Home Blog Page 921

સિંધુ જળ સંધિ પર ફરીથી વિચાર કરવાની પાકિસ્તાનની અરજ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના જળ સંશાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખી અપીલ કરી છે કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે. આ પત્રમાં ભારતને આ નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે. આ પત્ર ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે.

શું છે સિંઘુ જળ સંધિ?

સિંધુ જળ સંધિ સપ્ટેમ્બર, 1960માં તે સમયેના PM પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની મિલિટરી જનરલ અયૂબ ખાન વચ્ચે કરાચીમાં કરવામાં આવી હતી. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે, જ્યારે પાકિસ્તાનને અંદાજે 80 ટકા પાણી મળે છે. ભારત પોતાના હિસ્સામાંથી પણ માત્ર આશરે 90 ટકા જ પાણીનો ઉપયોગ કરે છે.

આ સંધિ મુજબ સિંધુ ખીણને છ નદીઓમાં વિભાજિત કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે એ સહમતી થઈ હતી. આ સંધિ હેઠળ દર વર્ષે સિંઘુ જળ પંચની બેઠક ફરજિયાત છે. આ સંધિ મુજબ, પૂર્વી નદીઓ પર ભારતનો અધિકાર છે, જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનના અધિકાર હેઠળ રાખવામાં આવી છે. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેન્કે કરી હતી. ભારતને ત્રણ પૂર્વી નદીઓ — સતલજ, બ્યાસ અને રાવી મળી છે, જ્યારે પશ્ચિમી નદીઓ — સિંધુ, જેલમ અને ચિનાબ — પાકિસ્તાનના હિસ્સામાં ગઈ છે.

પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “ખૂન અને પાણી એકસાથે વહી શકતા નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાંઓ પર જવાબી કાર્યવાહી હજી સ્થગિત કરી છે. આગામી દિવસોમાં પાકિસ્તાનના દરેક પગલાનું મૂલ્યાંકન કરીશું કે તેનું વલણ શું છે. પાકિસ્તાની સેના અને સરકાર જેમ રીતે આતંકવાદને પોષે છે, તે એક દિવસ પાકિસ્તાને જ ખતમ કરી નાખશે. પાકિસ્તાને જો બચવું છે તો તેના આતંકવાદી માળખાનું સમૂળ નાશ કરવો પડશે, એમ તેમણે કહ્યું હતું.

કર્નલ સોફિયા વિશે વિવાદાસ્પદ નિવેદનઃ HCનો FIR નોંધવા આદેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદનને કારણે હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે તેમની સામે FIR નોંધવા આદેશ આપ્યો છે.  . હાઇકોર્ટના નિર્દેશ મુજબ તેમની વિરુદ્ધ ચાર કલાકની અંદર FIR નોંધાવી જોઈએ.

વાસ્તવમાં, એક કાર્યક્રમ દરમિયાન વિજય શાહે સોફિયાનું નામ લીધા વિના એવું નિવેદન આપ્યું હતું જેનાથી તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા. કોંગ્રેસે પણ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

વિજય શાહે શું કહ્યું હતું?
વિજય શાહે કહ્યું હતું કે  “જેમણે આપણા દીકરીઓના સિંદૂર ઉજાડી દીધા હતા, તે કટેલા-પિટેલા લોકો સામે તેમની જ બહેનને મોકલીને તેમની ઐસીતેસી કરી. તેમણે કપડાં ઉતારીને આપણા હિન્દુઓને માર્યા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસીતૈસી કરવા માટે આપણા વિમાનમાં બેસાડીને તેમના ઘરે મોકલ્યા. તેમણે નામ લીધા વગર કર્નલ સોફિયાના ધર્મને લઈને ટિપ્પણી કરી હતી, જેથી સોશિયલ મિડિયા પર તેમને બહુ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે આ મામલાનું સ્વયં માહિતી લઈને વિજય શાહને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કહ્યું કે ચાર કલાકની અંદર તેમની વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ. આ મામલાની આગલી સુનાવણી આવતી કાલે થશે. બીજી બાજુ, વિજય શાહે આ વિવાદાસ્પદ નિવેદન માટે માફી પણ માગી લીધી છે.

