Home Blog Page 933

પાકિસ્તાન ભારતના મિસાઇલ હુમલાઓ વચ્ચે ત્રણ બાજુથી ઘેરાયું

ઇસ્લામાબાદ: પાકિસ્તાન હાલ ત્રિપાંખિયા જંગમાં ફસાઈ ગયું છે. એકબાજુ ભારતના હવાઈ હુમલાઓની વચ્ચે પાકિસ્તાનને ડબલ ઝટકો મળ્યો છે. દક્ષિણ વઝિરિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાઓથી પાકિસ્તાનની સેના હચમચી ગઈ છે. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને (TTP એ) દક્ષિણ વઝિરિસ્તાનની ડાંગેટ ચોકી પર હુમલો કરીને 20 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ, બલૂચ વિદ્રોહીઓએ બલૂચિસ્તાનમાં હુમલાઓ કરીને વધુ બે સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સિવાય, નૂર ખાન (રાવલપિંડી), રફીકી (શોરકોટ), અને મુરીદ (ચકવાલ) એરબેઝ પર ભારતના મિસાઇલ હુમલાઓએ પાકિસ્તાનને ત્રણ ફ્રન્ટ પર ઘેરી લીધો છે.

TTP એ દક્ષિણ વઝિરિસ્તાનની ડાંગેટ ચોકી પર ઘણા તબક્કામાં હુમલો કર્યો. આ હુમલાના પ્રથમ તબક્કામાં લેસર રાઈફલથી છ સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ચોકી પર ભારે અને હળવાં હથિયારોથી હુમલો થયો. આ હુમલા બાદ મંતોઈમાંથી મોકલાયેલી સૈન્ય સહાયતા પર ઘાત લગાડી હુમલો કરવામાં આવ્યો, જેમાં બે સૈનિક વાહનો નષ્ટ થઈ ગયાં. TTP એ દાવો કર્યો છે કે 20 સૈનિકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. પાંચ રાઈફલો, એક રોકેટ લોન્ચર, નાઈટ વિઝન સાધનો અને અન્ય સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી. TTP એ પુષ્ટિ કરી છે કે તેમનો એક લડાકૂ મુસાબમાં માર્યો ગયો હતો.

બલૂચિસ્તાનમાં પણ હુમલાઓ

શુક્રવારની સાંજે બલૂચ વિદ્રોહીઓએ પણ બલૂચિસ્તાનના તુરબત, ક્વેટા અને અન્ય વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા. તુરબતના ડી બલૂચ વિસ્તારમાં ગ્રેનેડ હુમલા અને ક્વેટાના હઝારગંજી તથા ફૈઝાબાદમાં સૈન્ય ચોકીઓ પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓમાં બે સૈનિકોનાં મોત થયાં હતાં. તે પહેલાં એક અઠવાડિયા પહેલાં ક્વેટામાં થયેલા IED હુમલામાં 10 સૈનિકો માર્યા ગયા હતા.

કચ્છ સરહદ પર પાકિસ્તાનના ડ્રોન હુમલા, ગુજરાતમાં હાઈ એલર્ટ

‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ કચ્છ સરહદે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને આદિપુર અને અબડાસાના ધ્રૂફી ગામ નજીક ડ્રોન હુમલાઓ કર્યા, જેમાં એક ડ્રોન તૂટી પડ્યું. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને જાસૂસી માટે ડ્રોન ઉડાડ્યા, પરંતુ ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા, જ્યારે બે ડ્રોન પાકિસ્તાને પાછા ખેંચ્યા. શુક્રવારે ફરીથી ત્રણ ડ્રોન તૂટી પડ્યા, જેના કારણે કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. ભારતીય વાયુસેનાના સર્વેલન્સ વિમાનો કચ્છના આકાશમાં સતત ગસ્ત કરી રહ્યા છે. લોકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.

