Home Blog Page 955

આર્જેન્ટિનામાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ:ચિલી સુધી સુનામીની ચેતવણી

નવી દિલ્હીઃ આર્જેન્ટિનામાં 7.5 ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. આ કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી 222 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજ (પાણીની અંદર) સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે એક કલાકે- ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે આવ્યો હતો.

આ ભૂકંપના કેન્દ્રબિંદુની સમુદ્રમાં ઊંડાઈ 10 કિમી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, એક જ સ્થળે 15 મિનિટની અંદર 5.4, 5.7 અને 5.6 ની તીવ્રતાના ત્રણ આફ્ટરશોક આવ્યા. ડ્રેક પેસેજ એ દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન, ચિલી, આર્જેન્ટિના અને એન્ટાર્કટિકાના દક્ષિણ શેટલેન્ડ ટાપુઓ વચ્ચેનો સમુદ્રી વિસ્તાર છે. વહીવટી તંત્રે લોકોને ઊંચાં સ્થળોએ જવા જણાવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુનામીની ચેતવણીના સાયરન વાગવા લાગી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક દિવસ પહેલાં આર્જેન્ટિનામાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આર્જેન્ટિનાના પડોશી દેશ ચિલીના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ પર કરવામાં આવ્યું છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દરિયાઈ મોજાં ચિલીના પ્યુઅર્ટો વિલિયમ્સ સુધી પહોંચી શકે છે. ચિલીની રાષ્ટ્રીય આપત્તિ સેવાએ દક્ષિણ કિનારાના લોકોને ખાલી કરાવવાની હાકલ કરી છે. આ માટે સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે દેશ પાસે ભૂકંપનો સામનો કરવા માટે તમામ સંસાધનો છે. તેમણે સોશિયલ મિડિયા પોસ્ટમાં કહ્યું કે અમે લોકોને મેગેલન વિસ્તારમાં બીચથી દૂર જવા અપીલ કરીએ છીએ. આ સમયે આપણે અધિકારીઓની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.યુએસ સુનામી ચેતવણી પ્રણાલી આગામી એક કલાકમાં બીજી ચેતવણી જારી કરશે.

પૃથ્વી મોટી ટેક્ટોનિક પ્લેટો પર ટકી છે. તેની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત એ અથડામણને કારણે, પ્લેટોના ખૂણા વાંકા થઈ જાય છે અને વધુપડતા દબાણને કારણે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી આવતી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટો પૃથ્વીથી કેટલાક માઇલ નીચે ખસે છે, ત્યારે સેંકડો અણુ બોમ્બ જેટલી ઊર્જા બહાર આવે છે.

ઉનાળુ વેકેશન માટે ગુજરાત એસ.ટી.ની વિશેષ સેવાઓ, 1400 વધારાની બસો દોડાવશે

ગુજરાતમાં ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો મુસાફરીનો આનંદ માણી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, એસ.ટી. નિગમ રાજ્યના મુખ્ય શહેરોને જોડતી રોજની 1400થી વધુ વધારાની બસો દોડાવશે. આ સેવાઓ મુસાફરોને સલામત, સમયસર અને સરળ મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.

આયોજન અંતર્ગત, સુરતથી સૌરાષ્ટ્ર તરફ દરરોજ આશરે 500 ટ્રિપ્સ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ 210 ટ્રિપ્સ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ 300-300 ટ્રિપ્સનું સંચાલન થશે. આ ઉપરાંત, ગુજરાતથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યો માટે આંતરરાજ્ય બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.

નાગરિકો પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે વિશેષ ટ્રિપ્સનું આયોજન કરાયું છે. અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રિપ્સ, ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે 5 ટ્રિપ્સ, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો માટે 5થી 10 ટ્રિપ્સ દરરોજ ઉપલબ્ધ રહેશે. આંતરરાજ્ય પ્રવાસ માટે માઉન્ટ આબુ, સુન્ધામાતા, શિરડી, નાશિક જેવા સ્થળો માટે અમદાવાદથી રોજની 2 ટ્રિપ્સની સુવિધા રહેશે. આ બસો ગીતા મંદિરથી ઉપડશે.

