Home Blog Page 971

આ છે ગુજરાતના દસ મનમોહક બીચ!

ગુજરાતી લોકો ફરવા અને ખાવાના ખુબજ શોખીન હોય છે. વેકેશન પડે કે તરત જ ટુર પર નીકળી પડે, ક્યાંક પહાડ, ક્યાંક ધર્મસ્થળ તો ક્યાંક દરિયો! ખાસ કરીને જ્યારે ગરમીના દિવસો શરૂ થાય ત્યારે દરિયા કિનારે શાંતિ અને ઠંડક માણવાની ઈચ્છા થવી તો સ્વાભાવિક છે. આ જ સમયે બીચ લવર, ગોવા, કેરળ, બાલી કે થાઈલેન્ડ જેવી જગ્યાએ જવાની વાતો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એ બધાને ટક્કર આપે એવા દરિયાકાંઠા ગુજરાતમાં પણ છે?

હા, આ વાત  બિલકુલ સાચી છે! ગુજરાતમાં એવા ઘણા સુંદર બીચ છે, જ્યાં કુદરતના ખોળામાં શાંતિથી સમય વિતાવી શકાય, એ પણ ઓછા બજેટમાં! સૂર્યાસ્ત જોઈને મન મોહી જાય, રેતી પર પગલાં મૂકી જીવનના તણાવ દૂર થઈ જાય,  આવી શાંતિભરી ક્ષણ માટે દૂર જવાની જરૂર નથી. બસ, થોડી પેકિંગ કરો, મિત્રો કે પરીવારને બોલાવો અને  નિકળી પડો ગુજરાતના ખાસ બીચની સફર પર…

અહીં  ગુજરાતી સમુદ્ર કાંઠાના એવા દસ ખાસ બીચ વિશે જણાવીશું, જે તમારી નેક્સ્ટ ટ્રિપ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે.

ગોપનાથ બીચ, ભાવનગર

ગોપનાથનું બીચ માત્ર કુદરતી દ્રશ્યોથી જ નહીં, પરંતુ એના ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી પણ પ્રસિદ્ધ છે. અહીં ગોહિલવાડના રાજવી પરિવારનો ભૂતપૂર્વ કિલ્લો આવેલો છે. શિવભક્તિ માટે પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવનું મંદિર, નજીકનું તળાજા જૈન મંદિર અને વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપ યાર્ડ પણ અહીંના ખાસ આકર્ષણો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી લગભગ 22 કિમી અને ભાવનગર શહેરથી 75 કિમી દૂર આવેલો આ સુંદર બીચ ખંભાતના અખાતના તટ પર વસેલો છે. અહીંના દરિયાકાંઠે ચૂનાના પથ્થરીલા ખડકો અને લીલુંછમ હરિયાળું વાતાવરણ જોવા મળે છે,  જે પ્રવાસીઓને શાંતિ અને સૌંદર્ય બંનેનો આનંદ આપે છે. લોકવાયકા પ્રમાણે ભક્તકવિ નરસિંહ મહેતાએ ગૃહત્યાગ કર્યા પછી અહીં આવીને શિવની આરાધના કરી હતી. ત્યારબાદ એમને શ્રીકૃષ્ણના દર્શન થયા હતા. જો સુરક્ષાની વાત કરીએ તો અહીં દરિયામાં ભારે મોજા ઉછળે છે માટે અહીં નાહવું કે તળવું સલામત નથી. પરંતુ બીચ પર બેઠા બેઠા દરિયાની લહેરોની ધ્વનિ સાંભળવી અને શાંત વાતાવરણનો અનુભવ લેવો એ પણ એક અનોખી મજા છે!

