિણામો પણ હાંસલ કર્યા:

  • ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ને માત્ર એક આદર્શ તરીકે નહીં, પરંતુ નક્કર વૈશ્વિક નીતિ માટેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રજૂ કર્યું છે.
  • વૈશ્વિક આપત્તિઓમાં ભારતે માનવતાવાદી અભિગમ
  • ‘વસુધૈવ કુટુંબકમ્’ને અનુસરીને, આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં અગ્રેસર અને નિઃસ્વાર્થ ભૂમિકા ભજવી છે.
  • કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે જાન્યુઆરી 2021 થી ‘વેક્સીન મૈત્રી’ પહેલ હેઠળ લગભગ 100 દેશોને સ્વદેશી નિર્મિત કોવિડ રસીના કરોડો ડોઝ પૂરા પાડ્યા, જેણે ભારતની ‘વિશ્વની ફાર્મસી’ તરીકેની છબીને મજબૂત કરી.
  • ઓપરેશન દોસ્ત અંતર્ગત તુર્કી અને સીરિયાને ભૂકંપ પછી તાત્કાલિક NDRF ટીમો, તબીબી પુરવઠો અને મોબાઈલ હોસ્પિટલ મોકલીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
  • યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 22,500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવામાં આવ્યા.
  • સુદાનમાં આંતરિક સંઘર્ષ ફાટી નીકળતાં ત્યાં ફસાયેલા લગભગ ૪૦૦૦ ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા.

    આ અભિયાનો ભારતની વધતી જતી ક્ષમતા અને ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

માનવસંબંધોને ધ્વસ્ત કરતા મિસાઈલને ઓળખો…

આ મહિનાના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ નિર્ણય લઈને પહલગામ હત્યાકાંડનો જવાબ આપવાનું નક્કી કર્યું. તે પછી આપણી ભારતીય સેનાની ત્રણેય પાંખે ખભેખભા મિલાવીન ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો, પીઓકે તથા પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સમાં રહેલા આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા. પાકિસ્તાને વળતા હુમલાની કોશિશ કરી, પણ દર વખતે ભારતે તેને નિષ્ફળ બનાવ્યા, જેનું કારણ છે આપણી હાઈ ટેક ડિફેન્સ સિસ્ટમ. એમાંય યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાનના છમકલા વખતે સ્વદેશી “આકાશ” મિસાઈલ સિસ્ટમની વિગત પ્રકાશમાં આવી.

શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ “આકાશ” જમીન પરથી જ ડ્રોન, મિસાઈલ, હેલિકોપ્ટર અને ફાઈટર જેટ્સ જેવા દૂશ્મનના હવાઈ ટાર્ગેટનો પળવારમા નાશ કરી શકે છે. બાહોશ વિજ્ઞાની ડો. પ્રહલાદ રામરાવે પંદર વર્ષની જહેમત બાદ “આકાશ-મિસાઈલ સિસ્ટમ” વિકસાવી.

-અને રસપ્રદ વાત એ કે પ્રખર વિજ્ઞાની તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે જ ડો. પ્રહલાદ રામરાવનું હીર પારખી એમને “આકાશ-પ્રોજેક્ટ”ની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી. બાળકો, કિશોરો, યુવાનોના હીર પારખી એમને ભવિષ્યની મોટી જવાબદારીઓ માટે સજ્જ કરનારા ડો. કલામ કેવી માટીના બન્યા હશે? આ પ્રસંગ જુઓઃ

1980ના દાયકામાં ડો. કલામ એક મોટા પ્રોજેક્ટ પ૨ આશરે સિત્તેર જેટલા વિજ્ઞાનીઓ સાથે કામ કરી રહ્યા હતા. એક દિવસ આમાંના એક વિજ્ઞાનીએ તેમને વિનંતી કરી કે, “આપણા શહેરમાં એક સાયન્સ એક્ઝિબિશન આવ્યું છે અને મેં મારા બાળકોને એમા લઈ જવાનું પ્રોમિસ આપ્યું છે. તો, આજે સાંજે થોડો વહેલો ઘરે જઈ શકું?”

