શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને થયેલા હુમલા પછી સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે. સર્ચ ઓપરેશનમાં ઉધમપુરનાં જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક જવાન શહીદ થયો હતો. હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
ડૂડુ બસંતગઢનાં ઘણાં જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ રહી છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ આ જંગલ વિસ્તારમાં ભારતીય સેનાની 9મી અને 16મી કોરની ટુકડી સરહદ પર સ્થિત છે અને કુદરતી ગુફાઓ તેમજ આતંકવાદીઓ માટે છુપાવાની જગ્યાથી ભરેલી છે. પ્રાથમિક માહિતી અનુસાર બે આતંકવાદીઓ જોવા મળ્યા હતા, જેમણે જવાનો પર ગોળીબાર કર્યો. ભારતીય સેના, પેરા અને જમ્મુ કાશ્મીર પોલીસે જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો હતો. આ પહાડી વિસ્તાર ઉધમપુરના સામાન્ય વિસ્તારમાં આવે છે.
સેનાએ શું જણાવ્યું?
ભારતીય સેના દ્વારા આ ઓપરેશનને “ઓપરેશન બિરલીગલી” નામ આપવામાં આવ્યું છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સના એક્સ હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીને આધારે આજે બસંતગઢ, ઉધમપુરમાં જમ્મુ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આતંકવાદીઓ પર ભારે ગોળીબાર શરૂ થયો. પ્રારંભિક અથડામણમાં આપણા એક વીર જવાનને ગંભીર ઇજાઓ થઈ અને શ્રેષ્ઠ તબીબી પ્રયત્નો છતાં તેનું મોત થયું છે. ઓપરેશન હજી ચાલુ છે.
#OpBirliGali
Based on specific intelligence, a joint operation with @JmuKmrPolice was launched today in #Basantgarh, #Udhampur.
Contact was established and a fierce firefight ensued.
ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ અંગેની પહેલી માહિતી સવારે નવ વાગ્યા આસપાસ આવી હતી. ત્યારબાદથી એન્કાઉન્ટર ચાલુ છે. ગોળીબાર બંધ થયા પછી જંગલની તલાશી લેવામાં આવશે ત્યારે જ આતંકવાદીઓના મૃત્યુની પુષ્ટિ થઈ શકશે. હજી સુધી આ સ્પષ્ટ થયું નથી કે કેટલાં આતંકવાદીઓ અથડામણમાં માર્યા ગયા છે કે ઘાયલ થયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી બોલિવૂડ ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો ફવાદ ખાનની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ વિરોધ વચ્ચે, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને પહેલગામ આતંકવાદી હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપીને દુઃખ વ્યક્ત કર્યું છે.
ફવાદે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી
અભિનેતા ફવાદ ખાને પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં પાકિસ્તાની અભિનેતાએ લખ્યું,”પહલગામમાં થયેલા જઘન્ય હુમલાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે અને અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો માટે શક્તિ અને ઉપચાર માટે પ્રાર્થના કરીએ છીએ.”
ફવાદની ફિલ્મ ‘અબીર ગુલાલ’નો બહિષ્કાર કરવાની માંગ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે ફવાદ ખાનની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ની ટીકા થઈ રહી છે. ‘અબીર ગુલાલ’માં ફવાદ ખાન સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાથે, ફવાદ ખાન લાંબા સમય પછી બોલિવૂડમાં વાપસી કરી રહ્યો છે.
પરંતુ હવે આ આતંકવાદી હુમલા પછી, તેમની ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. આ ફિલ્મને કારણે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ અભિનેત્રી વાણી કપૂરને પણ ટ્રોલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફવાદ ખાનની કમબેક ફિલ્મ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચ સ્તરની સતર્કતા અપનાવી છે. સરહદી વિસ્તારોમાં ચેકિંગ અને નિરીક્ષણની પ્રક્રિયા તીવ્ર બનાવવામાં આવી છે. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા આર.ઈ. પાર્ક, જ્યાં સોલાર પ્રોજેક્ટ માટે મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરે છે, તે પ્રતિબંધિત વિસ્તાર છે. અહીં પ્રવેશ માટે વિશેષ મંજૂરીની જરૂર હોય છે. ખાવડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં આવતા-જતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાવડા પોલીસ ઈન્સ્પેકટર વી.બી. પટેલના જણાવ્યા મુજબ, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરાઈ છે.
