Home Blog Page 958

પંચાંગ 02/05/2025

મહિલા T20 વર્લ્ડકપ 2026, ફાઈનલ 5 જુલાઈએ લોર્ડ્સમાં યોજાશે, 12 ટીમો લેશે ભાગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ 30 એપ્રિલ, 2025ના રોજ જાહેરાત કરી કે મહિલા T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ 5 જુલાઈએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે, જેમાં 12 ટીમો 33 મેચો રમશે. લોર્ડ્સ ઉપરાંત, ઓલ્ડ ટ્રેફોર્ડ, હેડિંગલી, એજબેસ્ટન, ઓવલ, હેમ્પશાયર બાઉલ અને બ્રિસ્ટોલમાં મેચો યોજાશે.

ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ સહિત 8 ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે. બાકીની 4 ટીમો 2025ના ICC મહિલા T20 વર્લ્ડકપ ક્વોલિફાયરમાંથી પસંદ થશે. 12 ટીમોને 6-6ના બે ગ્રૂપમાં વહેંચાશે, જે બાદ નોકઆઉટ અને ફાઈનલ મેચ રમાશે. ન્યુઝીલેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેને 2024માં દુબઈમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

ICC ચેરમેન ગ્રેગ બાર્કલેએ જણાવ્યું, “2017ની મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં લોર્ડ્સમાં દર્શકોનો ઉત્સાહ અદ્ભુત હતો. આ ટુર્નામેન્ટ ફેન્સને આકર્ષશે અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી માટે મહત્ત્વપૂર્ણ બનશે.” ભારતે 2020માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી, પરંતુ હજુ T20 વર્લ્ડકપ જીત્યું નથી. લોર્ડ્સમાં ફાઈનલ ભારતીય ટીમ માટે ઐતિહાસિક સફળતાની તક બની શકે છે.

ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂક, ન્યાયિક શક્તિ વધી

ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે, જેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને મંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે માર્ચ 2025માં આ 7 ન્યાયિક અધિકારીઓની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે 1 મે, 2025ના રોજ અધિસૂચના જાહેર કરી મંજૂરી આપી. આ નિમણૂકથી હાઇકોર્ટના જસ્ટિસની સંખ્યા 31થી વધીને 38 થઈ છે, જે ન્યાય પ્રક્રિયાને વેગ આપશે.

નવા જસ્ટિસની યાદી

  • લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
  • રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
  • જયેશ લાખણશીભાઈ ઓડેદરા
  • પ્રણવ મહેશભાઈ રાવલ
  • મૂળચંદ ત્યાગી
  • દીપક મનસુખલાલ વ્યાસ
  • ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ

આ તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ ગ્રહણ કરશે. આ નિમણૂકો ગુજરાત હાઇકોર્ટની કાર્યક્ષમતા વધારશે, ખાસ કરીને પેન્ડિંગ કેસોના નિકાલમાં. કોલેજિયમે આ નામોની ભલામણ કરતાં ન્યાયિક અનુભવ અને યોગ્યતાને પ્રાથમિકતા આપી હતી. જોકે, એક નામ, રોહેનકુમાર કુંદનલાલ ચુડાવાલા, કેન્દ્ર સરકારે મંજૂર કર્યું નથી, જેનું કારણ સ્પષ્ટ થયું નથી. આ નિમણૂક ગુજરાતના ન્યાયતંત્ર માટે મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ન્યાયની ઝડપી અને પારદર્શી પહોંચ સુનિશ્ચિત કરશે.

વિરાટ કોહલીએ અનુષ્કાના જન્મદિવસે શું કર્યુ ખાસ? જુઓ આ પોસ્ટ

અનુષ્કા શર્માએ આજે ​​પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે, ફિલ્મ સ્ટાર્સ સહિત ઘણા ચાહકોએ તેમને અભિનંદન સંદેશા મોકલ્યા છે. પરંતુ સૌથી ખાસ જન્મદિવસની શુભેચ્છા અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી તરફથી આવી છે.

વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો ફોટો શેર કરીને પત્ની અનુષ્કા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. વિરાટ કોહલીએ લખ્યું કે તું અમારા માર્ગદર્શક પ્રકાશ છે. ફોટો શેર કરતા કોહલીએ લખ્યું,’મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી, મારા સૌથી સુરક્ષિત સ્થાન માટે, તું મારું બધું છો. તું અમારા જીવનના માર્ગદર્શક પ્રકાશ છો અને અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. મારા પ્રેમને જન્મદિવસની શુભકામનાઓ.’વિરાટ કોહલીની આ ખાસ જન્મદિવસની શુભેચ્છા પર ચાહકોએ અનુષ્કા શર્માને પણ અભિનંદન પાઠવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માના જન્મદિવસ પર ચાહકોએ પણ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે.સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માના ડાન્સ અને ફિલ્મી ગીતોના વીડિયો પણ જોવા મળ્યા. લગ્ન પછી અનુષ્કા શર્માએ અભિનય છોડી દીધો છે. અનુષ્કાએ 2007 માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે ‘બેન્ડ બાજા બારાત’ જેવી ફિલ્મોમાં પોતાની મજબૂત અભિનય કુશળતા સાબિત કરી. આમિર ખાન સાથે પીકે અને સલમાન ખાન સાથે સુલતાન જેવી સુપરહિટ ફિલ્મો આપનાર અભિનેત્રી અનુષ્કા શર્માએ 2017 માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અનુષ્કાએ ફિલ્મોમાં અભિનય કરવાનું બંધ કરી દીધું અને પોતાનો બધો સમય તેના પરિવારને સમર્પિત કરે છે. જોકે, અભિનય છોડ્યા પછી પણ અનુષ્કા શર્માએ ફિલ્મોથી પોતાને દૂર કર્યા નથી પરંતુ એક નિર્માતા તરીકે તેમની સાથે સંકળાયેલી છે.

2017 માં લગ્ન કર્યા
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ વર્ષ 2017 માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટ કોહલી ક્રિકેટ જગતનો સુપરસ્ટાર પણ છે. બંનેની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ પછી, બંને મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને પછીથી 2017 માં લગ્ન કરી લીધા. લગ્ન પછી અનુષ્કાએ અભિનય છોડી દીધો. હવે અનુષ્કા અને વિરાટને બે બાળકો છે, એક પુત્રી અને એક પુત્ર. આજે, તેમના જન્મદિવસના આ ખાસ પ્રસંગે, ફિલ્મ સ્ટાર્સે પણ તેમના સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવી છે.

‘ગુજરાત દિવસ’ નિમિત્તે સુરત પહોંચ્યું નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’

સુરત: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું.આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, “‘સુરત’ યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે. સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને શિપબિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે, ત્યારે નૌસેનાના આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.”રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું કે, “ભારત પાસે ચાર જેટલા યુદ્ધ જહાજો છે, જે પૈકી INS સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે. સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે.”સામાન્ય લોકો માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તા.2 મે સુધી અદાણી હજીરા પોર્ટ પર આ જહાજને જોવા માટે માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળી શકે છે.INS સુરત ક્રેસ્ટ(ચિહ્ન) પર હઝીરાનું લાઇટહાઉસ (1836માં બનેલું) અને એશિયાટિક સિંહ દર્શાવવામાં આવ્યા છે, જે ગુજરાતની વિરાસત અને નૌકાદળની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. નવેમ્બર-2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત ખાતે ‘INS સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું.મધ્યકાળમાં 16મી થી 18મી સદી દરમિયાન સુરત શહેર સમુદ્ર જહાજ નિર્માણ તેમજ સમુદ્ર વ્યાપારનું મોટું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશ-વિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. એટલે જ INS સુરતનું નામકરણ આ પ્રાચીન વિરાસત, ગૌરવભરી સ્મૃત્તિના માનમાં કરવામાં આવ્યું છે.