ડો. કલામે તરત હા પાડી. પણ, વિજ્ઞાની એમના કામમાં એવા પરોવાઈ ગયા કે મોડી સાંજ સુધી નવરા જ ન પડ્યા. રાતે આઠેક વાગ્યે મનમાં ખેદ લઈને એ ઘરે પહોંચ્યા. ઘરમાં બાળકોનો કિલકિલાટ સંભળાયો નહીં, એટલે એમણે કુતૂહલવશ પત્નીને પૂછ્યું કે, “બાળકો ક્યાં છે?”

પત્નીએ કહ્યું કે, “તમારા ઉપરી અધિકારી આવ્યા હતા. એ બાળકોને સાયન્સ એક્ઝિબિશન જોવા લઈ ગયા છે.”

એ ઉપરી અધિકારી એટલે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ.

કોઈએ સાચું જ કહ્યું છેઃ “કામથી વિશેષ વ્યક્તિની ગણના કરે એ સાચું નેતૃત્વ.” ડો. કલામે જોયું કે પેલા વિજ્ઞાની કામના લીધે બાળકોને આપેલું પોતાનું વચન ભૂલી જશે અને પિતા-પુત્રના સંબંધ અસરગ્રસ્ત થશે આથી એ પોતે તેના બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા.

ઘણી વાર માણસ પોતાનામાં એટલો બધો ડૂબેલો રહે છે કે એ બીજાને સમજી નથી શક્તો. ફળ સ્વરૂપે, માણસ લૌકિક સફળતા પામ્યા પછી પણ માનવસંબંધોમાં નિષ્ફળ જાય છે, પણ મહાપુરુષો આપણને સમજાવે છે કે, હંમેશા કામ કરતા વ્યક્તિને અગ્રક્રમ આપવો જોઈએ.

આજે કુટુંબોમાં થતા નાનામોટા ઝઘડાઓની પાછળ ક્યાંક ને ક્યાંક આ જ કારણ રહેલું છે. મહદંશે આપણા ઝઘડાના મૂળમાં જશો તો તારણ નીકળશે નબળા પાયા પર રચાયેલા માનવસંબંધ. નોકરીવ્યવસાય, કારકિર્દીની પાછળ રત રહેવામાં ઘણી વખત જીવનસાથી કે સંતાનો સાથેનું અંતર એટલું બધું વધી જાય છે કે એમની સાથેના મેળાપનો અંત કલેશમાં જ પરિણમે છે. અલબત્ત, કદાચ દરેક વખત ઝઘડો નથી થતો તો પણ તેમને આપણા સાંન્નિધ્યમાં આનંદ તો નથી આવતો. આવા અનિચ્છનીય પરિણામનું મૂળ શોધવાનો જો આપણે પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે મોટા ભાગે આપણે તેમને તેમની નાજુક પળોમાં સમજી નથી શક્યા અથવા તેમને સમજવાનો પ્રયત્ન નથી કર્યો. ક્યારેક તેઓને આપણે પૂરતો સમય નથી આપ્યો તો ક્યારેક આપણે તેમને પ્રેમ આપવામાં ઊણા ઊતર્યા છીએ.

ટૂંકમાં, આપણે માનવસંબંધોના જતન માટે જાગ્રત નથી રહ્યા. મહાપુરુષોના જીવનમાંથી આ ગુણને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન તો કરી જ શકીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૧૫ મે ૨૦૨૫

૧૫ મે ૨૦૨૫

પંચાંગ 15/05/2025

નિવૃત્તિની જાહેરાત બાદ જાવેદ અખ્તરે વિરાટને કરી આવી વિનંતી

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિએ દરેક ક્રિકેટ પ્રેમીને નિરાશ કર્યા છે. ઘણા બી-ટાઉન સ્ટાર્સે પણ વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી. કેટરિના કૈફ, વિકી કૌશલથી લઈને અંગદ બેદી સુધી બધાએ કિંગ કોહલીની સફરને સલામ કરી. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી અને હવે ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ દિગ્ગજ લેખકે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે વિરાટ કોહલીની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી અને તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું.