સોમનાથ

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં સ્થિત સોમનાથ મંદિર, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ તરીકે ઓળખાય છે, આ મંદિર જેટલું પવિત્ર છે, એટલો જ સુંદર એની આસપાસનો દરિયા કિનારો છે. આ બીચ એવા સ્થળે આવેલો છે જ્યાં અરબી સમુદ્રના મોજા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પડતા હોય એવું અનુભવાય છે. મંદિરના પાશ્વભાગે આવેલા આ બીચ પર રોજ હજારો યાત્રાળુ દર્શન બાદ શાંત પળો પસાર કરવા આવે છે. અહીં તમને દૂર સુધી પહોળો ફેલાયેલો દરિયો, એમાં ઉછળતા સફેદ મોજાં અને ખુલ્લું આકાશ એક અલૌકિક અનુભવ આપે છે. જો તમે ફોટોગ્રાફી કે સૂર્યાસ્તના શોખીન હોવ, તો સોમનાથ બીચ પરનો સૂર્યાસ્તનો નજારો નિહાળવો એક ઔલોકિક લહાવો છે.  પણ સુરક્ષાના કારણે દરિયા કિનારે જઈ શકાતું નથી.

શિવરાજપુર બીચ, દ્ધારકા

ગુજરાતના સૌથી આકર્ષક અને પ્રસિદ્ધ બીચોમાં જેનો સમાવેશ થાય છે એ છે  શિવરાજપુર બીચ. આ બીચ બ્લુ ફ્લેગ માન્યતા ધરાવે છે. જેના કારણે એ બીચ ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં સામેલ છે. દ્વારકા શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર, દ્વારકા-ઓખા હાઈવે પર આવેલો આ બીચ, પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ છે. પરિવાર સાથે વેકેશન માણવા, બાળકો સાથે આનંદદાયક સમય વિતાવવા અને પ્રકૃતિની નિકટતા અનુભવવા માટે આ બીચ એક અનુપમ સ્થળ છે. શિવરાજપુર બીચનો નૈસર્ગિક સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનો શાંત દરિયો, લહેરાતા મોજાં, નરમ રેતાળ કિનારો અને ખુલ્લું આકાશ દરેક મુલાકાતીને શાંતિ અને આનંદનો અનુભવ આપે છે. આ ઉપરાંત, ડોલ્ફિન્સ અને રંગબેરંગી પક્ષીઓની ઝલક આ બીચને વધુ ખાસ બનાવે છે. અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ, અને આઇલેન્ડ ટૂરની પણ મજા માણી શકો છો.

માધવપુર બીચ, ચોપાટી બીચ, પોરબંદર

ગુજરાતના સૌથી સુંદર બીચોમાંથી એક છે, માધવપુર બીચ. પોરબંદરથી 58 કિમી અને જૂનાગઢની નજીક આવેલો આ બીચ એના શાંત વાતાવરણ અને નાળિયેરના વૃક્ષોથી ઘેરાયેલા મનોહર દૃશ્યો માટે જાણીતો છે.

જ્યારે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં આવેલું ચોપાટી બીચ દેશના સૌથી સ્વચ્છ બીચોમાંથી એક છે. અમદાવાદથી લગભગ 394 કિમી દૂર આવેલો આ બીચ પારિવારિક વેકેશન માટે ઉત્તમ સ્થળ છે. શાંત અને સ્વચ્છ વાતાવરણ ઉપરાંત, પોરબંદરની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ ગાંધીજીના નિવાસસ્થાન કીર્તિ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે, જે આ બીચને સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આકર્ષણનું સંગમ બનાવે છે.

તિથલ બીચ, વલસાડ

વલસાડ શહેરની પશ્ચિમે 4 કિલોમીટર દૂર આવેલો બીચ તિથલ બીચ તરીકે ઓળખાય છે. આ બીચની ખાસિયત એની કાળી રેતી છે, જે પ્રવાસીઓ માટે એક આકર્ષણ છે. દક્ષિણ ગુજરાતમાં વીકએન્ડમાં ફરવા માટેનું માટે આ બેસ્ટ સ્થળ છે.  તિથલ બીચ ઉપરાંત અહીંના બે મંદિરો પણ પ્રવાસીઓ માટે આસ્થાનું સ્થાન છે. શ્રી સાંઈ બાબા મંદિર, જે મુખ્ય બીચથી 1.5 કિમી દક્ષિણમાં છે અને શ્રી સ્વામી નારાયણ મંદિર, જે મુખ્ય બીચથી 1.6 કિમી ઉત્તરમાં છે. બંને મંદિરોમાંથી અરબી સમુદ્ર જોઈ શકાય છે.

