Home Blog Page 962

ઐતિહાસિક નિર્ણયઃ મોદી સરકાર જાતિ જનગણતરી કરાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.  કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે અને આ આગામી વસ્તી ગણતરીમાં આ વાતને સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર હંમેશાંથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. ભૂતપૂર્વ PM મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.

રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.

આ સાથે બેઠકમાં ખેડૂતો માટે મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. ૧૯૪૭થી જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી. કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. UPA સરકાર દરમિયાન ઘણાં રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણો કર્યાં હતાં.

મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. શેરડીના FRPમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શિલોંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. સરકારે મેઘાલયથી આસામ સુધીના નવા હાઇવેને મંજૂરી આપી છે, જે ૧૬૬.૮ કિમી લાંબો ૪-લેન હાઇવે હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરશે.

ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલ્યા, ભક્તોની ભીડ ઉમટી

અક્ષય તૃતીયાના શુભ તહેવાર પર વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હવે, આપણે છ મહિના સુધી સતત માતા ગંગાના દર્શન કરવા માટે ગંગોત્રી ધામની મુલાકાત લઈશું. બુધવારે સવારે 10.30 વાગ્યે અભિજિત મુહૂર્તમાં ભક્તો માટે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી.

કપાટ ખુલવાના પ્રસંગે, સમગ્ર ગંગોત્રી ધામ માતા ગંગાના મંત્રથી ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ગંગોત્રી ધામ પહોંચ્યા અને માતા ગંગાના દર્શન કર્યા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ ગઈ છે.

બુધવારે, કપાટ ખુલવાના પ્રસંગે, દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો માતા ગંગાના દર્શન કરવા માટે ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. અહીં ભક્તોએ મા ગંગાની મૂર્તિના દર્શન કરીને આધ્યાત્મિક લાભ મેળવ્યો. આ પ્રસંગે, ગંગોત્રી મંદિર સંકુલને લગભગ 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હવે ભક્તો છ મહિના સુધી ગંગોત્રી ધામમાં માતા ગંગાના દર્શન કરી શકશે.

દસ સ્થળોએ આતંકવાદ વિરોધી ટુકડી તૈનાત કરવામાં આવશે

યાત્રાળુઓની સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી ટુકડી, અર્ધલશ્કરી દળો અને પોલીસ કર્મચારીઓ વિસ્તારના દરેક ઇંચ પર નજર રાખશે. મુસાફરોની સુરક્ષા માટે, 10 સ્થળોએ અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ, PAC ની 17 કંપનીઓ અને આતંકવાદ વિરોધી ટુકડી તૈનાત કરવામાં આવશે. SDRF ટીમો 65 સ્થળોએ તૈનાત કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા માટે, કેન્દ્ર સરકાર દ્વારા અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ચારધામ યાત્રા માટે PAC ની 17 કંપનીઓ અને છ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર મુસાફરી રૂટ ડ્રોન દ્વારા આવરી લેવામાં આવશે. યાત્રા માર્ગ પર સુરક્ષા અને ટ્રાફિક પર 2000 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વિવિધ વિસ્તારોમાંથી કંટ્રોલ રૂમમાં ફીડ આવી રહી છે.

IPL 2025ના રોબો ડોગ ‘ચંપક’ના નામે વિવાદ, દિલ્હી પ્રેસે BCCI સામે હાઈકોર્ટમાં કરી અરજી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રજૂ થયેલા રોબો ડોગનું નામ ‘ચંપક’ રાખવા સામે દિલ્હી પ્રેસ પબ્લિકેશન્સે વાંધો ઉઠાવ્યો છે. 1968થી પ્રકાશિત થતી બાળકોની લોકપ્રિય કોમિક બુક ‘ચંપક’ના નામનો અનધિકૃત ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવી, દિલ્હી પ્રેસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં દાવો કરાયો છે કે BCCIએ રોબો ડોગને ‘ચંપક’ નામ આપીને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે.

