Home Blog Page 924

IPL 2025: શું ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ બાકી મેચ માટે ભારત પરત આવશે ?

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 9 મે, 2025ના રોજ BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું હતું, જેનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા અને યુદ્ધ જેવી સ્થિતિ હતી. BCCIએ જણાવ્યું હતું કે આવા સમયે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી. 10 મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી, જેના પગલે BCCIએ 17 મેના રોજ IPL ફરી શરૂ કરવાની જાહેરાત કરી અને નવું શેડ્યૂલ જાહેર કર્યું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ જણાવ્યું કે તે ખેલાડીઓના વ્યક્તિગત નિર્ણયોનું સમર્થન કરશે કે તેઓ IPL માટે ભારત પાછા ફરવા માંગે છે કે નહીં. CAએ નિવેદનમાં કહ્યું, “અમે ખેલાડીઓના નિર્ણયોને સમર્થન આપીશું અને જે ખેલાડીઓ IPL રમવાનું પસંદ કરશે, તેમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની તૈયારી માટે ટીમ મેનેજમેન્ટ કામ કરશે. અમે સુરક્ષા અંગે ઓસ્ટ્રેલિયન સરકાર અને BCCI સાથે સંપર્કમાં છીએ.”

જોકે, કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, જેમ કે જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક, સુરક્ષા ચિંતાઓ અને 11 જૂનથી લોર્ડ્સમાં શરૂ થતી WTC ફાઇનલની તૈયારીઓને કારણે IPLમાં પાછા નહીં ફરે. પેટ કમિન્સ, જે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન છે, તેમની ટીમ માટે મહત્વના હોવાથી પાછા ફરવાની શક્યતા છે, પરંતુ આ અંગે નિશ્ચિત માહિતી નથી.

IPL સ્થગિત થતાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ શુક્રવાર અને શનિવારે (9-10 મે) પોતપોતાના દેશોમાં પાછા ફરી ગયા હતા. BCCIએ ફ્રેન્ચાઇઝીઓને 13 મે સુધીમાં ખેલાડીઓને પાછા બોલાવવા જણાવ્યું છે. જોકે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ માટે WTC ફાઇનલની તૈયારીઓ મહત્વની છે, જેના કારણે કેટલાક ખેલાડીઓ પાછા ન ફરે તેવી શક્યતા છે. ગુજરાત ટાઇટન્સના જોસ બટલર અને ગેરાલ્ડ કોએટ્ઝી સિવાયના વિદેશી ખેલાડીઓ ભારતમાં જ રહ્યા હતા અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3.5 કલાકની નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો.

પાકિસ્તાન PoK ખાલી કરે… ભારતનો કડક સંદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ બાદ, વિદેશ મંત્રાલયે હવે ભારત સરકાર વતી એક ઔપચારિક નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચેના તમામ મુદ્દાઓ ફક્ત દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલાશે અને ભારત જમ્મુ અને કાશ્મીર પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું કે તાજેતરની લશ્કરી કાર્યવાહીએ પાકિસ્તાનને ફરીથી વિચારવા માટે મજબૂર કર્યું છે. કડક વલણ અપનાવતા, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવું પડશે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. જેમ તમે જાણો છો, પેન્ડિંગ મામલો ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે કરારની ચોક્કસ તારીખ, સમય અને શબ્દો 10 મે, 2025 ના રોજ 3.35 વાગ્યે બંને દેશોના DGMO વચ્ચે ફોન પર ચર્ચા દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયને પાકિસ્તાની હાઈ કમિશન તરફથી આ કોલ માટેની વિનંતી બપોરે ૧૨.૩૭ વાગ્યે મળી. ટેકનિકલ કારણોસર, પાકિસ્તાની પક્ષને ભારતીય પક્ષ સાથે હોટલાઇન જોડવામાં શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ પછી, ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે સમય ૧૫.૩૫ નક્કી કરવામાં આવ્યો.

તેમણે વધુમાં કહ્યું કે તમે ચોક્કસ સમજી શકશો કે 10મી તારીખે સવારે અમે પાકિસ્તાની વાયુસેનાના મુખ્ય ઠેકાણાઓ પર ખૂબ જ અસરકારક હુમલો કર્યો હતો. આ જ કારણ હતું કે તેઓ હવે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા તૈયાર હતા. હું સ્પષ્ટ કરી દઉં કે ભારતીય શસ્ત્રોની તાકાતને કારણે પાકિસ્તાને ગોળીબાર બંધ કર્યો.