‘INS સુરત’ની વિશેષતા

યુદ્ધજહાજ ‘INS સુરત’નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે. જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે. INS સુરત એન્ટી-સરફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે. તે નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને સમાવી શકે છે. તે 16 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ (સર્ફેસ ટુ સર્ફેસ), 32 બરાક-8/MRSAM (સર્ફેસ ટુ એર)માં માર કરતી મિસાઇલ્સ, 76 એમએમ SRGM ગન, ચાર AK-630M નજીકના હથિયાર સિસ્ટમ, બે L&T ટ્વીન ટોર્પિડો લોન્ચર્સ અને બે L&T રોકેટ લોન્ચર્સ (એન્ટી-સબમરીન યુદ્ધ માટે) ચલાવવા માટે સક્ષમ છે. ખાસ કરીને અદ્યતન MF-STAR રડાર અને નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી તેને સંપૂર્ણ સુસજ્જિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, ચેતક, ALH, સી કિંગ અને MH-60R જેવા હેલિકોપ્ટરોનું દિવસ-રાત સંચાલન કરી શકે છે, જેમાં રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ગત 15 જાન્યુઆરી-2025ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે INS નિલગિરિ અને INS વાઘશીર સાથે INS સુરત યુદ્ધજહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.24 એપ્રિલ-2025ના રોજ INS સુરતે અરબી સમુદ્રમાં MRSAM (મિડિયમ રેન્જ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ)નું સફળ પરીક્ષણ કર્યું હતું, જેમાં સમુદ્રની સપાટીથી નજીકથી આવતા લક્ષ્યને ચોકસાઈથી નષ્ટ કરવામાં આવ્યું હતું.INS સુરત ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-શ્રેણી (પ્રોજેક્ટ 15B)નું ચોથું અને અંતિમ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચોથા વોરશિપ તરીકે ગત વર્ષે ‘INS સુરત’નું નામકરણ કરાયું હતું. ગુજરાતના વાણિજ્યિક અને ઐતિહાસિક શહેર એવા સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવા માટે ઇન્ડિયન નેવી દ્વારા વોરશિપનું નામ ‘INS સુરત’ અપાયું છે.

(અરવિંદ ગોંડલિયા-સુરત)

મુંબઈ: લેખિકા મીનાક્ષી દીક્ષિતની પૂણ્યતિથિ નિમિત્તે કરાયું વિશેષ કાર્યક્રમનું આયોજન

મુંબઈ ખાતે ‘મને સાંભરે રે (બાળપણના ખાટાં, મીઠાં અને તૂરાં સંસ્મરણો)’નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત કલાપ્રેમીઓની હાજરીમાં લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના બે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યુ અને કેઈએસ ગુજરાતી ભાષાભવન ખાતે ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મીનાક્ષીબહેનના બે પુસ્તકો ‘અંજની,તને યાદ છે?’અને ‘ઘેરે ઘેર લીલાલહેર’પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.

લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે, એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે કેમકે એમાં સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે, એવું નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી. તેમણે ઉમેર્યું,’હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે. સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.’

વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા.’ક્યારેક જૂઠું બોલવું પડે ‘કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ 88 વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે.

‘મને સાંભરે રે ‘ એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળબહેન પટેલે બાળપણનાં સ્મરણોને યાદ કરતાં કહ્યું,” મારાં એક ફોઈ હતાં.દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે.મારા પપ્પા અમને લઈને જાય.હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું..પ્રલય થયો. પ્રલય થયો. ચાર વર્ષની છોકરીને દરિયો શું એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.” વધુમાં તેમણે કહ્યું મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા. કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું હતું. તેમજ તેમણે બલીબલી જાયે જશુમતી મૈયા ગીતનો રાજકપુરે સત્યમ્ શિવમ્ સુંદરમ્ ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કેટલાક કિસ્સાઓ શેર કર્યો તો જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર,પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયાએ પણ બાળપણની યાદો તાજી કરી. સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. તેમજ તેમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. શીઘ્ર કવિ,ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી. કવયિત્રી તથા લેખિની પ્રમુખ પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક ‘અંજની તને યાદ છે.’માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કર્યા. કવિ, નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ ‘હળદરની હોળી અને ઓસામણની પિચકારી’ રજૂ કર્યો. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ‘ ઘેરે ઘેર લીલા લહેર ‘માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. મીનાક્ષીબહેનની વખણાયેલી વાર્તા ‘હીંચકો’ પરથી યુવા નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ ‘હીંચકો’ વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી.

કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું હતું. અંતિમ પડાવ તરફ જતાં બીજાં દીકરી સૌમ્યા દીક્ષિતે હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી હતી અને પૂર્વી દીક્ષિતે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.

રુહ અફઝા મામલે હાઇકોર્ટે બાબા રામદેવને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા હમદર્દ કંપનીના પીણા રુહ અફઝા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે તેમણે કોર્ટમાં હાજર થવું પડશે. તેમનાં કાર્યો પર નારાજગી વ્યક્ત કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી, તેઓ પોતાની દુનિયામાં જ રહે છે.

ન્યાયાધીશ અમિત બંસલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કડક સ્વરમાં કહ્યું કે બાબા રામદેવ દ્વારા રજૂ કરાયેલું સોગંદનામું અને તાજેતરનો વિડિયો બંને પ્રથમ દ્રષ્ટિએ કોર્ટના તિરસ્કારના દાયરામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હવે તેમની સામે માનહાનિ બદલ નોટિસ જારી કરવામાં આવશે.

આખો મામલો શું છે?

પતંજલિના ગુલાબના શરબતનો પ્રચાર કરતી વખતે બાબા રામદેવે દાવો કર્યો હતો કે હમદર્દના રુહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. હમદર્દે રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરીને સોશિયલ મિડિયા પરથી તેમનો વિડિયો હટાવવાની માગ કરી છે. ત્યાર બાદ રામદેવે પોતાની ટિપ્પણીનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. આ અંગે સુનાવણી ચાલી રહી છે.

આ પહેલાં પણ  કોર્ટે તાજેતરમાં જ રુહ અફઝા વિરુદ્ધ રામદેવની ટિપ્પણી બદલ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી તેમના અંતરાત્માને આઘાત લાગ્યો છે અને તેનો બચાવ કરી શકાતો નથી. રામદેવે કહ્યું છે કે તેઓ અને પતંજલિ બધી જાહેરાતો દૂર કરશે, પરંતુ આજે જસ્ટિસ અમિત બંસલને કહેવામાં આવ્યું કે કોર્ટના અગાઉના આદેશ છતાં રામદેવે ફરીથી વાંધાજનક નિવેદનો આપતો વિડિયો શેર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને તેમનું સોગંદનામું અને આ વિડિયો પ્રથમ દ્રષ્ટિએ માનહાનિના દાયરામાં આવે છે. હવે હું માનહાનિની નોટિસ જારી કરીશ. અમે તેમને અહીં બોલાવી રહ્યા છીએ.

IPL 2025: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે સીઝનમાંથી બહાર

IPL 2025ની રોમાંચક સીઝનમાં પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આંગળીના ફ્રેક્ચરને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબ કિંગ્સે 1 મે, 2025ના રોજ X પર પોસ્ટ કરી આ માહિતી આપી, જણાવ્યું કે, “મેક્સવેલ બાકીની સીઝનમાંથી બહાર થયો છે. અમે તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” જોકે, ટીમે રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી નથી.

મેક્સવેલને IPL 2025ની મેગા હરાજીમાં પંજાબે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે આ સીઝનમાં ફ્લોપ રહ્યો. 6 ઇનિંગ્સમાં તેણે 8ની એવરેજથી માત્ર 48 રન બનાવ્યા, જ્યારે સ્ટ્રાઇક રેટ 97.95 રહ્યો. બોલિંગમાં તેણે 27.5ની એવરેજથી 4 વિકેટ લીધી. ખરાબ પ્રદર્શનને કારણે મેક્સવેલની ઘણા પૂર્વ ખેલાડીઓએ ટીકા કરી હતી.

પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ, 10 મેચમાં 6 જીત સાથે 13 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમ આગામી મેચ 4 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે. મેક્સવેલની ગેરહાજરી ટીમની રણનીતિને અસર કરી શકે છે, પરંતુ પંજાબનું પ્લેઓફમાં પહોંચવાનું લક્ષ્ય મજબૂત રહે છે.

