Home Blog Page 927

મોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકોને ભારે નુકસાન, સર્વે શરૂ, ખેડૂતોને વળતરની આશા

વલસાડ જિલ્લામાં 5-7 મે, 2025 દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી અને બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લો ગુજરાતના મુખ્ય કેરી ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે, જ્યાં 38,000 હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. આ વર્ષે મે મહિનામાં હાર્વેસ્ટિંગની શરૂઆતમાં જ ભારે પવન અને વરસાદે 7,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે.

વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ પર બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનના આકલન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 16 ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 20 ગામોના ખેડૂતોને નુકસાન થયું છે, ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળી. સૂત્રોની જાણકારી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં લગભગ 30-35 ટકા કેરીનો પાક નાશ પામ્યો છે, જેમાં વલસાડમાં 40-50 ટકા સુધીનું નુકસાન નોંધાયું છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની અપેક્ષામાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ હવે ખરી પડેલી કેરીઓનું બજારમૂલ્ય ઘટીને રૂ. 350-400 પ્રતિ ટન જેટલું થઈ ગયું છે, જે સામાન્ય રીતે રૂ. 1,600 પ્રતિ ટન હોય છે.

સર્વે પૂર્ણ થયા બાદ, નુકસાનનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારે બીજી બાજુ, ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ઉનાળુ પાકો, ખાસ કરીને કેરી, શાકભાજી, અને અન્ય બાગાયતી પાકોને નુકસાન પહોંચાડ્યું છે. તાલાલા અને ઉના તાલુકાઓમાં, જ્યાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે થાય છે, ત્યાં ખેડૂતોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. વરસાદ અને પવનને કારણે પાકેલા ફળો ખરી પડ્યા, અને ખેતરોમાં પાણી ભરાવાને કારણે શાકભાજી અને અન્ય પાકો બગડ્યા. આ નુકસાનથી ખેડૂતોની આવકમાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખેડૂતોએ ઉનાળુ પાકો માટે ખાતર, બિયારણ, અને સિંચાઈમાં મોટું રોકાણ કર્યું હતું, પરંતુ હવે બગડેલા પાકોને બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે. ગીર સોમનાથમાં પણ ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનનું આકલન કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓ અને ગ્રામ સેવકોની ટીમો ગામોમાં જઈને ખેડૂતોના નુકસાનની નોંધ લઈ રહી છે. સર્વેનો અહેવાલ તૈયાર થયા બાદ, રાજ્ય સરકાર દ્વારા વળતર અને વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

યુદ્ધવિરામમાં અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાને લઈને ફરી સવાલ ઊભા કરતાં કહ્યું હતું કે સરકારે એ જણાવવું પડશે કે એણે દ્વિપક્ષી મામલામાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર કેમ કરી લીધો? પાર્ટી મહા સચિવ ભૂપેશ બઘેલે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને સરકારના સ્તરે જવાબદારી નક્કી કરવાની માગ પણ કરતાં સવાલ કર્યો હતો કે ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપશે? તેમણે કહ્યું હતું કે સરકારે આખા ઘટનાક્રમ પર સર્વપક્ષી બેઠક અને સંસદનું વિશેષ સત્ર બોલાવીને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. આ સાથે સર્વપક્ષી બેઠકમાં PM મોદીએ ફરજિયાત સામેલ થવું જોઈએ.

પહલગામ હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓએ માહિતી જણાવી હતી. આ સીઝફાયરની જાહેરાત મુદ્દે વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે.

BSF જવાનની મુક્તિ મુદ્દે કર્યો પ્રશ્ન

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામ અંગેની માહિતી PM મોદીએ જણાવી નહોતી, પરંતુ તેની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી. આ મુદ્દે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કરીને સોશિયલ મfડિયા પોસ્ટ પર લખ્યું હતું કે અમારા BSF જવાન પૂર્ણમ સાહુને પાકિસ્તાનની કેદમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે?

કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર?

હાલમાં જ યુદ્ધવિરામ પર કોંગ્રેસે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે શું તેમણે કાશ્મીરના મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર કરી કીધો છે? કોંગ્રેસે આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ટીકા કરી હતી. કોંગ્રેસનાં મહાસચિવ સચિન પાયલટે કહ્યું હતુ કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની જાહેરાત કરવાનું પગલું અભૂતપૂર્વ હતું અને તે ઘણા પ્રશ્નો ઉઠાવનાર છે. તેમણે કહ્યું  હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સરકારે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બીજી સર્વપક્ષી બેઠક બોલાવવાની અને આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માગ સ્વીકારવી જોઈએ.