જાવેદ અખ્તરની પોસ્ટ
જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘સ્વાભાવિક છે કે વિરાટ વધુ સારી રીતે જાણે છે, પરંતુ આ મહાન ખેલાડીના ચાહક તરીકે, હું ટેસ્ટ ક્રિકેટમાંથી તેની અકાળ નિવૃત્તિથી નિરાશ છું. મને લાગે છે કે તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. હું તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે હૃદયપૂર્વક વિનંતી કરું છું.’ ઘણા યુઝર્સે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને સંમતિ આપી.

જાવેદ અખ્તરની પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ
જાવેદ અખ્તરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘જાવેદ સાહેબ માટે આ કહેવું ખૂબ મોટી વાત છે. આશા છે કે, વિરાટ આ વાત પર ધ્યાન આપશે અને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. બીજાએ લખ્યું,’વિરાટ જેવા જાણે છે કે લેજેન્ડ્સ ક્યારે આદર સાથે નમન કરવું.’ તેને અકાળ કહેવાને બદલે, તેની સુંદર ટેસ્ટ સફરની પ્રશંસા કરવી અને તેના નિવૃત્તિના સમય પર વિશ્વાસ કરવો વધુ સારું છે. બીજા એક યુઝરે લખ્યું,’હું આ સાથે સંપૂર્ણપણે સંમત છું. ઉપરાંત, કોહલી અને અશ્વિન જેવા ખેલાડીઓ માટે વિદાય મેચ હોવી જોઈએ.’

વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ 14 વર્ષની કારકિર્દી બાદ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતી એક પોસ્ટ પણ શેર કરી અને લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.’

 

નીરજ ચોપરાને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મળ્યું

ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. આ નિમણૂક 16 એપ્રિલ, 2025થી અમલમાં આવી, જેની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઇન્ડિયામાં 9 મે, 2025ના રોજ કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, 1948ના પેરા-31 હેઠળ નીરજને આ પદ પર નિયુક્ત કર્યા.

નીરજ ચોપરા, જેઓ 2016માં નાયબ સુબેદાર તરીકે રાજપૂતાના રાઇફલ્સમાં જોડાયા હતા, તેમણે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સુબેદાર અને પછી સુબેદાર મેજરનો હોદ્દો મેળવ્યો હતો. તેમની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ, જેમાં ટોક્યો 2020માં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ અને પેરિસ 2024માં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે, તેમને ભારતના સૌથી સફળ વ્યક્તિગત ઓલિમ્પિયન બનાવે છે. આ ઉપરાંત, તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ (2023), એશિયન ગેમ્સ (2018, 2023), અને કોમનવેલ્થ ગેમ્સ (2018)માં ગોલ્ડ મેડલ જીત્યા છે.

ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એ એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે સામાન્ય રીતે રાષ્ટ્ર માટે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. આ પદ પર નીરજ ચોપરા રમતગમત અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાની સાથે યુવાનોને સેનામાં જોડાવા અને શિસ્તબદ્ધ જીવન અપનાવવા પ્રેરણા આપશે. આ પદની જવાબદારીઓ મુખ્યત્વે પ્રતીકાત્મક હોય છે, જેમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો, યુવા પેઢીને પ્રોત્સાહન આપવું અને સેનાના પ્રચાર પ્રયાસોમાં યોગદાન આપવું શામેલ છે. જોકે, વર્તમાન ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને, માનદ અધિકારીઓને સક્રિય ફરજ પર બોલાવવાની સંભાવના નથી, પરંતુ આવી પરિસ્થિતિમાં તેઓ પ્રેરણાત્મક ભૂમિકા ભજવી શકે છે.

