Home Blog Page 940

શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ IIT ગાંધીનગર ક્યુરિયોસિટી કેમ્પના સહભાગી બન્યા

અમદાવાદ: હાલમાં જ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ આઈઆઈટી ગાંધીનગરમાં ક્યુરિયોસિટી કેમ્પમાં ભાગ લીધો હતો, ધોરણ 12 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક સમૃદ્ધ અને વિચારપૂર્વક તૈયાર કરાયેલ આ કેમ્પમાં વિજ્ઞાન, કલા અને ફિલસૂફીનો સમન્વય કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને જ્ઞાન અને સર્જનાત્મકતાની સર્વાંગી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ.

કેમ્પમાં કલા અને ફિલસૂફી પર રસપ્રદ સત્રો, પુસ્તકાલયની મુલાકાત, રોબોટિક્સ ક્લબનું અન્વેષણ, અર્થ સાયન્સમાં કારકિર્દીની તકોની સમજ, મેકર્સ ભવનની મુલાકાત, માટીકામનો વ્યવહારુ અનુભવ અને રે ઓપ્ટિક્સના ઉપયોગો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનો સમાવેશ થયો હતો.

શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓને શિબિરમાંથી એક મુખ્ય બાબત એ સમજાઈ કે વિજ્ઞાન જીવનને સમજવા માટેની એક સંરચિત પદ્ધતિ છે, જ્યારે કલા માનવ મન દ્વારા રચિત સંતુલન અને સુમેળનું પ્રતિનિધિત્વ કરે છે. IIT ગાંધીનગર ખાતે પુસ્તકાલયની મુલાકાતે વિદ્યાર્થીઓને પુસ્તકો અને સંશોધન પત્રોના નોંધપાત્ર સંગ્રહનું અન્વેષણ કરવાની તક આપી, જેમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે વિચારશીલ ડેટા સંગ્રહ અને દસ્તાવેજીકરણ જ્ઞાન-સમૃદ્ધ માસ્ટરપીસ તરફ દોરી શકે છે.

રોબોટિક્સ ક્લબમાં નવીન રોબોટિક રચનાઓ રજૂ કરવામાં આવી હતી, જે રોજિંદા જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધતી જતી ભૂમિકા દર્શાવી રહી હતી, જે દ્વારા વિદ્યાર્થીઓને એઆઈ કેવી રીતે આપણા વિશ્વને ફરીથી આકાર આપી રહયું છે તેની ઊંડી સમજણ મળી. અર્થ સાયન્સ પરના સત્રોએ ભૂ-ભૌતિકશાસ્ત્ર અને રાસાયણિક વિશ્લેષણમાં નવા અને ઉભરતા કારકિર્દી પથ રજૂ કર્યા, જેમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણમાં તેમની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો.

કેમ્પ દરમ્યાન મેકર્સ ભવનની મુલાકાત ખાસ કરીને પ્રભાવશાળી રહી, કારણ કે વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયાઓના ઉત્ક્રાંતિ અને નવીનતા અને ડિઝાઇન પ્રત્યેના આધુનિક અભિગમનું અવલોકન કર્યું. માટીકામ વર્કશોપ એક અન્ય હાઇલાઇટ હતી, જે વિદ્યાર્થીઓને શાંત અને સર્જનાત્મક શોખ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરતી હતી જે ધ્યાન અને કલ્પનાશક્તિને પોષે છે – ખાસ કરીને આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં તે જરૂરી છે. “શાંતિ એશિયાટિક સ્કૂલ”ના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્યુરિયોસિટી કેમ્પમાં વિજ્ઞાન, કલા અને ફિલસૂફીના સમન્વયથી ઘણું બધું જાણવા અને શિખવા મળ્યું.

ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું: છ શ્રદ્ધાળુનાં મોત, બે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના સવારે આશરે નવ વાગ્યાના સમયે ગંગનાની નજીક બની હતી. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સેના, પોલીસ, ડિઝાસ્ટર વ્યવસ્થાપન ટીમ, એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે.