ઓપરેશન સિંદૂર: રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ અને ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન, સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક, અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ્સ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ્સ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પણ પોલીસને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, ખોટી માહિતી, અફવાઓ, અથવા સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ્સનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો નોંધવા અને આવા તત્વો સામે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ગુજરાત પોલીસની ઈન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાસ નજર રાખવામાં આવી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, સામાજિક વૈમનસ્ય ફેલાવનારી, અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ્સ કરી હોવાનું ધ્યાને આવ્યું. આ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખેડા અને ભૂજમાં 2-2 FIR નોંધાય છે તો જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ, ગોધરામાં 1-1 FIRનોંધાય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો, અને ગુજરાતના સરહદી જિલ્લાઓ જેવા કે કચ્છમાં બ્લેકઆઉટ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી.

શ્રી દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા વરિષ્ઠ નાગરિક સન્માન સમારોહનું આયોજન

દિલ્હી: શ્રી દિલ્હી ગુજરાતી સમાજ વડીલ પરિવાર દ્વારા રવિવારે એક વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા નૃત્યગુરૂ, પ્રસિદ્ધ લેખિકા અને કેન્દ્રીય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. સંધ્યા પુરેચાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં જ્યારે દેશ અને દુનિયામાં સંયુક્ત કુટુંબની ભાવના વિલુપ્ત થતી જાય છે, ત્યારે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ સંસ્થા વડીલોને પોતાના સ્વજનો તરીકે સાચવી રહી છે તે અત્યંત ઉમદા અને પ્રશંસનીય કાર્ય છે.” આ પ્રસંગે ડો. પુરેચાએ સન્માનિત વડીલોની પરિચય પુસ્તિકા ‘દર્શિકા’નું વિમોચન કર્યું હતું.

શ્રી સમાજના પ્રમુખ સચિન શાહે જણાવ્યું, “વડીલ પરિવાર સંસ્થા આજના સમારંભ સાથે અત્યાર સુધીંમાં દિલ્હીના 245 વડીલોને સન્માનિત કર્યા છે. શ્રી દિલ્હી ગુજરાતી સમાજની સ્થાપના 1897માં થયેલી અને આરંભથી જ અહીં આબાલવૃદ્ધ સૌના માટે સાહિત્યિક-સાંસ્કૃતિક અને સુખાકારી આનંદપ્રમોદની અનેક પ્રવૃત્તિઓની પરંપરા રહી છે.”વડીલ પરિવારના અધ્યક્ષ હર્ષદ મહેતાએ જણાવ્યું, “વડીલ પરિવારની કાળજી અને તેઓના સુખ-દુઃખમાં સાથે રહેવાના સતત પ્રયત્નો સાથે વડીલો માટે અને તેઓની સાથે રહીને વર્ષભર અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. જેમાં દેશ-વિદેશની મુસાફરી, પિકનિક, આરોગ્ય-તબીબી શિબિરો અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.”આ સમારોહમાં જે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં અગ્રણી સમાજસેવી મહાનુભાવો વિનોદ પટેલ, રમેશ મહેતા, મહેન્દ્ર ભટ્ટ તથા લેખક નંદલાલ ગઢીયા સહિત અન્ય વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 94 વર્ષ સુધીના વડીલોએ પણ ઉત્સાહભેર સંગીતના તાલે નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમારોહ વડીલો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતું એક યાદગાર સંભારણું બની રહ્યું.આ પ્રસંગે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પોપટ, પ્રફુલ દોશી, રાજેશ દવે, નિલેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ પ્રેરણા દામાણી અને કુણાલ પટેલ, કોષાધ્યક્ષ જયેશ કોબાવાળા, વડીલ પરિવારના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, સન્માન સમારોહના સંયોજક વિરાટ શાહ અને સભ્યોમાં ગિરીશ બગડઈ, બકુલ વ્યાસ, તુષાર ઉપાધ્યાય, રોહિત વોરા, શાળા અધ્યક્ષ રાજકુમાર રાવલ અને શ્રી સમાજના પૂર્વ પ્રમુખ જગદીપ રાણા હાજર રહ્યા હતા.

અમરેલી ધારી અને સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ

અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ધારી પંથક અને સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના છતડિયા  મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક કેરી,  તલ,  બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે.  વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા.  સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત છે.

