Home Blog Page 975

અંગ દઝાડતી ગરમી માટે રહેવું પડશે તૈયાર! જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ (26-28 એપ્રિલ, 2025) દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો ફૂંકાશે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ લાવશે. 28 એપ્રિલ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જે ગરમીની તીવ્રતા વધારશે. હાલમાં, રાજ્યના 10થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 24 એપ્રિલે 43 ડિગ્રી નોંધાયું હતું.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની આગાહી છે, જે ગરમીનો અનુભવ વધુ તીવ્ર બનાવશે. આગામી બે દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધી શકે છે, જેના કારણે લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વી પવનો પણ ગરમીની તીવ્રતા વધારશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે, જે ગરમીની અસરને વધુ અસહ્ય બનાવશે. અમદાવાદ, રાજકોટ, અને કચ્છમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા અને જનસેવા કેન્દ્રો પર પાણી-મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્કાયમેટની આગાહી અનુસાર, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 25 એપ્રિલે છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની શક્યતા છે. 26થી 28 એપ્રિલ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ હળવી હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને ગુજરાતના કેટલાક ભાગોમાં 25થી 30 એપ્રિલ દરમિયાન શુષ્ક વાતાવરણ સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દિલ્હીમાં પૂર્વ-ચોમાસાની ગતિવિધિની શક્યતા નથી. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની આગાહી છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગુજરાતમાં મેલેરિયાનો કહેર યથાવત્

અમદાવાદ સહિત ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. મલેરિયા જેવી બીમારીઓએ રાજ્યમાં ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દર મહિને સરેરાશ 380થી વધુ મલેરિયાના કેસ નોંધાય છે, જોકે 2019થી કેસમાં ઘટાડો થયો છે. 2024માં ગુજરાતમાં 4,365 મલેરિયા કેસ નોંધાયા, જેમાં એક મૃત્યુ થયું. રાષ્ટ્રીય સ્તરે, ગત વર્ષે 2.57 લાખ કેસ નોંધાયા, જેમાં ઓડિશામાં સૌથી વધુ 68,893 કેસ હતા. ગુજરાતમાં મલેરિયા નિયંત્રણ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સંપૂર્ણ નિયંત્રણ હજુ દૂરનું લક્ષ્ય લાગે છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે મલેરિયા નિદાન માટે 2024માં 1.81 કરોડથી વધુ તાવના દર્દીઓના લોહીના નમૂના એકત્ર કરી મફત તપાસ કરી. રેપિડ ટેસ્ટ અને હોસ્પિટલોમાં ક્લોરોક્વિન, પ્રીમાક્વિન જેવી દવાઓ દ્વારા રેડિકલ સારવાર આપવામાં આવે છે. 2021થી ફેબ્રુઆરી 2025 સુધી 18,469 કેસ નોંધાયા, જે 2018ના 22,114 કેસની તુલનામાં ઓછા છે. અમદાવાદમાં 2019થી 2024 દરમિયાન માત્ર 96 કેસ નોંધાયા, અને છેલ્લા પાંચ વર્ષમાં મલેરિયા કે ડેન્ગ્યુથી કોઈ મૃત્યુ નથી થયું. મલેરિયા પોઝિટિવ દર 1,000ની વસતીએ 1થી નીચે છે, જેના કારણે ગુજરાતને મલેરિયા નિર્મૂલનની કેટેગરી-1માં સ્થાન મળ્યું.

મચ્છરજન્ય રોગો ખાસ કરીને ચોમાસામાં વધે છે, જેના નિયંત્રણ માટે અમદાવાદમાં નવીન પગલાં લેવાય છે. 2024ના નવેમ્બરથી ચાંગોદર અને સાણંદના GIDC વિસ્તારોમાં AI આધારિત ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધીને લાર્વિસાઈડ છંટકાવ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ સનાથલ, મોરૈયા, ચા.વાસણા, બોળ, છારોડી જેવા વિસ્તારોમાં શરૂ થયો છે. આ પ્રયાસો દ્વારા ગુજરાત મચ્છરજન્ય રોગો સામે લડવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, જે ભવિષ્યમાં વધુ અસરકારક નિવારણ લાવી શકે છે.

આતંકવાદીઓને આશરો આપવાની વાત પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કબૂલી

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા ઘાટકી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે, ત્યારે પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કબૂલ કર્યું છે કે તેમનો દેશ ભારત સામે આતંકવાદીઓને ટેકો આપે છે, એમ અહેવાલ કહે છે આ નિવેદનની એક વિડિયો ક્લિપ પણ વાઇરલ થઈ રહી છે.