દિલ્હી પ્રેસના એડવોકેટ અમિત ગુપ્તાએ કોર્ટમાં જણાવ્યું કે, ‘ચંપક’ કોમિક બુક બાળકોમાં અત્યંત લોકપ્રિય છે, અને BCCIના AI રોબો ડોગનું નામ તેના પરથી રાખવું એ ટ્રેડમાર્કનો સ્પષ્ટ ભંગ છે, જે વ્યાપારી શોષણ પણ છે. જોકે, BCCIના વરિષ્ઠ વકીલ જે સાઈ દીપકે આનો વિરોધ કરતાં કહ્યું કે, ‘ચંપક’ એક ફૂલનું નામ છે અને રોબો ડોગનું નામ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર સાથે જોડાયેલું છે, નહીં કે મેગેઝિન સાથે.

ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ ટિપ્પણી કરી કે, ‘ચંપક’ એક જાણીતું બ્રાન્ડ નામ છે, અને BCCIએ ચાર અઠવાડિયામાં લેખિત જવાબ રજૂ કરવો પડશે. કોર્ટે આગામી સુનાવણી 9 જુલાઈ, 2025 માટે નિયત કરી છે. આ રોબો ડોગ, જે wTVision અને Omnicamના સહયોગથી BCCIએ રજૂ કર્યો, તેનું નામ ફેન્સના મતદાન દ્વારા 23 એપ્રિલે ‘ચંપક’ રાખવામાં આવ્યું હતું.

સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે મૌખિક રીતે ઉલ્લેખ કર્યો કે, ક્રિકેટર વિરાટ કોહલીનું ઉપનામ ‘ચીકુ’ પણ ‘ચંપક’ના પાત્ર પરથી છે, પરંતુ પ્રકાશકે તેની સામે કાર્યવાહી કેમ ન કરી? દિલ્હી પ્રેસનું કહેવું છે કે, IPLની વ્યાપારી પ્રવૃત્તિઓ અને માર્કેટિંગમાં ‘ચંપક’નો ઉપયોગ તેમની બ્રાન્ડને નુકસાન પહોંચાડે છે. આ કેસનો નિર્ણય રોબો ડોગના નામના ભાવિ પર અસર કરી શકે છે.

નૃત્ય કળા છે તો મહિલાઓને એમાં રોકટોક કેમ?

મમ્મી, મને ડાન્સ શીખવો છે. અનન્યા ખુશ થતાં સરયુબહેન સાથે વાત કરવા લાગી. હા..હા..બેટા કેમ નહીં, શીખજે તુ તારે, જે શીખવું હોય એ. અંદરથી શૈલેષભાઈ દીકરીને પ્રોત્સાહિત કરતા બોલ્યા. અનન્યા ત્રણ ભાઈઓની એક માત્ર બહેન હતી માટે ઘરમાં બધાની લાડકી. આમ તો એની કોઈ પણ ઇચ્છા પુરી થઈ જ જતી, પણ ડાન્સનું નામ સાંભળી સરલાબહેન તાડુક્યા. આ ડાન્સ, બાન્સની વાતો આપણા ઘરમાં ના શોભે, દીકરીને ઘરકામ કરતા શીખવો, આમ મા-બાપ બેય જણા એની હા માં હા કરો છો, એ સારુ નથી લાગતું.

અનન્યાએ સરલાબહેનનો હાથ પકડતા કહ્યું, પણ દાદી મારી બધી બહેનપણીઓ શીખે છે. તમે કેમ ના કહો છો? એકવાર કહ્યું ને કે, આ નાચવાની વાતો નહીં કરવાની ઘરમાં, સમજાતું નથી તને? સરલાબહેન અનન્યા પર ગુસ્સો કરતા બોલ્યા. થોડીવાર ઘરમાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ. ટાંકણી પડે તોય અવાજ આવે. આમેય ઘરમાં સરલાબહેન કહે એ એટલુ જ થાય, માટે એમની ઉપરવટ જવાની કોઈ હિંમત ન કરે.

પણ આ વખતે અનન્યાના ભાઈ આરવે દાદીની વાતનો વિરોધ કર્યો. કેમ દાદી તમે ડાન્સને કેમ ખરાબ સમજો છો? ડાન્સ એ કલા છે અને એ શીખવું પણ એક ધન્યતાની વાત છે. મારી બહેનને ભરતનાટ્યમ શીખવું છે તો એ શીખીને જ રહેશે. તમારી બધી વાત અમે માનીએ છીએ, પરંતુ તમે આ રીતે દીદી પર જોહુકમી નહીં કરી શકો.