કચ્છ પોલીસે જિલ્લાભરમાં સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું, અને સરહદી વિસ્તારોમાં 24 કલાક ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોટેશ્વર, માતાના મઢ જેવા ધાર્મિક સ્થળો અને ભુજ-નલિયા એરફોર્સ બેઝ પર સુરક્ષા વધારાઈ છે. શુક્રવારે રાત્રે 9:30થી બ્લેકઆઉટ જાહેર થયું, અને નાગરિકો શંકાસ્પદ ગતિવિધિઓની જાણ સુરક્ષા એજન્સીઓને કરી રહ્યા છે. શુક્રવારે સવારથી ભારતીય સેનાના વિમાનોની અવરજવરે લોકોમાં ચિંતા સાથે ઉત્સુકતા જગાવી.

આગોતરી તૈયારીઓ હેઠળ, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 150 બેડ સેના માટે અનામત રખાયા, જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં બેડ અને દવાઓની વ્યવસ્થા કરાઈ. કચ્છ, પોરબંદર, અને બનાસકાંઠામાં એમ્બ્યુલન્સ મોકલાઈ. નાગરિકોએ બેટરી, મીણબત્તી, અનાજ, અને શાકભાજીની ખરીદી વધારી. ગુજરાતના સાત એરપોર્ટ ભુજ, રાજકોટ, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવ્યા છે, જે અગાઉ 15 મે સુધીની જાહેરાત હતી.

ભારતે પાકિસ્તાનનાં છ એરબેઝ ઉડાડી નાખ્યાં

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. પાકિસ્તાને તુર્કી અને અન્ય દેશોનાં હથિયારના આશરે સતત બીજા દિવસે ભારતનાં 20થી વધુ શહેરોને નિશાન બનાવ્યાં હતાં, પરંતુ ભારતે તેમના બધા ડ્રોન એટેકને ખતમ કરી દીધા. ભારતની સૈના પાકિસ્તાનને કડક જવાબ આપી રહી છે. ભારતે ઇસ્લામાબાદ સહિત તેના અનેક મિલિટરી બેઝ પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે.

    • ભારતે પાકિસ્તાનના ચકલાલા, રહીમયાર ખાન, મરીદ, સુક્કુર, રફીકી અને ચુનિયા એરબેસને નિશાન બનાવીને ઉડાવી દીધાં છે. ભારતે સુક્કુર એરબેસનો રડાર સિસ્ટમ પણ નાશ કરી નાખ્યો છે.
      • કર્નલ સોફિયા કુરેશીએ હાલની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને દેશની પશ્ચિમી સરહદ પર ફાઇટર જેટ્સ મોકલ્યા હતા અને ગોળીબાર કર્યો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને ઉધમપુર, બઠિંડા અને આધમપુર પર હુમલો કર્યો હતો. સોફિયા કુરેશીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનના છ એરબેસ ઉડાવી દીધા છે.

• સૈન્ય અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું હું અગાઉ પણ અનેક વાર કહી ચૂક્યો છું કે પાકિસ્તાનની હરકતો ઉશ્કેરણીજનક અને તણાવ વધારતી રહી છે. તેના જવાબમાં ભારતે આ ઉશ્કેરણીજનક અને તણાવજનક હરકતોનો જવાબદારીપૂર્ણ અને સંતુલિત રીતે બચાવ કરીને પ્રતિક્રિયા આપી છે.
• પાકિસ્તાની પ્રોપેગેન્ડાના દાવાઓને નકારતાં ભારતે ભારતીય એરસેનાના બેઝની તસવીરો દર્શાવી હતી, જ્યાં કોઇ નુકસાન થયું નથી.

    • આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે નગરોટાનું બ્રહ્મોસ બેઝ અને ચંડીગઢનું ગોલા-બારુદ ડિપો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતના S-400 ડિફેન્સ સિસ્ટમને પણ કોઇ નુકસાન પહોંચ્યું નથી.