ચોરવાડ

ચોરવાડ સોમનાથથી લગભગ 37 કિલોમીટર દૂર આવેલો દરિયા કિનારો છે. અહીં તરવા અને નહાવા માટેની મનાઈ છે. પરંતુ આ સ્થળની શાંતિ અને દરિયાના મોજાનો અવાજ માનસિક શાંતિ અને મેડિટેશનનો અનુભવ આપે છે. સોમનાથના દર્શન બાદ આરામદાયક પળો વિતાવવાની ઈચ્છા હોય તો, ચોરવાડનો દરિયાકાંઠો એક ઉત્તમ પસંદગી  છે. અહીં રહેવા માટે ખાસ કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, પરંતુ દરિયા કિનારે મુકવામાં આવેલા બાંકડા પર બેસીને લહેરોનો આનંદ માણી શકો છો. ચોરવાડના દરિયાકાંઠે જુનાગઢના નવાબનો મહેલ પણ આવેલો છે, જે આ સ્થળના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. અહીં નાળિયેલ પાણી પણ ખુબ સરસ મળે છે. માટે જો સોમનાથની મુલાકાત દરમિયાન અહીં થોડી ક્ષણો માણીને ચોક્કસથી તમારા પ્રવાસને વધુ આનંદદાયક બનાવી શકો છો.

માંડવી બીચ

પ્રાચીન સમયમાં ભારતના વ્યસ્ત અને મહત્વપૂર્ણ બંદરોમાંનું એક એટલે માંડવી. જે કચ્છ જિલ્લાની દક્ષિણ ભાગમાં આવેલો છે, એની સોનેરી અને ભૂરા રેતીના કિનારાના કારણે પર્યટકોમાં હંમેશા એક આકર્ષણ રહ્યું છે. આ બીચ ભુજના દક્ષિણ ભાગે ઐતિહાસિક વિસ્તારમાં આવેલો છે. આ શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં આજે પણ પૂર્વ વાણિજ્યિક પ્રવૃત્તિઓના પુરાવા તરીકે કિલ્લાની દિવાલો જોવા મળે છે. માંડવી બીચ એ એક શ્રેષ્ઠ સ્થાન છે જ્યાં પર્યટક દરિયા કિનારે આરામથી સમય વિતાવી શકે છે અને કચ્છના ઐતિહાસિક અને આલોકિક સૌંદર્યનો આનંદ માણી શકે છે.

ડુમસ બીચ

ડુમસ બીચ, જે હોન્ટેડ બીચ તરીકે પણ જાણીતો છે. સુરત શહેરથી 21 કિમીના અંતરે અરબી સમુદ્રના કિનારે આવેલા આ બીચની રેતી સફેદ નથી પરંતુ કાળી છે. જે એને અન્ય બીચોથી ભિન્ન બનાવે છે. બીચની નજીક ગણેશજીનું મંદિર પણ આવેલું છે, જે આ સ્થળની ધાર્મિક જાગૃતિને પ્રગટ કરે છે. આ બીચ પર ખાણીપીણી માટે અનેક દુકાનો પણ છે. પરિવાર અને મિત્રો સાથે એક શાંત અને મનોરંજક વેકેશન માટે આ બીચ એ એક સારો વિકલ્પ છે. દરિયાકિનારે આરામથી ચાલવું, લહેરોથી રમવું, અને આસપાસના સુંદર દૃશ્યને માણવું એ અહીં આવતા દરેક પ્રવાસીનો અનુભવું છે. ડુમસ બીચ એ એક સારો હોલિડે પોઈન્ટ છે.

બાલચડી બીચ, જામનગર

જામનગરથી 28 કિ.મી. દૂર આવેલો બાલાછડી બીચ એની સ્વચ્છતા અને શાંતિ માટે જાણીતો છે. ખાસ કરીને પૂર્ણિમાની રાતે દરિયામાં પડતી ચાંદનીનો નજારો અદભૂત લાગે છે. આ બીચ સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે,  બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઇ.સ. 1942માં પોલેન્ડના લગભગ 1 હજાર બાળકો અને 40 મહિલાઓને આશરો આપવો પડ્યો હતો. જ્યારે બાહ્ય દેશો અને બ્રિટિશ શાસકો એ એમને શરણ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાએ બાલાચડીમાં એમને સ્નેહથી આશરો આપ્યો. મહારાજાએ રહેવા-ખાવાની સાથે, એમની ભાષા અને ધર્મપ્રથાઓના સંરક્ષણ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી. હાલ આ સ્થળે રાષ્ટ્રીય સૈનિક શાળા આવેલી છે, પણ બાલાચડીની માટી એ માનવતાના ઊંડા સંદેશ સાથે સજેલી છે. મહારાજાના આ મહાન યોગદાન માટે પોલેન્ડની રાજધાની વોર્સામાં એમની યાદમાં એક ચોકનું નામ ‘ગુડ મહારાજા સ્ક્વેર’ રાખવામાં આવ્યું છે.

દીવ

ગુજરાતનો સૌથી જાણીતો બીચ કોઈ હોય તો એ છે દીવ. અહીં અનેક બીચ આવેલા છે જેમ કે નાગોઆ બીચ, ધોધલા બીચ અને જલંદર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. અહીં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકાય છે. દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો પણ જોવાલાયક છે. ઘોઘલા બીચ દીવની સુંદરતા અને શાંતિ એ દરિયાકિનારા પર કોઈ અલગ જ અનુભૂતિનું સર્જન કરે છે.

હેતલ રાવ

૨૭ એપ્રિલ ૨૦૨૫

કામને રમત તરીકે લો અને હસતા રહો!

WHOના અહેવાલ મુજબ આવનાર સમયમાં કોઈ સૌથી ઘાતક રોગ હશે તો તે જીવનશૈલીથી થતાં રોગો હશે. તેમાં પણ સ્ટ્રેસ એટલે કે તણાવ મોખરે હશે. આ સ્ટ્રેસ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ સુધી ફેલાયેલો રોગ છે. અને તે મોટેભાગે કામ સાથે જોડાયેલો છે. એનું કારણ શું? કેમ કે આપણે કામને રમત તરીકે નથી લેતા.

કહેવાય છે કે No work is stressful. It is your inability to manage your body, mind and emotions that makes it stressful. જગદગુરુ શ્રીકૃષ્ણે આ વાતને આત્મસાત કરી હતી. તેઓ વર્ક-પ્લે કન્સેપ્ટના ખૂબ અસરકારક ઉપયોગકર્તા હતા. તેમના જીવનના એવા અનેક દાખલાઓ છે જ્યાં તેમણે કામને રમત તરીકે લીધું છે.

બાલ્યાવસ્થામાં પૂતના નામની રાક્ષસીનો વધ કરવો, કાલીયા નાગ પર નૃત્ય કરી સાહજીકતાથી તેનું મર્દન કરવું અને પાઠ ભણાવવો, ભગવાન ઇન્દ્રના કોપથી સમગ્ર ગોકુળવાસીઓને બચાવવા ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ હસતાં હસતાં ઉઠાવી એક સાચા લોકનાયક તરીકે ગોવાળિયાઓની સંઘશક્તિનું દર્શન કરાવવું, પાંડવોના દૂત તરીકે દુર્યોધનના દરબારમાં અપમાન છતાં હસતાં હસતાં દૂતકર્મ નિભાવવું વગેરે ઘણા દાખલા છે.

કોઈપણ કંપનીનો સફળતાપૂર્વક વિકાસ કરવા માટે તેના કર્મચારીઓએ પણ આ કન્સેપ્ટ આત્મસાત કરવો જોઈએ. કંપનીમાં જેટલો મોટો હોદ્દો એટલી મોટી જવાબદારી. જેટલી જવાબદારી મોટી એટલું સ્ટ્રેસ પણ વધારે. આ પરિસ્થિતીમાં બે વિકલ્પ ઉપલબ્ધ છે, કાં તો પરિસ્થિતીને ગાળો દેતાં દેતાં તણાવમાં રહી જવાબદારીનું વાહન કરો કાં તો હસતાં હસતાં જવાબદારી નિભાવો. શ્રીકૃષ્ણ બીજો વિકલ્પ પસંદ કરવાનું સૂચવે છે. અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોય જ. ખરું ને?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પહલગામ આતંકવાદી હુમલાની તપાસ NIA કરશે

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA) એ આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જારી કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ટીમ પહેલાથી જ પહલગામમાં હાજર હતી અને હુમલા પછી સ્થળનું નિરીક્ષણ કર્યું છે. એજન્સીની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે. તપાસ એજન્સી સ્થાનિક પોલીસ પાસેથી આ મામલાને લગતા કેસ ડાયરી, એફઆઈઆર અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના આતંકવાદી હુમલાએ ફરી એકવાર આ પ્રદેશમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને હવે દેશની મુખ્ય આતંકવાદ વિરોધી એજન્સીને સોંપવામાં આવ્યું છે. NIA ટૂંક સમયમાં હુમલાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે, જેમાં હુમલા પાછળનું કાવતરું, તેમાં સામેલ આતંકવાદી જૂથોની ભૂમિકા અને સંભવિત સ્લીપર સેલનો સમાવેશ થાય છે.

માહિતી અનુસાર, NIA સ્થાનિક પોલીસ પાસેથી આ કેસ સંબંધિત પ્રારંભિક તપાસ અહેવાલ (FIR), કેસ ડાયરી, પુરાવા અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો લેશે, જેથી રાષ્ટ્રીય સ્તરે તપાસને આગળ ધપાવી શકાય. પહેલા, શરૂઆતની તપાસ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હુમલાની ગંભીરતા અને તે એક મોટું કાવતરું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવે તેને કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલો આ હુમલો સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. શરૂઆતના અહેવાલો અનુસાર, હુમલામાં વિદેશી આતંકવાદીઓની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. NIA હુમલામાં સામેલ આતંકવાદી મોડ્યુલ, સ્થાનિક નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલની ભૂમિકાની પણ નજીકથી તપાસ કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી હુમલા પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે ડિજિટલ પુરાવા, કોલ ડેટા રેકોર્ડ્સ (CDR), સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને સરહદ પારના આતંકવાદી નેટવર્કની પણ તપાસ કરશે. આ સાથે, આ કેસમાં ધરપકડ કરાયેલા અથવા શંકાસ્પદ વ્યક્તિઓની પણ સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવશે.

IPL 2025 : વરસાદના પગલે કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ રદ્દ

IPL 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ કોઈ પરિણામ વિના રદ કરવામાં આવી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શનિવારે 26 એપ્રિલના રોજ રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર બેટિંગ કરી અને યજમાન નાઈટ રાઇડર્સ સામે મોટો સ્કોર બનાવ્યો. પરંતુ કોલકાતાની ઇનિંગ શરૂ થતાં જ વરસાદ શરૂ થયો અને લગભગ દોઢ કલાક રાહ જોયા બાદ અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. આ સિઝનમાં પહેલી વાર કોઈ મેચ રદ કરવામાં આવી છે. આ પરિણામથી કોલકાતા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ફરી એકવાર ચાહકોનો અભાવ જોવા મળ્યો અને સ્ટેડિયમ સંપૂર્ણપણે ભરેલું નહોતું. આ સીઝનની શરૂઆતમાં પણ આ દ્રશ્ય જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં કોલકાતાને તેના ચાહકો તરફથી અપેક્ષા મુજબનો મજબૂત ટેકો મળ્યો નહીં. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ઓપનિંગ જોડીએ દર્શકોને ચૂપચાપ બેસવાની ફરજ પાડી હતી. આ સિઝનમાં આ બે યુવા ઓપનરોએ પંજાબને ઝડપી શરૂઆત અપાવી હતી અને ફરી એકવાર એવું જ બન્યું.

પોતાની પહેલી સિઝન રમી રહેલા પ્રિયાંશ આર્યએ ફરી એકવાર આક્રમક બેટિંગ શરૂ કરી અને ટીમના સ્કોરને વેગ આપ્યો. તેણે પ્રભસિમરન સાથે મળીને પાવરપ્લેમાં ટીમ માટે અડધી સદીની ભાગીદારી કરી. આ પછી ગતિ થોડી ધીમી પડી પરંતુ 10મી ઓવરથી બંનેએ ફરીથી આક્રમક બેટિંગ શરૂ કરી. પ્રિયાંશે માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી. આ સિઝનમાં તેણે બીજી વખત 50 રનનો આંકડો પાર કર્યો. બીજી તરફ પ્રભસિમરન સિંહે પણ શાનદાર અડધી સદી ફટકારી. પ્રિયાંશ આઉટ થયો ત્યારે 11.5 ઓવરમાં બંને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી. આ પછી પ્રભસિમરને હુમલો કર્યો અને 83 રનની શાનદાર ઇનિંગ રમી. આના આધારે પંજાબે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા.

પહેલગામ હુમલા બાદ મોસ્ટ વોન્ટેડનું લિસ્ટ તૈયાર

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી કરતા, ભારતે પાકિસ્તાન સામે અનેક મોટી કાર્યવાહી કરી છે. ભારતે હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમની પાછળના લોકોને પાઠ ભણાવવા માટે પણ પગલાં લીધાં છે. આ દરમિયાન, ભારતે મોસ્ટ વોન્ટેડ યાદી તૈયાર કરી છે અને જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

પહેલગામ હુમલા બાદથી ગુપ્તચર એજન્સીઓ ખીણમાં સક્રિય રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દરમિયાન, સુરક્ષા દળોએ શનિવારે કુપવાડામાંથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, ઘણા આતંકવાદી ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે. ન્યૂઝ18 એ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, શોપિયા અને પુલવામા જિલ્લામાં કાર્યરત 14 સક્રિય આતંકવાદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં કોણ છે?

ગુપ્તચર એજન્સીઓની યાદી અનુસાર, આ યાદીમાં આઠ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે, જ્યારે જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ-ત્રણ આતંકવાદીઓ છે. આ યાદીમાં લશ્કરના આતંકવાદી એહસાન ઉલ હકનું નામ પણ સામેલ છે. સુરક્ષા દળોએ તાજેતરમાં પુલવામામાં તેનું ઘર તોડી પાડ્યું હતું. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા માટે જવાબદાર ત્રણ આતંકવાદીઓની ઓળખ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ તરીકે કરવામાં આવી છે. આ આતંકવાદીઓના નામ અને સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, આ યાદીમાં લશ્કર કમાન્ડર આદિલ રહેમાન દેતુ, જૈશ કમાન્ડર અહેમદ શેખ, પુલવામા હુમલાના વોન્ટેડ આતંકવાદી હરિસ નઝીર, પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આમિર નઝીર વાની અને અન્ય ઘણા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં શાહિદ અહેમદ કુતૈયાનું નામ પણ શામેલ છે, જે 2023 થી લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ટીઆરએફનું કમાન્ડિંગ કરી રહ્યો છે.

પહેલગામ હુમલા પહેલા એક્ટિવ હતો

મોસ્ટ વોન્ટેડ યાદીમાં ઝુબૈર અહેમદ વાનીનું નામ પણ શામેલ છે, જે અનંતનાગમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ઓપરેશનલ કમાન્ડર છે. તેને A+ ગ્રેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝુબૈર અહમદ વાની 2018 થી સુરક્ષા દળો સામેના અનેક હુમલાઓમાં સામેલ છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, યાદીમાં સમાવિષ્ટ લોકો પહેલગામ હુમલાના થોડા દિવસો પહેલા સુધી ખીણમાં સક્રિય હતા. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. 2019ના પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક આતંકવાદી હુમલો હતો.

ઈરાનમાં જોરદાર વિસ્ફોટ, 5 ના મોત, 700 થી વધુ ઘાયલ

અમેરિકા સાથે નવા પરમાણુ કરાર અંગે ચર્ચાઓ વચ્ચે ઈરાનના એક બંદર પર જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરના શાહિદ રાજાઈ બંદર પર એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાક લોકોના મોતની આશંકા છે. આગ ઓલવવા માટે તાત્કાલિક અસરથી બંદરની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, શાહિદ રાજાઈ બંદર નજીક દરિયા કિનારા પાસે રાખવામાં આવેલા અનેક કન્ટેનરમાં વિસ્ફોટ થવાને કારણે આ અકસ્માત થયો હતો. અમે હાલમાં ઘાયલોને બહાર કાઢી રહ્યા છીએ અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ પછી ઘટના સ્થળથી ઘણા કિલોમીટર દૂર આવેલા ઘરોની બારીઓ તૂટી ગઈ હતી. આ વિસ્તારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં આખો વિસ્તાર ધુમાડામાં લપેટાયેલો જોવા મળે છે.

આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે ઈરાન ઓમાનમાં અમેરિકા સાથે પરમાણુ કરાર પર ચર્ચામાં વ્યસ્ત છે. આ વાટાઘાટોનું નેતૃત્વ અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે, બંને પક્ષોના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ સ્તરની બેઠકો પણ થઈ રહી છે. અધિકારીઓના મતે, આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય એક નવા પરમાણુ કરાર પર પહોંચવાનો છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવાનો છે. બદલામાં, અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો હટાવી શકે છે. જોકે, ઈરાન સતત આ આરોપોને નકારી રહ્યું છે.

કેટલાક લોકો ક્યારેય ન સુધરે, પાઠ ભણાવવો આપણો ધર્મ : મોહન ભાગવત

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા. આ ઘટનાથી દરેક વ્યક્તિ ગુસ્સે છે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, RSS વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આપણી અહિંસા લોકોને બદલવા માટે છે પરંતુ કેટલાક લોકો ક્યારેય બદલાશે નહીં. તેમણે કહ્યું કે, ગુંડાઓને પાઠ ભણાવવાની આપણી ફરજ છે.

દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે અહિંસા આપણો સ્વભાવ છે, આપણું મૂલ્ય છે. આપણી અહિંસા લોકોને બદલવા માટે છે, પરંતુ કેટલાક લોકો બદલાશે નહીં, ભલે તમે ગમે તે કરો. જો તેઓ દુનિયાને મુશ્કેલીમાં મુકતા રહે, તો શું કરવું જોઈએ?

તેમણે કહ્યું, જ્યારે રાવણનો વધ થયો ત્યારે પણ તે ફક્ત તેના કલ્યાણ માટે જ હતો. રાવણ પાસે એક સારો માણસ બનવા માટે જરૂરી બધું જ હતું, પરંતુ તેણે જે રીતે પોતાનું શરીર, મન અને બુદ્ધિ પસંદ કરી, તે સારો માણસ બની શક્યો નહીં. આનો એક જ ઉપાય છે: આ શરીર, મન અને બુદ્ધિનો ત્યાગ કરીને બીજું શરીર, મન અને બુદ્ધિ સ્વીકારવી. આવી સ્થિતિમાં ભગવાને તેનો નાશ કર્યો. આને હિંસા નહીં પણ અહિંસા કહેવાય.

તેમણે વધુમાં કહ્યું કે, અહિંસા આપણો ધર્મ છે. ગુંડાઓને પાઠ ભણાવવાની પણ આપણી ફરજ છે. આપણે ક્યારેય આપણા પડોશીઓનું અપમાન કે નુકસાન કરતા નથી. પણ છતાં, જો કોઈ દુષ્ટતાનો આશરો લે, તો બીજો કયો ઉપાય છે? રાજાનું કર્તવ્ય પોતાની પ્રજાનું રક્ષણ કરવાનું છે, રાજાએ પોતાની ફરજ બજાવવી જ જોઈએ. મોહન ભાગવતે કહ્યું, ગીતા અહિંસાનો ઉપદેશ આપે છે. અહિંસાનો આ ઉપદેશ એટલા માટે આપવામાં આવ્યો હતો કે અર્જુન યુદ્ધ કરે અને મારી નાખે. તેની સામે એવા લોકો હતા જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

 

અમદાવાદમાં ગરમી વચ્ચે AMCની આરોગ્ય ઝુંબેશ, 349 એકમને ફટકારી નોટિસ

અમદાવાદ: 26 એપ્રિલ, 2025ના રોજ, અમદાવાદમાં આકરી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ, આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરી, 916 સેમ્પલ લીધા અને 349 એકમોને નોટિસ ફટકારી. આ દરમિયાન 2.35 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો, 600 કિલોથી વધુ અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો, અને 193 સ્થળોએ તેલની ગુણવત્તા ચકાસવા TPC ટેસ્ટ કરવામાં આવ્યા.

આ સાથે, AMCએ એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ સામે આવેલી દુકાનો પર મોટી કાર્યવાહી હાથ ધરી. ઇસ્કોન ગાંઠિયા, ગાત્રાળ ટી સ્ટોલ, કર્ણાવતી સ્નેક, રજવાડી ચા સહિત કુલ 12 દુકાનોને સીલ કરી નોટિસ આપવામાં આવી. આ કાર્યવાહીનું મુખ્ય કારણ પાર્કિંગની અછત હતી, જેના લીધે સાંજના સમયે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થતો હતો. AMCએ લાંબા સમયથી આ દુકાનોને પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી, પરંતુ પાલન ન થતાં આ પગલું ભરવામાં આવ્યું.

એક વેપારીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું, “અમે ગ્રાહકોને નજીકના AMC પ્લોટમાં પાર્કિંગ કરવા જણાવતા હતા અને સિક્યુરિટી ગાર્ડ પણ રાખ્યા હતા, છતાં દુકાનો સીલ કરાઈ.” AMCના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં આઈસ્ક્રીમ, લસ્સી, મેંગો જ્યૂસ, ખાણીપીણીની દુકાનો અને હોટેલો પર પણ સઘન તપાસ ચાલુ રહેશે, જેમાં લાઇસન્સ વિના કામ કરતા એકમો સામે કડક કાર્યવાહી થશે.

IPLને કારણે ભારતીય ક્રિકેટને થઈ રહ્યું છે ભારે નુકસાનઃ ગાવસકર

નવી દિલ્હીઃ  IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. હવે સુનીલ ગાવસકરે IPL અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે IPLને કારણે ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું.

તેમનું માનવું છે કે IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં આવી રહી છે, જે લાંબા ગાળે ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી શકે છે. ખેલાડીઓ IPLમાં સારું પ્રદર્શન કરે છે અને ભારતીય ટીમ માટે રમે છે પરંતુ રણજી ટ્રોફીમાં વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ તેમને સરળતાથી સ્થાન નથી મળતું.

ગાવસકરે પોતાની વાત આગળ વધારતા લખ્યું હતું કે આ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે, જે લોકો આખી સીઝન ઘરેલુ ક્રિકેટ રમે છે તેઓ અનકેપ્ડ IPL ખેલાડીની સૌથી ઓછી બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા પણ નથી કમાઈ શકતા. જો મુંબઈ જેવાં અન્ય સંગઠનો રણજી ખેલાડીઓને BCCI દ્વારા આપવામાં આવતી ચુકવણી સાથે મેળ ખાય છે, તો આ અસંતુલન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.’

ગાવસકરે પોતાની કોલમમાં લખ્યું કે એવાં ઘણાં ઉદાહરણો છે, જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ એક કે બે સીઝનમાં રમતમાંથી બહાર થઈ જાય છે, પરંતુ IPLની એક સીઝન ઘણી વાર તેમને રણજી ટ્રોફીની આખી કારકિર્દી કરતાં વધુ પૈસા આપે છે. જોકે, આ અસંતુલનનો શ્રેય IPLની જનતા વચ્ચે અપીલ અને તેના કારણે મોટા પાયે પ્રસારણ અને સ્પોન્સરશિપ અધિકારોને જાય છે, પરંતુ તે એ ખેલાડીઓને જરૂર નિરાશ કરે છે જેઓ IPL કરતાં લગભગ ત્રણ ગણું વધુ ક્રિકેટ મેચ રમે છે.