આરવને વચ્ચે જ અટકાવતા શૈલેષભાઈ બોલ્યા, તુ આ બધી વાતોમાં માથુ ન માર. દાદી કહે એ જ થશે. અનન્યાએ પણ દાદીની વાત સ્વીકારી પોતાનું મન મનાવી લીધું.

આજના સમયમાં સુખી સંપન્ન પરીવારમાં ઉછળેલી આધુનિક યુવતીને ક્લાસીકલ ડાન્સ શીખવો હતો. પરંતુ જૂના વિચારધારા ધરાવતા દાદીમાએ પરવાનગી ન આપી, જેના કારણે એણે પોતાની ઇચ્છાને મનમાં જ માંડીવાળી.

સવાલ એ થાય કે એક તરફ આપણે નૃત્યને કળા ગણીને ડાન્સ ડે ઉજવીએ છીએ, સ્ટેજ પર ગરિમામય રજૂઆતો થાય છે, નૃત્યને કલા માનવામાં આવે છે. તો બીજી તરફ દુઃખની વાત એ છે કે આજના સમયમાં પણ અનેક જગ્યાએ જ્યારે કોઈ મહિલ, યુવતી નૃત્ય કરે ત્યારે એને કલા નહીં, પણ અશ્લીલતા સાથે જોડીને જોવામાં આવે છે. આજે પણ ઘણા પરિવારોમાં દીકરીને ડાન્સ શીખવાની છૂટ નથી. સમાજની ખોટી દૃષ્ટિ અને સૂત્રવાક્ય જેવી માન્યતાઓ ‘સ્ત્રી શોભે નમ્રતામાં’ એવી શીખવણી આપવા લાગી છે. પરંતુ નૃત્ય એ સ્ત્રીની આત્માભિવ્યક્તિ છે, પોતાની લાગણીઓ, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસ વ્યક્ત કરવાનો શાંત, પણ શક્તિશાળી માર્ગ છે.

ગીત ગાવું, ચિત્ર બનાવવું કે કવિતા લખવી યોગ્ય માનવામાં આવે છે, તો નૃત્ય કેમ અયોગ્ય ગણાય?

નૃત્ય એ દેખાડો નથી , એ તો અભિવ્યક્તિ છે

દર વર્ષે 29 એપ્રિલના રોજ  મહાન કોરિયોગ્રાફર જીન-જ્યોર્જ નોવેરના જન્મદિન પર આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. નૃત્ય અભિવ્યક્તિ, સંસ્કૃતિ અને આનંદનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. જીન-જ્યોર્જ નોવેર 18મી સદીના અગ્રણી બેલે કલાકાર અને નૃત્ય સુધારક હતા. એમણે નૃત્યને અભિનય અને પોતાની વાત રજૂ કરવાનું માધ્યમ બનાવ્યું. ડાન્સ, નૃત્ય, નાચવું આ બધા શબ્દો હકીકતમાં તો એક જ કલાનો આધાર છે.

આ વિશે ભરતનાટ્યમ વિશારદ, શાસ્ત્રીય નૃત્યાંગના સુહાની જોષી, ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “સામાન્ય રીતે ડાન્સની વાત આવે એટલે લોકો તરત ફિલ્મોના આઇટમ સોંગ યાદ કરે છે. ચમકધમકથી ભરેલા કપડાં,  નાટકિય હાવભાવ અને અશ્લીલતા સાથે જોડાયેલા દ્રશ્યોને જોઈને સમાજે નૃત્યને એક ખોટી દૃષ્ટિથી જોવાનું શરુ કરી દીધું છે. પણ એ માન્યતા સંપૂર્ણ રીતે ખોટી છે. નૃત્ય એ માત્ર આંગળીઓ કે પગની હલચાલ નથી, એ તો આત્માની ભાષા છે. નૃત્યના મૂળમાં આપણા શાસ્ત્રીય સ્વરૂપો છે.  ભરતનાટ્યમ, કુચિપુડી, ઓડિસી, મણિપુરી  જેવા નૃત્ય ભગવાનને સમર્પિત છે. મેં ભરતનાટ્યમ શીખ્યું છે જે નૃત્ય નટરાજ ભગવાને જાતે રજૂ કર્યું છે. એ નૃત્યમાં ભક્તિ છે,  શાંતિ છે,  સ્ત્રીની શક્તિ છે અને એક અદ્વિતીય સંસ્કાર છે. ડાન્સ એ દેખાડો નથી , એ તો અભિવ્યક્તિ છે. ‘We dance to express, not to impress’  આ ડાયલોગ માત્ર ફિલ્મનો નથી, એ તો દરેક સાચા નૃત્યકારના મનનો અવાજ છે.”