પંચાંગ 10/05/2025

ચાલો, વર્તમાનમાં જીવીને અસુખ ઓછું કરીએ

આજકાલ ‘વર્ક ફ્રોમ હોમ’નું ચલણ છે. ઈચ્છાએ-અનિચ્છાએ ઘણા લોકો ઘરેથી કામકાજ કરી રહ્યા છે. આવામાં એક ફાયદો એ પણ થયો છે કે પરિવારજનો સાથે વધુ સમય ગાળી નહીં શકનારા લોકોને ચોવીસે કલાક એમની વચ્ચે રહેવાનો સમય મળી રહ્યો છે. આવામાં મને પણ ઘરમાં ડાઇનિંગ ટૅબલ પર પડેલા વિવિધ પ્રકારના કાચના ગ્લાસ જોવાની ફુરસદ મળી છે. મારાં પત્નીને ક્રોકરી ઘણી ગમે છે. અમારા ઘરમાં ક્રોકરીના ઢગલાબંધ સેટ છે. “તું ક્રોકરીનું મ્યુઝિયુમ કેમ બનાવી લેતી નથી?” એવું કહીને હું અને ઘરના બીજા સભ્યો એની મશ્કરી પણ કરી લેતા હોઈએ છીએ. વર્ષોથી એનો એક જ જવાબ છે, “સેટમાંથી જ્યારે એકાદબે વાસણ તૂટી જશે અને ટૅબલ પર રાખવા માટે પૂરતા ગ્લાસ નહીં હોય ત્યારે હું એ વાપરવાનું બંધ કરીશ.”

આજકાલ ઘરનાં કપડાં પણ વધારે પહેરવામાં આવે છે. ઘરની બહાર નીકળીએ તો બીજાં કપડાં પહેરવાં પડે ને! આથી છેલ્લા એક વર્ષથી અમે પરિવારજનો અગાઉ વિવિધ સંસ્થાઓમાંથી ભેટમાં મળેલાં ટી-શર્ટ પહેરીને એને ઉપયોગમાં લાવી રહ્યા છીએ. દરેક ટી-શર્ટ પર સંસ્થાનું ચિહ્ન હોય છે તેથી એક સમયે અમે રાત્રે ફક્ત સૂવાના સમયે જ એનો ઉપયોગ કરતા, પરંતુ હવે તો આખો દિવસ એનો ઉપયોગ થાય છે.

મારે કામસર બહારગામ જવાનું થાય છે અને તેને લીધે અનેક હોટેલોમાં રહેવાનું થાય છે. હું ત્યાંની ડિસ્પોઝેબલ વસ્તુઓનો બગાડ ન થાય એ હેતુથી ડિસ્પોઝેબલ સ્લીપર, ડિસ્પોઝેબલ લૉન્ડ્રી બૅગ, તેલની નાનકડી શીશી, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, સાબુ અને શેમ્પૂ એ બધું ફેંકી દેવાનું પસંદ કરતો નથી. છેલ્લા એક વર્ષમાં એ બધી વસ્તુઓ કામે આવી છે.

વચ્ચે એક દિવસ શ્રીમતીને નવો આઇડિયા આવ્યો. વિવિધ કંપનીઓએ કાર્યક્રમોમાં સ્મરણિકા તરીકે આપેલા 5, 10 અને 20 ગ્રામના ચાંદીના સિક્કા સારી એવી સંખ્યામાં ભેગા થયા હતા. એના પર કંપનીનાં ચિહ્નો, જન્મેલા બાળકનું નામ, ભેટ આપનાર પરિવારમાં જન્મેલા બાળકનું નામ, પરિણીત યુગલનું નામ, વગેરે નિશાનીઓ હતી. શ્રીમતી એ બધા સિક્કા લઈને નજીકની દુકાને ગયાં અને તેની બદલીમાં ચાંદીના ચાર ગ્લાસ લઈ આવ્યાં. હવે એ ગ્લાસ પાણી કે દૂધ પીવા કામે આવી શકે છે.

આ બધી બાબતો પરથી મને વિચાર આવ્યો કે ઘરમાં રહીને આપણે ઘણી વસ્તુઓ વાપરતા થયા છીએ અને ઘણી જૂની વસ્તુઓનો નિકાલ કરવા લાગ્યા છીએ. જો ભૌતિક ચીજવસ્તુઓને આ વાત લાગુ પડતી હોય તો આપણા મનમાં ભેગા થયેલા કચરાનો નિકાલ શું કામ ન કરવો? આપણે જૂની વાતોનો જેટલો વધારે નિકાલ કરશું એટલું જ મન વધારે હળવું થશે. જો આપણે જીવનમાં અને મનમાં નકામી વસ્તુઓનો ભરાવો કર્યે રાખીએ તો કોઈ સારી અને નવી વાત માટે જગ્યા રહેતી નથી અને સૃજનશક્તિ કુંઠિત થઈ જાય છે.