આ હેલિકોપ્ટર ગંગોત્રી જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટર કોઈ ખાનગી કંપનીનું હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં કુલ સાત લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ છે.

ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ
આ હેલિકોપ્ટર ખાનગી એરલાઇન્સનું હતું. અકસ્માત માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે  હજી સાચાં કારણો સામે આવ્યાં નથી. એ સાથે-સાથે એ પ્રશ્ન પણ છે કે જો હવામાન ખરાબ હતું તો હેલિકોપ્ટરે ઉડાન કઈ પરિસ્થિતિમાં ભરી હતી? આ ઘટના પછી આ વિસ્તારમાં ભારે ટેન્શન છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

CM પુષ્કર સિંહ ધામી દ્વારા શોક વ્યક્ત કરાયો
આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે CM પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું  કે ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર ક્રેશમાં કેટલાક લોકોના મોત થયાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે  ઈશ્વર ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શાંતિ આપે અને તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ દુર્ઘટનામાં ઘાયલોને તમામ શક્ય મદદ પહોંચાડવા અને ઘટના અંગે તપાસ કરવા માટે વહીવટી તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. હું સતત અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.

‘નિર્દોષોને નિશાન બનાવવા કાયરતા છે’, અભિનેત્રી ફાતિમાએ પૂંછ ઘટનાની કરી નિંદા

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થયો હતો. આ હુમલામાં 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હુમલામાં ઘરો, શાળાઓ અને ગુરુદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ફાતિમા સના શેખ ભાવુક થઈ ગઈ
ફાતિમા સના શેખે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “નિયંત્રણ રેખા નજીક રહેતા લોકો વિશે વિચારી રહી છું. પૂંછ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની ગોળીબારમાં ચાર બાળકો સહિત 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘરો અને એક ગુરુદ્વારાને નિશાન બનાવવામાં આવ્યા છે, પરિવારો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. નિર્દોષોને નિશાન બનાવવા એ સૌથી કાયરતાપૂર્ણ કૃત્ય છે. મારી પ્રાર્થનાઓ તે બધા માટે છે જેને આપણે ગુમાવ્યા છે, આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહેલા નાગરિકો માટે અને સરહદ પર બહાદુરીથી લડી રહેલા સૈનિકોની સલામતી માટે છે.”

ગોળીબારમાં 57 લોકો ઘાયલ થયા
7 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાએ પૂંછ, રાજૌરી, કુપવાડા અને બારામુલ્લા જેવા સરહદી વિસ્તારોમાં ભારે ગોળીબાર શરૂ કર્યો. આ હુમલો ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં હતો, જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ગોળીબારમાં પૂંછમાં સૌથી વધુ વિનાશ થયો, જ્યાં 12 નાગરિકો માર્યા ગયા અને 57 ઘાયલ થયા. સ્થાનિક રહેવાસીઓના મતે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે પૂંછ શહેરના આંતરિક વિસ્તારોમાં આટલી તીવ્ર ગોળીબાર થયો છે.

આ ફિલ્મોમાં જોવા મળશે ફાતિમા સના શેખ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફાતિમા છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ ‘સામ બહાદુર’ માં સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી હતી. તે જ સમયે, તેની આગામી ફિલ્મોમાં ‘મેટ્રો ઇન દિનન’, ‘ઉલ જુલુલ ઇશ્ક’ અને ‘આપ જૈસા કોઈ’નો સમાવેશ થાય છે.

ધોરણ 10નું 83.08% પરિણામ જાહેર, બનસકાંઠાએ મારી બાજી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા યોજાયેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2025માં આ વર્ષે કુલ 7,46,892 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વખતે પરિણામે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે, જે 83.08% રહ્યું, જે ગત વર્ષના 82.56%ની તુલનામાં 0.52%નો વધારો દર્શાવે છે.

પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો, મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રએ સૌથી ઉચ્ચ 99.11% પરિણામ હાંસલ કર્યું, જે રાજ્યમાં સૌથી વધુ છે. બીજી તરફ, ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું પરિણામ સૌથી નીચું 29.56% રહ્યું. જિલ્લાઓના પ્રદર્શનની દૃષ્ટિએ, બનાસકાંઠાએ 89.29% સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ખેડા જિલ્લો 72.55% સાથે સૌથી નીચા પરિણામ સાથે રહ્યો. શાળાઓના પરિણામની દૃષ્ટિએ, રાજ્યની 1,574 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું, જે શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. જોકે, 45 શાળાઓ એવી હતી જેનું પરિણામ 30%થી ઓછું રહ્યું, જે ચિંતાનો વિષય છે.

આ પરિણામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓની સખત મહેનતનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓ હવે આગળના અભ્યાસ માટે વિજ્ઞાન, વાણિજ્ય કે કલા પ્રવાહ પસંદ કરી શકશે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ નથી, તેઓ રિ-ચેકિંગ અથવા પૂરક પરીક્ષા માટે અરજી કરી શકે છે.

ગુજરાતમાં આભમાંથી વરસ્યો કહેર, 21ના મોત, ખેડૂતોને ભારે નુકસાન

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં 48 કલાકથી લગાતાર મેઘરાજા મનફાવે તેમ વરસી રહ્યા છે. ભારે પવન સાથેના આ વરસાદે જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, 45થી વધુ પશુઓના મોત નોંધાયા છે.

આ વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. આણંદમાં તૈયાર થયેલા બાજરી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વડોદરામાં બે ઇંચ વરસાદ પડતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. સૌરાષ્ટ્રના ભાવનગરમાં 2500 હેક્ટરમાં ફેલાયેલા કેરીના આંબાવાડીઓને મોટું નુકસાન થયું. મહુવામાં સાત ઇંચ વરસાદે વીજપુરવઠો ખોરવી નાખ્યો. પાલીતાણામાં પણ 2500 હેક્ટરમાં કેસર કેરીના આંબાને નુકસાન થયું.

હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ હજુ થંભવાના મૂડમાં નથી. 8 મે, ગુરુવારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં 50-60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. 9 મેના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 10 અને 11 મેના રોજ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

લાહોરમાં ત્રણ બોમ્બધડાકાઃ લોકોમાં ભયનો માહોલ

લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં ત્રણ વિસ્ફોટોથી ભયનો માહોલ છવાયો છે. આ બોમ્બ વિસ્ફોટોથી અફરાતફરી મચી ગઈ હતી અને લોકો અહીંતહીં ભાગવા લાગ્યા હતા. આ બોમ્બ વિસ્ફોટોનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ એક ડ્રોન હુમલો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

ભારતના ઓપરેશન સિંદૂર પછી લાહોર માં અચાનક ત્રણ વિસ્ફોટ થયા છે. પાકિસ્તાની મિડિયાનો દાવો છે કે લાહોરમાં ડ્રોનથી હુમલો થયો છે. ત્યાર બાદ સાયરન વગાડવામાં આવી હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.પાકિસ્તાની અધિકારીઓ વિસ્ફોટના સ્થળ અને કારણની તપાસ કરી રહ્યા છે. લાહોરના ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં, વોલ્ટન એરપોર્ટ નજીક વોલ્ટન રોડ પર ઘણા વિસ્ફોટ સંભળાયા હતા. લોકો ભયભીત થઈ ઘરોમાંથી બહાર નીકળી પડ્યા.

ડ્રોન હુમલો ક્યાં થયો?
વોલ્ટન એરપોર્ટ પાસે ડ્રોનથી હુમલો થયો છે. આ બોમ્બ વિસ્ફોટ બાદ લાહોર એરપોર્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રોન હુમલો પાકિસ્તાની આર્મી યુનિટની નજીક થયાની શક્યતા છે. કરાચી એરપોર્ટ પર પણ ફ્લાઇટ ઓપરેશન અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

લાહોરમાં આ વિસ્ફોટ એવા સમયે થયા છે જ્યારે એક દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. હાલમાં એવું સ્પષ્ટ નથી થયું કે લાહોરના આ વિસ્ફોટ કોણે કર્યા. ભારતે સાત મેની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા. આ હુમલામાં પાકિસ્તાનના 70 કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

થોડી વાતો હિમાલયની તળેટીના પક્ષી કાલિજ ફેઝન્ટ વિશે…

કાલિજ ફેઝન્ટ (Kalij pheasant) એ જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશનું રાજ્ય પક્ષી છે. હિમાલયના તળેટી વિસ્તાર (Foot Hills) જંગલ જેવા કે રાજાજી નેશનલ પાર્ક, કોર્બેટ નેશનલ પાર્ક વગેરે વિસ્તારમાં આ પક્ષી જોવા મળે છે.

નર કાલિજ ફેઝન્ટ ફ્લોરોસન્ટ કાળો-વાદળી રંગના અને માદા સામાન્ય રીતે કથ્થઈ (Brown) રંગની હોય છે. બન્નેની આંખ આસપાસનો ભાગ લાલ રંગનો હોય છે.

હિમાલયની તળેટી અને ટેકરી વિસ્તારના જંગલમાં ઝાડની નીચે અને નીચી વનરાજી વચ્ચે કાલિજ ફેઝન્ટ આમતેમ ફરતું જોવા મળી જાય.

સુવિચાર – ૦૮ મે ૨૦૨૫

૦૮ મે ૨૦૨૫

કબીરવાણી: આ ફરજ ચૂકીએ છીએ તેમાંથી જ કલેહ નીપજે છે

 

ઊંચે કુલ કહ જનમિયા, કરની ઊંચ ન હોય,

કનક કલશ મદ સો ભરા, સાધુ નિન્દા સોય.

 

મહાભારતમાં કર્ણના મુખેથી એક અદ્ભુત વાક્ય નીકળે છે, “દેવાયત કુલે જન્મ મદાયતમ તુ પૌરુષમ”. કયા કૂળમાં જન્મ થવો તે ભલે દેવના હાથમાં હોય પણ પરાક્રમ કરવાનું સામર્થ્ય મારા હાથમાં છે. ઊંચા કૂળમાં જન્મ હોવાથી મહાનતા પ્રાપ્ત નથી થતી. ગુણ અને કર્મથી પણ ઉચ્ચ થવું જરૂરી છે.

કબીરજી ઉપમાની રીતે કહે છે કે, સુવર્ણનો કુંભ મદિરાથી ભર્યો હોય તો પણ સજ્જનો તેનાથી આકર્ષાઈને તેની પ્રશંસા નથી કરતા. આજના યુગમાં તો મદ્યપાનમાં ‘બ્લેક લેબલ’, ‘બ્લુ લેબલ’, ‘ગોલ્ડ લેબલ’ની બોલબાલા છે. સારાસારનું ભાન ન હોય તે મનને આનંદ આપવાના હેતુથી શરાબનું સેવન કરે છે. શરાબસેવન બાદ સારાનરસાનું ભાન ઓછું થાય છે અને ક્યારેક તો વર્તન સાવ બેહૂદુ થાય છે.

પોતાની બુદ્ધિ કે વિવેકને ભ્રષ્ટ કરે તેવું કોઈ કામ સજ્જનો ન કરે. સમાજના બંધનો ઢીલાં થતાં જાય છે તેવા સમયમાં સભાનપણે યોગ્ય વર્તન કરવાની વ્યક્તિની જવાબદારી છે. આ ફરજ ચૂકીએ છીએ તેમાંથી જ કલેહ નીપજે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)