હું એવી ફિલ્મ કરવા માંગતો હતો જે મને માન આપે: સૂરજ પંચોલી

પીઢ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર અને અભિનેતા સૂરજ પંચોલી આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘કેસરી વીર’ને લઈને સમાચારમાં છે. ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન સૂરજ પંચોલીએ પોતાની કારકિર્દી વિશે વાત કરી. તેમણે અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ પછી આવતી મુશ્કેલીઓ વિશે પણ ખુલીને વાત કરી.

સૂરજે જણાવ્યું કે તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે

પીટીઆઈ સાથેની તાજેતરની વાતચીતમાં, સૂરજ પંચોલીએ કહ્યું, “હું ઘણી સ્ક્રિપ્ટો સાંભળી રહ્યો હતો, પણ હું એવી ફિલ્મ કરવા માંગતો હતો જેનાથી મને માન મળે. કેમેરાની પાછળ કે સામે જે કોઈ કામ કરે છે, તે બધા ખૂબ જ સખત મહેનત કરે છે. જ્યારે તમારા કામની પ્રશંસા ન થાય, ત્યારે તમે ખરેખર નિરાશ થાઓ છો. તેથી હું એવી ફિલ્મ કરવા માંગતો હતો જે લોકો કહે કે ઠીક છે, કદાચ સૂરજ સક્ષમ છે.”

અભિનેતાએ આગળ કહ્યું, “હું ફિલ્મોમાં કામ શરૂ કરતા પહેલા મારા જીવનને પાટા પર લાવવા માંગતો હતો. હું એક દિવસ બેઠો અને મારા માતાપિતા સાથે વાત કરી. મેં કહ્યું કે મને આ કામ પૂર્ણ કરવા દો, હું પછી કામ કરીશ. હું જે ઇચ્છું તે કરીશ, પણ પહેલા મને આ કામ પૂર્ણ કરવા દો. ભગવાનનો આભાર કે હવે મારું આ બધું પૂર્ણ થઈ ગયું છે. ‘કેસરી વીર’ પહેલી ફિલ્મ છે જે મેં તાજા, ખુલ્લા અને કેન્દ્રિત મન સાથે કરી છે. હું ફક્ત કેવી રીતે પ્રદર્શન કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. સારી વસ્તુઓમાં સમય લાગે છે.”

આથિયા શેટ્ટી સાથે ફિલ્મ ‘હીરો’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સૂરજ પંચોલી હવે આથિયાના પિતા સુનીલ શેટ્ટી સાથે ‘કેસરી વીર’ માં જોવા મળશે. આ અંગે સૂરજ કહે છે, “આથિયાએ મારા પિતા સાથે ‘હીરો’માં કામ કર્યું હતું અને હવે હું સુનીલ સર સાથે કામ કરી રહ્યો છું. તો, બધું પાછું આવી રહ્યું છે. મારા જીવનને ફરીથી શરૂ કરવા માટે આ ફિલ્મથી વધુ સારું કંઈ નથી.”

‘કેસરી વીર’ 23 મેના રોજ રિલીઝ થશે

‘કેસરી વીર’માં સૂરજ પંચોલી સાથે સુનીલ શેટ્ટી, આકાંક્ષા શર્મા અને વિવેક ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રિન્સ ધીમન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

જિયા ખાનના આત્મહત્યા કેસમાં તેમનું નામ જોડાયું હતું

સૂરજ પંચોલી પર 2013 માં તેની ગર્લફ્રેન્ડ જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. મુંબઈની એક ખાસ CBI કોર્ટે 2023 માં પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

ગેમિંગની લતઃ વ્યક્તિએ માતા-પિતા અને બહેનની હત્યા કરી

નવી દિલ્હીઃ કેરળની એક જિલ્લા કોર્ટે કૈડેલ જીનસન રાજા નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2017માં આ વ્યક્તિ પર ત્રણ દિવસની અંદર પોતાની માતા, પિતા, બહેન અને કાકીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. 35 વર્ષના આ શખસને એક દિવસ અગાઉ આ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ 2017ની પાંચથી આઠ એપ્રિલ વચ્ચે આ હત્યાઓને અંજામ આપી હતી. ન્યાયાધીશ કે. વિષ્ણુએ કૈડેલને રૂ.15 લાખનો દંડ ભરવાનો પણ હુકમ આપ્યો છે. આ દંડ તેનો કાકા જોસ સુંદરમને ચૂકવવાનો રહેશે.

