Home Blog Page 974

માર્ચ 2025માં ગુજરાતનો છૂટક ફુગાવો 2.63 ટકા નોંધાયો

અમદાવાદ: વૈશ્વિક સ્તરે મોંઘવારી એક મોટો પડકાર બની રહી છે, ત્યારે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આર્થિક પ્રગતિની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા અનુસાર, માર્ચ 2025માં ગુજરાતનો છૂટક ફુગાવો (CPI આધારિત) માત્ર 2.63% રહ્યો, જે રાષ્ટ્રીય સરેરાશ 3.34%થી નોંધપાત્ર રીતે ઓછો છે. આ પ્રદર્શન ઘણા વિકસિત રાજ્યોને પાછળ રાખે છે.

રાજ્ય સરકારના ‘વિકસિત ગુજરાત, જનકલ્યાણ મિશન’ના વિઝન હેઠળ આધુનિક વિકાસની સાથે ‘ઇઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકાર નવી નીતિઓ દ્વારા રોકાણને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવા વિશેષ પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 2.61% અને શહેરી વિસ્તારોમાં 2.70% રહ્યો, જે રાષ્ટ્રીય સરેરાશ (ગ્રામીણ: 3.25%, શહેરી: 3.43%)થી ઓછો છે. આ ગ્રામ વિકાસલક્ષી નીતિઓનું પરિણામ છે, જેનાથી ગામડાંઓમાં રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ છે.

ગુજરાતે રાજકોષીય સુઝબૂઝ, પુરવઠા શૃંખલા સુધારણા, બજાર નિયમન અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી પહેલો દ્વારા ફુગાવાને અંકુશમાં રાખ્યો છે. આનાથી રાજ્યએ ભાવ સ્થિરતા અને આર્થિક વિકાસનું સંતુલન સફળતાપૂર્વક હાંસલ કર્યું છે. અન્ય રાજ્યો જેમ કે ઉત્તરપ્રદેશ (3.01%), મહારાષ્ટ્ર (3.86%), કર્ણાટક (4.44%) અને કેરળ (6.59%)ની તુલનામાં ગુજરાતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. આ સિદ્ધિ ગુજરાતને ‘વિકસિત ભારત’ના વિઝનમાં અગ્રેસર રાખે છે.

રાજ્યમાંથી 1000 બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહના નિર્દેશ પછી રાજ્યમાંથી ગઈ કાલે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદે વસતા કુલ 1000થી વધુ બાંગ્લાદેશીની પોલીસે અટકાયત કરી છે. ગઈ કાલે રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 900થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની અટકાયત કરી છે, જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે. તેમને તેમના વતનમાં મોકલી અપાશે.

જ્યારે સુરતમાંથી 132  ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરુષો અને 44 મહિલાઓનો સમાવેશ થાય છે.  સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદવાદમાં ગઈ કાલે રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું,ક જેમાં 900થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમ જ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું. 

પહલગામમાં પ્રવાસી પર આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભારત આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલવા સહિત બાંગ્લાદેશી સામે પણ સ્ટ્રાઇક તેજ થઈ છે. અમદાવાદ અને સુરતમાંથી કુલ 1000 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે. કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યાર બાદ ભારત સરકાર દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.

આંબલીવાળો ભાત

આંબલીવાળો ખટમીઠો ભાત એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી પુલિહોરા છે. જે મોટે ભાગે તહેવાર કે પૂજા વખતે રાંધવામાં આવે છે. આ ભાત કાંદા-લસણ વિના પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ટિફિનમાં આપવા માટે પણ આંબલીવાળા ભાતનો વિકલ્પ સારો છે!