રાહુલ ગાંધીનો પાકિસ્તાનમાં ખૂબ જ જયજયકારઃ  ભાજપ

નવી દિલ્હીઃ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કડક આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ બહારથી કોંગ્રેસ વર્કિંગ કમિટી છે અને અંદરથી પાકિસ્તાન વર્કિંગ કમિટી છે. દરરોજ એક નેતા આવે છે અને પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપે છે. આતંકવાદી હુમલો થયો ત્યારથી દરરોજ સૈફુદ્દીન સોઝ કહે છે કે આપણે પાકિસ્તાનની વાત માનવી જોઈએ, આપણે પાકિસ્તાનનું પાણી બંધ ન કરવું જોઈએ. સિદ્ધારમૈયાએ રડવાનું શરૂ કરી દીધું છે.

તેમણે કહ્યું હતું કે જો કોઈ સ્ટ્રેટેજી જણાવવામાં આવે તો બધા પીડબ્લ્યૂસી (પાકિસ્તાન વર્કિંગ કમિટી)ના સભ્યો ત્યાં જઈને બધું જણાવી દે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે  રાહુલ ગાંધીનો પાકિસ્તાનમાં ખૂબ જ જયજયકાર થઈ રહ્યો છે. જાતિ ગણતરી અંગે રાવલપિંડી એલાયન્સના લોકો પ્રશ્નો ઉઠાવે છે તો કહું કે આપના કાર્યકાળ દરમિયાન જેટલી વાર સેન્સસ થઈ, એક વાર પણ જાતિ ગણતરી ન કરવામાં આવી. બધા સેન્સસ તો તમે કરાવ્યા હતા, તો જાતિ ગણતરી કેમ ન કરી? જાતિ ગણતરી ક્રેડિટ નહીં, પરંતુ ડેબિટનો વિષય છે.

ભાજપના સાંસદે કહ્યું હતું  કે હમણાં એક ઇન્ટરવ્યુમાં મેં હિમંત બિસ્વા શર્માને એ કહેતા સાંભળ્યું કે કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતા અટારી સરહદ પાર કરીને 15 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા. પકડાય નહીં એ માટે તેમણે કોઈ ફ્લાઈટ પણ લીધી ન હતી. તેઓ 15 દિવસ સુધી ઇસ્લામાબાદમાં રહ્યા હતા. હિમંત બિસ્વા શર્માએ તો આ પણ કહ્યું કે તેમનાં બાળકો પણ ભારતના નિવાસી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું  કે બહારથી તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) છે, પણ અંદરથી તેઓ પાકિસ્તાન વર્કિંગ કમિટી (PWC) છે. ગઈ કાલે CWCની બેઠક થઈ હતી અને કેટલાક ઠરાવો પસાર કરાયા હતા. ત્યાર પછી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને પંજાબના ભૂતપૂર્વ CM ચરણજિત સિંહ ચન્નીએ કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ન હતી. કોંગ્રેસ પાકિસ્તાની આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને ઓક્સિજન આપવાનો એક પણ મોકો ચૂકતી નથી.

બનાસકાંઠાની ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ

શનિવારે, 3 મે 2025ની વહેલી સવારે ગુજરાતના ઉત્તરીય વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલૉજી રિસર્ચ (ISR) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિખ્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી, અને તેનું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં હતું. ભૂકંપ સવારે 3:35 વાગ્યે આવ્યો હતો, જેના કારણે ઘણા લોકો ગભરાટમાં ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ, આંચકો નબળો હોવાથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.

આ પહેલાં પણ ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 2001નો કચ્છનો વિનાશક ભૂકંપ યાદગાર છે. જોકે, આ વખતનો આંચકો નજીવો હતો અને સ્થાનિક વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. નિષ્ણાતોના મતે, ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, અને પ્રશાસન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન, બોની કપૂરે માતા માટે લખી ભાવુક પોસ્ટ

બોની કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂરની માતા નિર્મલ કપૂરનું શુક્રવારે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. નિર્મલ 90 વર્ષના હતા. ગયા વર્ષે નિર્મલ કપૂરે તેમનો 90મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઘટના બાદ કપૂર પરિવારે એક નિવેદન બહાર પાડ્યું. ફિલ્મ નિર્માતા બોની કપૂર અને તેમના બાળકો, અભિનેતા અર્જુન કપૂર અને અંશુલા કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર તેમની દાદીને શ્રદ્ધાંજલિ આપી.