આ ભયાનક હત્યાકાંડ અંગે આરોપી કૈડેલ જીનસન રાજાએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને હત્યાઓ એક ગુપ્ત પ્રયોગનો ભાગ હતી. બીજી તરફ, સરકારી વકીલ તરફથી સાબિત કરવામાં આવ્યું કે આ ગુનો યોજના સાથે કરવામાં આવ્યો હતો અને એ તેના પરિવાર સામેના ગુસ્સાને કારણે થયો હતો.

સરકારી વકીલોએ દાવો કર્યો કે કૈડેલ વિદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો ન કરી શકવાને કારણે નિરાશ હતો. તે પોતાના શ્રીમંત પરિવારમાં એકલવાયો રહેવાને કારણે ગુસ્સામાં હતો. ઉપરાંત તે હિંસક વિડિઓ ગેમ્સ અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

વિડિયો ગેમ બતાવવાને બહાને કરી હત્યા

5 એપ્રિલે કૈડેલે તેનાં માતા, પિતા અને બહેનને પોતાના રૂમમાં બોલાવી કહ્યું કે તે એક નવી વિડિયો ગેમ બતાવવાનો છે, જે તેણે બનાવી છે તેમ દાવો કર્યો. પછી તેણે ઓનલાઇન ખરીદેલા છરીથી તેમના પર હુમલો કર્યો. ત્યાર પછીના 48 કલાકમાં તેણે પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા. જ્યારે ઘરકામ કરનાર મહિલા આવી, ત્યારે તેણે કહ્યું કે બધા સભ્યો ઘરની બહાર ગયા છે અને તે પોતાનું ભોજન બહારથી મગાવશે. 8 એપ્રિલે રાત્રે કૈડેલે પોતાના માતા, પિતા અને બહેનના મૃતદેહોને સળગાવ્યા, પણ આગ પર નિયંત્રણ રહી ન ગયું. તે પછી કેડેલ લગભગ 800 કિલોમીટર દૂર ચેન્નઈ ભાગી ગયો હતો.

અમરેલીમાં ગેરકાયદે મદરેસા પર બુલડોઝર કાર્યવાહી, મૌલાનાના પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો

અમરેલી: જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે મદરેસા પર 13 મેના રોજ વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ મદરેસામાં રહેતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રૂપ મળી આવ્યા હતા, જેના કારણે તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે મહત્વનો ખુલ્લાસો રેવન્યુ વિભાગની તપાસમાં થયો કે, મદરેસા સરકારે લાભાર્થીઓને મફત ફાળવેલા પ્લોટ પર ગેરકાયદે બાંધવામાં આવી હતી. આ જમીન સરકારી હોવાથી વહીવટી તંત્રએ તાત્કાલિક ડિમોલિશનનો નિર્ણય લીધો. કાર્યવાહી દરમિયાન સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ રીતે મદરેસાને તોડી પાડવામાં આવી.

અમરેલીના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ 2 મે, 2025ના રોજ મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની ધરપકડ કરી હતી, જ્યારે તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપ મળી આવ્યા. મૌલાની પાસે નિવાસના પુરાવા પણ ન હતા, જેના કારણે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ તપાસ હાથ ધરી. હાલ ATS રાષ્ટ્રીય સુરક્ષા અંગે મૌલાની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે

નખત્રાણા સમૂહલગ્નમાં મહંત પર હુમલો, સાત શખ્સો સામે ફરિયાદ

કચ્છના નખત્રાણા નજીક નાગલપુર ખાતે ગુરુ ગરવા સમાજ દ્વારા 18મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરીમાં સાત શખ્સોએ સ્ટેજ પર ચડીને કુકમા આશ્રમના મહંત રામગિરી બાપુ પર હિચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. મહંતે મુખ્ય આરોપી વકીલ રમણિક શાંતિલાલ ગરવા સહિત સાત શખ્સો સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગંભીર કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.