સીમા સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા વિઘાકોટ, ધર્મશાળા, ભેડીયાબેટ, હરામીનાળા, કોરીક્રીક, પીરસવાઈ, બેલા અને જખૌ જેવા મહત્વના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ ઉપરાંત, ભુજ રેલવે પ્રોટેક્શન ફોર્સના ઈન્સ્પેક્ટર મોહન ખીચીએ જણાવ્યું કે ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતના રેલવે સ્ટેશનો પર આવતી-જતી ટ્રેનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને અજાણી વસ્તુઓથી દૂર રહેવા અને આવી વસ્તુઓની જાણ પોલીસને કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ માટે માઈક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવે છે.
કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી ચેકપોસ્ટ પર 24 કલાક વાહનોની તપાસ ચાલુ છે, એમ પોલીસ ઈન્સ્પેકટર વી.કે. ગઢવીએ જણાવ્યું. સરહદી જિલ્લો હોવાથી અહીં ઘુસણખોરી અને ડ્રગ્સ જપ્ત થવાની ઘટનાઓ વારંવાર બને છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ બેદરકારી ન રહે તે માટે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સજ્જ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી પછી ગંભીરે દિલ્હી પોલીસમાં ફરરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCP ના જણાવ્યા અનુસાર ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.
ગંભીરને 22 એપ્રિલે બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઈ કિલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર, 2021માં સાંસદ તરીકેના તેમના કાર્યકાળમાં પણ આવો જ ઈમેલ મળ્યો હતો.
ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી બાબતે દિલ્હી પોલીસે કહ્યું હતું કે અમને એક ઈમેલ વિષે માહિતી મળી છે, જેમાં ગૌતમ ગંભીરને ધમકી આપવામાં આવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગંભીર પહેલેથી જ દિલ્હી પોલીસની સુરક્ષામાં છે. અમે તેમની સુરક્ષા સંબંધિત ચોક્કસ માહિતી જાહેર કરી શકતા નથી.
ગંભીરે મંગળવારે X પર પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે X પર લખ્યું હતું કે માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો 2019 ના પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક માનવામાં આવી રહ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી આ દેશના અમુક વિસ્તારોમાં ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. ભાષા કે શબ્દોનું મુખ્ય કામ છે કોમ્યુનિકેશન. આ પૃથ્વી પરના આશરે આઠ અબજ લોકોનો વ્યવહાર શબ્દોની લેવડદેવડ પર ચાલે છે, જેના ફળસ્વરૂપે દુનિયામાં લગભગ 3900 કરતાં વધુ ભાષાઓ-બોલીઓનો પ્રયોગ થાય છે. આમાંથી ભારતમાં સૌથી વધુ, 900 જેટલી ભાષાઓ-બોલીઓ વ્યવહારમાં છે.
બોલાતો શબ્દ માનવજીવનમાં સફળતાની ઈમારત ઊભી કરી શકે અને સુંદર ઈમારતને કડડભૂસ પણ કરી શકે. મહાભારતના યુદ્ધમાં રાજા શલ્ય દુર્યોધનની સરભરાથી વચનબદ્ધ થઈને કૌરવપક્ષે મજબૂરીથી જોડાયેલા, પરંતુ કૌરવપક્ષે રહીને તેમણે પોતાના ભાણેજ પાંડવોનું કામ કરવા માટે શબ્દોનો જ આશ્રય લીધો હતો. કર્ણના સારથિ તરીકેની ભૂમિકા ભજવતા તેમણે કર્ણના કાને મોળા શબ્દો નાખવાના શરૂ કર્યા. તેઓ કર્ણને નિરાશ કરવાની એક પણ તક છોડતા નહીં. તેઓ કર્ણને કહેતા કે, ‘તું ખાલી બોલી બોલીને મનમાં રાજી થજે કે, ‘હું અર્જુનને જીતીશ.’ બાકી અવિચળ મેરુ સમા અર્જુનને વાસ્તવિક યુદ્ધમાં જીતવો કઠણ છે.’ આમ, શક્તિશાળી કર્ણના કાને મોળા શબ્દો પડતાં તેનું માનસ નબળું પડતું ગયું.