બોની કપૂરે તેમની માતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરીને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું,’નિર્મલ કપૂર 2 મે, 2025 ના રોજ શાંતિથી અવસાન પામ્યા, તેમના પ્રિય પરિવારને છોડીને. તેણીએ ચાર બાળકો, પ્રેમાળ પુત્રવધૂઓ, સંભાળ રાખનાર જમાઈ, અગિયાર પૌત્ર-પૌત્રીઓ, ચાર પ્રપૌત્ર-પૌત્રીઓ અને જીવનભરની કિંમતી યાદો છોડીને આનંદમય જીવન જીવ્યું. તેમનો અસીમ પ્રેમ તેમને જાણતા બધાના હૃદયને સ્પર્શી ગયો. તે હંમેશા આપણા હૃદયમાં રહેશે અને હંમેશા યાદ રહેશે. બોની, અનિલ, રીના, સંજય, સુનીતા, સંદીપ, માહીપ, મોહિત, અક્ષય, સોનમ, અર્જુન, રિયા, હર્ષવર્ધન, અંશુલા, જાહ્નવી, શનાયા, ખુશી, જહાં, અંતરા, આનંદ, આશિતા, કરણ થેયા, વાયુ, આયરા, યુવા તરફથી તમને ખૂબ જ પ્રેમ.’ બોની કપૂરે પોસ્ટને ‘મા’ કેપ્શન આપ્યું.

 

View this post on Instagram

 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

નિર્મલ કપૂર કોણ હતા?
કોકિલાબેન અંબાણી હોસ્પિટલના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંતોષ શેટ્ટીએ શુક્રવારે જણાવ્યું હતું કે નિર્મલનું “આજે સાંજે વાગ્યે હોસ્પિટલમાં નિધન થયું”, એમ ન્યૂઝ એજન્સી ANIના અહેવાલમાં જણાવાયું છે. સમાચાર મળતાં જ બોની તરત જ તેની માતાના ઘરે પહોંચી ગયા હતાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, આખો પરિવાર નિર્મલના 90મા જન્મદિવસની ઉજવણી માટે ભેગા થયો હતો.

નિર્મલ સ્વર્ગસ્થ ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂરના પત્ની અને ચાર બાળકો, બોની, અનિલ, સંજય અને રીના કપૂરની માતા હતી. તે અર્જુન કપૂર, સોનમ કપૂર, રિયા કપૂર, હર્ષવર્ધન કપૂર, જાહ્નવી કપૂર, અંશુલા કપૂર, ખુશી કપૂર અને મોહિત મારવાહ જેવી હસ્તીઓની દાદી હતા.

ગુલકંદ – ૦૩ મે ૨૦૨૫

ગરમી માટે શીતળ ઘઉંના લોટના લાડુ

ઘઉંના લોટના લાડુમાં નખાતા ખડીસાકર તેમજ મગજતરીના બીને લીધે અસહ્ય ગરમીના દિવસોમાં તે બાળકો માટે શીતળ તેમજ રાહતભર્યા રહે છે! બાળકોનું વેકેશન પણ ચાલુ છે, તો બનાવી લો આ લાડુ!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1½ કપ
  • ઝીણો રવો ½ કપ
  • ખડીસાકર 1½ કપ
  • ઘી 1 કપ
  • દૂધ ½ કપ
  • એલચી પાઉડર 1 ટે.સ્પૂન