નૃત્ય એ અભ્યાસ નથી, સાધના છે

જે બાળકનું મન નૃત્યથી ખીલતું હોય, અની પરત આવે એ રીતે અને અટકાવવી એ માનવીયતા નહિ, સંકુચિતતાની નિશાની છે. દુઃખદ વાત એ છે કે આજે પણ ઘણાં પરિવારોમાં દીકરીઓને નૃત્ય શીખવાની રજા લેવી પડે છે. શબ્દો લખવા, ગીત ગાવા, ચિત્ર દોરવા માટે કોઈને રોકવામાં આવતા નથી. તો પછી નૃત્ય કેમ વાંધાજનક ગણાય? શું માત્ર એટલા માટે કે એ શરીરથી અભિવ્યક્તિ કરે છે? શું સમાજની નજરે નૃત્ય નમ્રતાની વિરુદ્ધ છે?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડાન્સ એજ્યુકેટર સજની કાપડિયા કહે છે, “મારે માટે નૃત્ય એ માત્ર અભ્યાસ નથી, એ સાધના છે. નૃત્ય એ માત્ર નવલકથા નથી, એ આત્માકથા છે. હકીકત તો એ છે કે નૃત્ય એ સ્ત્રીના અંતરનાદની ભાષા છે. એના પગરવમાં લાગણીઓ છલકે છે, એક અદૃશ્ય સંઘર્ષ ઝીલતી વ્યક્તિત્વની વાચાં છુપાયેલી હોય છે. સ્ત્રી નાચે છે ત્યારે એ કીર્તિ માગતી નથી, પણ ઓળખ ઈચ્છે છે. નૃત્ય એ અશ્લીલતા નહિ, ઊંડા ભાવો અને શક્તિની અભિવ્યક્તિ છે. જે દિવસે સમાજ આ જ્ઞાનને સ્વીકારી લેશે, એ દિવસે દરેક દીકરી નિર્ભય બનીને પોતાની ઓળખ ઊભી કરી શકશે. પગરવ સાથે, પરિપક્વતા સાથે. મારી પોતાની શિક્ષિકા તરીકેની યાત્રામાં, મેં નૃત્યના માધ્યમથી અનેક દીકરીઓને પોતાની અંદરની તકલીફો, શંકાઓ અને સંકોચોથી મુક્ત થતી જોઈ છે. અને ત્યારે મને વિશ્વાસ થયો કે નૃત્ય એ પણ એક ઉપાસના છે. આજે તો નૃત્યાંગના તરીકે અનેક યુવતીઓ કરીયર બનાવી રહી છે. માટે નૃત્યને ભગવાનની પૂજા તરીકે જોવી વધુ યોગ્ય ગણાશે.”

