Home Blog Page 923

પાકિસ્તાને BSF જવાનને 20 દિવસ પછી પરત કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમકુમારને પરત કર્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા BSF કોન્સ્ટેબલને પરત મોકલી દીધો છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે દેશમાં પરત ફર્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને 23 એપ્રિલે પાકિસ્તાન પહોંચી ગયો હતો, ત્યાર બાદ તેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતો. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. આ પછી, ભારતે સાત મેએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાંઓ પર સચોટ હુમલા કર્યા હતા. પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો હતો. આવી સ્થિતિમાં, સાહુના પરિવારની ચિંતાઓ વધુ વધી ગઈ હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો છે. જોકે યુદ્ધવિરામ પછી, હવે 14 મેએ  BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરાયેલા BSF જવાનને પરત કરવામાં આવ્યો હતો. તે જ સમયે રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક BSF દ્વારા પકડાયેલા એક પાકિસ્તાની રેન્જર જવાનને પણ પરત સોંપવામાં આવ્યો છે.

ગુજરાતમાં માવઠાનું જોર ઘટશે! જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠાનું સંકટ વર્તાય રહ્યું છે. કમોસમી વરસાદ અને ભાર પવનને લઈ ખેડૂતોના પાકમાં પણ ઘણું નુકસાન થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ભર ઉનાળે ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટતા માવઠાનું સંકટ થોડું હડવું થયું છે. મંગળવારે (13 મે) બોટાદના બરવાળા, અમરેલીના ખાંભા, છોટા ઉદેપુરના ક્વાંટ, તાપીના નિઝર અને વલસાડના કપરાડામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ (14-15 મે) રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 14 મેના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવા ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ મોટા વરસાદની આગાહી નથી.

મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.1°C નોંધાયું, જે સામાન્ય કરતાં 3.5°C ઓછું હતું. જોકે, 14 મેથી તાપમાનમાં વધારો થઈ શકે છે, અને ગરમીનો પારો 40°Cને પાર જઈ શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર, 14 થી 19 મે દરમિયાન અમદાવાદનું તાપમાન 41°C થી 42°C વચ્ચે રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ત્યારબાદ ગરમીમાં વધારો થશે.

Cannes 2025માં છવાયો અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો અંદાજ, જુઓ વીડિયો

દુનિયાના સૌથી મોટા ફેશન ઇવેન્ટ્સમાંના એક એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ધમાકેદાર રીતે થઈ ગઈ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મંગળવાર, 13 મે ના રોજ શરૂ થયો હતો અને ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વભરની હસ્તીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાના અસામાન્ય અવતારથી બધાને આશ્ચર્યચકિત કર્યા. દર વખતની જેમ આ વખતે પણ ઉર્વશી રૌતેલાનો કાન્સ લુક હેડલાઇન્સમાં છે. કાન્સના ઉદ્ઘાટન સમારોહમાં અભિનેત્રીએ ખૂબ જ રંગબેરંગી ડ્રેસ પહેર્યો હતો અને હાથમાં પોપટ પકડ્યો હતો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના ઉદ્ઘાટન સમારોહ માટે સ્ટ્રેપલેસ રંગબેરંગી આઉટફિટ પહેર્યો હતો, જે ઘેરા લીલા રંગના બેઝ સાથે રંગબેરંગી શેડ્સથી બનેલો હતો અને તેમાં એક લાંબી ટ્રેઇલ હતી. ઉર્વશીનો આ લુક હવે ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. ગાઉનની કમર પર પેપ્લમ ડિઝાઇન હતી જે તેને એક અનોખો લુક આપી રહી હતી. આ સાથે ઉર્વશીના લુકને હાઇલાઇટ કરવા માટે, ગાઉનની બંને બાજુ હળવા નેટ ફેબ્રિક એટલે કે ટ્યૂલથી પફી લુક બનાવવામાં આવ્યો હતો.

ઉર્વશી રૌતેલાની પોપટ બેગ
પોતાના લુકને પૂર્ણ કરવા માટે ઉર્વશી રૌતેલાએ માથા પર મેચિંગ મુગટ અને કાનમાં મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા. તેણીએ હેવી આઈ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો, પરંતુ તેના પોપટ બેગે બધાનું ધ્યાન ખેંચ્યું. અભિનેત્રીએ જુડિથ લીબર દ્વારા ડિઝાઇન કરાયેલ પોપટ ક્લચ પહેર્યો હતો જેની કિંમત $5,495 એટલે કે રૂ. 4,68,064. 10 છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