બાંગ્લાદેશીઓ માટે નકલી દસ્તાવેજો બનાવનાર એજન્ટ ઝડપાયા, ATSની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણની ધરપકડ બાદ ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓએ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ATSએ આ મામલે નારોલ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી નાગરિક રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ અને નકલી ડોક્યુમેન્ટ્સ બનાવનાર એજન્ટ રોબ્યુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આરોપીઓ નારોલમાં મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલી અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બાંગ્લાદેશીઓ અને અન્ય લોકો માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા. રાણા સરકારે પોતાના ખોટા આઈડી પ્રૂફનો ઉપયોગ કરી ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો હતો. આરોપીની ‘વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર’ નામની દુકાનમાંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ્સ જપ્ત કરાયા છે.

પૂછપરછમાં ખુલાસો થયો કે, આરોપીઓએ શહેઝાદ ખાન પઠાણ, ગીતા સોલંકી અને કમરૂદ્દીનના લેટરપેડનો ઉપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા, જેના આધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય નાગરિક તરીકે ઓળખ મેળવી રહ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકીય નેતાઓની સંડોવણી અને ડોક્યુમેન્ટ ફોર્જરીના નેટવર્ક પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ATSએ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી), 336(2) (દસ્તાવેજોમાં નકલીપણું) અને 351(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ શરૂ કરી છે.

રાજુલા નજીક ત્રિપલ અકસ્માત, ત્રણનાં મોત

ગુજરાતમાં દિન પ્રતીદિન રોડ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે થયો. પ્રાપ્ત માહિતી અનુસાર, રોંગ સાઇડથી આવતી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાઈ, જેના કારણે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનાં મોત થયાં. આ દરમિયાન, બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી, અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ અને એસ.ટી. ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આસપાસના લોકોનું ટોળું પણ એકઠું થયું. મૃતકો દીવથી પરત ફરતા પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું. પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 (બેદરકાર ડ્રાઇવિંગ) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ અકસ્માતે નેશનલ હાઇવે પર ટ્રાફિક સલામતીના મુદ્દે ફરી ચિંતા ઉભી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઝડપ નિયંત્રણના અભાવે આવા બનાવો વધી રહ્યા છે. પોલીસે ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ઝડપ મર્યાદામાં વાહન ચલાવવા અપીલ કરી છે.

ઓપરેશન સિંદૂર’ પરની પોસ્ટ મામલે સરકારી કર્મચારીની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના બોટાદ જિલ્લામાં એક સરકારી કર્મચારીને ‘ઓપરેશન સિંદૂર’ અંગે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ પોસ્ટ રાષ્ટ્રીય એકતા સામે હતી અને લોકોમાં ડર તથા ગેરસમજ ફેલાવનારી હતી. આરોપીની ઓળખ 27 વર્ષના પટવારી કુણાલ પટેલ તરીકે થઈ છે, જે બોટાદ જિલ્લાના ધ્રુફણિયા ગામે તલાટી-કમ-મંત્રીએ તરીકે કાર્યરત હતા. આ પદ રાજ્ય પંચાયત વિભાગમાં વર્ગ-3ની નોકરી માનવામાં આવે છે.  ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત હતી પોસ્ટ

ડેપ્યુટી એસ.પી. મહાર્ષિ રાવલે માહિતી આપી કે સોશિયલ મિડિયા મોનિટરિંગ દરમિયાન જિલ્લા સાઇબર ટીમે ‘X’ (પૂર્વે ટ્વિટર) પર કૃપાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક પોસ્ટ જોઈ હતી. આ પોસ્ટ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદીઓ પર કરેલી સ્ટ્રાઇક સંબંધિત હતી.

ડર ફેલાવનારી પોસ્ટ ગણવામાં આવી

ડેપ્યુટી એસ.પી.ના જણાવ્યા મુજબ આરોપીની પોસ્ટ રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ હતી અને દેશમાં ડર તથા ગભરાટ ફેલાવનારી હતી. આ મામલે બોટાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 353 (2) અને 197 (1) (d) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મૂળ અમદાવાદનો વતની છે અને હાલમાં બોટાદના ગઢડામાં રહે છે. સરકારે સોમવારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ બાદ સોશિયલ મિડિયા પર દેશવિરોધી અને સેનાનું મનોબળ ઘટાડે તેવી પોસ્ટ કરનારાઓ સામે કુલ 14 લોકો વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે.

