Home Blog Page 949

જ્યારે માધુરીને આવું કામ કરતા જોઈને ચાહકો ચોંકી ગયા…

લગ્ન પછી માધુરી દીક્ષિત લાંબા સમય સુધી તેના પતિ શ્રીરામ નેને સાથે અમેરિકામાં રહી. 2011 માં તે તેના પતિ સાથે ભારત પાછી આવી. ડૉ. નેને દેશમાં આવ્યા અને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. આ દરમિયાન માધુરી ફિલ્મોમાં પણ સક્રિય થઈ ગઈ. તાજેતરમાં માધુરી દીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં અમેરિકામાં તેના દિવસો યાદ કર્યા અને એક જૂનો કિસ્સો પણ શેર કર્યો.

જ્યારે માધુરીના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા
તાજેતરમાં, અભિનેત્રી સૌમ્યા ટંડનને આપેલા એક ઇન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતે કહ્યું,’જ્યારે હું અમેરિકાના ડેનવરમાં રહેતી હતી, ત્યારે અમને અમારા બાળકો સાથે કાર ધોવાનો ખૂબ શોખ હતો. બાળકોને પાણીમાં અને સાબુથી રમવાનો આનંદ આવે છે. જ્યારે પણ તક મળે ત્યારે અમે ગાડી ધોતા. એક દિવસ અચાનક અમારા ઘરની સામેથી એક ચાહકની ગાડી પસાર થઈ. મને કાર ધોતા જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું,’અરે માધુરી દીક્ષિત ગાડી ધોઈ રહી છે.’ તાજેતરમાં માધુરીએ એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે જ્યારે તે અને ડૉ. નેને ભારત પાછા ફર્યા ત્યારે તેના સાસરિયાઓ ખુશ નહોતા.

માધુરી દીક્ષિતના કરિયરની વાત કરીએ તો, તે ગયા વર્ષે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 4’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તે ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ દેખાય છે. માધુરી વેબ સિરીઝનો પણ ભાગ બની છે. આ રીતે માધુરી દીક્ષિત તેની અભિનય કારકિર્દીની બીજી ઇનિંગમાં ખૂબ જ વ્યસ્ત છે.

…તો પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દઈશું: અનુરાગ ઠાકુર

 નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પાકિસ્તાન પર સરહદે અશાંતિ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે જો પડોશી દેશ ભારત વિરુદ્ધની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે.

ગાંધી ચોક ખાતે આયોજિત જિલ્લા સ્તરીય રેલીને સંબોધતાં ઠાકુરે કહ્યું હતું કે ભારત સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે યોગ્ય સમયે પાકિસ્તાનને મજબૂત જવાબ આપવામાં આવશે. હમીરપુરથી હાલના સાંસદ રહેલા ઠાકુરે કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતવિરોધી હરકતો કરતું રહેશે, તો તે વિશ્વની રાજકીય વ્યવસ્થામાંથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

આ રેલી દરમિયાન અનુરાગ ઠાકુરે આ આરોપ પણ લગાવ્યો કે જ્યાં કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કૂટનીતિક પગલાં લઈ રહી છે અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધારી રહી છે, ત્યાં હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર આ મુદ્દે ગંભીર નથી.

તેમણે કહ્યું કે એક બાજુ કોંગ્રેસ સરકાર કેન્દ્રના નિર્ણયોનો સમર્થન કરે છે, તો બીજી બાજુ તેના કેટલાક નેતાઓ “બિનજરૂરી નિવેદનો” આપી રહ્યા છે. પાર્ટી દ્વારા કુલુ, ઉના, લાહૌલ-સ્પીતી અને અન્ય સ્થળોએ પણ પ્રદર્શન કરવામાં આવ્યા છે.

બીજી બાજુ, શિમલામાં ભાજપ નેતાઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્યમાં કાયદેસર કે બિનકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકોની તરત ઓળખ કરી તેમને પાછા મોકલવાની માગ કરી હતી. ઉપરાંત, લોઅર બજાર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓએ પાકિસ્તાનવિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢી હતી.