સંરક્ષણ મંત્રી સ્કાય ન્યૂઝની યાલદા હકીમ સવાલ કર્યો હતો કે શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાને આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો છે, તેમની તાલીમ આપી છે અને ફંડિંગ પણ કર્યું છે?
એના જવાબમાં ખ્વાજા આસિફ કહે છે  કે હા, અમે ગયા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમ દેશો માટે  જેમાં બ્રિટન પણ સામેલ છે, આ ગંદું કામ કરતા આવ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું  કે જો અમે સોવિયત સંઘ વિરુદ્ધના યુદ્ધમાં અને ત્યાર બાદ 9/11 પછીના યુદ્ધમાં સામેલ ન થયા હોત તો પાકિસ્તાનનો રેકોર્ડ નિર્દોષ હોત. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણાં વર્ષોથી આતંકવાદી સંગઠનોને આશરો આપતું આવ્યું છે.

બીજી બાજુ, ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ખૂબ જ કડક પગલાં લીધાં છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિ પણ રોકી દીધી છે. PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિશ્વાસ આપ્યો છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ તેમ જ તેની માટે કાવતરું રચનારાઓને તેમની કલ્પના કરતાં મોટી સજા મળશે.

સુદીપ્ત ઘોષની ગુજરાત ઝોનના એડિશનલના પીએફ કમિશનર તરીકે થઈ નિમણૂંક

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના હેડ ઓફિસ દ્વારા જારી કરાયેલા આદેશોના પાલનમાં, સુદીપ્ત ઘોષે 11 એપ્રિલ, 2025થી ગુજરાત ઝોનના એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે.

નોંધનીય છે કે, ઘોષ 1998ની બેચના અધિકારી છે, જેમણે આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરના કેડરમાં નિમણૂક મેળવી હતી. દેશભરમાં વિવિધ સ્થળોએ વિવિધ હોદ્દાઓ પર એમણે કાર્ય કર્યું છે. એમની આ નિમણૂક ગુજરાત રાજ્યમાં EPFOના કાર્યને નવો દૃષ્ટિકોણ આપશે અને હિતધારકોને સેવા પહોંચાડવામાં યોગદાન આપશે.

ISROના ભૂતપૂર્વ વડા કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનું નિધન

ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનું શુક્રવારે બેંગલુરુમાં નિધન થયું. તેમણે 84 વર્ષની ઉંમરે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. સવારે 10 વાગ્યે તેમનું અવસાન થયું. રવિવારે અંતિમ સંસ્કાર પહેલાં તેમના પાર્થિવ શરીરને રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જાહેર દર્શન માટે રાખવામાં આવશે.

કસ્તુરીરંગન સૌથી લાંબા સમય સુધી ISROના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 10 વર્ષ સુધી ISROના ચેરમેન રહ્યા. આ ઉપરાંત, કસ્તુરીરંગને સરકારી નીતિઓના નિર્માણમાં પણ યોગદાન આપ્યું હતું. ડૉ. કસ્તુરીરંગને 27 ઓગસ્ટ, 2003 ના રોજ નિવૃત્તિ લેતા પહેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન, અવકાશ આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના અવકાશ વિભાગમાં સચિવ તરીકે 9 વર્ષથી વધુ સમય સેવા આપી હતી.

ડૉ. કસ્તુરીરંગનના નેતૃત્વમાં ઈસરોએ ઇતિહાસ રચ્યો

ડૉ. કસ્તુરીરંગનના નેતૃત્વ હેઠળ, ISRO એ ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV) ના સફળ પ્રક્ષેપણ અને સંચાલન સહિત અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી. ડૉ. કસ્તુરીરંગને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) ના પ્રથમ સફળ ઉડાન પરીક્ષણનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમના કાર્યકાળમાં IRS-1C અને 1D સહિત મુખ્ય ઉપગ્રહો અને બીજી અને ત્રીજી પેઢીના INSAT ઉપગ્રહોનો વિકાસ અને પ્રક્ષેપણ જોવા મળ્યું. આ પ્રગતિઓએ ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં એક મુખ્ય શક્તિ તરીકે મજબૂતીથી સ્થાપિત કર્યું.