ઘટના દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં હુમલો થયો. મહંતે ફરિયાદમાં જણાવ્યું કે, રમણિક ગરવાએ એક વર્ષ પહેલાં આશ્રમ ખાતે આવી માથાકૂટ કરી હતી, જેના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ હુમલો જૂની અદાવતનું પરિણામ હોવાનું મનાય છે.

આરોપીઓએ સમૂહલગ્નમાં વિઘ્ન ઊભું કરવા વોટ્સએપ ગ્રૂપ બનાવી, ભડકાઉ સંદેશાઓ ફેલાવી મહેમાનોનું અપમાન કરવાની અને ઝઘડો કરવાની ધમકી આપી હતી. આની જાણ થતાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો, પરંતુ હુમલો રોકી શકાયો નહીં. પોલીસે હુમલાનો વીડિયો વાયરલ થયા બાદ તપાસ તેજ કરી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આઘાત અને ચર્ચા જન્માવી છે.

અમિતાભની દોહિત્રી નવ્યા નવેલીએ અમદાવાદ IIMને ગણાવ્યું ઘર, જુઓ ફોટોઝ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ આજે ​​સોશિયલ મીડિયા પર તેમના કેમ્પસની ઘણી ખાસ તસવીરો શેર કરી છે, જે કેમ્પસની અંદરની છે. આ તસવીરોમાં નવ્યા તેના મિત્રો સાથે મસ્તી કરતી અને સેલ્ફી લેતી જોવા મળી રહી છે. નવ્યાએ તેના શૈક્ષણિક જીવનની ખાસ ઝલક આપી જ્યાં તે એક અભ્યાસ કરી રહી છે.

અમિતાભની દોહિત્રી નવ્યા અમદાવાદ IIMમાં અભ્યાસ કરી રહી છે. તેણીએ કેમ્પસ અંદરની ઝલક બતાવી છે. તસવીરોમાં નવ્યાએ તેના રોજિંદા કોલેજ જીવનની ઝલક આપતી ઘણી અદ્ભુત તસવીરો શેર કરી છે, જે તેના દાદા અમિતાભ બચ્ચનના ગ્લેમરસ જીવનથી સંપૂર્ણપણે અલગ અને ઘણી દૂર છે.

આ બધી તસવીરોમાં નવ્યાના અલગ અલગ મૂડ અને ચહેરાના હાવભાવ જોવા મળ્યા. આ બધા ફોટોઝ તેના અદ્ભુત કોલેજ જીવનને દર્શાવે છે. ઘણી તસવીરોમાં નવ્યા તેના મિત્રો સાથે ઉત્સાહિત દેખાય છે તો કેટલીક તસવીરોમાં તે હસતી અને વાતો કરતી પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

મિત્રો સાથે નવ્યાના ખાસ ફોટા

નવ્યા શ્વેતા બચ્ચન નંદા અને ઉદ્યોગપતિ નિખિલ નંદાની પુત્રી છે. શ્વેતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પુત્રી છે અને નવ્યા અમિતાભની દોહિત્રી છે. નવ્યાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “એક કેમ્પસ જે ઘરમાં ફેરવાઈ ગયું.” આ પોસ્ટની સાથે, નવ્યાએ હાર્ટ ઈમોજી શેર કર્યુ છે.

નવ્યાએ કેમ્પસની હરિયાળી, લોબી અને ખાસ મેગીના ફોટા પણ શેર કર્યા

નવ્યાના કેમ્પસની લાલ ઈંટની દિવાલો અને મિત્રતા અને મસ્તીથી ભરપૂર આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે કારણ કે આ તસવીરો કુદરતી છે. નવ્યાની માતા શ્વેતા બચ્ચને ઇમોજી દ્વારા આ તસવીરો પર ટિપ્પણી કરી અને લખ્યું, “મમ્મ…”