 

 

 

 

CBI ડિરેક્ટરની નિમણૂક અંગે ચર્ચા કરવા રાહુલ ગાંધી PMO કાર્યાલય પહોંચ્યા

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડા પ્રધાન કાર્યાલય પહોંચ્યા. તેમની મુલાકાત આગામી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ડિરેક્ટરની નિમણૂક પર વિચાર-વિમર્શ કરવા માટે છે. સીબીઆઈ ભારતની સૌથી મોટી તપાસ એજન્સી છે. આ એજન્સી વિવિધ પ્રકારના ગુનાહિત અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોની તપાસ કરે છે.

સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન છે. આ સમિતિ એકસાથે બેસીને સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક માટેના નામની ચર્ચા કરે છે અને પછી સરકારને નામની ભલામણ કરે છે. તેના આધારે, કેન્દ્ર સરકાર સીબીઆઈના આગામી ડિરેક્ટરની નિમણૂક કરે છે.

સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટ અને કાયદાનું શાસન

સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક માટે ઘણા મહત્વપૂર્ણ નિયમો છે. 2019 માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે જે અધિકારીની નિવૃત્તિ માટે છ મહિના બાકી છે તેમને સીબીઆઈ ડિરેક્ટર બનાવી શકાય નહીં. સીબીઆઈ ડિરેક્ટરનો કાર્યકાળ ઓછામાં ઓછો બે વર્ષનો હોવો જોઈએ. નિમણૂક સમિતિ મંજૂરી ન આપે ત્યાં સુધી સીબીઆઈ ડિરેક્ટરને કાર્યકાળની મધ્યમાં દૂર કરી શકાતા નથી.

ભારત સાથે દુશ્મનાવટ કરીને પાકિસ્તાન બરબાદ થઈ જશે, મૂડીઝનો ચોંકાવનારો રિપોર્ટ

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતના ટોચના નેતૃત્વએ છેલ્લા દસ દિવસમાં ઘણી વખત ચેતવણી આપી છે કે આ કાયરતાપૂર્ણ હુમલો કરનારાઓ અને તેમને આશ્રય આપનારાઓને પાઠ ભણાવવો.
પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિમાં, જો આ તણાવ ચાલુ રહે છે અથવા તે યુદ્ધમાં ફેરવાય છે, તો તેની પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે. ભારત કરતાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વધુ અસર થશે. પ્રખ્યાત રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે જાહેર કરેલા એક અહેવાલમાં આ વાત કહી છે.

પાકિસ્તાનને આર્થિક નુકસાન થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાંબા સમયથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં હવે સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. પરંતુ હાલની તંગ પરિસ્થિતિ તેના વિકાસ દરને પણ અસર કરી શકે છે અને પાકિસ્તાન સરકારની નાણાકીય સંતુલન સ્થાપિત કરવાની નીતિઓને પણ નબળી પાડી શકે છે.
મૂડીઝના મૂલ્યાંકનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ રહેશે. બંને દેશો વચ્ચે તણાવને કારણે ઘણી વખત લશ્કરી કાર્યવાહી પણ થાય છે. આઝાદી પછીથી બંને દેશો વચ્ચે આવું થતું રહ્યું છે, પરંતુ તે પૂર્ણ યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા ઓછી છે.