કૂવાની મોટરમાંથી વીજ કરંટ લાગતાં ત્રણ લોકોનાં મોત

ખેડાઃ જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં કરંટ લાગવાથી ત્રણ લોકોનાં અકાળે મોત થયાં છે. આગરવા મહારાજના મુવાડામાં કૂવાની મોટરમાંથી કરંટ લાગવાથી માત્રા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો મળ્યા અનુસાર બે વર્ષની છોકરી મીરાને ખેતરના કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગ્યો હતો. જેથી તેની માતા અને ભાઈ તેને બચાવવા દોડી આવ્યા હતાં, પરંતુ દીકરીને બચાવવા માટે જતાં 39 વર્ષીય માતા ગીતાબહેન અને આઠ વર્ષના પુત્ર દક્ષેશને પણ વીજ કરંટ લાગ્યો હતો.

એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતાં પથંકમાં ભારે શોકનો માહોલ છવાયો ગયો હતો. પહેલા બે વર્ષની દીકરીને કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે માતા પણ દોડી આવી તો તેને પણ કરંટ લાગ્યો અને સાથે આઠ વર્ષના ભાઈને પણ કરંટ લાગ્યો હતો. આ ત્રણેય લોકોનાં કરંટ લાગતાં અકાળે મોત થયાં છે. પરિવારજનો અત્યારે હ્રદય કંપાવતું રૂદન કરી રહ્યાં છે. આ ઘટનાને પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આ પહેલાં જિલ્લાના મહેમદાબાદના કનીજ ગામમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી., ખેડા જિલ્લાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં ડૂબતાં છ બાળકોનાં મોત થયાં હતાં. અમદાવાદના નરોડાનાં બાળકો મામાના ઘરે વેકેશનમાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રીએ પંચમહાલને આપી ₹650 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગોધરા: ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લા ખાતે યોજાઈ રહી છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત છે. મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલ જિલ્લાને આજે ₹650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ મળી. જેમાં પંચામૃત ડેરી ખાતે યુ.એચ.ટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલોલમાં લીથિયમ-આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.

મુખ્યમંત્રીએ ગોધરા ખાતે 5.05 કરોડના ખર્ચે નિર્માણ થયેલી નવનિર્મિત આઈ.જી. ઓફિસનું રિબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ગુજરાતના મંત્રીઓ સહિત ધારાસભ્યો અને ગુજરાતના ડી.જી.પી. વિકાસ સહાય, આઈ.જી. આર.વી અસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પંચામૃત ડેરી ખાતેના કોર્પોરેટ બિલ્ડિંગમાં વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રિયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીને પંચામૃત ડેરીની વિવિધ પ્રોડક્ટસ અંગે જાણકારી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કોર્પોરેટ બિલ્ડિંગના ત્રીજા માળે બોર્ડરૂમ ખાતે પંચામૃત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સખત પરિશ્રમથી કોઇ ખાનગી સંસ્થા પ્રગતિના ઉચ્ચ શીખરો સર કરી શકે છે. પરંતુ, જો સહકારી ક્ષેત્રે ડેરી જેવી સંસ્થાઓ પ્રગતિ કરે તો તેના લાભો ગામડાઓમાં વસતા છેવાડાના માનવી સુધી પહોંચે છે. ડેરી ઉદ્યોગના વિકાસથી ગુજરાત સમૃદ્ધિની હરણફાળ ભરી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગ્રામ વિકાસ માટે સહકારિતા મહત્વનું પરિબળ અને પ્રવૃત્તિ છે.ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સપો-2025 અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ શસ્ત્ર પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ એક્સ્પો શસ્ત્ર પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા નોનલીથલ વેપનથી માંડી 1000 મીટર સુધી મારક ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બી.ડી.ડી.એસ. સ્કવોડના 6 સ્ટોલ્સ થકી એકસ્પ્લોઝિવની જાણકારી આપવા હેતુસર તમામ પ્રકારના આઈ.ઈ.ડી. (IED)ના ડિવાઇસ તેમજ સર્ચિંગ ઈકવીપમેન્ટ અને ડિસ્પોઝલ ઇકવિપમેન્ટસ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ ગોધરાના સર્કિટ હાઉસથી હાલોલ ખાતે આવેલા લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.