ISRO ના અધ્યક્ષ બનતા પહેલા, ડૉ. કસ્તુરીરંગન ISRO સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર હતા, જ્યાં તેમણે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ (INSAT-2) અને ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ (IRS-1A અને IRS-1B) જેવા આગામી પેઢીના અવકાશયાનના વિકાસનું નેતૃત્વ કર્યું હતું. ભારતની ઉપગ્રહ ક્ષમતાઓના વિસ્તરણમાં IRS-1A ઉપગ્રહના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હતું.

આતંકવાદી હુમલાના પીડિતો સાથે NSEની સંવેદના

મુંબઈઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા (NSE) સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ રૂ. એક કરોડ (અંદાજે દરેક પરિવારને રૂ. 4 લાખ) સહાયની જાહેરાત કરી છે. દેશ માટે આ દુ:ખદ અને સંકટના સમયે NSE સહાનુભૂતિ અને સહયોગ સાથે ઊભું છે.

NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ સમય આપણા દેશ માટે સામૂહિક શોકનો સમય છે. અમારી પ્રાર્થનાઓ અને સંવેદના પીડિતોના પરિવારજનો સાથે છે અને અમે તેમને શક્ય તેટલી મદદ પહોંચાડવા પ્રયત્નશીલ છીએ, એમ તેમણે કહ્યું હતું.

Opinion: ઓનલાઈન એપ્સ નફાનું સાધન કે જોખમી જુગાર?

અત્યારના સમયમાં બાળકોને રઝીવવા કે શાંત રાખવા માટે મોબાઈલ ફોન એક મહત્વનું સાઘન બની ગયું છે. બાળકો પણ ટીવી, ઓનલાઈન જાહેરતો જોઈને નવી નવી ગેમ્સ રમવાનું શરૂ કરે છે. ઘણી વખત તો એવી ગેમ્સ રમવાનું શરૂ કરતા હોય છે, જ્યાં શરૂઆતમાં કંપની રીવર્ડ અને જોઈનીગ બોનસના નામે બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. લોભામણી ઓફર જોઈ બાળકો પણ તેમાં જોડાતા હોય છે. આવી એપ્સ રૂપિયા રોકીને ઝડપથી નફો કમાવવાના સપના બતાવે છે, જેના કારણે ઘણા લોકો તેમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આની પાછળનું જોખમ અનેક ચિંતાઓ ઉભી કરે છે. ઘણી વખત હારના કારણે લોકો નાણાકીય નુકસાન ઉપરાંત માનસિક તણાવનો પણ સામનો કરે છે, જેના પરિણામે ખોટાં પગલા ભરી લે છે.

આવી એપ્સની લાલચ અને તેની સામાજિક અસરો પર ચર્ચા જરૂરી છે. શું આ એપ્સ ખરેખર આર્થિક લાભ આપે છે, કે તે ફક્ત જોખમી જુગારનું સ્વરૂપ છે?

ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ

“મનુષ્યના મગજમાં પ્લેઝર સર્કિટ રહેલું છે, જે ઓનલાઈન બેટિંગ એપ્સ કે વેબસાઈટ્સ દ્વારા નફો મળવાથી જે સક્રિય થાય છે. આનાથી જીતની આશામાં વ્યક્તિ વારંવાર આ પ્રવૃત્તિ તરફ ખેંચાય છે. રિવોર્ડ કે નફાની લાલચમાં જ આવીને યુવક-યુવતીઓ ઘણું ગુમાવે છે. આવી વસ્તુની આદત કોઈ આપણા સર્કરમાં રમતા હોય ત્યાંથી પડી શકે અથવા તો લુભામણી જાહેરાતોથી થાય છે. ઘણી વખત એવું બનતુ હોય કે, હારેલી રકમ પાછી મેળવવાની લાલસામાં વ્યક્તિ રમત ચાલુ રાખે છે. જ્યારે નુકસાન વધી જાય, ત્યારે ફિયર સર્કિટ સક્રિય થઈ, વ્યક્તિ આઘાત કે ગિલ્ટમાં સરી પડે છે. નાનું નુકસાન હોય તો તેની ભરપાઈ શક્ય છે, પરંતુ મોટું નુકસાન ખોટાં પગલાં તરફ દોરી જાય છે. આવી ઘટનાઓ બાળકોમાં પણ જોવા મળે છે. તેઓ વાલી પાસેથી રૂપિયા લઈને રોકાણ કરે છે, હાર્યા છતાં લાલચમાં ફરી રમે છે અને નાની ઉંમરે ખોટાં પગલાં ભરી લે છે. પહેલી ભૂલ બાદ પણ બાળકો રોકાતા નથી. મોટા લોકોમાં સોશિયલ પ્રેશરના કારણે પણ એક સમય પર આવી પ્રવૃતી વારંવાર કરવાથી રોકાય જતા હોય છે. તો ઘણી વખત નશીલા પદાર્થોનો ઉપયોગ કરનારાઓમાં આવી ભૂલોનું પુનરાવર્તન વધુ થાય છે, કારણ કે તેમનું મન નિયંત્રણ ગુમાવે છે.”