લોકોને ઉર્વશીનો લુક કેવો લાગ્યો?
ઉર્વશી રૌતેલાના કાન્સના લુકને ઇન્ટરનેટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. અભિનેત્રીનો લુક જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થયા, તો કેટલાકે તેની પ્રશંસા કરી. એક યુઝરે અભિનેત્રીના લુકની મજાક ઉડાવતા કહ્યું, ‘આટલી સુંદર, એટલી શાલીન, તે કોઈ ડિઝાઇન મશીન સ્ટુડિયો જેવી લાગે છે.’ બીજા એક યુઝરે લખ્યું – ‘તે પોપટ સાથે ભવિષ્ય કહેવા ગઈ છે.’ તે જ સમયે, એક યુઝરે લખ્યું – ‘મયુર વિહાર મૌલિન રૂજને મળે છે’. બીજાએ લખ્યું: ‘તે ડાકણ જેવી લાગે છે.’

PoKનો છોડ્યો મોકો, મોદીનો દેશ સાથે ધોકો’: આપ પાર્ટી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય અથડામણ પછી બંને દેશોએ સીઝફાયર માટે સંમતિ જાહેર કરી હતી. જોકે સીઝફાયરની જાહેરાત બાદ મોદી સરકાર વિપક્ષને નિશાને આવી ગઈ છે. વિપક્ષ સતત સીઝફાયરને મુદ્દે ભાજપ સરકારની ટીકા કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મામલે આકરા સવાલો કર્યાછે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હીના ઓખલા વિસ્તારમાં મોદી ફ્લોર મિલ્સ પાસેના ફૂટઓવર બ્રિજ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.  તેમની પાસેના એક બેનર પર લખેલું હતું: “PoKનો છોડ્યો મોકો, મોદીનો દેશ સાથે ધોકો.”

સીઝફાયરની જાહેરાત અમેરિકા કરતાં ભારતની અખંડિતતા પર હુમલો છે: આપ

રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. આ ભારતની અખંડિતતા પર આકરો પ્રહાર છે. ભારતીય સેના પાસે PoK પર કબજો જમાવવાનો અને બલૂચિસ્તાનને અલગ કરવાની મોટી તક મળી હતી.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં 78 વર્ષથી પાકિસ્તાનના મામલે ભારતે ક્યારેય તૃતીય પક્ષની મધ્યસ્થતા સ્વીકારી નથી, તો આજે અમેરિકા કઈ રીતે આવી ગયું? ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આપણા સ્વાભિમાન, અખંડિતતા અને સન્માન સાથે છેડછાડ કરવા કોઈને મંજૂરી આપી શકાય નહીં, એમ તેમણે કહ્યું હતું.

બટેટા – કાંદા મસાલા પુરી

ધાર્યું ન હોય તેટલી સહેલાઈથી બને અને સ્વાદમાં પણ કંઈક હટકે બને છે, કાચાં બટેટા – કાંદાની ક્રિસ્પી મસાલા પુરી!

સામગ્રીઃ

  • કાંદા 2
  • બટેટા 2
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 3-4
  • લસણની કળી 4-5
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • અજમો 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ

રીતઃ કાંદા તેમજ બટેટાને છોલીને ધોઈને નાના ચોરસ ટુકડામાં સમારી લો. લીલા મરચાંને 2 ટુકડામાં સમારી લઈ આદુ-લસણ પણ ઉમેરીને મિક્સીમાં તેનું બારીક મિશ્રણ બનાવી લો.

આ મિશ્રણ એક મોટા બાઉલમાં કાઢી લો. તેમાં લાલ મરચાં પાઉડર, ચિલી ફ્લેક્સ, કાળા મરી પાઉડર, હળદર, અજમો, ચાટ મસાલો, ધાણાજીરૂ, સફેદ તલ, સમારેલી કોથમીર મેળવી દો. હવે આ મિશ્રણમાં ઘઉંનો લોટ હળવે હળવે ચમચા વડે મેળવતા રહો. જ્યાં સુધી તે રોટલીના લોટ જેવો ઘટ્ટ બંધાવા ન આવે. લોટ બંધાઈ જાય એટલે તેને થોડું તેલનું મોણ આપી દો.

આ લોટમાંથી પુરી વણીને તેલમાં તળી લો. ગેસની આંચ મધ્યમ રાખવી.

આ પુરી રાઈતા, અથાણાં, ચટણી કે દહીં સાથે પીરસો.