રીતઃ જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરીને તેમાં ગેસની મધ્યમ આંચે રવો 2 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરીને ગેસની ધીમી આંચે આ મિશ્રણ સતત હલાવતા રહો. થોડીવાર બાદ તે સૂકું થવા લાગે ત્યારે બીજું થોડું ઘી ઉમેરી દો. દસેક મિનિટ બાદ લોટ શેકાયા બાદ તે થોડો ઢીલો થવા લાગશે. હવે તેમાં 3-4 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. થોડીવાર બાદ બાકીનું દૂધ પણ મેળવી દો. આ લોટને ત્યાં સુધી તવેથા વડે સતત હલાવતા રહો. જ્યાં સુધી તે રવા જેવો છૂટ્ટો દાણેદાર ન થઈ જાય. લોટ શેકાઈ જાય એટલે તેને કઢાઈમાંથી એક થાળીમાં કાઢીને ઠંડો થવા દો.

ખાલી થયેલી કઢાઈમાં મગજતરીના બી ગેસની ધીમી આંચે શેકીને તે પણ લોટમાં મેળવી દો.

ખડીસાકરના ટુકડા એક ખાંડણીયામાં ખાંડીને તેને મિક્સીમાં બારીક પીસી લો.

લોટ ઠંડો થાય એટલે ખડીસાકરનો ભૂકો, મગજતરીના બી તેમજ એલચી પાઉડર મેળવી લો. જો લોટ સૂકો લાગે તો તેમાં થોડું ઓગાળેલું ઘી મેળવી લો અને તેમાંથી જોઈતી સાઈઝના લાડુ વાળી લો.

૦૩ મે ૨૦૨૫

‘હમરાઝ’ નું એક ગીત બે અવાજમાં રાખવામાં આવ્યું

નિર્દેશક અબ્બાસ- મસ્તાનની ફિલ્મ ‘હમરાઝ’ (2002) માં એક જ ગીત બે વખત તૈયાર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ એવી બની હતી કે એક જ ગીતને બે ગાયક પાસે ગવડાવવામાં આવ્યું હતું. અને આવી ઘટના પહેલી વખત બની હતી. સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માને સારી મિત્રતા હતી. કોઈપણ નિર્માતા – નિર્દેશકની ફિલ્મ હોય ત્યારે ગાયકની પસંદગી મોટાભાગે એ બંને મળીને જ કરતાં હતા. ત્રીજા કોઈને એમાં સામેલ કરતાં ન હતા. બંને એકબીજા સાથે સંમત થતાં એ ગાયકની પાસે ગીત ગવડાવતા હતા.

ફિલ્મ ‘હમરાઝ’ નું ‘બરદાશ્ત નહીં કર સકતા અબ દૂર નહીં રહ શકતા’ બનાવ્યું ત્યારે એમાં ગાયક તરીકે કે.કે. ને લેવાનું નક્કી કર્યું હતું. કે.કે. ના અવાજને ધ્યાનમાં રાખીને જ ધૂન બનાવી હતી. જ્યારે ગીત માટે હિમેશે સુધાકરને કહ્યું કે કોઈ એવા શબ્દ પર ગીત બનાવો જેનો આજ સુધી બોલિવૂડમાં ઉપયોગ જ ના થયો હોય. સુધાકરે કહ્યું કે એક શબ્દ છે ‘બરદાસ્ત’ જેને સંગીત સાથે કોઈ લેવાદેવા નથી. એનો ઉપયોગ કરી શકાય એમ છે.

સામાન્ય જીવનમાં લોકો ‘બરદાશ્ત નહીં કર સકતા’ કે ‘બરદાશ્ત નહીં કરુંગા’ કહેતા હોય છે પણ એના પર ગીત બની શકે નહીં. હિમેશે એ જ શબ્દ પર ગીત લખવા કહ્યું અને સુધાકરે ‘બરદાશ્ત નહીં કર સકતા’ ગીત લખી આપ્યું. એ પછી બંનેનો એક જ વિચાર હતો કે કે.કે. અને સુનિધિ પાસે જ ગવડાવીએ. આ અંગે નિર્માતા- નિર્દેશકને પણ જણાવી દીધું હતું. સુનિધિ અને કે.કે. રેકોર્ડિંગ માટે આવ્યા અને ગાઈને નીકળી ગયા.

