રાજકોટના ગોંડલમાં કોરાટ ચોક નજીક બેફામ ટ્રકે એક જ પરિવારના બે સભ્યો—સાસુ જ્યોતિબેન મનોજભાઈ બવાનિયા અને વહુ જ્હાનવીબેન બવાનિયાને અડફેટે લઈ તેમનો જીવ લીધો. જનોઈ પ્રસંગમાંથી ગોંડલ પરત ફરતા આ પરિવારને ટ્રકે ટક્કર મારી, જેમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પિતા અને પુત્ર ઈજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ ફરાર થયેલા ટ્રક ચાલકને પોલીસે ઝડપી લીધો છે અને હિટ-એન્ડ-રનનો ગુનો નોંધ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે, જે બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.
ભરૂચના અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીક કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકે બાઈકસવાર ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.)ના જવાનને ટક્કર મારી. આ ગોઝારા અકસ્માતમાં જવાનનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે બાઈક પર સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બંને ઘટનાઓએ રાજ્યમાં રોડ સેફ્ટી અંગે ચિંતા વધારી છે. રાજકોટમાં પરિજનોએ હિટ-એન્ડ-રનની ફરિયાદ નોંધવા માગણી કરી છે, જ્યારે ભરૂચમાં ઝડપી કાર્યવાહીની અપેક્ષા છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેને કારણે રસ્તાઓ પર વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ ટેરર શરૂ કર્યો છે. હવે તેમના નિશાના પર વિદેશી ફિલ્મો આવી છે. અમેરિકન ફિલ્મજગતને ફરી બેઠું કરવાના બહાના હેઠળ ટ્રમ્પે અમેરિકા બહાર બનતી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદેશોમાં બનેલી ફિલ્મો અમેરિકામાં પ્રોપેગેન્ડા ફેલાવી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ને યુએસની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મિડિયા પોસ્ટમાં એ દેશોની ટીકા પણ કરી હતી જેઓ અમેરિકી સ્ટુડિયો અને અમેરિકન નિર્માતાઓને તેમના દેશમાં શૂટિંગ કરવા આકર્ષક ઓફરો આપે છે. તેમણે આ પ્રકારની નીતિને અમેરિકા માટે આર્થિક ખતરો ગણાવ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે અમેરિકામાં ફિલ્મઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે, જેના માટે અન્ય દેશો દ્વારા કરવામાં આવતા પ્રયાસો જવાબદાર છે.
આ પ્રયાસ રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા માટે ખતરાસમાન છે. આ સાથે આ એક પ્રોપોગેંડા છે. આથી મારી સરકાર ઈચ્છે છે કે ફિલ્મો ફરી અમેરિકાની ધરતી પર જ બને. રવિવારે, ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાની યોજનાનું પણ અનાવરણ કર્યું હતું. અહીં દેશના કેટલાંક કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા. તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં, બ્યુરો ઓફ પ્રિઝન્સને સુવિધાજનક બનાવવા કહ્યું હતું.
અમેરિકામાં ફિલ્મોના પ્રોડક્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકામાં 2021 સુધી ફિલ્મ પ્રોડક્શનમાં 26 ટકાનો ઘટાડો આવ્યો છે.
ગુજરાતમાં આજથી આગામી પાંચ દિવસ હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ, બરફના કરા અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે ખેડૂતો અને નાગરિકો માટે સાવચેતીનો સંદેશ આપે છે.
આજે પાટણ, મહેસાણા, દાહોદ, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ, વલસાડ, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
આ વરસાદનું કારણ અરબી સમુદ્ર અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન પાસે સક્રિય એન્ટી-સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, જે ગરમ પવનોને જમીન તરફ લાવે છે. આ અનૈતિક વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન ચાલી રહ્યું છે. સેના, પોલીસ અને SoG સહિતની સુરક્ષા દળોની ટીમs પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી રાત્રે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી પાંચ IED, વાયરલેસ સેટ અને અમુક કપડાં મળી આવ્યાં છે.
ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ, SOGની ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં હરી મરહોટ ગામમાં આવેલા જંગલમાંથી પાંચ IED, બે રેડિયો સેટ, કોમ્યુનિકેશન ડિવાઈસિસ, ત્રણ ધાબળા, અને અન્ય ગુનાહિત ચીજો મળી આવી હતી. ટિફિન બોક્સ, સ્ટિલના ડબ્બામાંથી IED મળી આવ્યા હતા. આ ચીજો પરથી લાગી રહ્યું છે, આતંકવાદીઓએ આ સ્થળે છુપાયા હતા. સુરક્ષા દળો વિડિયો સર્વેલન્સ, ડ્રોન મારફત આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.
પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ, કુલગામ, પુલવામા, ત્રાલ, સોપોર, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જેવા આઠ જિલ્લાઓમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
NIAએ આ હુમલા બાદ તૈયાર કરેલા રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે આ હુમલામાં સામેલ આતંકવાદીઓને મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ આતંકવાદીઓને પાકિસ્તાન પોષી રહ્યો હોવાની બાતમી મળી છે. ISI સુરક્ષા એજન્સીઓને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન LOC અને કાશ્મીરમાં આતંકવાદીઓના નાના-નાના જૂથ તૈયાર કરી તેમને ટ્રેનિંગ આપી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.
પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સળંગ 11મા દિવસે જમ્મુ-કાશ્મીર LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ પર ઉશ્કેર્યા વિના નાના હથિયારો વડે હવામાં ગોળીબાર કર્યો છે.
બોલિવૂડના પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઇનર વાસિક ખાનનું નિધન થયું છે. દિગ્દર્શક અશ્વિની ચૌધરીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચારની માહિતી આપી છે. આ સમાચારથી બોલિવૂડ અને તેના નજીકના લોકોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
આ રીતે મારી કારકિર્દી શરૂ થઈ
વાસિક ખાન બોલિવૂડમાં તેમના વાસ્તવિક અને તેજસ્વી પ્રોડક્શન ડિઝાઇન માટે જાણીતા હતા. દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા વાસિકે 1996માં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં સ્નાતક થયા. તેમના પિતા એન્જિનિયર હતા, પરંતુ વાસિકે કલા અને સિનેમામાં પોતાનો માર્ગ પસંદ કર્યો. કોલેજના દિવસોમાં તેઓ પ્રખ્યાત કલા દિગ્દર્શક સમીર ચંદાને મળ્યા, જેમણે તેમની પ્રતિભાને ઓળખી.
આ ફિલ્મો તેમની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
મુંબઈ પહોંચ્યા પછી વાસિકે કમાલિસ્તાન સ્ટુડિયોમાં બેકડ્રોપ પેઇન્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી.બાદમાં તેમણે સમીર ચંદા સાથે મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવર (1997) અને શ્યામ બેનેગલની હરી-ભારી (2000)માં કામ કર્યું. આ તેમની કારકિર્દીનો વળાંક હતો.
અનુરાગ કશ્યપની ફિલ્મોમાં ખાસ યોગદાન
વાસિકે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં પોતાના સેટ્સથી પોતાની છાપ છોડી હતી. તેમની ફિલ્મો ‘ધેટ ગર્લ ઇન યલો બૂટ’ (2011) અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012)માં, સેટ્સે વાર્તાઓને જીવંત બનાવી હતી. ‘બ્લેક ફ્રાઈડે’ (2004),’નો સ્મોકિંગ’ (2007) અને ‘ગુલાલ’ (2009) જેવી ફિલ્મોમાં તેમના કામે અનુરાગ કશ્યપની ફિલ્મોને એક વિશિષ્ટ દ્રશ્ય શૈલી આપી.’ગેંગ્સ ઓફ વાસેપુર’એ તેમને ઘણી પ્રશંસા અપાવી.
આ ફિલ્મોએ પણ છાપ છોડી
વાસિકે પોતાને ફક્ત આર્ટ ફિલ્મો સુધી મર્યાદિત રાખ્યા ન હતા. તેમણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મો ‘વોન્ટેડ’ (2009) અને ‘દબંગ’ (2010) માં પણ પોતાના સેટનો જાદુ બતાવ્યો હતો.’દબંગ’ માટે તેમણે 100થી વધુ સ્કેચ બનાવ્યા જેમાં દરેક સેટનું વિગતવાર ચિત્રણ કરવામાં આવ્યું હતું. સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ (2013) અને ‘રાંઝના’ (2013)માં તેમના ભવ્ય અને વાસ્તવિક સેટોએ દર્શકોના દિલ જીતી લીધા હતા. તે ‘ટેક્સી નંબર 9211’ (2006), ‘તનુ વેડ્સ મનુ’ (2011), અને ‘તેરે બિન લાદેન’ (2010) જેવી ફિલ્મોમાં પણ દેખાયો હતો. ‘તેરે બિન લાદેન’ માટે, તેમણે મુંબઈના ફિલ્મ સિટીમાં પાકિસ્તાની શહેર એબોટાબાદનું પુનર્નિર્માણ કર્યું, જ્યારે ‘લમ્હા’ (2010) માટે તેમણે કાશ્મીરથી બે ટ્રક ભરેલા ચિનાર પાંદડા મંગાવ્યા.
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તેમજ ગુજકેટ-2025ની પરીક્ષાના પરિણામની આજે, 5 મે, 2025ના રોજ જાહેરાત કરવામાં આવી. આ પરિણામ સવારે 10:30 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા રહ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહે 93.07 ટકાનું ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં મોરબી જિલ્લાએ 92.91 ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ જિલ્લો 59.15 ટકા સાથે સૌથી નીચલા સ્થાને રહ્યો. પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અપેક્ષા કરતાં વધુ સારા પરિણામથી ખુશ થયેલા વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને આનંદની ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ પણ જાહેર થવાનું છે.
વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રની દ્રષ્ટીએ ગોંડલે 96.60 ટકા સાથે બાજી મારી છે, જ્યારે દાહોદ કેન્દ્રનું પરિણામ 54.48 ટકા સાથે સૌથી ઓછું રહ્યું. વિજ્ઞાન પ્રવાહમાં 194 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું, જ્યારે 34 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું રહ્યું. સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાએ 97.20 ટકા સાથે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવ્યું, જ્યારે વડોદરાનું પરિણામ 87.77 ટકા સાથે સૌથી ઓછું રહ્યું.
પરિણામ કેવી રીતે જોવું?
ધોરણ 12ના વિદ્યાર્થી પોતાનું પરિણામ જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ચકાસી શકે છે. જેમાં હોમપેજ પર દેખાતી ‘HSC Result 2025’ લિંક પર ક્લિક કર્યા બાદ. રિઝલ્ટ લોગઈન પેજ પર તમાર#GSEB HSC Result 2025 પર જઈને વિદ્યાર્થીને તેમનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે (જે તમારા એડમિટ કાર્ડ પર દર્શાવેલ છે). જે બાદ ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. વિદ્યાર્થીઓ તેમના વિષયવાર ગુણ અને કુલ સ્કોર જોઈ શકશે. પરિણામ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી શકાય છે. શાળાઓ દ્વારા પછીથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી 6357300971 નંબર પર તેમનો સીટ નંબર મોકલીને વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકે છે, જે તેમના ફોન પર સીધું જ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી ચાલી હતી.
અધ્યાત્મિક પ્રક્રિયામાં ઉતરવા માટેનું એક પાસું એ છે કે તમારું જીવન પુરઝડપથી આગળ વધે. આધ્યાત્મિકતાનો એક સ્તર પર અર્થ એ થાય કે તમે વિકાસની સામાન્ય પ્રક્રિયા થવાની રાહ જોવા તૈયાર નથી, તમે તેને ઝડપી કરવા માંગો છો. એકવાર તમે તેને પુર વેગથી આગળ વધારો એટલે તમારું સુખ, તમારી પીડા, તમારું દુઃખ બધું જ તમારા જીવનમાં તીવ્ર બની જાય છે.
તમારી ઊર્જાઓ એમ પણ હંમેશા સર્વોચ્ચ તરફના પથ પર કેન્દ્રિત હોય છે, પરંતુ એકવાર તમે આધ્યાત્મિકતાના અમુક પાસાઓનો સ્પર્શ કરશો એટલે તે પુરઝડપે આગળ વધશે. તે વિકાસની સામાન્ય પ્રક્રિયા પ્રમાણે ધીમી ગતિથી આગળ વધતું હતું પરંતુ હવે તે ઝડપી બન્યું છે. જયારે તેની ગતિ ધીમી હતી ત્યારે પણ પીડા હતી પરંતુ તમને તેનો વધુ અનુભવ નહોતો કારણકે તે ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું હતું. હવે તે ઝડપી બન્યું છે, તમારા વાહન પ્રમાણે- જો ચારેય પૈડા એક જ દિશામાં હોય તો તે સરળતાથી વહે છે. જો એક પૈડું ખોટી દિશામાં ફરે તો સંઘર્ષ થાય છે, અને વધારે નુકસાન થાય છે કારણકે તે ઝડપથી મુસાફરી કરે છે.
એટલે, એકવાર તમે તમારી ઊર્જાઓ આ પથ પર કેન્દ્રિત કરો, ત્યારે તે ખુબ અગત્યનું છે, કે તમારું મન, શરીર અને ભાવનાઓ તે જ દિશામાં ગોઠવાય અને સહકાર આપે. તમારા મન અને લાગણીઓને નાજેવી વસ્તુઓમાં ફસાવાનો પ્રયાસ ના કરશો, કારણકે જો તમારી ઊર્જાઓ એક તરફ હોય અને તમારૂ મન અને લાગણીઓ કોઈ બીજી તરફ જાય તો તે સંઘર્ષ પેદા કરશે. એ તમારી ઉપર નિર્ભર છે કે તમે તમારું મન, ભાવનાઓ- બધું જ તે દિશામાં રાખો. જો તમે તેમ કરશો તો આનંદમય રીતે મુસાફરી કરી શકશો. જો નહીં, તો તમે મુસાફરી તો કરશો પરંતુ બૂમાબૂમ અને રડતાં રડતાં કરશો.
હવે તમારી ઊર્જાઓને અંતિમને પામવા માટેની ગોઠવણી કરો, તે જ રીતે તમારા મન અને ભાવનાઓની પણ ગોઠવણ કરો. તો શું તેનો અર્થ એમ થાય કે તમે તમારા પરિવારને અથવા તો બીજા બધાને છોડી દો? બિલકુલ નહીં. તમારે ક્યાંક તો રહેવું પડશે, ખરુંને? તમારા માટે જ્યાં પણ અનુકુળ હોય – પરિવાર સાથે, આશ્રમમાં કે પછી જંગલમાં – ત્યાં રહો. જો તમારો પરિવાર જરા પણ અનુકૂળ ન હોય તો જંગલમાં જાઓ. જો જંગલ અનુકૂળ ન હોય તો શહેરમાં રહો. જે તમારી માટે યોગ્ય હોય અને તમને જ્યાં પણ ફાવે તમે ત્યાં રહો. તેને તમારી આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. તેને તમારા રહેવાના સ્થાન સાથે કંઇક લેવા-દેવા છે.
જો તમારી પીડા, તમારી ખુશીઓ, જો બધી વસ્તુઓ તીવ્ર બની જાય તો એવું ક્યારેય ન વિચારશો કે કૃપા નથી થઈ રહી. તે જ કૃપા છે. કૃપાનો અર્થ એ નથી કે તમારી દરેક સમયે પ્રિય વ્યક્તિ તરીકે સારભાર કરવામાં આવે. કૃપાનો અર્થ છે કે તમને વારંવાર ઉતાવળ કરાવવી અને તમને ક્યાંય પણ જંપીને બેસવા ન દેવા.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)
અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ પહેલા એજાઝ ખાન વિરુદ્ધ ‘હાઉસ અરેસ્ટ’નામના શો માટે FIR દાખલ કરવામાં આવી હતી. અભિનેતા પર શો દ્વારા અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. આ શો પરનો વિવાદ હજુ ખતમ થયો નથી અને હવે એજાઝ ખાન વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એજાઝ ખાન વિરુદ્ધ મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અભિનેત્રીની ફરિયાદ પર ચારકોપ પોલીસે એજાઝ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે.