નૃત્ય શીખવું એ સરળ નથી

પ્રાચીન સમયથી નૃત્યને ભારતીય સંસ્કૃતિમાં દૈવી કલા તરીકે માન મળ્યું છે. ભરતનાટ્યમ, કથક, ઓડિસી જેવી શાસ્ત્રીય શૈલીઓ દ્વારા જીવનના વિવિધ પાસાઓ, ભાવનાઓ અને આધ્યાત્મિક અનુભવોને અભિવ્યક્ત કરવામાં આવે છે. નૃત્ય મનની શાંતિ, શરીરની લવચીકતા અને આત્મવિશ્વાસ વધારતું એક સાહિત્ય છે, જે સ્વ-અભિવ્યક્તિના માધ્યમ રૂપે વ્યક્તિને પોતાને ઓળખવાની નવી દિશા આપે છે. સાચું નૃત્ય એ છે જ્યાં આત્મા પણ સંગીતની લયમાં સ્ફૂરીત થાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડાન્સર, કોરિયોગ્રાફર અને ગાયિકા ઇશા નાયર કહે છે કે, “હું નૃત્ય, સંગીત અને અભિવ્યક્તિને માત્ર એક ટેલેન્ટ કે શોખ તરીકે નહીં, પરંતુ એક ઊંડા આધ્યાત્મિક અનુભવ તરીકે માણું છું. આ એવી સરળ વસ્તુ નથી કે દરેકના મનમાં તરત ઊતરી જાય. આજના સમયમાં જયાં મોટા ભાગે સંબંધો, લોકપ્રિયતા કે આર્થિક સફળતા ક્ષણિક છે, ત્યાં કલા એ એકમાત્ર એવો સાથ છે, જે સમય, સ્થિતિ અને સંજોગોથી પર છે. આપણને ઓછામાં ઓછી એટલી તો સ્વતંત્રતા હોવી જોઈએ કે પોતાનું મન પસંદ કશું કરી શકીએ. હું ભરતનાટ્યમ શીખી છું, સંગીતકાર છું, ડાન્સ કરું છું અને ગીત પણ ગાઉં છું. આ બધું મળીને મારા માટે જીવનનો સાચો શ્વાસ બની ગયું છે. નૃત્ય શીખવું એ સરળ નથી,  એ માટે નિષ્ઠા, સમય અને શ્રદ્ધા જોઈએ. પણ જ્યારે તમે એની અંદર ઊંડાઈથી પ્રવેશો છો, ત્યારે એ કલા જીવનની દરેક સમસ્યાનો ઉત્તર બની જાય છે. ડાન્સ શીખવવું, કરવું એ માત્ર અભ્યાસ નહીં, પણ સકારાત્મકતાની સાથે જીવન જીવવાનો એક અનોખો દૃષ્ટિકોણ છે.

હેતલ રાવ

ઈમારતમાં લાગી આગ, જીવ બચાવવા માટે લોકો પાંચમા માળેથી કુદ્યા

અમદાવાદની આત્રેય ઓર્ચિડ સોસાયટીમાં ગત રોજ ભયંકર આગ લાગી હતી. ભીષણ આગ લાગવાના કારણે સોસાયટીમાં અફરા તફરી મચી ગઈ હતી. આગથી બચવા માટે લોકો પાંચમા માળેથી છલાંગ લગાવીને કુદ્યા હતા. એક છોકરીનો એપાર્ટમેન્ટમાંથી કૂદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઈંદિરા બ્રિજ નજીકના રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં થઈ હતી.

અહીંના એપાર્ટમેન્ટના ચોથા અને પાંચમા માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. ધીમે ધીમે આગ આખી ઈમારતના માળમાં ફેલાવા લાગી. ધુમાડો અને આગના ગોટા વચ્ચે સોસાયટીમાં અફરા તફરી મચી ગઈ. સોસાયટીમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે બિલ્ડિંગથી કૂદવાનું શરુ કરી દીધું. બિલ્ડિંગથી કૂદવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરી ફ્લેટના ઉપરના ભાગથી કૂદતી દેખાઈ છે. નીચે ચારે તરફ ભીડ એકઠી થયેલી છે. જે છોકરીને જમીન પર પડતા પહેલા કેચ કરી લે છે. ફાયરકર્મી સતત આગ ઠારવાની કોશિશો કરી રહ્યા હતા.

સુરતમાં પહલગામના મૃતકોની શ્રદ્ધાંજલિ સભામાં હોબાળો, શાસક-વિપક્ષ સામ-સામે

સુરત મહાનગરપાલિકાની 30 એપ્રિલ, 2025ના રોજ મળેલી સામાન્ય સભામાં કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા દરખાસ્ત રજૂ થઈ. જોકે, આ દરખાસ્ત પર ચર્ચા દરમિયાન શાસક ભાજપ અને વિપક્ષ આપના કોર્પોરેટરો વચ્ચે તીખી બોલાચાલી અને દેશદ્રોહના આક્ષેપોને કારણે ભારે હોબાળો થયો.