જ્ય શુક્લા, ઈન્ફલુએન્સર 

“એક ઇન્ફ્લુએન્સર તરીકે હું કોઈ પણ એપનું પ્રમોશન કરતા પહેલા તેનો સંદેશ કેવો છે તે ચકાસું છું. જો એપ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડે તેવો સંદેશ આપતી હોય, તો હું તેનું પ્રમોશન કરવાનું ટાળું છું. કેટલીક એપ્સ માત્ર ગેમિંગના દૃષ્ટિકોણથી પ્રમોટ થાય છે અને તેમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ નથી હોતો. આવી એપ્સ પ્રમોશન માટે યોગ્ય ગણી શકાય. પ્રમોશન ઇન્ફ્લુએન્સર માટે આજીવિકાનું સાધન છે, પરંતુ વ્યક્તિગત લાભ માટે સમાજમાં ખોટો સંદેશ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત સેલિબ્રિટીઝ પણ ટીવી પર આવી એપ્સનું પ્રમોશન કરે છે, જેનાથી ક્રિએટર્સને લાગે છે કે, જો તેઓ કરી શકે, તો અમારું શું ખોટું? જો સરકારને આવા સંદેશાઓથી સમસ્યા હોય, તો આવી એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવવી જોઈએ. એપ ન હોય તો આવા પ્રશ્નો ઊભા ન થાય. આ એપ્સની અલગ-અલગ કેટેગરી હોય છે, તેથી સરકારે આવી એપ્સનું લિસ્ટ અધિકૃત પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું જોઈએ, જેથી લોકો જાગૃત થાય અને ક્રિએટર પ્રમોશન પણ ન કરે. નિયમો બનાવવામાં આવે તો તે સૌ પર સમાન રીતે લાગુ થવા જોઈએ, પછી ભલે તે સેલિબ્રિટી હોય કે ઇન્ફ્લુએન્સર.”

સચિન બારોટ, બિઝનેસમેન, કલોલ

“જો દુનિયામાં બધી વસ્તુથી આપણે બાળકોને બચાવી શકતા નથી અથવા તો તેના પર રોક લગાવી શકતા નથી. ઘરેમાંથી નહીં બહારથી, બહારથી નહીં ટીવી મોબાઈની દુનિયામાંથી બાળકને જે સમજવું હશે તે સમજી જશે. ઉમરને ધ્યાને રાખી બાળક સાથે વર્તન કરવું જોઈએ. હા તે ગેમ રમવાથી રોકી ન શકીયે તો શાંત મગજ સાથે તેને ગેમના નુકસાન વિષે સમજાવવું જોઈએ. આ તો વાત થઈ ગેમ્સની પણ બીજી બાજું બાળકને આપણે નાણાકીય જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ. ઝડપી કમાણીની જાહેરાતો પાછળ જોખમ હોવાની સમજણ આપણે જ આપી શકીએ. બીજું, ઓનલાઈન ગેમ્સ અને એપ્સનો ઉપયોગ મર્યાદિત કરી દેવો જોઈએ. તેમની પ્રવૃત્તિ પર નજર રાખીએ જોઈએ. સંતાન સાથે ખુલ્લીને વાત કરીએ, જેથી તેઓ આવી એપ્સની લાલચમાં ન આવે. સ્માર્ટફોનનો ઉપયોગ માટે પેરેન્ટલ કંટ્રોલ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય. સૌથી મહત્વનું, આપણે સ્વયં જવાબદારીભર્યું વર્તન કરી દાખલો બેસાડીએ, જેથી સંતાન સાચી દિશામાં ચાલે.”