મારાં કાકીએ કહેલો એક કિસ્સો યાદ આવે છે. એમના બિલ્ડિંગની મહિલાઓએ પાણીની ખાલી થયેલી બોટલો એકઠી કરવાનું નક્કી કર્યું. એમાંથી પાણી ગળે છે કે કેમ એ ચકાસવા માટે બાટલીઓ ભરી. જે બાટલીઓમાં ગળતર હતું એમાં કાણાં પાડીને રોપનું વાવેતર કરવામાં આવ્યું. ગળતર વગરની બાટલીઓને સાફ કરીને એમાં પાણી ભરીને નોકર-ચાકરો, વગેરેને આપી દેવાઈ. ઘણી સારી ગુણવત્તાવાળી બાટલીઓમાં પાણી ભરીને ઉનાળામાં જળસેવા કરવામાં આવી.

યોગિક સંપત્તિ આપણી જૂની ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરવાનું અને આસક્તિ ઘટાડવાનું શીખવે છે. આપણી પાસે જે છે તેનાથી સંતોષ માનીને જીવનમાં પ્રસન્નતા લાવીએ એ જરૂરી છે. ખરો આનંદ, ખરું સુખ બહારથી મળતાં નથી, અંદરથી પ્રગટે છે.

વર્તમાન સંજોગોમાં આપણને બધાને કોરોના પહેલાંની સ્થિતિ પાછી જોઈએ છે. તેનો અર્થ એવો થયો કે આપણે હજી ભૂતકાળમાં જીવીએ છીએ. વર્તમાનમાં હોવા છતાં ભૂતકાળમાં જીવવાથી ક્લેષ થાય છે અને અસુખ જન્મે છે. ભૂતકાળની પકડમાંથી છૂટવું સહેલું નથી, પરંતુ જો આપણે એક ડગલું પણ આગળ નહીં વધીએ તો વધારે આગળ નહીં જઈ શકાય. આપણે ભૂતકાળમાં જ અટકેલા રહીશું.

જો આપણી પાસે રોટી, કપડાં અને મકાન બધું હોવા છતાં જો અસુખ જન્મતું હોય તો આપણે સમજી લેવાની જરૂર છે કે હજી આપણે ભૂતકાળમાં જ જીવીએ છીએ. આપણે વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દેવું જોઈએ. જોકે, આ કામ કહેવા કરતાં કરવાનું મુશ્કેલ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

Fake News Alert: પરીક્ષાઓ મોકૂફને લઈ યુજીસીની સ્પષ્ટતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર સૈન્ય તણાવને કારણે દેશભરમાં સુરક્ષા ચિંતાઓ વધી છે, જેની અસર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ પડી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ 9થી 14 મે, 2025 દરમિયાન યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ, અને ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (INTT-AT)ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદના ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતના હવાઈ હુમલાઓ પછી ઉદ્ભવેલી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ICAIએ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપી, નવી પરીક્ષા તારીખો ટૂંક સમયમાં જાહેર કરવાની ખાતરી આપી છે. વિદ્યાર્થીઓને www.icai.org પર અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલિફ (પ્રોસેસ સર્વર)ની ભરતી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 11 મે, 2025ના રોજ યોજાનારી પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે, જે ઉમેદવારોની રજૂઆતોને પગલે લેવાયેલું પગલું છે.

બીજી તરફ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ સ્પષ્ટતા કરી છે કે યુનિવર્સિટીઓ અને કોલેજોની પરીક્ષાઓ રદ કરવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક બનાવટી નોટિસ, જેમાં યુદ્ધની સ્થિતિનો હવાલો આપીને UG, ડિપ્લોમા, અને સર્ટિફિકેટ કોર્સની પરીક્ષાઓ રદ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેને UGCએ ખોટી ગણાવી છે. વિદ્યાર્થીઓને ફક્ત UGCની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા ચેનલો પરથી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે વર્તમાન તણાવે શૈક્ષણિક કાર્યક્રમો પર નોંધપાત્ર અસર કરી છે, પરંતુ ખોટી માહિતીથી બચવું જરૂરી છે.

અમૃતસરમાં વહેલી સવારે ડ્રોન હુમલો, ભારતે તેમને નષ્ટ કર્યા, ખેતરમાં કાટમાળ મળ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તણાવ વધી રહ્યો છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં હુમલો કર્યો. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોન દ્વારા લગભગ 25 વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

Amritsar: Indian Army air defence units detected multiple enemy drones over Khasa Cantonment under Operation Sindoor in Amritsar, Saturday, May 10, 2025. (Photo: IANS)

રહેણાંક વિસ્તારોમાં વધતો ભય

શનિવારે સવારે અમૃતસરમાં ડ્રોન હુમલો થયો હતો. ભારતે ડ્રોન હુમલો તોડી પાડ્યો છે. આ ઉપરાંત સવારે પઠાણકોટમાં ચારથી પાંચ શક્તિશાળી વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાને પંજાબના અમૃતસરમાં બાઈકર યિહા III કામિકાઝે ડ્રોન લોન્ચ કર્યા, જેનાથી પંજાબના રહેણાંક વિસ્તારો માટે ખતરો ઉભો થયો. આજે સવારે 5 વાગ્યે સેનાની એર ડિફેન્સ ગને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, જેના કારણે ડ્રોન હવામાં જ નાશ પામ્યો. ડ્રોન નાગરિક વિસ્તારો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

ડ્રોનનો કાટમાળ અમૃતસરના મુગલાની કોટ ગામના એક ખેતરમાંથી મળી આવ્યો હતો. પંજાબના ગ્રામીણ જલંધરના કાંગનીવાલ ગામના કેટલાક ઘરો પર પાકિસ્તાની ડ્રોન હુમલો થયો છે. કાંગનીવાલ ગામમાં થયેલા વિસ્ફોટ બાદ પાકિસ્તાની ડ્રોનના ભાગો મળી આવ્યા છે.

સ્થાનિક રહેવાસી સુરજીત કૌરે કહ્યું, “અમારા ઘર ઉપર લાલ રંગનો ઝબકારો થયો અને એક જોરદાર વિસ્ફોટ થયો. અમે ડરી ગયા. ચારે બાજુ અંધારું હતું. થોડી વાર પછી અમે અમારા ઘરોમાંથી બહાર આવ્યા અને જોયું કે અમારા ઘરો અને અમારા પડોશીઓના ઘરો ઉપરની પાણીની ટાંકી ફાટી ગઈ હતી. તે સમયે અંધારપટ હતો અને બધી લાઈટો બંધ હતી.”

ફિરોઝપુરમાં એક ઘર પર ડ્રોન પડ્યું, ત્રણ ઘાયલ

આ પહેલા શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને પંજાબના અનેક શહેરો પર ડ્રોન મિસાઇલોથી હુમલો કર્યો હતો. ઘણા હુમલાઓને સંરક્ષણ વિરોધી પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં ડ્રોનને કારણે 25 વિસ્ફોટ થયા. ફિરોઝપુરના ખૈફેમિકીમાં ડ્રોન હુમલામાં એક ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું. પરિવારના સભ્યો બહાર હોવાથી તેમનો બચાવ થયો. જોકે, ત્રણ લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિરોઝપુરમાં ત્રણ મિસાઇલોનો નાશ કરવામાં આવ્યો છે.

ફિરોઝપુરના ખાઈ ફેમિકી ગામમાં પાકિસ્તાની ડ્રોન હુમલામાં એક ઘરને નુકસાન થયું છે. ઘર પર એક સાથે બે ડ્રોન હુમલા થયા છે. આ હુમલામાં લખવિંદર સિંહ સહિત ત્રણ લોકો અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘરમાં આગ લાગી છે. ઘરની બહાર પાર્ક કરેલી કારમાં પણ આગ લાગી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન હુમલા દરમિયાન ઘરની લાઇટ ચાલુ હતી. ઘાયલોને સારવાર માટે ફિરોઝપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ઓળખ લખવિંદર સિંહ, સુખવિંદર કૌર અને મોનુ તરીકે થઈ છે.

ફિરોઝપુરના એસએસપી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ડ્રોન પડવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે ઘાયલોની હાલત પૂછી. સેના દ્વારા અન્ય પાકિસ્તાની ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. ડ્રોન હુમલા દરમિયાન આ વિસ્તારની લાઇટો ચાલુ હતી, જેના પર SSP એ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ આ વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનકર કાર્યવાહી કરી રહ્યું છેઃ વિદેશ સચિવ

નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પાકિસ્તાન ગુસ્સામાં છે. સેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે, તેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્રી સાથે કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહ્યાં છે.

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પશ્ચિમ વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો છે. સાથે જ, વાયુસેનાએ ભારતના આદમપુર અને પઠાનકોટ એરબેસને નુકસાન પહોંચાડ્યું છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારે ક્ષમતા ધરાવતા મિસાઇલ હુમલાઓ કર્યા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનનાં અનેક સૈનિક ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા છે. તેમણે કહ્યું કે ભારતે સંતુલિત રીતે પાકિસ્તાની હુમલાઓનો જવાબ આપ્યો છે અને કોઈ નાગરિકોને નિશાન બનાવ્યા નથી.

પાકિસ્તાની સેનાએ શુક્રવારે પણ ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા, પરંતુ ભારતના એર ડિફેન્સ સિસ્ટમએ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સીમા અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોનના અવશેષો જોવા મળ્યા છે. આ સ્થળોમાં બારામૂલા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જામ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જાટ્ટા, જૈસલમેર, બાડમેર, ભૂજ, કુઆરબેટ અને લાખી નાળા સામેલ છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે પોતાનાં 32 એરપોર્ટ્સ 15 મે સુધી માટે તાત્કાલિક રૂપે બંધ રાખવાની જાહેરાત કરી છે. એ સાથે સાથે સેનાએ જણાવ્યું છે કે અત્યાર સુધી અમે પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે અને અમે દુશ્મનની દરેક યોજનાને નિષ્ફળ બનાવીશું. સેનાએ પાકિસ્તાનના હુમલાની માહિતી આપવાની સાથે પોતાની કાર્યવાહી વિશેની વિગત પણ શેર કરી છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરાયેલા નિષ્ફળ અને ઉશ્કેરણીભર્યા ડ્રોન તથા મિસાઈલ હુમલા છતાં તેણે પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નહોતું. પાકિસ્તાન નાગરિક વિમાનોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યો છે.

અમે ટેન્શન વધારવા નથી ઇચ્છતા, પણ પાકિસ્તાનની દરેક ખોટી હરકતોનો જવાબ આપીશું, એમ કર્નલ સોફિયા કહ્યું હતું. તેમણે  કહ્યું હતું કે ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાન નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે, જેથી તે પોતાની પ્રવૃત્તિઓ છુપાવી શકે. પાકિસ્તાને ઘણા ખોટા દાવાઓ કર્યા છે, જે તમામ ખોટા છે. પાકિસ્તાને ફાઈટર વિમાનો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનના જવાબમાં ભારતે સંરક્ષણરૂપે પ્રતિસાદ આપ્યો છે. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઈલોથી પંજાબના એર બેઝ સ્ટેશનને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનાં વિમાનોએ ભારતની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

રાજેશ ખન્નાની ‘અવતાર’ ની વાર્તાના અનેક અવતાર થયા  

રાજેશ ખન્નાની ફિલ્મ ‘અવતાર’ (1983) પહેલાં અને પછી પણ બંગાળી નવલકથાકાર આશાપૂર્ણા દેવીની ‘જોગ બિયોગ’ ની વાર્તા પરથી અનેક ભાષામાં ફિલ્મો બની છે. ‘અવતાર’ જેવી વાર્તા અનેક ફિલ્મોમાં પાત્રોના જુદા જુદા અવતાર સાથે જોવા મળી છે. આ નવલકથા પરથી સૌથી પહેલાં 1953 માં એ નામની જ બંગાળી ફિલ્મ બની હતી. પછી ૧૯૬૦ માં તમિલમાં નિર્દેશક એ. ભીમસિંહે ફિલ્મ બનાવી હતી. જ્યારે ૧૯૬૭ માં એમણે સૌપ્રથમ હિન્દીમાં એ નવલકથા પરથી ફિલ્મ ‘મેહરબાન’ બનાવી હતી. નિર્દેશક મોહનકુમારે વાર્તામાં થોડો ફેરફાર કરી પોતાની રીતે ‘અવતાર’ બનાવી હતી. એના પર જ આધારિત તમિલ ફિલ્મ ‘વાઝકાઇ’ પણ 1983 માં જ આવી હતી.