સાવરકુંડલા શહેર બાદ આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી,  ચરખડિયા સહિતનાં ગામોમાં વરસાદ નોંધાયો છે. ખેતરોમા વરસાદી પાણી વહેતાં થયાં છે.  વીજળીના કડાકાભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે.વામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે. 

સૌરાષ્ટ્ર કચ્છમાં આવતી કાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે.  સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. અત્યાર સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ સૈફ અલી ખાનના દીકરાને શું સલાહ આપી? ઇબ્રાહિમે ખુલાસો કર્યો

ફિલ્મ ‘નાદાનિયાં’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવવા માટે સક્રિય થયો છે. ઇબ્રાહિમને તેની પહેલી ફિલ્મ પછી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી. ફિલ્મની જગતના જાણીતા કલાકારોએ ઇબ્રાહિમને સલાહ આપી. સૈફના પુત્રને પણ ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા તરફથી આવો જ સંદેશ મળ્યો. ઇબ્રાહિમે હવે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

 

પ્રિયંકા ચોપરાની ઇબ્રાહિમને સલાહ
‘ઝીક્યુ ઈન્ડિયા’ સાથેની એક મુલાકાતમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા ઇબ્રાહિમે ખુલાસો કર્યો કે પ્રિયંકા ચોપરાએ ફિલ્મ જોયા પછી તેમને એક સંદેશ મોકલ્યો હતો. ઇબ્રાહિમે કહ્યું, ‘પ્રિયંકાએ સંદેશ આપ્યો કે તેને મારી ફિલ્મ ગમી છે અને મારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.’

આગળ બોલતા, ઇબ્રાહિમે કહ્યું,’તેમણે મને કહ્યું કે બસ આ રીતે સખત મહેનત કરતા રહો અને હંમેશા આ રીતે આગળ વધતા રહો. પ્રિયંકા જેવી સુપરસ્ટાર પાસેથી આ સાંભળવું મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. આનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો.’

તમે અભિનયને કારકિર્દી તરીકે કેમ પસંદ કર્યો?
આ ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે જણાવ્યું કે તેણે ખૂબ જ નાની ઉંમરથી ફિલ્મોની દુનિયાને નજીકથી જોઈ છે. તે ઘણીવાર તેના પિતા સાથે સેટ પર જતો હતો અને ત્યાં જ તેના હૃદયમાં અભિનયના બીજ રોપાયા હતા. જોકે, અભિનયને કારકિર્દી તરીકે અપનાવવાનો નિર્ણય તેમની પોતાની ઇચ્છાથી હતો અને તેમના પર કોઈ બાહ્ય દબાણ નહોતું.

ઈબ્રાહિમે ‘નાદનિયાં’ વિશે વાત કરી હતી
ફિલ્મ ‘નાદાનિયાં’ ના પ્રદર્શન વિશે વાત કરતાં તેમણે સ્વીકાર્યું કે તેમની પહેલી ફિલ્મ તેમની ઇચ્છા મુજબ ચાલી ન હતી. તેમણે કહ્યું, ‘હું આ ફિલ્મમાંથી ઘણું શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મારા અભિનય પ્રત્યે પ્રમાણિક છું. હું મારી ભૂલો સુધારવા અને ભવિષ્યમાં વધુ સારું કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું.’

બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે એક અનોખું પ્રદર્શન

અમદાવાદ: બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે શહેરના સલાપાસ રોડ પર આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતે બે ફિલાટેલિસ્ટ દ્વારા ભગવાન બુદ્ધને લગતી ટપાલ ટિકિટોના સંગ્રહનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ફિલાટેલિક પ્રદર્શનમાં બૌદ્ધનો વારસો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર અલ્પેશ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “ભગવાન બુદ્ધ પર આધારિત ખાસ ક્યુરેટેડ થીમ સાથે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. જેમાં જગદીશભાઈ પટેલ અને વિજયભાઈની ટિકિટોનું કલેક્શન મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફિલાટેલિસ્ટ્સ અને સ્ટેમ્પ ઉત્સાહીઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસા વિશે માહિતગાર કરે છે. બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સંઘમિત્ર બુદ્ધ વિહાર ઓઢવના મહાનુભાવો એ હાજરી આપી હતી. અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસ સ્ટેમ્પ ટિકિટોના પ્રદર્શન, સંગ્રહ દ્વારા સમાજ, સંસ્કૃતિને ફિલાટેલિસ્ટની સાથે લોકો જાણે એ માટે સતત કાર્યક્રમોનું આયોજન કરે છે. બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને જી.પી.ઓ ખાતે એક અનોખા પ્રદર્શન દ્વારા બૌદ્ધ ધર્મ સંસ્કૃતિ જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પાંચનાં મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે, 12 મે, 2025ની સવારે સાંઢીડા ગામ નજીક બે કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં પાંચ લોકોનાં મોત થયાં છે. જેમાં એક મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. સૂત્રોની જાણકારી પ્રમાણે, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે લગભગ 6:30 વાગ્યે એક કીયા કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ. પ્રાથમિક માહિતી અનુસાર, કીયા કાર ભાવનગરથી ધોલેરા તરફ આવી રહી હતી, જ્યારે સ્કોર્પિયો કાર ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયાં, અને પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં.

ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ પાંચ લોકોનાં જીવ બચાવી શકાયા નહીં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ અથવા રસ્તા પર નિયંત્રણ ગુમાવવાનું કારણ હોવાનું મનાય છે, પરંતુ વિગતવાર તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે મૃતકોની ઓળખ તરીકે, ગોરધનભાઈ ગોબરભાઈ ડોબરીયા, અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા, ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા, તીર્થ ગૌરવભાઈ ડોબરીયા, દિશાબેન કિરીટભાઈ પ્રબતાણીનું નામ સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, સ્કોર્પિયો કારમાં સવાર વ્યક્તિઓ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના હતા, પરંતુ હાલમાં અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હતા. જ્યારે કીયા કારમાં સવાર વ્યક્તિ ભાવનગરના પાલીતાણા તાલુકાની વતની હતી. ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કર્યો અને બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ માટે CCTV ફૂટેજ અને રસ્તા પરના અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે.

ચાર વર્ષની સૌથી ઇન્ટ્રા-ડે તેજીઃ સેન્સેક્સ 3000 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ અને પ્રોત્સાહક વૈશ્વિક સંકેતોને પગલે ઘરેલુ શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. નિફ્ટીમાં ત્રણ વર્ષની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ચાર ટકાથી વધુની તેજી થઈ હતી. BSEના બધા સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. IT ઇન્ડેક્સમાં પાંચ વર્ષની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક અને ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ વધ્યા હતા. રોકાણકારોની એક દિવસમાં ચાર વર્ષની સૌથી મોટી કમાણી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 16 લાખ કરોડનો વધારો થયો હતો.

 બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ અને ટેરિફ વોર 90 દિવસ સુધી ટાળવામાં આવતાં પણ સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું. સેન્સેક્સ 2975 પોઇન્ટની તેજી સાથે 82,430ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી 917 પોઇન્ટ ઊછળી 24,925ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 1788 પોઇન્ટની તેજી સાથે 55,383ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 2193 પોઇન્ટની તેજી સાથે 55,416ના સ્તરે બંધ થયો હતો. ટેરિફના નિર્ણય પછી IT અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી ITમાં સૌથી વધુ સાત ટકાની તેજી થઈ હતી, જે ઇન્ડેક્સ માટે પાંચ વર્ષની સૌથી મોટી તેજી હતી.ફેબ્રુઆરી, 2021 પછી સૌપ્રથમ વાર સેન્સેક્સ અને નિફ્ટી એક દિવસમાં ચાર ટકાની તેજી સાથે બંધ થા હતા. BSEમાં લિસ્ટેડ કેપિટલાઇઝેશનમાં રૂ. 16 લાખ કરોડનો વધારો થયો હતો. એ સાથે નિફ્ટી અને સેન્સેક્સ સાત મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા હતા, જે હવે વર્ષ 2025નું સૌથી ટોચનું સ્તર છે.

BSE પર કુલ 4254 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3545 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 576 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 133 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 110 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 48 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 12 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 9 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

PM મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનું આ પહેલું સંબોધન હશે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સામે તણાવ શરૂ થયો ત્યારથી પીએમ મોદી સતત એક્ટિવ છે. ઓપરેશન સિંદૂર પછી તેઓ સતત બેઠકો કરી રહ્યા હતા. તેઓ સતત સેનાના વડાઓ, સીડીએસ, એનએસએ પાસેથી ઓપરેશનનો હિસ્સો લઈ રહ્યા હતા. ચાર દિવસના તણાવ બાદ શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ ઓછો થયો છે.