સામગ્રીઃ

  • રાંધેલો ભાત 2 કપ (કોલમ ચોખા અથવા સોના મસૂરી ચોખા)
  • આંબલી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

સૂકો મસાલોઃ

  • સૂકા લાલ મરચાં 4
  • ચણા દાળ 1 ટી.સ્પૂન
  • અળદ દાળ 1 ટી.સ્પૂન
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • સફેદ તલ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • મેથીદાણા ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • કાળા મરી 6-7 નંગ
  • તલનું તેલ 1 ટે.સ્પૂન

વઘાર માટેઃ

  • તલનું તેલ 1 ટે.સ્પૂન
  • સૂકું લાલ મરચું 1
  • ચણા દાળ 1 ટી.સ્પૂન
  • અળદ દાળ 1 ટી.સ્પૂન
  • શીંગદાણા 1 ટી.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • મીઠા લીમડાના પાન 8-10
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ગોળ અથવા ગોળનો પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ ભાતના દાણા છૂટા રહે તે રીતે ચોખા રાંધી લેવા.

એક પેનમાં 1 ટે.સ્પૂન તલનુંતેલ ગરમ કરી તેમાં અળદ તથા ચણાની દાળ ગુલાબી રંગની શેકી લો. ત્યારબાદ તેમાં આખા ધાણા, મેથીદાણા, જીરૂ, કાળા મરી, સફેદ તલ મેળવીને 2 મિનિટ શેકી લીધા બાદ ગેસની આંચ બંધ કરીને મસાલો ઠંડો થવા દો. મસાલો ઠંડો થાય એટલે તેને બારીક પસી લો.

આમલીને ગરમ પાણીમાં 40 મિનિટ સુધી પલાળ્યા બાદ તેને હાથેથી મસળીને તેમાંનો ગર બીજા એક વાસણમાં કાઢી લો.

વઘાર માટેઃ કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈનો તથા હીંગનો વઘાર કરી લીમડો વઘારો. ત્યારબાદ ચણા દાળ તેમજ અળદ દાળ ઉમેરી ગુલાબી રંગની શેકી લીધા બાદ શીંગદાણા ઉમેરી થોડા શેકાઈ જાય એટલે લાલ મરચાં પાઉડર મેળવીને તરત આમલીનો પલ્પ તથા વાટેલો મસાલો મેળવીને 1 કપ પાણી મેળવી દો. ખમણેલો ગોળ પણ મેળવી દો. આ મિશ્રણ સોસ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.

હવે રાંધેલો ભાત તથા સમારેલી કોથમીર તેમાં મેળવીને 6-7 મિનિટ કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે થવા દો. આ ભાત એકાદ કલાક બાદ પણ પીરસવામાં આવે તો તેમાં આંબલી તેમજ મસાલાનો સ્વાદ પચવાથી ભાત વધુ સ્વાદિષ્ટ લાગશે.

તૈયાર ભાત પાપડ સાથે પીરસો.

૨૬ એપ્રિલ ૨૦૨૫

પંચાંગ 26/04/2025

જમ્મુ અને કાશ્મીરમાં ચાર સંદિગ્ધ વ્યક્તિ દેખાતાં સેના સર્તક

નવી દિલ્હીઃ  જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં આતંકવાદી હુમલા પછી અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં સેના સઘન સર્ચ ઓપરેશન કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સેના દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, આ વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એક મહિલાએ પોલીસને જાણકારી આપી હતી કે આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ માણસો જોવા મળ્યા છે, જેથી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં મહિલાએ આપેલી આ જાણકારી બાદ સેના સત્વર હરકતમાં આવી અને સઘન તપાસ શરૂ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જમ્મુ અને કાશ્મીર એસઓજી સાથે સ્થાનિક પોલીસ પણ સાથ આપી રહી છે.

આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને દરેક આવતી-જતી વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલો છે. જેથી સેના વધારે સતર્ક બની ગઈ છે. એવી પણ આશંકા છે કે આ શંકાસ્પદ લોકો કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે, જેથી સત્વર તેમને પકડી પાડવા જરૂરી છે. સેના દ્વારા સતર્કતા સાથે તપાસ કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાના આતંકીઓની પણ સેના દ્વારા શોધખોળ ચાલી રહી છે.

‘મને અમાનવીયતાથી નફરત છે’, ધર્મેન્દ્રએ પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું દુઃખ હજુ પણ લોકોના મનમાં તાજું છે. આ હુમલાથી આખો દેશ દુઃખી છે અને શોક વ્યક્ત કરી રહ્યો છે. હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પણ આ ભયાનક આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

ઇન્સ્ટાગ્રામે આ રીતે દુઃખ વ્યક્ત કર્યું

અભિનેતા ધર્મેન્દ્રએ આજે ​​પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે ધર્મેન્દ્રએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં ધર્મેન્દ્રએ લખ્યું,”મને અમાનવીયતાથી નફરત છે. પહેલગામમાં થયેલી ક્રૂરતા માટે મારું હૃદય રડે છે. હું સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને માનવતા માટે પ્રાર્થના કરું છું.”

આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો

22 એપ્રિલની સાંજે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળીબાર કર્યો. આ દુ:ખદ ઘટનામાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનામાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા.

બોલિવૂડના બધા સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે અને લોકો નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલિબ્રિટીઓએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. બધા હવે સરકાર તરફથી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

ધર્મેન્દ્રના કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો, 89 વર્ષીય અભિનેતા છેલ્લે કરણ જોહરની 2023 માં આવેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

થાઈલેન્ડમાં વિમાન દુર્ઘટના, 6 પોલીસ અધિકારીઓનું દુઃખદ અવસાન

થાઈલેન્ડના ફેચબુરી પ્રાંતના ચા-અમ રિસોર્ટ નજીક 25 એપ્રિલ, 2025ના રોજ સવારે 8:15 વાગ્યે એક નાનું પોલીસ વિમાન સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં 6 પોલીસ અધિકારીઓનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો. વિમાનમાં અધિકારીઓને કટોકટીની પરિસ્થિતિઓ માટે પેરાશૂટ તાલીમ આપવામાં આવી રહી હતી, પરંતુ અચાનક સંતુલન ખોરવાતાં વિમાન સમુદ્રમાં ખાબક્યું. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વિમાનના પડવાની ક્ષણ અને વિસ્ફોટનો અવાજ રેકોર્ડ થયો, જે દૂર-દૂર સુધી સંભળાયો હતો.

આ દુર્ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉન ચા-અમના દરિયાકાંઠે બની, જ્યાં વિમાન સમુદ્રમાં લગભગ 100 મીટરની ઊંચાઈથી પડ્યું, જેના કારણે તેના બે ટુકડા થઈ ગયા. ઘટનાની જાણ થતાં ચા-અમ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈ પેટ્રોલ યુનિટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં સવાર 5 અધિકારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ અધિકારીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ આ ઘટનાની ગંભીરતા દર્શાવી, જેના કારણે થાઈલેન્ડમાં શોકની લાગણી ફેલાઈ.

થાઈલેન્ડ પોલીસે આ દુર્ઘટનાના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે, જેમાં વિમાનના બ્લેક બોક્સની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનનું સંતુલન ખોરવાવું એ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આ વિમાન પોલીસ અધિકારીઓને તાલીમ આપવા માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ તકનીકી ખામી કે અન્ય કારણોસર નિયંત્રણ ગુમાવ્યું. થાઈલેન્ડ સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને મૃત અધિકારીઓના પરિવારોને સહાયની જાહેરાત કરી છે, અને વધુ તપાસ ચાલુ છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

અલ્ગોરિધમની વિચિત્ર દુનિયા : જ્યાં સ્ક્રોલ કરીએ, ત્યાં વિચારો બદલાય!

આતંકવાદી હુમલાઓ નવા નથી. આપણો ગુસ્સો પણ ખોટો નથી. પગલાંઓ લેવાયા નથી કે લેવાયા એ અલગ વાત અને આપણે કશું નહીં કરી શકતા એ બીજી વાત. થોડા દિવસોમાં બધું ભૂલી જવુ એ પણ સાચી વાત અને ફરી હુમલાઓ નહીં થાય એની પણ કંઈ ગેરેન્ટી નથી.

પણ ફર્ક ક્યાં આવ્યો, આક્રોશતાએ શુ રંગ લીધો? 24 કલાક એક ઘટના તમારા મગજમાં ઠોકવામાં આવી, દરેક સોશિયલ મીડિયાના પેજ, ઇન્ફ્લુએન્સર્સ, મોટીવેશનલ સ્પીકર્સ એક વાતને સો વાર કહે, એક જ વાતના અલગ અલગ મંતવ્યો, અભિપ્રાયોથી રજૂ કરે. માત્ર આજ ઘટના નહીં પણ દરેક એ બાબત જે ટ્રેન્ડમાં છે, તેને જન માનસ પર ઠોકવામાં સોશિયલ મીડિયાનો ફાળો અત્યાર સુધી અવર્ણીત રહ્યો છે.

અંધશ્રદ્ધા હોય કે યુવાઓના અટપટા ટ્રેન્ડ્સ, બની બેઠેલા કાઉન્સેલર્સ હોય કે રેકી,ટેરોટ બતાવતા ઇન્ટિલિજન્ટ ભુવા. મહિનાના અંતે તેમને પચીસ પચાસ મુર્ગા સોશિયલ મીડિયા પર મળી જ રહે છે, જેથી એની રોજી ચાલે છે. પણ એની અસર શુ? આજ સુધી ત્યાં કોઈ સેન્સર બૉર્ડ નથી ઘુસ્યુ કે સેફટીના કોઈ ફીચર્સ નથી અપડેટ થયાં.શુ આપણે પણ એજ દિશામાં ચાલવા તૈયાર છીએ જ્યાં આપણને બ્રેઈન વોશિંગ માટે તૈયાર કરી રહ્યા છે? કોના દ્વારા, અને કોણ છે એ માસ્ટર માઈન્ડ.

એ છે અલ્ગોરિધમનો ખુંખાર કીડો

તમારા એનરોઇડ ફોનના માઈક્રોફોન્સ તમારા શબ્દોને ગ્રહણ કરે છે, વાત ચીતોનો ઊંડો અભ્યાસ કરે છે, તમારી સોશિયલ મીડિયાની લાઈક્સ, ડીસલાઈક્સ, સર્ચ, ફ્રેન્ડસ વગેરે જાણકારીના હિસાબે નક્કી કરે છે કે તમને શું પીરસવું, તમને કેમ લોભવવા અને લલચાવવા. આપણે સવારે આંખ ખોલતાં જ પહેલી નજરમાં ફોન ખોલતાં જ ફોન પર સ્ક્રોલિંગ શરૂ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે આપણું જોવું, પસંદ કરવું કે શેર કરવું એ બધું એક છુપા ‘અલ્ગોરિધમ’ દ્વારા નિયંત્રિત થાય છે?

અલ્ગોરિધમ એટલે શું?

સાદી ભાષામાં કહીએ તો, અલ્ગોરિધમ એ એક પ્રકારનો નિયમોનો સેટ છે, જે નક્કી કરે છે કે તમારે શુं જોવાનું છે. જે પ્રકારની પસંદગી હોય તે જ સતત અહીં પીરસવામાં આવે છે. એટલે જો તમારો ફોન તમારા બાળકો દ્વારા પણ વપરાતો હોય તો એના માટે એ ઘણી વાર અયોગ્ય કન્ટેન્ટ પીરસી શકે છે. અંધશ્રદ્ધા ફેલાવનારા પેજ વધુ ખતરનાક સાબિત થાય છે, ખાસ કરીને દિવાળી, કાળી ચૌદશ જેવા દિવસે અનેક ટોટકા બતાવવામાં આવે છે. દાદા દાદી જેટલાં ઉંમરના લોકો એમના સોફ્ટ ટારગેટ હોય છે. એ લોકો જે કાઉન્સેલર્સ, સાયક્રિયાટિક્સ, ડાયટિંશિયન છે, જે પોતાનું માર્કેટિંગ રીલ્સ કે વીડિઓઝ દ્વારા કરે છે, મોટા ભાગે ટોટકા અને મેડિકલ સલાહો આપતાં રહે છે. એની વાત સાચી હોય તો પણ દરેકને તાસીર પ્રમાણે જ દવાઓની અસર થાય છે. એટલે માત્ર જાહેરાત સિવાય એ લોકોનો ઈરાદો કોઈ જ હોતો નથી.
ઘણી વાર તમે જો મનથી મક્કમ ના હોય તો કોઈના વિચારો તમારા પર હાવી થઈ શકે છે, અંગત જીવનના ઘણા પ્રશ્નો લોકો આવાં ઇન્ફ્લુએન્સર્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે જે તદ્દન વાહિયાત સોલ્યુસન છે. બાળકો માટે તે અતિ જોખમી સાબિત થયું છે, બાળકોમાં અગ્રેસન, હાઇપર સેન્સિટિવીટીના કેસોમાં ધરખમ વધારો થયો છે.
અલ્ગોરિધમ આપણું જીવન કેવી રીતે નિયંત્રિત કરે છે?

 

આજના સમયમાં અલ્ગોરિધમ આપણું ધ્યાન, સમય અને પસંદગીઓને નિયંત્રિત કરે છે. આપણે શું વાંચીએ, શું ખરીદીએ, કે શું વિચારીએ—આ બધું ખુબજ હદ સુધી એ આધારે નક્કી થાય છે કે મીડિયાના એ એપ્સ શું બતાવે છે.

ઉકેલ શું છે?

સોશિયલ મીડિયા માટે સમય મર્યાદિત કરવો. અલગ-અલગ વિષયો માટે માહિતી શોધવાનો પ્રયત્ન કરવો,જેથી અલ્ગોરિધમ પણ વિવિધતાપૂર્વક માહિતી આપે. જ્યાં સુધી તમે સ્યોર નથી ત્યાં સુધી, માહિતી શેર કરતાં પહેલા તેની સચોટતા ચકાસવી.

અલ્ગોરિધમ પોતે ખરાબ નથી, પણ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. જો આપણે સમજદારીથી તેનો ઉપયોગ કરીએ, તો તે જાણકારી અને વિકાસ તરફ દોરી શકે છે. નહીં તો, તે આપણા વિચાર અને જીવનની દિશા બદલી શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

પહલગામમાં હુમલા બાદ ગુજરાતના દરિયાકાંઠે સઘન સુરક્ષા વ્યવસ્થા

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રમુખ યાત્રાધામો જેવા કે સોમનાથ, દ્વારકાધીશ અને અંબાજી મંદિરો ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન માટે આવે છે. આ ઉપરાંત, જાહેર સ્થળો અને પરિવહન કેન્દ્રો પર પણ પોલીસ અને વિશેષ દળોની તૈનાતી વધારવામાં આવી છે. બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે અંબાજી મંદિર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને સ્નાઈપર્સ તૈનાત કરાયા છે, સાથે જ દર્શનાર્થીઓ માટે સઘન સુરક્ષા તપાસ ફરજિયાત કરાઈ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોના મોત થયા હતા, જેના કારણે રાજ્ય સરકારે સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

બીજી બાજુ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો હોવાથી, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષા સઘન કરવામાં આવી છે. જામનગર મરીન પોલીસે દરિયાકાંઠાના વિસ્તારો, લેન્ડિંગ પોઈન્ટ્સ અને નજીકના ગામોમાં ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. માછીમારોની બોટ અને તેમની ઓળખની સઘન તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું કે, તમામ ચેકપોસ્ટ પર વાહનોની તપાસ અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. દ્વારકામાં 23માંથી 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

સુરક્ષા વધારવા મરીન પોલીસની સાથે LCB, SOG, મરીન કમાન્ડો અને હોમગાર્ડ જવાનોને પણ તૈનાત કરાયા છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના ગામો અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, જેમાં જામનગરનો વિશ્વનો સૌથી મોટો રિલાયન્સ રિફાઈનરી કોમ્પ્લેક્સ અને મુંદ્રા પોર્ટ જેવી મહત્ત્વની સુવિધાઓ આવેલી છે, તેને સુરક્ષિત રાખવા સાવચેતીના પગલાં લેવાયા છે. આ કાર્યવાહી પાકિસ્તાનની નજીકના દરિયાઈ માર્ગો દ્વારા સંભવિત ઘૂસણખોરીને રોકવા માટે અગત્યની છે. સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરી રહી છે, જેથી રાજ્યની સુરક્ષા ચુસ્ત રહે.