તો આ તરફ અર્જુનની દશા કેવી હતી? યુદ્ધના પ્રારંભે સંબંધીઓને જોઈને તે હેતરૂપી માયાથી હણાઈ ગયો અને ન લડવાના નિર્ણય પર આવી રથના પાછલા ભાગમાં બેસી ગયો. આવા સમયે તેને ઊભો કરવા, તેના રોમ રોમમાં યુદ્ધ લડવાની ઊર્જા ભરવા ભગવાન શ્રીકૃષ્ણે શબ્દોની શક્તિનો જ ઉપયોગ કર્યો. શબ્દોના માધ્યમથી અર્જુનને આધ્યાત્મિક સત્યને જોવાની દૃષ્ટિ આપી, જેનાથી તેઓ રણમેદાનના યુદ્ધમાં જ નહીં, પરંતુ જીવનસંગ્રામના વિજય સુધી દોરી ગયા. આ શબ્દો શ્રીમદ્ ભગવદ્ગીતામાં ગ્રંથસ્થ થયા છે, આ શબ્દો આજે પણ અનેક ભાંગી પડેલા માનવોને ઊભા કરે છે.
ખરેખર, શબ્દો વિશ્વનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલી શકે છે. બીજા વિશ્વયુદ્ધના સૂત્રધાર એડોલ્ફ હિટલરે આશરે 60 લાખ યહૂદીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો. તેણે લખેલા ‘માય કામ્ફ’ અર્થાત્ ‘મારો સંઘર્ષ’ પુસ્તકની અસર વિશે એક સર્વેક્ષણ પ્રકાશિત થયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, આ પુસ્તકના પ્રત્યેક અક્ષરે સવાસો માણસોએ જાન ખોયા છે. પ્રત્યેક પાને 4700 માણસોએ અને પ્રત્યેક પ્રકરણે 1,20,000 માણસો પોતાની મંજિલે પહોંચ્યા છે. આ પુસ્તકની સમગ્ર જર્મની ઉપર એટલી ઘેરી અસર હતી કે 60 લાખ યહૂદીઓની કતલ કર્યા પછી પણ તેમને તેનો લેશ પણ પસ્તાવો નહોતો થતો. આટલા મોટા નરસંહારનું બીજ ક્યારે રોપાયું હતું તે જાણો છો? હિટલર સ્કૂલમાં હતો ત્યારે તેમના ઈતિહાસના શિક્ષક ડો. લિયોપોલ્ડ સતત એવા શબ્દો ઉચ્ચારતા કે ‘જર્મનોના વિકાસમાં યહૂદીઓ અવરોધરૂપ છે. એ લોકો આપણી સાથે રહેશે તો આપણી પ્રજામાં ખરાબ સંસ્કારો આવશે અને આપણી સંસ્કૃતિ નાશ પામશે.’
આ વાત હિટલરે પકડી લીધી અને વિશ્વના ઈતિહાસનો સૌથી મોટો નરસંહારક બની ગયો. જેવી રીતે નકારાત્મક શબ્દો પોતાની અસર બતાવે છે, એવી જ રીતે સારા શબ્દો પણ પોતાની અસર બતાવ્યા વગર રહેતા નથી.
લંડનના એક યુવકે પોતાના એક મિત્રની અનુભવેલી વાત કરતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે, ‘યુનિવર્સિટીમાં ભણવાનું થયું તે પૂર્વે મારો મિત્ર સત્સંગી હતો. પશ્ચિમી પવનની અસરથી ભારતીય હિન્દુત્વના સંસ્કારોમાંથી વિચલિત ન થવું તેવો નિશ્ચય કરેલો, પરંતુ યુનિવર્સિટીમાં કુસંગ થયો અને સત્સંગનો યોગ ઘટ્યો. પરિણામે પરીક્ષામાં નાપાસ થયો. તેથી તે હતાશ અને નિરાશ થઈ ગયો, તે સમયે પ્રમુખસ્વામી મહારાજના બળપ્રેરક શબ્દો સાંભળવામાં આવ્યા, જે તેનું જીવનપરિવર્તન કરવા પૂરતા બની રહ્યા. તેણે સન્માર્ગે ચાલવાનો નિશ્ચય કર્યો અને આજે તે પી.એચ.ડી.ના અભ્યાસ સુધી પહોંચી ગયો છે. મહાપુરુષોના સીધા સાદા શબ્દોમાં પણ જીવનનું સમૂળું રૂપાંતર કરી દે એવું સત્ત્વ સમાયેલું હોય છે.
શબ્દોમાં માણસને બેઠો કરવાની અને બેસાડી દેવાની ક્ષમતા હોય તો આપણે જે શબ્દોનો વ્યવહાર કરીએ છીએ એમાં કેટલી સાવધાની રાખવી જોઈએ? સંભવ છે કે આપણા બે શબ્દો ક્યારેક કોઈ માટે જીવાદોરી બની રહે અને ઉતાવળમાં કરી દીધેલા શબ્દોના ઘાવ કોઈના માટે જીવનપર્યંત ઘાતક બની રહે.
શબ્દો ક્યારેક કોઈને ઉગારવાની તક બની રહે છે, તો ક્યારેક તકેદારીના અભાવે કોઈને ડુબાડી દેવામાં પણ નિમિત્ત બની રહે છે.
તો ચાલો, તક અને તકેદારીની આ રમતમાં જાગૃતિ રાખી આપણા અને અન્યના જીવનને ઉન્નત કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
જંગલ સફારીમાં જઈએ તો દરેક પાર્કમાં અમુક જગ્યાઓ ખાસ નામ સાથે ઓળખાતી હોય છે. ગાઈડ-ડ્રાઈવર ચોક્કસ આવી જગ્યાની વાતો કરે. સાસણ ગીર જઈએ તો રાયડી, બિલીવાડી કુંડી, રતન ઘુના, ખુંતણી, રણથંબોર જઈએ તો જોગી મહેલ, પદમતળાવ, મલીક તળાવ અને દુધ બાવડી, અને કોરબેટ ઢીકાલા જઈએ તો મોટા સાલ, ઠંડી સડક, પાર, સાબર રોડ અને જલે પેડ જેવા નામ સાંભળવા મળે.
2-3 વર્ષે કોરબેટ ઢીકાલા સફારી માટે જઈએ એટલે દર વખતે સફારી સવારની હોય કે સાંજની જલે પેડ આસાપાસનો વિસ્તાર ફરવાનો જ. જ્યારે જઈએ ત્યારે કોઈવાર હાથી મળે તો કોઈવાર ચિતલનું મોટું ઝૂંડ જોવા મળે. કેટલાક પ્રવાસીઓને તો અહીં વાઘ પણ જોવા મળેલ છે.
સતત એવો સવાલ મનમાં થાય કે જંગલમાં આવા સ્થાનોના અટપટા નામ કોણે પાડયા હશે? જંગલમાં જ્યાં શહેરની જેમ ખાસ કોઈ નક્શા કે લેન્ડમાર્ક નથી ત્યાં વન કર્મચારીઓ દ્વારા કેવા સરસ સ્થાન અને દિશા સુચક નામ આપવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, NSA અજિત ડોભાલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ હાજર હતા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ બેઠક બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી હતી. અટારી ચેકપોસ્ટ બંધ હતી.
In the wake of the terrorist attack in Pahalgam, chaired a meeting of the CCS at 7, Lok Kalyan Marg. pic.twitter.com/bZj5gggp5l
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિને પહેલગામ આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ અટારી ખાતેની સંકલિત ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Statement by Foreign Secretary on the decision of the Cabinet Committee on Security (CCS):
વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારતમાં તમામ પાકિસ્તાની લશ્કરી જોડાણોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાનથી તેના લશ્કરી એટેચીને પાછા બોલાવશે. આ સાથે તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે.
જાણો કયા નિર્ણયો લેવામાં આવ્યા
1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.
ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે, જેમણે માન્ય મંજૂરી સાથે સરહદ પાર કરી છે તેઓ 1 મે 2025 પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.
પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝેમ્પ્શન સ્કીમ (SVES) વિઝા હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SVES વિઝા રદ ગણવામાં આવશે. SVES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચશે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાના પ્રવાસથી મધ્યમાં પાછા ફર્યા હતા. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે સાંજે સુરક્ષા પગલાંનું નેતૃત્વ કરવા શ્રીનગર પહોંચ્યા હતા અને બુધવારે શ્રીનગરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી પાછા ફર્યા અને CCS બેઠકમાં ભાગ લીધો.