વાહ ભાઈ વાહ! – ૧૪ મે ૨૦૨૫

૧૪ મે ૨૦૨૫

પંચાંગ 14/05/2025

અમદાવાદમાં મીટર ન લગાવનાર રિક્ષા ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે 1 જાન્યુઆરી, 2025થી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ રાખવું ફરજિયાત કર્યું હતું. જોકે, મોટાભાગના રિક્ષા ચાલકોએ આ નિયમનું પાલન ન કરતાં શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. અત્યાર સુધીમાં મીટર વગર ચાલતી 28,112 રિક્ષાઓ વિરુદ્ધ ₹1.56 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે રિક્ષા ચાલકોને અપીલ કરી છે કે, તેઓ મીટર ફરજિયાત લગાવે જેથી દંડ અને કાનૂની કાર્યવાહીથી બચી શકે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો મળી હતી. 1 જાન્યુઆરીથી મીટર વગર રિક્ષા ચલાવનાર સામે દંડ થશે, બીજી વખત ઉલ્લંઘન થાય તો પરમિટ રદ અને રિક્ષા ડિટેઇન થશે. રિક્ષા ચાલકો દર વર્ષે RTOમાં રિન્યૂઅલ વખતે મીટર લગાવે છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરતા.

સામાન્ય નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈને આ નિયમ લાગુ કરાયો હતો. રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદોને પગલે નાગરિકોની સુવિધા માટે મીટર ફરજિયાત કરવામાં આવ્યું. નિયમના અમલ પહેલાં ચાલકોને 31 ડિસેમ્બર, 2024 સુધી મીટર લગાવવા સમય આપવામાં આવ્યો હતો. હવે મુસાફરો માટે મીટર પ્રમાણે ભાડું નક્કી કરવું ફરજિયાત છે.

સોનુ નિગમે ખખડાવ્યો કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો, ફરિયાદ રદ કરવાની માંગ કરી

સોનુ નિગમ પર તાજેતરમાં બેંગલુરુમાં તેમના કોન્સર્ટ દરમિયાન કન્નડ લોકો વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ મામલે ગાયકે કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે પોતાની સામે નોંધાયેલ ફોજદારી કેસ રદ કરવાની માંગ કરી છે.

સુનાવણી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સોનુ નિગમે જસ્ટિસ શિવશંકર અમરન્વરની વેકેશન બેન્ચ સમક્ષ તેમની સામે નોંધાયેલા કેસને રદ કરવા માટે તેમની અરજી સૂચિબદ્ધ કરી. હાલમાં આ કેસની સુનાવણી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ મામલો 25 એપ્રિલે બેંગ્લોરની એક એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત સોનુ નિગમના કોન્સર્ટ દરમિયાન શરૂ થયો હતો.

શું હતો મામલો, કેવી રીતે શરૂ થયો વિવાદ?
કોન્સર્ટ દરમિયાન કેટલાક પ્રેક્ષકોએ સોનુ નિગમને કન્નડમાં ગાવાની વિનંતી કરી. અહેવાલો અનુસાર, ગાયકે વિનંતીને નકારી કાઢી. તેમણે લોકોની આ વિનંતી પર નારાજગી પણ વ્યક્ત કરી. સોનુ નિગમ પ્રમાણે તેમણે ધમકી દ્વારા ગાવાની વિનંતી કરવાનો આરોપ લગાવ્યો હતો. સોનુ નિગમે તેને પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના સાથે જોડ્યા હોવાના અહેવાલ છે. આ પછી, લોકોએ સોનુ નિગમની આ ટિપ્પણી પર ફરિયાદ નોંધાવી. સોશિયલ મીડિયા પર પણ તેમની ઘણી ટીકા થઈ હતી.

સોનુ નિગમે જાહેરમાં માફી માંગી
બાદમાં સોનુ નિગમે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી. તેમણે કન્નડ લોકો પ્રત્યે આદર અને પ્રશંસા વ્યક્ત કરી. તેમણે એક અલગ પોસ્ટ શેર કરીને માફી પણ માંગી.

ફરિયાદ કોણે નોંધાવી?
તમને જણાવી દઈએ કે, 2 મેના રોજ કર્ણાટક રક્ષા વેદિક (નારાયણ ગૌડા જૂથ)ના બેંગલુરુ સિટી ડિસ્ટ્રિક્ટ યુનિટના પ્રમુખ ટીએ ધર્મરાજે આ ટિપ્પણી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અવલાહલ્લી પોલીસે 3 મેના રોજ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની અનેક જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો. બાદમાં સોનુ નિગમે જાહેર નિવેદન જારી કરીને માફી માંગી. જોકે, આ કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ છે. હવે સોનુ નિગમે કર્ણાટક હાઈકોર્ટમાં કેસ રદ કરવા માટે અરજી દાખલ કરી છે.