વિપક્ષે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભા મુલતવી રાખવાની માંગ કરી, પરંતુ શાસક પક્ષે સભાના રજૂ થયેલા તમામ કામો એકસાથે મંજૂર કરી દીધા. વિપક્ષે પાકિસ્તાન પર આક્રમણ કરીને આતંકવાદીઓને પાઠ ભણાવવાની માંગ કરી, જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે વિપક્ષને “દેશદ્રોહી” ગણાવ્યા. ઉનડકટે આક્ષેપ કર્યો કે, “જ્યારે ભારતીય સેના પાકિસ્તાન પર હુમલો કરે છે, ત્યારે વિપક્ષના નેતાઓ પુરાવા માંગે છે, જે દેશદ્રોહ છે.” આ નિવેદનથી વિપક્ષ ભડકી ઉઠ્યું, અને બંને પક્ષના કોર્પોરેટરો સામસામે આવી ગયા, જેનાથી સભામાં તણાવ વધ્યો.

વિપક્ષે પલટવાર કરતાં કહ્યું કે, “અમે પાકિસ્તાન પર હુમલાની માંગ કરીએ ત્યારે ભાજપ અમને દેશદ્રોહી કહે છે, એટલે ખરા દેશદ્રોહી તો ભાજપવાળા છે, જેઓ 12 વર્ષથી સત્તામાં હોવા છતાં આતંકવાદ રોકી શક્યા નથી.” આ બોલાચાલી સભા પૂર્ણ થયા બાદ પણ સભાખંડની બહાર ચાલુ રહી, જ્યાં બંને પક્ષના કોર્પોરેટરો ઉગ્ર બોલાચાલીમાં ઉતરી ગયા.

આ ઘટનાએ સુરતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવ્યો છે, અને પહલગામ હુમલા જેવા રાષ્ટ્રીય મુદ્દે પણ સ્થાનિક સ્તરે રાજકીય ખેંચતાણનું ચિત્ર સામે આવ્યું છે. સભામાં શ્રદ્ધાંજલિનો હેતુ હોવા છતાં, રાજકીય આરોપ-પ્રત્યારોપોએ ચર્ચાને વિવાદમાં ફેરવી દીધી.

આંબેડકર, અખિલેશ યાદવના પોસ્ટર પર રાજકીય વિવાદ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના હોડિંગમાં બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અડધી તસવીર કાપી, તે ભાગમાં અકિલેશ યાદવની તસવીર મૂકવામાં આવી હોવાનું સામે આવતાં ઉત્તર પ્રદેશની રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપે આ મામલે ચારે બાજુથી હુમલો કર્યો છે. યોગી સરકારના મંત્રીઓથી લઈને સાંસદો અને ધારાસભ્યો સુધીના નેતાઓએ આને બાબા સાહેબ અને તેમના અનુયાયીઓનું અપમાન ગણાવ્યું છે. બીજી તરફ, ભાજપ સંગઠન દ્વારા આખા રાજ્યમાં, લખનૌ સહિત તમામ જિલ્લા મુખ્યાલયોએ વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે.

વાસ્તવમાં, સમાજવાદી પાર્ટી કાર્યાલય સામે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં એક તસવીરમાં અડધો ચહેરો બાબા સાહેબ ડો. આંબેડકરનો છે અને અડધો ચહેરો અખિલેશ યાદવનો છે. આ પોસ્ટર મામલે વિવાદ વધતો જાય છે.

ભાજપ સરકારના ડેપ્યુટી CM બ્રજેશ પાઠક, મંત્રી અસીમ અરુણ, વિધાન પરિષદના સભ્ય ડો. લાલજી પ્રસાદ નિર્મલ, રાજ્યસભા સભ્ય બૃજલાલ, ભાજપ વિધાયક મીનાક્ષી સિંહ અને પ્રો. શ્યામબિહારીલાલ સહિતના અનેક નેતાઓએ આ કૃત્યની કડક નિંદા કરી છે.

માયાવતીએ X (એક્સ-ટ્વિટર) પર પોસ્ટ કરી હતી કે ભારતીય બંધારણના નિર્માતા પ.પૂ. ડો. આંબેડકરજીનું અપમાન કદી સહન કરશો નહીં. ખાસ કરીને સપા અને કોંગ્રેસે ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો બસપા વિરોધમાં રસ્તે ઉતરી શકે છે.

ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે કહ્યું હતું  કે આ સપાની દૂષિત માનસિકતા છે. બાબા સાહેબના જે રીતે અપમાન થયું છે, તે દેશની જનતા ક્યારેય સહન નહીં કરે અને તેનું નુકસાન પણ ભોગવવું પડશે. તેમણે એ પણ કહ્યું કે, સપાના નેતાઓએ અગાઉ પણ અનેક વખત બાબાસાહેબનું અપમાન કર્યું છે.

ન રેખા કે ન જયા બચ્ચન, અમિતાભ બચ્ચને આ હસીનાને મોકલ્યો હતો ગુલાબથી ભરેલો ટ્રક

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા 55 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. આ અભિનેતા સતત મહાન ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. 1969માં શરૂ થયેલી તેમની અભિનય કારકિર્દી 56 વર્ષ પછી પણ અટકી નથી. 82 વર્ષની ઉંમરે પણ બિગ બી સતત કામ કરતા થાકતા નથી. અમિતાભ બચ્ચનની ગણતરી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અને આદરણીય કલાકારોમાં થાય છે.

અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાનું દરેક કલાકારનું સ્વપ્ન હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક વખત એક પ્રખ્યાત અભિનેત્રીએ અમિતાભ સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ પછી, બિગ બીએ અભિનેત્રીને મનાવવા માટે ગુલાબ ભરેલો ટ્રક મોકલ્યો હતો. તે અભિનેત્રી ન તો જયા બચ્ચન હતી કે ન તો રેખા. આ અભિનેત્રી સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી હતી. ચાલો આ રસપ્રદ કિસ્સો જણાવીએ.

અમિતાભે શ્રીદેવીને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો

અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ ફિલ્મ ‘ખુદા ગવાહ’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. પરંતુ શરૂઆતમાં શ્રીદેવી આ ફિલ્મ માટે તૈયાર નહોતી. પરંતુ શ્રીદેવીને મનાવવા માટે અમિતાભે એક એવી યુક્તિ અપનાવી જેની અભિનેત્રીએ કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટનાનો ઉલ્લેખ ‘શ્રીદેવી: ધ એટરનલ સ્ક્રીન ગોડેસ’ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.’ખુદા ગવાહ’ પહેલા શ્રીદેવી અને અમિતાભે બે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જ્યારે ખુદા ગવાહના દિગ્દર્શક મુકુલ એસ આનંદે સ્ક્રિપ્ટ સાથે બિગ બીનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે તેમને કહ્યું કે શ્રીદેવી ફિલ્મમાં તેમની સાથે હશે.

બિગ બી માનતા હતા કે તેઓ પહેલાથી જ બે ફિલ્મો સાથે કરી ચૂક્યા છે, તેથી હવે બધું બરાબર નહીં ચાલે. એમ જ થયું. શ્રીદેવી આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી ન થઈ. પછી તેણીને મનાવવા માટે અમિતાભે શ્રીદેવી માટે ગુલાબ ભરેલો ટ્રક મોકલ્યો. અમિતાભે જે કર્યું તેનાથી શ્રીદેવી ચોંકી ગઈ. પરંતુ તેમ છતાં તેણે ફિલ્મમાં કામ કરવા માટે એક શરત મૂકી. તેની શરત હતી કે તે ‘ખુદા ગવાહ’માં માતા અને પુત્રી બંનેની ભૂમિકા ભજવશે. નિર્માતાઓએ શરત સ્વીકારી લીધી અને અભિનેત્રી ડબલ રોલમાં જોવા મળી. આ ફિલ્મમાં દક્ષિણના અભિનેતા નાગાર્જુન પણ હતા. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગની પાકિસ્તાનને ધમકી

કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. આ ગેંગની ધમકી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં ગેંગે લખ્યું છે કે પહેલગામ હુમલામાં નિર્દોષ લોકોની હત્યાનો જવાબ આપવા માટે, અમે પાકિસ્તાનમાં ઘૂસીને એક માણસને મારી નાખીશું જેની કિંમત એક લાખ બરાબર હશે. આ પોસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ફોટો પણ છે, જેના પર ક્રોસનું નિશાન છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ભારતમાં ઘણા ગુનાહિત કૃત્યો કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના ગુનાઓની જવાબદારી લે છે. જોકે તેની પોસ્ટમાં કેટલી સત્યતા છે અને તે ગેંગ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.

લોરેન્સ બિશ્નોઈ પર પાકિસ્તાની કનેક્શન હોવાનો આરોપ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર ઘણીવાર પાકિસ્તાની ગેંગસ્ટરો અને ડોન સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે અનેક ગુનાઓમાં લોરેન્સ બિશ્નોઈના પાકિસ્તાન સાથેના સંબંધોના પુરાવા પણ પૂરા પાડ્યા છે, પરંતુ જેલમાંથી લોરેન્સ બિશ્નોઈના કથિત ઇન્ટરવ્યુમાં, તેણે આ વાતનો ઇનકાર કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ, જે પોતાને દેશભક્ત કહે છે, તેમણે વારંવાર દાવો કર્યો હતો કે તેમનો દેશના દુશ્મનો સાથે કોઈ સંબંધ નથી. તેનાથી વિપરીત, ગયા વર્ષે લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ગેંગ શૂટર્સને હથિયારો પણ પૂરા પાડવામાં આવે છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પાકિસ્તાનથી આયાત કરાયેલી AK-47 રાઇફલ ઉપરાંત .30 બોર અને 9 mm પિસ્તોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લોરેન્સ ગેંગ કેટલી શક્તિશાળી છે, શું તે હાફિઝ સઈદને મારી શકે છે?

લોરેન્સ બિશ્નોઈ હાલમાં જેલમાં છે, પરંતુ તે હજુ પણ તેની ગેંગ ચલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો હાફિઝ સઈદને મારવા અંગેની આ વાયરલ પોસ્ટને સાચી માનવામાં આવે તો પણ, શું લોરેન્સ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદને મારી શકે છે, જે વર્ષોથી આતંક દ્વારા ભારત પર ઊંડા ઘા કરી રહ્યો છે? વૈશ્વિક ગુનાખોરી કામગીરી સાથે ઘણા દેશોમાં ફેલાયેલી બિશ્નોઈ ગેંગ કોઈ નાની સિન્ડિકેટ નથી. તેમનું નેટવર્ક ખૂબ મોટું છે. ખાસ કરીને કેનેડામાં તેમના મજબૂત સંબંધો છે. ક્રાઇમ સિન્ડિકેટમાં તેનો સમાન ભાગીદાર ગોલ્ડી બ્રાર છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં અચાનક ફેરફાર કરાયો

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. આમાં, ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં સમાવિષ્ટ લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓમાં પશ્ચિમી વાયુસેનાના ભૂતપૂર્વ કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, દક્ષિણ આર્મીના ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્નાનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં બી વેંકટેશ વર્મા નિવૃત્ત IFS છે.

NSAB શું કરે છે?

NSAB એ એક બહુ-શાખાકીય સંસ્થા છે જેમાં સરકારની બહારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેનું પ્રાથમિક કાર્ય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લાંબા ગાળાનું વિશ્લેષણ પૂરું પાડવાનું અને તેના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ માટે ઉકેલો અને સંબંધિત યોજનાઓની ભલામણ કરવાનું છે.

2018 પછી કરવામાં આવેલા ફેરફારો

2018 પછી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડમાં લશ્કરી, IPS અને IFS પૃષ્ઠભૂમિના 7 સભ્યોનો સમાવેશ થાય છે. NSAB સુરક્ષા વિશ્લેષણ અને ભલામણો પ્રદાન કરે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં ફેરફાર કર્યા છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.