ભારતીય અર્થતંત્ર પાકિસ્તાન કરતા વધુ મજબૂત

મૂડીઝના અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્રના મૂળભૂત પાયા પાકિસ્તાન કરતા વધુ મજબૂત દેખાય છે. અહીં સ્થિરતા છે, વિકાસ દર ઓછો હોવા છતાં, હજુ પણ એકદમ ઊંચા સ્તરે છે કારણ કે સરકારી ખર્ચ વધી રહ્યો છે અને ખાનગી વપરાશ પણ સારી સ્થિતિમાં છે. મૂડીઝે કહ્યું છે કે જો સ્થાનિક તણાવ ચાલુ રહેશે તો ભારતની આર્થિક પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અસર થવાની શક્યતા ઓછી છે. કારણ એ આપવામાં આવ્યું છે કે ભારતના પાકિસ્તાન સાથે ખૂબ જ મર્યાદિત આર્થિક સંબંધો છે. પરંતુ સંરક્ષણ ક્ષેત્ર પર વધુ ખર્ચ થવાથી રાજકોષીય સંતુલન પર અસર પડશે અને ભારત સરકાર દ્વારા તૈયાર કરાયેલ રાજકોષીય વ્યવસ્થાપન રોડમેપ પ્રભાવિત થઈ શકે છે.

પાકિસ્તાનને લોન એકત્ર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર અસર પડી છે કારણ કે લાંબા સમય પછી ત્યાંની પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો. વિદેશી હૂંડિયામણ ભંડાર વધી રહ્યો હતો, ફુગાવો પણ નિયંત્રણમાં આવી રહ્યો હતો અને આર્થિક વિકાસ દર વધવાની શક્યતા હતી. ત્યાંની સરકાર હજુ પણ IMF પાસેથી નવું લોન લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જો ભારત સાથેનો તણાવ લંબાશે તો તેની અસર વિદેશી હૂંડિયામણ ભંડાર પર પણ પડશે અને પાકિસ્તાનને બહારથી લોન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

એ નોંધવું જોઈએ કે તાજેતરમાં IMF અને વિશ્વ બેંકે 2025 માટે પાકિસ્તાનના આર્થિક વિકાસ દરનો અંદાજ 3.2 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો છે. જ્યારે આ એજન્સીઓએ ઘટાડા છતાં ભારતનો વિકાસ દર 6.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $688 બિલિયન છે જ્યારે પાકિસ્તાનનો ફક્ત $15 બિલિયન છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્રમાં કરા, અમદાવાદમાં ધૂળની ડમરી

રવિવાર, 4 મે 2025ના કમોસમી વરસાદે રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વાતાવરણને બદલી નાખ્યું. રાજકોટના પારડીમાં 20 મિમી વરસાદ અને કરા પડ્યા, જ્યારે બોટાદના રાણપુરમાં 15 મિમી વરસાદ નોંધાયો. ભાવનગરના શિહોરમાં 10 મિમી વરસાદે ગરમીમાં રાહત આપી, પરંતુ જુવાર, બાજરી અને તલ જેવા ઉનાળુ પાકને નુકસાનનો ખતરો વધ્યો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત રહેશે.

સોમવારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં સાબરમતી અને સેટેલાઇટ વિસ્તારોમાં 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી અને વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાઈ. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મંગળવારે 63% અને બુધવારે 70% વરસાદની સંભાવના છે, જેમાં 30-40 કિમી/કલાકના પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે. આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

આ કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. રાજકોટના વિંછીયામાં કરાએ બાજરીના પાકને નુકસાન પહોંચાડ્યું, જ્યારે બોટાદના પીપરડીમાં તલના ખેતરો પલળી ગયા. હવામાન વિભાગે 6થી 9 મે દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી છે.

દેશની ડિફેન્સ વેબસાઇટ્સ પર પાકિસ્તાનનો સાયબર હુમલો

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. પાકિસ્તાની હેકર્સે ભારતની મહત્વપૂર્ણ ડિફેન્સ વેબસાઇટ્સને નિશાન બનાવી છે અને સંરક્ષણ કર્મચારીઓની ગુપ્ત માહિતી લીક થવાની આશંકા છે.