શહેરમાં પાળતુ કૂતરાએ ચાર માસની બાળકીને ફાડી ખાધી

અમદાવાદઃ દેશનાં નાનાં-મોટાં શહેરોમાં કૂતરાં પાળવાનું ચલણ વધતું જાય છે. જોકે પાળતુ કૂતરાના ત્રાસના લીધે સોસાયટીઓ અને ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાળતુ કૂતરા ચાર મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી. પાળતુ કૂતરાએ બાળકીને બચકાં ભરી ફાડી નાખતાં આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો છે અને પાળતુ કૂતરાને લઇને ભારે ફફડાટ વ્યાપી ગયો હતો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાળતુ કૂતરા લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક કૂતરો હાથમાંથી છટકી ગયો હતો અને તેણે યુવતી અને ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ દુર્ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

નવા કાયદામાં શું છે સજાની જોગવાઈ

હકીકતમાં નવા કાયદા બાદ જો તમારો કૂતરો કોઈને કરડે તો તમારા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 291 હેઠળ કેસ દાખલ થઈ શકે છે, તેમાં છ મહિનાની જેલ કે 5000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં જેલ અને દંડ બંને સજાઓ થઈ શકે છે. હવે તે કોગ્નિઝેબલ (Cognizable) ગુનો છે. તેવામાં FIR જરૂર દાખલ થશે.

આદમપુર એરબેઝ પરથી PM મોદીનો હુંકાર

પ્રધાનમંત્રી મોદી આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઓપરેશન સિંદૂરમાં સામેલ ભારતીય સેનાના સૈનિકોને મળ્યા. આ પછી, સૈનિકોને સંબોધિત કરતા, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આખી દુનિયાએ ભારત માતા કી જયની શક્તિ જોઈ છે. ભારત માતા કી જય બોલતા જ દુશ્મનો ધ્રૂજવા લાગે છે. ભારત માતા કી જય મેદાનમાં અને મિશનમાં ગુંજતો રહે છે. આપણી સેના પરમાણુ ખતરાને ઓછો કરે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજથી ઘણા દાયકાઓ પછી પણ, જ્યારે ભારતની આ વીરતાની ચર્ચા થશે, ત્યારે તમે અને તમારા સાથીઓ તેનો સૌથી અગ્રણી પ્રકરણ હશો. તમે બધા દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે એક નવી પ્રેરણા બન્યા છો. આજે, વીરોની આ ભૂમિ પરથી, હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો અને બીએસએફના આપણા નાયકોને સલામ કરું છું. તમારી બહાદુરીને કારણે, ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે છે. દરેક ભારતીય તમારી સાથે રહ્યો છે. આજે દેશનો દરેક નાગરિક પોતાના સૈનિકોના પરિવારોનો આભારી છે.

ઓપરેશન સિંદૂર એ નિર્ણાયકતાનો ત્રિમૂર્તિ છે: PM મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય કાર્ય નહોતું. આ ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણય લેવાની ક્ષમતાનો સંગમ છે. ભારત યુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદ સિંહજીની પણ. ધર્મ સ્થાપિત કરવા માટે શસ્ત્રો ઉપાડવાની આપણી પરંપરા છે. જ્યારે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા, ત્યારે આપણે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસી ગયા અને તેમને કચડી નાખ્યા. તેઓ કાયરની જેમ છુપાઈ રહ્યા પણ તેઓ એ દિવસ ભૂલી ગયા જ્યારે તેમણે ભારતીય સેનાને પડકાર ફેંક્યો હતો.

પીએમએ સૈનિકોને કહ્યું કે તમે સામેથી હુમલો કરીને તેમને મારી નાખ્યા. તમે આતંકવાદના બધા મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યો. 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકના માસ્ટર્સ હવે સમજી ગયા છે. જો ભારત આંખો ઊંચી કરશે તો એક જ પરિણામ આવશે અને તે છે વિનાશ.

ભારતીય દળોએ પાકિસ્તાનને હરાવ્યું: PM મોદી

પીએમએ કહ્યું કે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે પણ પાકિસ્તાની સેનાને હરાવી છે. તમે પાકિસ્તાની સેનાને પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિથી શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને તને મારી નાખીશું. તેઓ બદલો લેવાની તક પણ આપતા નથી. આપણા ડ્રોન, આપણા મિસાઇલો, પાકિસ્તાન તેમના વિશે વિચારીને ઘણા દિવસો સુધી ઊંઘી શકશે નહીં. તમે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રનું મનોબળ વધાર્યું છે. દેશ એકતાના તાંતણે બંધાયેલો છે. તમે ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે. તેણે ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઈઓ આપી છે.