પર્સનલ લોન હવે સરળતાથી નહીં મળે

ભારતીય રિઝર્વ બેંક (RBI) કોલેટરલ વિના આપવામાં આવતી વ્યક્તિગત લોન, જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. અસુરક્ષિત લોનમાં ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. આરબીઆઈ આ અંગે ચિંતિત છે. નવેમ્બર 2023 માં, RBI એ આ લોન પર જોખમનું વજન 100% થી વધારીને 125% કર્યું હતું, પરંતુ હવે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

ક્રેડિટ સ્કોર પર આધારિત લોન

RBI એ બેંકોને તેમની ધિરાણ નીતિઓ કડક બનાવવા સૂચના આપી છે. લોન લેનારના ક્રેડિટ સ્કોરના આધારે મહત્તમ લોન મર્યાદા નક્કી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ હોમ લોન કે ઓટો લોન લીધી હોય, તો બેંકોએ પર્સનલ લોન આપતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

રિટેલ લોનના ઝડપી વિકાસ અંગે RBI ચિંતિત

બેંકો સાથેની વાતચીતના આધારે, NDTV પ્રોફિટને જાણવા મળ્યું છે કે RBI રિટેલ લોનના ઝડપી વિકાસ અને તેમાં સામેલ જોખમો અંગે ચિંતિત છે. માર્ચ 2024 માં વ્યક્તિગત લોનમાં વાર્ષિક વૃદ્ધિ 14% હતી (ગયા વર્ષના સમાન સમયગાળામાં 17.6%). ખાનગી બેંકો હજુ પણ આ લોન ઝડપથી આપી રહી છે, જ્યારે સરકારી બેંકોનું ધ્યાન ઓછું છે.

RBI રિપોર્ટના મુખ્ય મુદ્દા

ડિસેમ્બર 2023 ના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, ખાનગી બેંકોમાં લોન રાઈટ-ઓફની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે જોખમનો સંકેત છે.

RBI નું આગામી પગલું

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં (આગામી 15 દિવસમાં) આ નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડે તેવી શક્યતા છે. બેંકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ લોન અંગે વધુ સાવધ રહેશે અને ફક્ત લાયક દેવાદારોને જ લોન આપશે. RBIનું આ પગલું સામાન્ય લોકોને વધુ પડતી લોન લેતા અટકાવવા અને બેંકિંગ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે છે.

અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!

અમદાવાદ : અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) સતત અવનવા કિર્તીમાન હાંસલ કરવામાં અગ્રેસર રહ્યું છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) મૂલ્યાંકનમાં AVMA ટોપ રેટીંગ ધરાવતી શાળાઓમાં AVMA ઉચ્ચ ક્રમે ઉભરી આવ્યું છે. અદાણી વિદ્યામંદિરે કુલ 250 માંથી 232 નો ઉત્કૃષ્ટ સ્કોર હાંસલ કર્યો છે. વળી તાજેતરમાં આવેલા ધો.10-12 CBSE બોર્ડમાં વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ છે.

દેશની ટોચની રેટિંગ ધરાવતી શાળાઓમાં AVMA એ ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરતા છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ અને સતત સુધારણા પ્રત્યે AVMAની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. NABET માન્યતા ગુણવત્તા ધોરણોના કડક માળખામાં શાળાઓનું મૂલ્યાંકન કરે છે, જેમાં અભ્યાસક્રમ વિતરણ, શાળા નેતૃત્વ, માળખાગત સુવિધાઓ, નવીનતા અને સમાવેશનો સમાવેશ થાય છે.

અદાણી વિદ્યામંદિર ખાતે સમાવેશી શિક્ષણ વિદ્યાર્થીઓને ચમકવાનો મોકળો માર્ગ આપે છે. QCI હેઠળ રાષ્ટ્રીય સ્તરે સર્વોત્તમ ગુણાંક મેળવી AVMA એ નીતિશાસ્ત્ર, સમાનતા અને સશક્તિકરણમાં મજબૂત પાયા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ અનોખી સિદ્ધિ સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ, સમર્પિત શિક્ષકો અને સ્થિતિસ્થાપક વિદ્યાર્થીઓનો પુરાવો છે. જે ભવિષ્ય માટે સામાજિક રીતે જવાબદાર વૈશ્વિક નાગરિકોને ઉછેરવાના શાળાના મિશનને મૂર્તિમંત બનાવે છે.

તાજેતરમાં આવેલા બોર્ડના પરિણામોમાં વિદ્યામંદિરના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 100 ટકા પરિણામ મેળવ્યું છે. વાર્ષિક 1000 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA છેલ્લા 3 વર્ષથી STEM માટે NIE સિંગાપોર સાથે સહયોગ કરી રહી છે. શાળાએ તમામ 17 UNSDG ને કાર્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડ્યા છે.

મૂલ્યાંકન કરતી વેળાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકલ્પોની ડિઝાઈન, શિક્ષકો દ્વારા એક્શન રિસર્ચ, કેમ્પસ કાર્યક્રમો અને તેમાં વિદ્યાર્થીઓનું જોડાણ, ક્રેડિટ પોઈન્ટ સિસ્ટમ થકી સ્વ-શિસ્ત અને સકારાત્મક વર્તન, રિસ્ક રજિસ્ટર વગેરે બાબતોનું બારીકીથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલા, 22 બાળકો સહિત 65નાં મોત

ઈઝરાયલે મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા, જેમાં 65 લોકોનાં મોત થયા, જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલા અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ દ્વારા એક ઈઝરાયલી-અમેરિકી બંધકની મુક્તિના એક દિવસ બાદ થયા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, હમાસને નષ્ટ કરવાના લક્ષ્ય સુધી યુદ્ધ ચાલુ રહેશે, જેનાથી યુદ્ધ વિરામની આશાઓ ધૂંધળી થઈ છે. ઈઝરાયલી સેનાએ જબલિયા વિસ્તારના રહેવાસીઓને ખાલી કરવાની ચેતવણી આપી, ત્યારબાદ હમાસના માળખાને નિશાન બનાવ્યું, પરંતુ હુમલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 52,908 લોકો માર્યા ગયા અને 119,721 ઘાયલ થયા, જ્યારે સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 ગણાવ્યો, જેમાં કાટમાળમાં ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરાયા. હુમલાઓએ ગાઝાના 90% ઘરોને નુકસાન પહોંચાડ્યું, અને મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ છે.

રશિયા, ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઈઝરાયલની યોજનાને ફગાવી, ઈઝરાયલને બે મહિનાથી ચાલતી નાકાબંધી હટાવવા હાકલ કરી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાની મુલાકાત પહેલાં, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું.

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો

એક તરફ વિરાટ કોહલી, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તો બીજી તરફ, રવિન્દ્ર જાડેજા ક્રિકેટના આ સૌથી લાંબા અને સૌથી જૂના ફોર્મેટમાં ઇતિહાસ રચી રહ્યા છે. તેણે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. હવે તમે કહેશો કે રવિન્દ્ર જાડેજા આટલા લાંબા સમયથી સફેદ બોલની ક્રિકેટ કે IPL રમી રહ્યો છે, તો પછી તેણે લાલ બોલની ક્રિકેટ એટલે કે ટેસ્ટમાં ઇતિહાસ કેવી રીતે રચ્યો? તેથી તેણે ટેસ્ટ ઓલરાઉન્ડરોની નવી રેન્કિંગમાં ઇતિહાસ રચી દીધો છે.


રવિન્દ્ર જાડેજા ફરી નંબર વન બન્યા

ICC એ ટેસ્ટ ઓલરાઉન્ડરોની નવી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં રવિન્દ્ર જાડેજા 400 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. હવે, જાડેજાએ બનાવેલો વિશ્વ રેકોર્ડ એ છે કે તે સૌથી લાંબા દિવસો સુધી ICC ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર વન રહ્યો.

રવિન્દ્ર જાડેજા નંબર વન સ્થાન પર રાજ કરી રહ્યા છે!

રવિન્દ્ર જાડેજા 9 માર્ચ 2022 ના રોજ વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડીને વિશ્વના નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા. ત્યારથી ૩૮ મહિના થઈ ગયા છે, રવિન્દ્ર જાડેજા ૧૧૫૨ દિવસથી સતત નંબર વન પોઝિશન પર છે. ૨૦૨૨ માં જ્યારે રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો, ત્યારે આ સિદ્ધિ હાંસલ કરવાની તેની બીજી તક હતી. આનું કારણ એ છે કે તે પહેલાં, તે ઓગસ્ટ 2017 માં પણ એક અઠવાડિયા માટે નંબર વન રહ્યો હતો.

જાડેજાની તેમની સાથે સીધી સ્પર્ધા હતી

નવીનતમ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન સ્થાન જાળવી રાખવા માટે, રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝ સાથે સીધી સ્પર્ધામાં હતા, જેમના 327 રેટિંગ પોઈન્ટ છે. નવા રેન્કિંગમાં, મેહદી હસને માર્કો જેન્સનને હરાવીને નંબર 2 નું સ્થાન મેળવ્યું છે. માર્કો જેન્સન એક સ્થાન ગુમાવીને ત્રીજા નંબરે આવી ગયા છે. તેમના 294 રેટિંગ પોઈન્ટ છે.

પેટ કમિન્સ ચોથા નંબરનો ઓલરાઉન્ડર છે. જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પાંચમા સ્થાને છે. જાડેજા સિવાય ટોપ 10 માં બીજો કોઈ ઓલરાઉન્ડર નથી. તેમના પછી, અક્ષર પટેલ ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં ૧૨મા ક્રમે છે.

દેશની સંરક્ષણ નિકાસમાં એક દાયકામાં 34 ગણો રેકોર્ડ વધારો

નવી દિલ્હીઃ ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં લાંબી છલાંગ ભરી છે. દેશની સંરક્ષણ નિકાસ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. સંરક્ષણ નિકાસ વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ગયા એક દાયકામાં નિકાસમાં ૩૪ ગણો વધારો થયો છે.

સોશિયલ મિડિયા X પર પોતાના ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે રૂ. ૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. એક દાયકામાં તેમાં ૩૪ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. ૬૮૬ કરોડ હતી.

આ વૃદ્ધિ પાછળ ‘આત્મનિર્ભરતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’
સંરક્ષણ નિકાસમાં થયેલી શાનદાર વૃદ્ધિ અંગે સંરક્ષણ મંત્રીના કાર્યાલયનું કહેવું છે કે આ સફળતાની પાછળ દેશમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની ભાવના છે. મંત્રાલયનું કહેવું છે કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમો અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં ઉત્પાદનને લગતા પ્રોત્સાહનનો પણ સમાવિષ્ટ છે. તેનો હેતુ વૈશ્વિક બજારમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવો, નિકાસમાં વધારો કરવો, વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે ભારતને જોડવું અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર સરકારે જે રીતે ભાર મૂક્યો છે, તેની અસર હેઠળ સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. સંરક્ષણ ઉત્પાદન વધતા મોટી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓમાં વિદેશી રોકાણ આવ્યું છે. માત્ર એટલું જ નહીં, સરકારે સંરક્ષણ અને એરોસ્ટેસ મેન્યુફેક્ચરિંગમાં પણ ઘણું મૂડીરોકાણ કર્યું છે. જેને પરિણામે વિશ્વની જાણીતી કંપનીઓ પણ જટિલ સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજી શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. નાણાં મંત્રાલયના ડેટા અનુસાર આ નાણાકીય વર્ષમાં ગોળા-બારુદ, હથિયારો, સબ સિસ્ટમ્સ/સિસ્ટમ્સ સહિત અનેક સંરક્ષણ સાધનો આશરે ૮૦ દેશોમાં નિકાસ કરવામાં આવ્યાં છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સંરક્ષણ નિકાસને પ્રતિ વર્ષ રૂ. ૫૦,૦૦૦ કરોડ સુધી લઈ જવામાં આવે.