આ આ સાઇબર હુમલાઓમાં સંરક્ષણ કર્મચારીઓની સંવેદનશીલ માહિતીમાં તેમની લોગિન વિગતો પણ સામેલ છે.  પાકિસ્તાન સાઇબર ફોર્સ નામના એક X (હવે પૂર્વમાં Twitter) હેન્ડલે દાવો કર્યો છે કે હેકર્સે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ અને મનોહર પર્રિકર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ ઇન્સ્ટિટ્યૂટના સંવેદનશીલ ડેટા સુધી પહોંચી માહિતી મેળવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

 આ ગ્રુપે સંરક્ષણ મંત્રાલયના હેઠળ આવતા પબ્લિક સેક્ટર યુનિટ “આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ”ની વેબસાઇટને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એનાથી શક્ય નુકસાનીનો અંદાજ લગાવવા માટે આ વેબસાઇટને સંપૂર્ણ ઓડિટ માટે ઓફલાઇન કરી દેવામાં આવી છે.

સાઇબર સુરક્ષા નિષ્ણાતો હાલમાં કોઈ પણ વધારાના હુમલાનું નિરીક્ષણ કરવા માટે સાયબર સ્પેસની સજાગ રીતે મોનિટરિંગ કરી રહ્યા છે, ખાસ કરીને એવા હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે પાકિસ્તાન સાથે સંકળાયેલાં તત્ત્વો દ્વારા પ્રાયોજિત હોઈ શકે. ભવિષ્યમાં ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા માળખાને મજબૂત બનાવવાનાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પાકિસ્તાન સાઇબર ફોર્સ હેન્ડલ, જેને હવે બ્લોક કરવામાં આવ્યો છે, તેણે આર્મ્ર્ડ વેહિકલ નિગમ લિમિટેડના એક વેબપેજના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં ભારતીય ટેન્કની છબીને પાકિસ્તાની ટેન્કથી બદલી દેવામાં આવી હતી. આ હેન્ડલે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટના 1600 યુઝર્સના 10 GB કરતાં વધુ ડેટા સુધીની પહોંચ છે.

હુમલાના જવાબે પાણીનો વ્હેણ થમ્યો! ભારત-પાકિસ્તાનનું જળ યુદ્ધ

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 26 નાગરિકો મૃત્યુ પામ્યા, ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી પાકિસ્તાન સામે કડક પગલું ભર્યું. ચિનાબ નદી પરના સલાલ અને બગલિહાર ડેમના દરવાજા બંધ કરી પાણીનો પ્રવાહ રોકાયો, જેનાથી પાકિસ્તાન તરફનું વહેણ ઘટ્યું. આ નિર્ણયના ભાગરૂપે, ભારતે જમ્મુ-કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં આવેલી આ બે જળવિદ્યુત પરિયોજનાઓની જળસંચય ક્ષમતા વધારવાનું કામ 1 મે, 2025થી શરૂ કર્યું, જે સ્થાનિક વીજ ઉત્પાદન અને કૃષિ માટે ફાયદાકારક રહેશે.

NHPC અને જમ્મુ-કાશ્મીર સરકારે 1થી 3 મે દરમિયાન સલાલ (690 MW) અને બગલિહાર (450 MW) ડેમમાં ફ્લશિંગ પ્રક્રિયા હાથ ધરી, જેમાં જળાશયોમાં જમા થયેલો કાદવ-કીચડ દૂર કરાયો. આ પ્રક્રિયા ટર્બાઇનની કાર્યક્ષમતા વધારે છે અને વીજ ઉત્પાદનમાં વધારો કરે છે, જે અગાઉ પાકિસ્તાનના વિરોધને કારણે મર્યાદિત હતું. આ પગલાંથી ભારતના વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો થશે, જ્યારે પાકિસ્તાનની સિંચાઈ અને વીજ પુરવઠા પર ભવિષ્યમાં અસર થઈ શકે છે.

હાલ પાકિસ્તાનને આની તાત્કાલિક અસર નથી, કારણ કે ભારત પાસે સંપૂર્ણ પાણી રોકવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જોકે, ભારત ટૂંક સમયમાં જેલમ નદી પર કિશનગંગા ડેમના દરવાજા બંધ કરવાની યોજના ધરાવે છે, જે પાકિસ્તાનની ખેતી અને વીજ ઉત્પાદનને અસર કરી શકે છે. આ નિર્ણયે બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો છે.

ક્રિકેટર મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. રવિવારે સાંજે રાજપૂત સિંધર નામના યુવકે મોહમ્મદ શમીના મેઇલ આઈડી પર એક ઇમેઇલ મોકલ્યો જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મોહમ્મદ શમી હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે સંકળાયેલો છે અને IPL રમી રહ્યો છે.

ધમકીભર્યો મેઇલ મળ્યા પછી, તેણે તેના મોટા ભાઈ હસીબ અહેમદને આ વિશે જાણ કરી. જે બાદ સોમવારે મોહમ્મદ હસીબે એસપી અમિત કુમાર આનંદને મળ્યા અને ફરિયાદ નોંધાવી. આ કેસમાં સાયબર પોલીસ સ્ટેશને FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

કર્ણાટકમાં FIR નોંધાયા બાદ સોનુ નિગમે જણાવ્યો આખો મામલો, જુઓ વીડિયો

બોલિવૂડના દિગ્ગજ ગાયક સોનુ નિગમ આજકાલ મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. કન્નડ ભાષા અને સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને બેંગલુરુમાં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સોનુ સૂદ પર આરોપ છે કે તેણે તાજેતરના બેંગલુરુ કોન્સર્ટ દરમિયાન એક યુવકની કન્નડ ગીત ગાવાની માંગને ધમકી ગણાવી હતી અને તેને પહેલગામ હુમલા સાથે જોડી હતી. આ મામલે સોનુ નિગમ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે આ FIR પર સોનુ નિગમ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં તેમણે દરેક ભાષા અને સંસ્કૃતિનું સન્માન કરવાની વાત કરી છે.

સોનુ નિગમે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,“મેં ભાષા, સંસ્કૃતિ, સંગીત, સંગીતકારો, રાજ્ય અને લોકોને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે. હકીકતમાં, મેં હિન્દી સહિત અન્ય ભાષાઓના ગીતો કરતાં મારા કન્નડ ગીતોને વધુ માન આપ્યું છે. મારી પાસે એક કલાકથી વધુ કન્નડ ગીતો છે, જે મેં કર્ણાટકમાં યોજાયેલા દરેક કોન્સર્ટ માટે પણ તૈયાર કર્યા છે. જોકે, હું કોઈ જુવાન છોકરો નથી કે અપમાન સહન કરું. હું 51 વર્ષનો છું, મારા જીવનના બીજા ભાગમાં છું અને મને ખરાબ લાગવાનો સંપૂર્ણ અધિકાર છે કે મારા પુત્ર જેવો નાનો વ્યક્તિ હજારો લોકોની સામે ભાષાના નામે મને સીધી ધમકી આપી રહ્યો છે. તે પણ કન્નડમાં, જે મારા કામની દ્રષ્ટિએ મારી બીજી ભાષા છે. તે પણ કોન્સર્ટમાં મારા પહેલા ગીત પછી.”

સોનુ નિગમે પોતાના નિવેદનમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું, “તેના પોતાના લોકો પણ તે માણસના કૃત્યોથી શરમાઈ ગયા હતા અને તેને ચૂપ રહેવા માટે કહી રહ્યા હતા. મેં તેને ખૂબ જ નમ્રતા અને પ્રેમથી કહ્યું કે શો હમણાં જ શરૂ થયો છે, આ મારું પહેલું ગીત છે અને હું તેમને નિરાશ નહીં કરું. પરંતુ તે હંગામો મચાવવા અને મને ભયંકર ધમકી આપવા માટે તૈયાર હતો. તમે મને કહો કે આમાં કોણ દોષિત છે?

સ્પષ્ટતા આપતાં ગાયકે ઉમેર્યુ કે,”દેશભક્ત હોવાને કારણે, હું એવા બધા લોકોને નફરત કરું છું જેઓ ભાષા, જાતિ અથવા ધર્મના નામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને પહેલગામમાં જે બન્યું તે પછી. મારે તેમને સમજાવવું પડ્યું અને મેં તેમ કર્યું. હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેના માટે મારું સ્વાગત કર્યું. મામલો સમાપ્ત થઈ ગયો અને મેં એક કલાકથી વધુ સમય સુધી કન્નડ ગાયું. તે બધું સોશિયલ મીડિયા પર છે.”

સોનુ નિગમે વધુમાં કહ્યું, “હું કર્ણાટકના લોકો પર છોડી દઉં છું કે તેઓ અહીં નક્કી કરે કોણ દોષિત છે. હું તમારા નિર્ણયને શાંતિથી સ્વીકારવા તૈયાર છું. હું કર્ણાટકની કાયદા એજન્સીઓ અને પોલીસનો સંપૂર્ણ આદર અને વિશ્વાસ કરું છું. મારી પાસેથી જે પણ મદદ માંગવામાં આવશે તે પૂરી પાડવા માટે હું તૈયાર છું.”

શું હતો મામલો?

આ ઘટના બેંગલુરુમાં ઈસ્ટ પોઈન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં સોનુ નિગમના કોન્સર્ટ દરમિયાન બની હતી. સોનુના યુવકે કન્નડ ગીત ગાવાની તેની માંગને ધમકીઓ અને પહેલગામ સાથે જોડી દીધા બાદ કન્નડ સમુદાય ગુસ્સે ભરાયો. કન્નડ તરફી સંગઠનોએ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેને તેમની ભાષા અને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું. આ પછી શનિવારે બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

અજય રાયે રાફેલ પર લટકાવ્યાં લીંબુ-મરચાં, ભડક્યો ભાજપ

નવી દિલ્હીઃ UP કોંગ્રેસના વડા અજય રાયે રાફેલ ફાઇટર જેટને આપેલા નિવેદનને લીધે વિવાદ થઈ રહ્યો છે. ભાજપે આ સેનાનું મનોબળ તોડનારું ગણાવ્યું હતું. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે આ લોકો ભારતીય સેનાનું મનોબળ  નીચું કરનારું છે.

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવી હતી અને તેના પર લીંબુ-મરચાં લટકાવીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ કરેલી કટાક્ષનો વિડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિએ વધી ગઈ છે અને સામાન્ય જનતા તેના પરેશાન છે. પહલગામ હુમલામાં નિર્દોષના મોત થયાં છે, પરંતુ આ સરકાર આતંકવાદીઓને ઠાર કરી દેવાની મોટી-મોટી વાતો કરે છે. રાફેલ લાવ્યા, પણ તે હેન્ગરમાં છે અને તેમાં લીંબુ-મરચાં લટકેલાં છે. આ લીંબુ-મરચાં દેશના સંરક્ષણ મંત્રીએ બાંધ્યા છે. આતંકવાદીઓ અને સમર્થકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?

જ્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નિવેદનથી યુપી નહીં, પરંતુ દેશભરમાં રાજકીય હલચલ વધી છે. જેમાં ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા અજય રાય પર સેના પર મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ બાબતને કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતાનો ભાગ ગણાવ્યો હતો.

ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાની આતંકવાદી સંગઠનની સત્તાવાર પ્રવક્તા બની ગઈ છે. હજી 24 કલાક પહેલાં ચરણજિત સિંહ ચન્ની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગી રહ્યા હતા. તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. પછી 24 કલાકથી ઓછા સમયમાં યુપી કોંગ્રેસપ્રમુખ આપણા સશસ્ત્ર દળોની મજાક ઉડાવે છે અને રમકડાંનું વિમાન બતાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પાકિસ્તાની પ્રચાર પર પ્રતિબંધ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તાવાર રીતે પાકિસ્તાની આતંકવાદનો ડીપ સ્ટેટ પ્રચાર કરે છે.