મિત્રો, તમે કંઈક એવું કર્યું છે જે અભૂતપૂર્વ, અકલ્પનીય અને અદ્ભુત છે. આપણા વાયુસેનાએ પાકિસ્તાનમાં ઊંડા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તે પણ માત્ર 20-25 મિનિટમાં. લક્ષ્યને બરાબર રીતે ફટકારવું ફક્ત આધુનિક ટેકનોલોજીથી સજ્જ વ્યાવસાયિક સૈન્ય દ્વારા જ શક્ય છે.

તમારા જવાબથી દુશ્મન સ્તબ્ધ થઈ ગયો. તેને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે તેની છાતીમાં ગોળી વાગી ગઈ. અમારું લક્ષ્ય પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને મારવાનું હતું, પરંતુ પાકિસ્તાને પોતાના પેસેન્જર વિમાનોને સામે રાખીને જે કાવતરું રચ્યું છે, હું કલ્પના કરી શકું છું કે જ્યારે પેસેન્જર વિમાનો દેખાય છે ત્યારે તે ક્ષણ કેટલી મુશ્કેલ હશે, મને ગર્વ છે કે તમે પેસેન્જર વિમાનોને નુકસાન પહોંચાડ્યા વિના ખૂબ જ સાવધાનીપૂર્વક તેનો જવાબ આપ્યો અને ખૂબ સારું કામ કર્યું.

તમે તમારા લક્ષ્યો પૂર્ણ કર્યા: PM મોદી

પીએમએ કહ્યું કે હું ગર્વથી કહી શકું છું કે તમે તમારા લક્ષ્યો પર સંપૂર્ણ રીતે ખરા ઉતર્યા છો. પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા અને એરબેઝનો નાશ કરવામાં આવ્યો એટલું જ નહીં, પરંતુ તેમના દુષ્ટ ઇરાદાઓ અને હિંમતનો પણ નાશ કરવામાં આવ્યો. દુશ્મનોએ આ એરબેઝ તેમજ આપણા અન્ય એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાકિસ્તાનના નાપાક ઇરાદા દર વખતે નિષ્ફળ ગયા. પાકિસ્તાનના ડ્રોન અને તેના યુવી, પાકિસ્તાનના વિમાન અને તેના મિસાઇલોને આપણા મજબૂત હવાઈ સંરક્ષણ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. દેશના તમામ એરબેઝ સાથે જોડાયેલા સૈનિકોની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. તમે ખૂબ જ સુંદર કામ કર્યું છે.

મિત્રો, આતંકવાદ સામે ભારતની લક્ષ્મણ રેખા હવે ખૂબ જ સ્પષ્ટ છે. હવે જો બીજો આતંકવાદી હુમલો થશે તો ભારત જવાબ આપશે અને કડક જવાબ આપશે. આપણે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દરમિયાન તે જોયું છે. હવે ઓપરેશન સિંદૂર ભારતનો નવો સામાન્ય નિયમ છે. ભારતે હવે ત્રણ સિદ્ધાંતો પર નિર્ણય લીધો છે.

પહેલું – જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો અમે અમારી રીતે, અમારી શરતો પર અને અમારા પોતાના સમયે જવાબ આપીશું.

બીજું – ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં.

ત્રીજું, આપણે આતંકવાદીઓને સમર્થન આપતી સરકાર અને તેના માસ્ટર્સને અલગથી જોઈશું નહીં.

પીએમએ કહ્યું કે દુનિયા પણ ભારતના આ નવા સ્વરૂપને, આ નવી વ્યવસ્થાને સમજીને આગળ વધી રહી છે. ઓપરેશન સિંદૂરની દરેક ક્ષણ ભારતીય દળોની તાકાતનો પુરાવો આપે છે. નૌકાદળ દરિયામાં પ્રભુત્વ ધરાવતું હતું, સેનાએ સરહદો મજબૂત કરી હતી અને વાયુસેનાએ હુમલો કર્યો હતો અને બચાવ કર્યો હતો. બીએસએફ અને અન્ય દળોએ પણ અદ્ભુત ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આપણી બધી સેનાઓ પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીની પહોંચ છે. નવી ટેકનોલોજી પણ પડકારો લાવે છે. તેમની જાળવણી અને ઉપયોગ એ એક મહાન કૌશલ્ય છે. તમે સાબિત કર્યું છે કે તમે આ રમતમાં વિશ્વના શ્રેષ્ઠ છો. ભારતની વાયુસેના હવે માત્ર શસ્ત્રોથી જ નહીં, પણ ડેટા અને ડ્રોનથી પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં માહિર બની ગઈ છે. પાકિસ્તાનની અપીલ પછી, ભારતે ફક્ત તેની લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે.