નીરજે 2016માં રાજપૂતાના રાઇફલ્સમાં નાયબ સુબેદાર તરીકે પ્રવેશ મેળવ્યો, જે સામાન્ય રીતે 20 વર્ષની સેવા બાદ મળતો હોદ્દો છે, પરંતુ તેમની રમતગમતની સિદ્ધિઓને કારણે તેમને વિશેષ નિમણૂક આપવામાં આવી. સેનાએ તેમને મિશન ઓલિમ્પિક વિંગ અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણે ખાતે તાલીમ આપી, જેનું યોગદાન તેમની ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકની સફળતામાં નોંધપાત્ર રહ્યું. તેમની સિદ્ધિઓ માટે તેમને અર્જુન એવોર્ડ (2018), વિશિષ્ટ સેવા મેડલ (2020), પદ્મશ્રી, અને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)થી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીરજ ચોપરા પહેલા, એમ.એસ. ધોની, અભિનવ બિન્દ્રા, અને કપિલ દેવ જેવા ખેલાડીઓને પણ ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું છે. ધોનીએ 2019માં કાશ્મીરમાં 15 દિવસની સેવા પણ આપી હતી, જે યુવાનો માટે પ્રેરણાદાયી બની. નીરજનું આ પદ રાષ્ટ્રીય ગૌરવ અને સેના સાથેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે યુવા એથ્લીટ્સને રમતગમત અને રાષ્ટ્રસેવા બંનેમાં પ્રોત્સાહન આપશે.

નીરજ ચોપરા હાલ 2025ની સિઝનની તૈયારી કરી રહ્યા છે, જેની શરૂઆત 16 મે, 2025ના રોજ દોહા ડાયમન્ડ લીગથી થશે. બેંગલુરુમાં આયોજિત નીરજ ચોપરા ક્લાસિક, જે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નું ક્વોલિફિકેશન ઇવેન્ટ હતું, ભારત-પાકિસ્તાન તણાવને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. આ નવું પદ નીરજને રમતગમતની સાથે રાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની નવી દિશા આપશે, જે ભારતના યુવાનો માટે એક ઉજ્જવળ ઉદાહરણ બનશે.

સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થયો. જે 15મી મેના રોજથી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. ગેલેરીમાં 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ છે, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીના ઉદ્ઘાટન સમયે જણાવ્યું કે, “હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી 15મી મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.”કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે.પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ૩૦ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.ભારતના એસ્ટ્રોનોમી એન્ડ  સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. ઉપરાંત 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.

ગુજરાત પોલીસ વિભાગના 105 સિનિયર ક્લાર્કને મળ્યું પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી અને બદલીનો દોર ચાલુ છે. આ ક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 105 સિનિયર કારકુનો (વર્ગ-3)ને મુખ્ય કારકુન તરીકે બઢતી આપવાનો મહત્વનો આદેશ જારી કર્યો છે. આ બઢતી સાથે આ કારકુનોની રાજ્યભરના વિવિધ પોલીસ વિભાગોમાં બદલી પણ કરવામાં આવી છે.

આ નિર્ણયથી પોલીસ વિભાગની વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધશે એવી અપેક્ષા છે. બઢતી પામેલા સિનિયર કારકુનો લાંબા સમયથી ગુજરાત પોલીસમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા, અને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને આ બઢતી આપવામાં આવી છે. મુખ્ય કારકુન તરીકે તેઓ હવે વધુ જવાબદારીઓ સંભાળશે, જેમાં વહીવટી દસ્તાવેજો, રેકોર્ડ વ્યવસ્થાપન અને અન્ય મહત્વની કામગીરીનો સમાવેશ થાય છે.


રાજ્ય પોલીસ વડાએ આ આદેશ 14 મે, 2025ના રોજ જારી કર્યો, અને બઢતી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જવાબદારીઓ સોંપવાની સૂચના આપી. આ નિર્ણયથી પોલીસ વિભાગના કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બદલીની સાથે નવા કાર્યસ્થળો પર આ કર્મચારીઓ પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. આ પગલું ગુજરાત પોલીસની વહીવટી રચનાને મજબૂત કરવાની દિશામાં મહત્વનું ગણાય છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આવા નિર્ણયો લઈને કર્મચારીઓનું મનોબળ વધારવાના પ્રયાસો ચાલુ છે.