 

ગીતનું રેકોર્ડિંગ થયા પછી નિર્માતા- નિર્દેશક અને એમની ટીમ ખુશ ના દેખાઈ. પણ સુધાકર અને હિમેશ નીકળી જતાં હતા. ત્યારે નિર્દેશકે એમને બોલાવ્યા અને પૂછ્યું કે ગીત કેવું છે? ત્યારે બંનેએ કહ્યું કે ગીત સુપરહિટ છે. ત્યારે નિર્દેશકે કહ્યું કે ગીતમાં મજા આવી નહીં. બધાએ અલગ- અલગ સૂચન કર્યા. કોઈએ કહ્યું કે ગીતમાંથી ‘બરદાશ્ત’ શબ્દ જ કાઢી નાખો. સુધાકરે કહ્યું કે આખું ગીત જ બદલી નાખો. ‘બરદાશ્ત’ શબ્દ પર જ આ ગીત બન્યું છે એટલે એમાં ફેરફાર થઈ શકે નહીં.

છેલ્લે એવું કહેવામાં આવ્યું કે બીજા કોઈ પુરુષ ગાયક પાસે ગવડાવો. હિમેશ અને સુધાકરને નવાઈ લાગી. પણ એમણે વિકલ્પ પૂછ્યો ત્યારે એક દિવસ પછી એમને કહેવામાં આવ્યું કે સોનૂ નિગમ પાસે ગવડાવો. હિમેશે સોનૂના અવાજમાં રેકોર્ડ કરીને નિર્દેશકને આપ્યું. થોડા દિવસ પછી હિમેશને ખબર પડી કે ‘બરદાશ્ત’ ગીતનું શુટિંગ થઈ રહ્યું છે. હિમેશે સુધાકરને ત્યાં તપાસ કરવા મોકલ્યા. સુધાકરે સાંભળ્યું કે કે.કે. ના અવાજવાળું જ ગીત ચાલી રહ્યું છે. નિર્દેશકે સુધાકરને પૂછ્યું કે ગીત કેવું છે? સુધાકરે કહ્યું કે હું તમને પૂછી રહ્યો છું કે ગીત કેવું છે? કેમકે આ કે.કે. ના અવાજનું છે. ત્યારે નિર્દેશકે ચોંકીને કહ્યું કે ના સોનૂના અવાજમાં છે. ત્યાં હાજર સરોજ ખાને પણ કહ્યું કે કે.કે. નો અવાજ છે. સુધાકર ત્યાંથી નીકળી ગયા અને હિમેશને કહ્યું. સોનૂ સાથે એમને સંબંધ સારો હતો. હવે એમને શું જવાબ આપવો એના વિચારમાં પડી ગયા. આખરે ઉપાય એવો કર્યો કે બંનેનું માન જળવાઈ શકે.

ફિલ્મમાં કે.કે.ના અવાજમાંવાળું ગીત રાખવામાં આવ્યું હતું જ્યારે કેસેટમાં સોનૂએ ગાયેલા ગીતને રિમિક્સ બનાવીને મૂકવામાં આવ્યું હતું. આમ એક જ ગીત ‘બરદાશ્ત નહીં કર સકતા’ સુનિધિ- કે.કે. અને સુનિધિ-સોનૂના અવાજમાં સાંભળવા મળે છે. એની પાછળની આ રસપ્રદ વાત ગીતકાર સુધાકર શર્માએ એક મુલાકાતમાં કરી હતી. જ્યારે ‘હમરાઝ’ ની તમિલ ભાષામાં રિમેક ‘ગિરિવલમ’ (૨૦૦૫) બની ત્યારે એમાં માત્ર આ એક ગીતની જ ધૂન લેવામાં આવી હતી. અને એના પર શબ્દો ‘ની યારો નૈન યારો’ હતા. એનો અર્થ ‘તું કૌન હો? મૈં કૌન હૂં’ થાય છે. એ ઉપરાંત ‘હમરાઝ’ પછી ઇ. નિવાસના નિર્દેશનમાં ‘બરદાશ્ત’ (૨૦૦૪) નામથી જ બોબી દેઓલ સાથે ફિલ્મ બની હતી.

પંચાંગ 03/05/2025