પીડિતાનો અભિનેતા પર આરોપ
પીડિત અભિનેત્રીના જણાવ્યા અનુસારએજાઝ ખાને તેને તેના હાઉસ અરેસ્ટ શોમાં હોસ્ટની ભૂમિકા આપવા માટે ફોન કર્યો હતો. શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એજાઝ ખાને પહેલા પીડિતાને પ્રપોઝ કર્યું અને બાદમાં તેનો ધર્મ સ્વીકારીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. આ પછી અભિનેતાએ તેની ઇચ્છા વિરુદ્ધ જઈને તેના પર બળાત્કાર કર્યો. જે બાદ પીડિત અભિનેત્રીએ ગઈકાલે સાંજે ચારકોપ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
એજાઝ ખાન વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે ચારકોપ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 64, 64(2M), 69, 74 હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં આ બાબત તપાસ હેઠળ છે.
એજાઝ ખાન પહેલાથી જ વિવાદોમાં છે
એજાઝ ખાન લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે અને આ દિવસોમાં તે તેના શો ‘હાઉસ અરેસ્ટ’ માટે સમાચારમાં છે.ઉલ્લુ એપના શો હાઉસ એરેસ્ટને અભદ્ર ગણાવતા ઘણા રાજકીય સંગઠનોએ તેની સામે અવાજ ઉઠાવ્યો અને સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી. આ સંદર્ભમાં એજાઝ ખાન અને ઉલ્લુ એપના સીઈઓ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ FIR પછી ઉલ્લુ એપમાંથી હાઉસ એરેસ્ટના તમામ એપિસોડ દૂર કરવામાં આવ્યા છે.
નજરકેદ સાથે સંબંધિત વિવાદ શું છે?
આ વેબ શોના કેટલાક વિડીયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ક્લિપ્સમાં શોના હોસ્ટ એજાઝ ખાન મહિલા સ્પર્ધકોને તેમના કપડાં ઉતારવા અને પુરુષ સ્પર્ધકો સાથે ઘનિષ્ઠ પોઝ આપવા કહેતા જોવા મળ્યા. આ બધું કેમેરાની સામે થઈ રહ્યું હતું, ત્યારબાદ શોને લઈને વિવાદ ઉભો થયો. વાયરલ ક્લિપ્સ અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે એજાઝ ખાન અને ઉલ્લુ એપના સીઈઓ વિભુ અગ્રવાલને સમન્સ મોકલ્યા છે અને તેમને 9 મેના રોજ કમિશન સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
નવી દિલ્હીઃ હરિયાણા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ધર્મસિંહ છોક્કરની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધર્મસિંહ છોક્કરની મની લોન્ડરિંગના આરોપ હેઠળ દિલ્હીથી ધરપકડ કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્યની દીનદયાળ આવાસ યોજના હેઠળ થયેલા નાણાકીય કૌભાંડના સંદર્ભે ધરપકડ કરવામાં આવ્યા છે. તેમની કંપની પર લગભગ રૂ. 1500 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે.
ધર્મસિંહ છોક્કર પોલીસની નોકરી છોડીને રાજકારણમાં આવ્યા હતા. તેમના બે ભાઈઓ હતા, જેમાંથી એક ઈંદરસિંહ છોક્કર વર્ષ 2000માં પોલીસ નોકરી છોડીને પહેલા INLDના કાર્યકર બન્યા. ત્યાર બાદ તેમણે સમાલખા વિધાનસભામાંથી રાજકારણની શરૂઆત કરી. INLD તરફથી ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ ઊભા રહી ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેઓ ભૂતપૂર્વ CM ભજનલાલના સંપર્કમાં આવ્યા અને પાર્ટીમાં સામેલ થયા. ઈંદરસિંહના અવસાન પછી તેમના ભાઈ ધર્મસિંહ છોક્કરે તેમની રાજકીય વારસો સંભાળ્યો. ઈંદરસિંહ છોક્કરના વર્ષ 2007માં અવસાન બાદ ધર્મસિંહ છોક્કર 2008માં રાજકારણમાં પ્રવેશ્યા હતા.
બીજી વખત ધારાસભ્ય બન્યા
તેઓ કોંગ્રેસના ઉમેદવાર સંજય છોક્કરને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. 2014માં ધર્મસિંહ છોક્કરે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો. હાર્યા બાદ પણ તેઓ પાંચ વર્ષ સુધી પોતાની વિધાનસભામાં સક્રિય રહ્યા અને 2019માં તેમણે ભાજપના શશિકાંત કૌશિકને હરાવીને બીજી વાર ધારાસભ્ય બન્યા.