આયુષ ધીનોજા, GEM Z  યુવાન, અમદાવાદ

“એવું નથી કે, આવી એપ્સ માત્ર મેચ દરમિયાન ચાલે છે. ઘણી એવી એપ્સ પણ છે જે બીજી ગેમ્સ આપીને પણ લોકોને લુટવાના ધંધા કરે જ છે. ગેમ્સ વસ્તુ એક ખાય જેવું છે, જેનું તળીયું દેખાતું નથી. હા, જાહેરાતો જોઈ લોકો તેની તરફ આકર્ષાય છે. પણ તેમાં છેલ્લે એવું બોલે છે, વ્યક્તિનું જોખમ આ ગેમ છે. પોતાની સાવધાની રમો. આ ટીવ પર આવેલી વાત સાચી ગણાય છે પણ સામે બેઠેલા વ્યક્તિની વાત નકારવામાં આવે છે. તેમા પણ બોસર, રિવર્ડ મળતા હોય એટલે એવું લાગે કે હા આતો મફતના રૂપિયા મળે છે. તેમાં પણ રીલ્સના જમાનામાં રીલ્સથી પણ ગેમ્સની જાહેરાત થાય છે. એટલે બધાને વાત 100 ટકા સાચી લાગે. જ્યારે સરકારને ખબર જ છે કે આવી વસ્તુથી લોકોને જોખમ થશે એ વસ્તુ ચાલુ જ શુ કામ રાખવી જોઈએ બંધ કરી દેવી જોઈએ. આપણે ત્યાં ટીકટોક બંધ થયું તેમ આવી એપ્સ પર પણ પ્રતિબંધ લગાડવો જોઈએ. ઘણા યુવાનો મેચના જોશમાં રૂપિયા રોકે છે, પણ હારવાથી નિરાશા અને કેટલાક કિસ્સામાં ખોટાં પગલાં ભરાય છે. આ એપ્સની લત લાગે તો બચત, કારકિર્દી અને પરિવાર પર અસર પડે છે. આપણે રમતનો આનંદ માણીએ, પણ જવાબદારીપૂર્વક. બેટિંગને બદલે સ્વપ્નને હકીકત બનાવવા મહેનત કરીએ!”

(તેજસ રાજપરા)

ગુજરાતમાં સેમિકન્ડક્ટર વિકાસ માટે US-India રાઉન્ડટેબલ સંવાદ

યુનાઇટેડ સ્ટેટ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ગુજરાત સરકાર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના પ્રતિનિધિઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, વિચારક આગેવાનો અને અકેડેમિશિયનો માટે અમદાવાદમાં રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમનું સહઆયોજન ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ (IACC) અને જ્ઞાન ભાગીદાર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલ TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) પહેલના એક ભાગરૂપે યોજાઈ હતી, જે અમેરિકા અને ભારત વચ્ચેની ટેકનોલોજી સહયોગને આગળ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. TRUST પહેલને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ ફરીથી મજબૂત બનાવવામાં આવી હતી.

ટેકનોલોજીના કેન્દ્ર તરીકે અમદાવાદ

અમદાવાદ, જેની ઓળખ મેન્યુફેક્ચરિંગ, નવીનતા અને શિક્ષણના હબ તરીકે થાય છે, એ TRUST પહેલ માટે યોગ્ય માહોલ પૂરું પાડે છે. અહીંની ઉદ્યોગ ક્ષમતા, કટિંગ-એજ રિસર્ચ, કુશળ એન્જિનિયરો અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી યુ.એસ.-ભારત વચ્ચેના સહયોગમાં નવી દિશા મળી શકે છે. આ બેઠકમાં ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સ, પડકારો, નીતિ સંકેતો અને ટેક્નોલોજીકલ નવતરતાને કેવી રીતે વધારવી તે અંગે ચર્ચાઓ થઈ. ઉદ્યોગ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવાનો પણ આગ્રહ થયો.

મુંબઈ, નાગપુર, પુણે બાદ હવે અમદાવાદ

આ રાઉન્ડટેબલ ચર્ચા ચાર ભાગોની શ્રેણીનો અંતિમ ભાગ હતો. પહેલા ત્રણ કાર્યક્રમ મુંબઈ (15 જાન્યુઆરી), નાગપુર (28 ફેબ્રુઆરી) અને પુણે (27 માર્ચ) માં સફળતાપૂર્વક યોજાયા હતા. દરેક સ્થળે ઉદ્યોગ અને રાજ્ય સરકારના પ્રતિસાદ ખૂબ હકારાત્મક રહ્યા હતા. ચોથી બેઠક અમદાવાદમાં યોજાઈ અને તેમાં ખાસ કરીને સરકાર, એકેડેમિયા અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના વધુ ઘનિષ્ઠ સહયોગની જરૂરિયાતને રેખાંકિત કરવામાં આવી. આ શ્રેણીનો ગ્રાન્ડ ફિનાલે આવી રહેલ જૂનમાં મુંબઈમાં યોજાશે જ્યાં આગામી પગલાં અને નવી ટેક્નોલોજી વિકાસ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે.

ગુજરાત બનતું જાય છે સેમિકન્ડક્ટર હબ

મુંબઈના યુ.એસ. કાઉન્સલ જનરલ માઈક હેંકીએ જણાવ્યું કે, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક ટેક્નોલોજીનો મૂળ આધાર છે અને અમદાવાદ એ શહેર છે જ્યાં ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને નીતિનિર્માતાઓ ઘણા વર્ષોથી સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.”

તેમણે કહ્યું કે, “અમે ખૂબ ઉત્સાહિત છીએ કે અમેરિકાના ખાનગી ક્ષેત્રે પહેલાથી જ ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણ શરૂ કર્યું છે. તેના ઉદાહરણ તરીકે માઇક્રોનનું ગુજરાતમાં પ્રારંભિક રોકાણ અને લેટિસ સેમિકન્ડક્ટરનું પુણેમાં આર એન્ડ ડી ઓફિસનું ઉદઘાટન આપી શકાય.”

આ નવી પહેલો પશ્ચિમ ભારતને ટેક્નોલોજી અને રોજગારીની દૃષ્ટિએ વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ધોળેરામાં ઉભી થતી ‘સેમિકન્ડક્ટર સિટી’ ગુજરાતને આ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ હબ બનાવશે.

રાજ્યમાં પહલગામ આતંકવાદી હુમલાનો ભારે વિરોધ

અમદાવાદઃ કાશ્મીરના પ્રવાસે ગયેલા 28 પ્રવાસીઓને આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. આ માટે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસામાં વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું હતું.

આ સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યાં હતાં. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વીરપુર તાલુકાના હિન્દુ તેમ જ મુસ્લિમ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં  વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવાં પોસ્ટરો લાગ્યાં હતાં.

આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી.

Protests across Gujarat against Pahalgam terror attack

 

કુણાલ કામરાને બોમ્બે હાઈકોર્ટે રાહત આપી, ધરપકડ પર રોક, પણ તપાસ ચાલુ રહેશે

પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે, કોર્ટે કુણાલને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ ‘રાજદ્રોહી’ ટિપ્પણી સંબંધિત કેસમાં ધરપકડથી રક્ષણ આપ્યું હતું. જોકે, કોર્ટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે તેમની ‘રાજદ્રોહી’ ટિપ્પણીના સંદર્ભમાં નોંધાયેલી FIRના સંદર્ભમાં તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

શું મામલો છે?
કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પગલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ રદ કરવા અને ધરપકડ ટાળવા માટે કુણાલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કોર્ટે આ કહ્યું
કુણાલની ​​અરજી સ્વીકારતા ન્યાયાધીશ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચે કહ્યું,”અરજીની સુનાવણી બાકી હોય ત્યાં સુધી અરજદાર (કુણાલ)ની ધરપકડ કરવામાં આવશે નહીં. તપાસ ચાલુ રાખી શકાય છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે જો પોલીસે કુણાલનું નિવેદન નોંધવું હોય તો તે ચેન્નાઈમાં કરવામાં આવશે, જ્યાં તે રહે છે. આ માટે પોલીસે પહેલા કુણાલને જાણ કરવી પડશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે જો આ સમયગાળા દરમિયાન પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરે છે, તો સંબંધિત કોર્ટ તેના પર આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં. કુણાલે પોલીસ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવાની પણ સંમતિ આપી હતી. ગયા અઠવાડિયે, કોર્ટે અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખતા કુણાલને વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

કુણાલ કામરાનો પક્ષ
કુણાલ કામરા તેમના કટાક્ષપૂર્ણ રમૂજ અને સ્પષ્ટવક્તા ટિપ્પણીઓ માટે જાણીતા છે. આ કિસ્સામાં તેમણે દાવો કર્યો હતો કે તેમની ટિપ્પણીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં છે અને તેને રમૂજ તરીકે લેવી જોઈએ. જોકે કોર્ટે તપાસ રદ કરવાની તેમની માંગણીને નકારી કાઢી હતી, પરંતુ ધરપકડથી રક્ષણ આપીને તેમને તાત્કાલિક રાહત આપી હતી.