1984 માં મલયાલમ ફિલ્મ ‘જીવીતમ’ બની. એ જ વર્ષે કન્નડમાં ‘કલિયુગ’ બની. 1980 ના દાયકામાં તો એવી ઘણી હિન્દી ફિલ્મો આવી જેની વાર્તાનો આધાર ‘અવતાર’ હતી. એના પરથી પ્રેરણા લઈને ‘સ્વર્ગ’ અને ‘બાગબાન’ જેવી અનેક ફિલ્મો બની છે. નિર્દેશક મોહનકુમારે ‘અવતાર’ પહેલાં ફિલ્મ ‘અમીર ગરીબ’ (1974) માં રાજેશને લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે મોટા સ્ટાર હોવાથી વ્યસ્તતાને કારણે શક્ય બન્યું નહીં તેથી દેવ આનંદને લીધા હતા. જ્યારે મોહનકુમારે ‘અવતાર’ નું આયોજન કર્યું ત્યારે રાજેશ ખન્નાનું સ્ટારડમ ખતમ થઈ ચૂક્યું હતું.

રાજેશને ‘અવતાર’ ની વાર્તા પસંદ આવી હતી પણ એમાં એક વૃધ્ધની ભૂમિકા કરવાથી એ ગભરાઈ રહ્યા હતા. લાંબો વિચાર કરીને ફરીથી લોકપ્રિયતા અપાવે એવી વાર્તા હોવાથી ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. પહેલાં ફિલ્મનું નામ ‘રાધા’ વિચારવામાં આવ્યું હતું. કેમકે એમાં એ નામ શબાના આઝમીનું હતું. પરંતુ રાજેશનું નામ ‘અવતાર કિશન’ હોવાથી એમણે ‘અવતાર’ રખાવ્યું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રાજેશને યુવાન બતાવવાનું જરૂરી લાગ્યું હોવાથી ભૂતકાળ બતાવવામાં આવ્યો હતો અને એક ગીત ‘દિન મહિને સાલ ગુજરતે જાયેંગે’ ઉમેરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં જ્યારે રાજેશ અને શબાના પોતાના બાળકને બચાવવા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે ત્યારે એક ગીત મૂકવાનું નક્કી થયું હતું. નિર્દેશકે આનંદ બક્ષીને માતા વૈષ્ણોદેવી પર  ગીત લખવાનું કહ્યું હતું. એક વાત એવી છે કે એમના ઘણા પ્રયત્ન પછી ગીત બની રહ્યું ન હતું ત્યારે રાજેશ ખન્નાએ એમ કહી દીધું હતું કે તમે ક્યાં તો લખવાનું છોડી દો ક્યાં તો પીવાનું છોડી દો. તેથી આનંદ બક્ષી ત્યાંથી જતાં રહ્યા હતા. પણ એ નારાજ ન હતા. એ થોડા સમય પછી ‘ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ’ ગીત લખીને લાવ્યા ત્યારે બધાને એ ગમ્યું હતું.

આ પહેલાં બક્ષીએ ફિલ્મ ‘આશા’ માટે આવું જ ગીત ‘તુને મુઝે બુલાયા શેરાવાલીએ’ લખ્યું હતું. એમાં મોહમ્મદ રફી અને નરેન્દ્ર ચંચલનો સ્વર હતો. ‘ચલો બુલાવા આયા હૈ’ વખતે મોહમ્મદ રફી હયાત ન હોવાથી નરેન્દ્ર ચંચલ અને મહેન્દ્ર કપૂર સાથે આશા ભોંસલેના અવાજમાં રેકોર્ડિંગ થયું હતું. ‘અવતાર’ને ટિકિટબારી પર સારી સફળતા મળી હતી પણ ‘ફિલ્મફેર’ માં અનેક નામાંકન પછી કોઈ એવોર્ડ મળ્યો ન હતો.

ગુલકંદ – ૧૦ મે ૨૦૨૫