જો પાકિસ્તાન ફરી આતંકવાદી પ્રવૃત્તિ કે લશ્કરી હિંમત બતાવશે તો અમે યોગ્ય જવાબ આપીશું. તેઓ આ જવાબો પોતાની રીતે, પોતાની શરતો પર આપશે. આ નિર્ણયનો પાયો અને તેની પાછળ છુપાયેલો આત્મવિશ્વાસ તમારા બધાના ધૈર્ય, હિંમત, બહાદુરી અને સતર્કતા પર આધારિત છે. આપણે તૈયાર રહેવું પડશે. આપણે દુશ્મનને યાદ અપાવતા રહેવું પડશે કે આ એક નવું ભારત છે. આ ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ જો માનવતા પર હુમલો થાય છે તો આ ભારત યુદ્ધના મોરચે દુશ્મનને કેવી રીતે કચડી નાખવું તે પણ સારી રીતે જાણે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત પર મોટો સાયબર હુમલો

પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતને મોટા પાયે સાયબર હુમલાઓનો સામનો કરવો પડ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારત પર લગભગ 15 લાખ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે ભારતની મજબૂત સાયબર સુરક્ષા વ્યવસ્થાએ આમાંના મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને ફક્ત 150 હુમલાઓ સફળ થયા.

આ દેશો તરફથી હુમલાઓ

તપાસમાં જાણવા મળ્યું કે આ સાયબર હુમલાઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મોરોક્કો અને પશ્ચિમ એશિયા જેવા દેશોમાંથી કરવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, પાકિસ્તાન તરફથી ભારત સરકારની વેબસાઇટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હજુ પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અન્ય દેશોમાંથી પણ આવી જ સાયબર પ્રવૃત્તિઓની પુષ્ટિ થઈ છે.

મહારાષ્ટ્રમાં તપાસ થઈ

મહારાષ્ટ્ર સાયબર વિભાગે તાજેતરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, ઉડ્ડયન પ્રણાલી, મ્યુનિસિપલ કોર્પોરેશન પોર્ટલ અને ચૂંટણી પંચની વેબસાઇટ પર સાયબર હુમલાના દાવાઓની તપાસ કરી છે. વિભાગે સ્પષ્ટતા કરી કે આ બધા દાવાઓ ભ્રામક અને પાયાવિહોણા હતા. સાયબર સુરક્ષા અને ગુનાઓ પર નજર રાખવા માટેની નોડલ એજન્સી, રાજ્યની મહારાષ્ટ્ર સાયબર ઓફિસે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ બાદ સાયબર હુમલાઓમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ખતરો સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.

ઓનલાઈન અફવાઓ અને ખોટી માહિતીને રોકવા માટે સાયબર વિભાગે સોશિયલ મીડિયા પર એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 83 નકલી સમાચાર ઓળખાયા છે, જેમાંથી ૩૮ પોસ્ટ દૂર કરવામાં આવી છે. આ બધી ખોટી માહિતી ભારત સરકાર અને સશસ્ત્ર દળો સાથે સંબંધિત હતી.

હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરો

રાજ્ય સરકારે સામાન્ય નાગરિકોને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે ૧૯૪૫ અને ૧૯૩૦ નંબર પર હેલ્પલાઇન સેવાઓ શરૂ કરી છે. આ નંબરો પર દરરોજ સરેરાશ 7,000 કોલ આવી રહ્યા છે. લોકોને ઝડપી સહાય મળી રહે તે માટે લગભગ 100 કોલ લાઇન એકસાથે સક્રિય રહે છે.

મહારાષ્ટ્ર સાયબર વિભાગના જણાવ્યા અનુસાર, 2019 થી અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી અટકાવવામાં આવી છે, જેમાંથી છેલ્લા 6 મહિનામાં જ 200 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે.