મુંબઈ: તાજેતરનાં સમયમાં હ્રદય રોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે. યુવા વર્ગમાં પણ આમાંથી બાકાત નથી. કોઈપણ સ્થળે, કોઈપણ સમયે હાર્ટ અટેક આવવાના કેસો ચિંતાજનક છે. હ્રદય રોગના હુમલામાં કાં તો વ્યકિતનું તરત અવસાન થઈ જાય છે અથવા તેની તાત્કાલિક ગંભીર સારવારની નોબત આવે છે. આ સારવાર પણ ખર્ચાળ હોય છે. ત્યારે કાંદિવલીની જાણીતી સામાજીક સંસ્થા એઈડસ કોમ્બેટ ઈન્ટરનેશનલ (એસીઆઈ), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા હાર્ટ અટેક- કાર્ડિયાક સમસ્યા અંગે સંયુકત સ્વરૂપે એક પ્રિવેન્ટિવ મેડિકલ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ સુશાંત યાદવ અને ડૉ મિનલ શેઠ
કાંદિવલીની જાણીતી સામાજીક સંસ્થા એઈડસ કોમ્બેટ ઈન્ટરનેશનલ (એસીઆઈ), મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને પથદર્શક ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા આગામી રવિવાર એટલે કે 27 એપ્રિલના રોજ હાર્ટ અટેક- કાર્ડિયાક સમસ્યા અંગે સંયુકત સ્વરૂપે એક પ્રિવેન્ટિવ મેડિકલ માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનારના આયોજન માટે કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) નો પણ ખાસ સહયોગ પ્રાપ્ત થયો છે. આ સેમિનારનું લક્ષ્ય લોકોમાં હાર્ટ-હ્દય સંબંધિત પ્રવર્તતી સમસ્યા, અટેક આવતા પહેલાંના સંકેતો, રોજબરોજના જીવનમાં હ્રદયની કાળજી લેવા માટે અને તેને સમજવા માટે શું ધ્યાન રાખવું, આ રોગ કે આક્રમણથી બચવા કેવા અગમચેતીના પગલાં ભરવા એ વિશે નિષ્ણાંત ડોકટર્સ દ્રારા ચર્ચા અને સંવાદ થશે.
સેમિનાર યોજવા પાછળ સંસ્થાઓનો ઉદેશ વિવિધ ગંભીર બિમારીઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી લોકો રોગનો ભોગ બનતા પહેલાં જ સાવચેત બની યોગ્ય પગલાં લઈ શકે અથવા રોગને ઉગતા ડામી શકે. આમ કરવાથી જ પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર સાથઁક થઈ શકે. સેમિનારમાં બે જાણીતા નિષ્ણાંત-અનુભવી ડોકટર અને રેડિઓલોજિસ્ટ ડો. મિનલ સેઠ અને કાડિઁઓલોજિસ્ટ ડૉ. સુશાંત યાદવ માહિતી અને માર્ગદર્શન આપશે. સેમિનારના અંતે 30 થી 45 મિનિટ પ્રશ્નોતરીનું સત્ર રહેશે. જેમાં લોકો પોતાના સવાલો -મુંઝવણો રજૂ કરી શકશે. સેમિનારનું સંચાલન ડો.ગીરિશ ત્રિવેદી કરશે. સેમિનારમાં ભાગ લેવા જાહેર જનતાને આમંત્રણ છે, આ માટે કોઈ ફી કે ચાર્જ નથી.
અમદાવાદઃ વૈશ્વિક બજારોથી પોઝિટિવ સંકેતોને પગલે ઘરેલુ શેરબજારોમાં સતત સાતમાં ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ ફરી એક વાર 80,000ને પાર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 24,300ને પાર બંધ થયો હતો. HCL ટેકની આગેવાનીમાં IT ઇન્ડેક્સમાં આશરે ચાર ટકાની તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર ઓછું થવાના સંકેતોથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા છે. તેમણે ફેડરણ રિઝર્વના ચીફને નહીં હટાવવાની વાત કહી છએ. એનાથી અમેરિકી અને યુરોપિયન બજારોમાં પણ તેજી થઈ હતી. સ્થાનિક બજારોમાં સેન્સેક્સ 521 પોઇન્ટ ઊછળી 80,116ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 162 પોઇન્ટ ઊછળી 24,329એ પહોંચ્યો હતો.નિફ્ટી બેન્ક 277 પોઇન્ટ ઘટીને 55,370 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 644 પોઇન્ટ ઊછળી 55,041એ બંધ થયો હતો.
વિદેશી રોકાણકારો (FIIs)એ પસંદગીના શેરોની લેવાલી કાઢી હતી. FII છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશનમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 1290 કરોડના શેર ખરીદ્યા હતા.
BSE પર કુલ 4106 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 20896 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1866 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 151 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 81 શેરોએ નવી 25 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 320 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 167 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
વડોદરા: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરણ વેલીમાં થયેલા ભયંકર આતંકી હુમલામાં 28 લોકોના મોત થયા, જેમાં ગુજરાતના ભાવનગર અને સુરતના પ્રવાસીઓનો પણ સમાવેશ છે. આ ઘટનાએ વડોદરાના પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્ટોમાં ભયનો માહોલ સર્જ્યો છે, જેના પગલે કાશ્મીરની ટૂરના બુકિંગ મોટા પાયે રદ થઈ રહ્યા છે. વડોદરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ શાહના જણાવ્યા અનુસાર, ઉનાળાના વેકેશન માટે કાશ્મીરની ટૂર માટે ભારે ઉત્સાહ હતો, અને જૂનના પહેલા સપ્તાહ સુધી મોટાભાગની હોટલો ફુલ હતી. જોકે, હુમલા બાદ 15 મે સુધીના 80 ટકા કાશ્મીર પેકેજ રદ થયા છે.
આ હુમલાની અસર વડોદરાના પ્રવાસીઓ પર પણ પડી છે, જેઓ હાલ કાશ્મીરમાં છે અને તાત્કાલિક ઘરે પરત ફરવા માંગે છે. સ્થાનિક એજન્ટો તેમને મદદ કરી રહ્યા છે, અને વડોદરા એસોસિએશને સ્થાનિક એજન્ટોના સંપર્ક નંબરો જાહેર કર્યા છે. એરલાઇન્સ જેમ કે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 30 એપ્રિલ સુધી શ્રીનગરની ટિકિટો રદ કરનારાઓને સંપૂર્ણ રિફંડની જાહેરાત કરી છે. આ ઉપરાંત, વડોદરાના ટ્રાવેલ એજન્ટો પણ બુકિંગ રદ કરનારાઓને રિફંડ આપી રહ્યા છે.
મનીષભાઈ શાહે જણાવ્યું કે, એસોસિએશને તેમના સભ્યોને આ સિઝનની તમામ કાશ્મીર ટૂર રદ કરવાની સલાહ આપી છે. આગામી અમરનાથ યાત્રા પર પણ આ હુમલાની અસર પડે તેવી શક્યતા છે, કારણ કે લોકો સુરક્ષાને લઈ ચિંતિત છે. ઘણા પ્રવાસીઓ હવે કાશ્મીરને બદલે મનાલી, નૈનીતાલ અને શિમલા જેવા વિકલ્પો અંગે પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટનાએ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે, જે 2024માં 35 લાખ પ્રવાસીઓ સાથે ઉછાળો અનુભવી રહ્યો હતો. ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, ખાસ કરીને અંબાજી, દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ. વડોદરાના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધારાયું છે. નાગરિકોને શંકાસ્પદ ગતિવિધિઓની જાણ પોલીસને કરવા અપીલ કરાઈ છે.
મંગળવાર, 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરણ વેલીમાં થયેલા ભયંકર આતંકી હુમલામાં 28 નાગરિકોના મોત થયા, જેમાં 24 ભારતીય પ્રવાસીઓ, બે સ્થાનિક અને નેપાળ તથા UAEના બે વિદેશી નાગરિકોનો સમાવેશ છે. આ હુમલામાં ગુજરાતના ભાવનગરના યતીશભાઈ પરમાર, તેમના પુત્ર સ્મિત અને સુરતના શૈલેષભાઈ કળથીયાનું મોત થયું, જ્યારે ભાવનગરના વિનુભાઈ ડાભી ઘાયલ થયા. આ ઘટનાએ દેશભરમાં આઘાત ફેલાવ્યો, અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર થયું.
હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી, પરંતુ સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે તે લશ્કર-એ-તોયબા (LeT)નું પેટાજૂથ છે, જે પાકિસ્તાનની ISIના ઈશારે કામ કરે છે. સૂત્રોની જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 56 વિદેશી આતંકીઓ સક્રિય છે, જેમાં 35 LeT, 18 જૈશ-એ-મોહમ્મદ અને 3 હિઝબુલ મુજાહિદ્દીનના છે. આ ઉપરાંત, 17 સ્થાનિક આતંકીઓ પણ શાંતિ ખોરવે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસ શરૂ કરી છે. હુમલાખોરો પાકિસ્તાનથી ઘૂસ્યા હોવાનું મનાય છે, અને તેમણે હિન્દુ પ્રવાસીઓને ખાસ નિશાન બનાવ્યા.
ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ મંદિરોમાં એ morningnews.com.au પોલીસ ટુકડીઓ અને સ્નાઇપર્સ તહેનાત છે. રેલવે સ્ટેશનો, એરપોર્ટ્સ અને બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ વધ્યું. બનાસકાંઠા SP અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે, અંબાજીમાં શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ થશે.
આ હુમલાએ કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો આપ્યો. 2024માં 35 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ હવે બુકિંગ રદ થઈ રહ્યાં છે, હોટલો ખાલી થઈ. સ્થાનિકોની આજીવિકા ટુરિઝમ પર નિર્ભર હોવાથી આર્થિક સંકટ વધ્યું. પાકિસ્તાનનો હેતુ કાશ્મીરને ભારતથી અલગ કરવાનો હોવાનું નિષ્ણાતો માને છે. વડાપ્રધાન મોદીએ નિંદા કરી, આતંકીઓને સજાની ચેતવણી આપી. ગુજરાત સરકારે પીડિતોની સહાય માટે વ્યવસ્થા કરી.
છેલ્લાં પચાસ વર્ષોથી પણ વધુ સમયથી સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રસાર માટેના નોંધપાત્ર યોગદાન માટે મૂકેશ પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્રારા રેડક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
હાલ અમદાવાદ રેડક્રોસના ચેરમેન એમેરિટસ મૂકેશ પટેલે, સંસ્થાના પૂર્વ પ્રમુખ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપીને, અમદાવાદ રેડક્રોસને વિશ્વના એક શ્રેષ્ઠ બ્લડ સેન્ટરનું બહુમાન અપાવવા માટે સાતત્યપૂર્ણ કામગીરી કરી છે. જે બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રારા રેડક્રોસ ગોલ્ડ મેડલ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. આ સન્માન તેમના 1972થી આજ દિન સુધીના પાંચ દાયકા કરતાં પણ વધુ સમયના નિષ્ઠાપૂર્વકના સેવાકાર્ય, સ્વૈચ્છિક રક્તદાન અને થેલેસેમિયા કૅપ મિશન અર્થાત્ થેલેસેમિયા અંગે કાળજી, જાગૃતિ અને નિવારણના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે આપવામાં આવી રહ્યું છે.
મૂકેશ પટેલે સ્વયં એકસો એકાવન (151) વખત રક્તદાન કરીને સૌને રક્તદાન માટે પ્રેરણા આપવામાં આગેવાની કરી છે. તેઓ અમદાવાદ રેડક્રોસ સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબના સ્થાપક અધ્યક્ષ છે. આજે આ ક્લબમાં 138 શતકવીર રક્તદાતાઓ (100 વખતથી વધુ રક્તદાન કરનાર) છે. જે એક અનોખો વૈશ્વિક રેકોર્ડ છે. દુનિયાના કોઈપણ એક જ શહેરમાં અમદાવાદથી વધુ સંખ્યામાં શતકવીર રક્તદાતાઓ નથી.
હાલમાં ભારતના સૌથી મોટા અને અતિ આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ બ્લડ સેન્ટર તરીકે કાર્યરત અમદાવાદ રેડક્રોસ શતાબ્દી ભવનની સ્થાપનામાં મૂકેશ પટેલનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. દાયકાઓથી આ સેન્ટર બ્લડ કલેક્શન અને સ્ટોરેજ માટેના આગવા પ્રયાસોમાં અગ્રેસર રહ્યું છે. રાષ્ટ્રપતિના ગોલ્ડ મેડલથી સન્માનિત થનાર અમદાવાદના પ્રથમ વ્યક્તિ તરીકે મૂકેશ પટેલની પસંદગીથી અમદાવાદ રેડક્રોસ અતિ ગૌરવની લાગણી અનુભવે છે.
દર વર્ષે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય કાર્યાલય દ્રારા આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ દ્રારા બે રેડક્રોસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. આ વર્ષનો સન્માન સમારંભ 13 મે, 2025ના દિવસે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે જેમાં રાષ્ટ્રપતિ મૂકેશ પટેલને રેડક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.
ભારતીય રમત જગતે પણ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તે જ સમયે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ પાકિસ્તાન સાથે રમતગમત સંબંધોને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની માંગ કરી છે. મંગળવારે થયેલા આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત 26 લોકો માર્યા ગયા હતા. 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું બૈસરન, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના ફ્રન્ટ સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.
સચિન-કોહલીએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી
ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ પણ આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. સચિને લખ્યું, પીડિત પરિવારો અકલ્પનીય પીડામાંથી પસાર થઈ રહ્યા હશે. આ મુશ્કેલ સમયમાં ભારત અને દુનિયાભરના લોકો તેમની સાથે છે. આ હુમલામાં જીવ ગુમાવનારાઓને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ન્યાય માટે પ્રાર્થના કરીએ છીએ.
IPL 2025 માં ભાગ લઈ રહેલા અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. આ કાયરતાપૂર્ણ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે હું પ્રાર્થના કરું છું અને પ્રાર્થના કરું છું કે તેમને આ ખોટ સહન કરવાની શક્તિ મળે.
શ્રીવત્સ ગોસ્વામીએ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદાહરણ આપ્યું
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રમત સંબંધોનો અંત લાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે એટલા માટે હું કહું છું કે તમારે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ, ગોસ્વામીએ લખ્યું. હમણાં જ નહીં, પણ ક્યારેય નહીં. જ્યારે BCCI કે સરકારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે રમતગમતને રાજકારણથી ઉપર રાખવી જોઈએ. એવું લાગે છે કે નિર્દોષ ભારતીયોની હત્યા કરવી એ પાકિસ્તાનનો રાષ્ટ્રીય રમત બની ગયો છે અને ભારતે બેટ અને બોલથી નહીં પણ શૂન્ય સહિષ્ણુતાથી જવાબ આપવો જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નથી
એ નોંધવું જોઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી 2012-13 થી બંધ છે. બીસીસીઆઈએ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો અને ભારતીય ટીમે દુબઈમાં ફાઇનલ સહિત તેની બધી મેચો રમી હતી. ગોસ્વામી તાજેતરમાં પહેલગામની મુલાકાતે આવ્યા હતા. ગોસ્વામીએ કહ્યું કે તેમને લાગ્યું કે ખીણમાં આશા અને શાંતિ પાછી આવી રહી છે. ત્યાં ફરી રક્તપાત થયો. તે તમારી અંદર કંઈક તોડી નાખે છે. તે તમને પ્રશ્ન કરવા મજબૂર કરે છે કે આપણા લોકો મરી રહ્યા છે ત્યારે આપણે કેટલી વાર ચૂપ રહેવાનું, સાથે રમવાની અપેક્ષા રાખીશું. હવે નહીં. આ વખતે બિલકુલ નહીં.
વિજેન્દ્રસિંહે કડક કાર્યવાહીની માંગ કરી હતી
ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દ્ર સિંહે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આપણા બહાદુર સૈનિકો આવનારા સમયમાં આ કાયરતાપૂર્ણ હુમલાનો ચોક્કસ જવાબ આપશે. ભારત માતાના બહાદુર સપૂતોની હાજરીમાં, જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવા માંગતા લોકોના ઈરાદા ક્યારેય સફળ થશે નહીં.
નવી દિલ્હીઃ સોનાના જૂના દાગીના વેચવા માટે મોટા ભાગના લોકો જ્વેલર્સ પાસે જાય છે, પણ જ્વેલર્સ પોતાની મરજી પ્રમાણે જૂના સોનામાં કપાત કરીને પૈસા આપે છે. માહિતી અભાવે ગ્રાહકો યોગ્ય વળતર માગી શકતા નથી. આવી સમસ્યા દૂર કરવા ચીને શાંઘાઈમાં ગોલ્ડ ATM સ્થાપિત કર્યું છે.
આ ATMમાં સોનાના દાગીના સરળતાથી વેચી શકાય છે. સોનું વેચ્યા પછી લગભગ 30 મિનિટમાં સીધા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. આ ATMની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પ્રકારની ઠગાઈની શક્યતા નથી. ચાલો, જાણીએ કે આ મશીન કેવી રીતે કાર્ય કરે છે.
Gold ATMની વિશેષતાઓ
ATM શું સ્વીકારે છે
સોનાના દાગીના, સિક્કા કે બિસ્કિટ
ઓછામાં ઓછું વજન: ત્રણ ગ્રામ
ઓછામાં ઓછી શુદ્ધતા: 50 ટકા
તપાસ પ્રક્રિયા:
મશીન સોનાને લગભગ 1200°C સુધી ગરમ કરીને પિગાળે છે
અદ્યતન સેન્સર ટેક્નોલોજીથી શુદ્ધતા અને વજનની તપાસ કરે છે
મૂલ્ય નિર્ધારણ:
શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જના તાજા દરના આધારે
પ્રોસેસિંગ ફી કપાઈને બાકી રકમ ચૂકવાય છે
ચૂકવણી પદ્ધતિ:
સીધી બેંક ટ્રાન્સફર, કોઈ પણ ઓળખપત્ર અથવા દસ્તાવેજની જરૂર નથી
સમય:
સમગ્ર પ્રક્રિયા ફક્ત 30 મિનિટમાં પૂર્ણ થાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર શેનઝેન સ્થિત કિંગહૂડ ગ્રુપ દ્વારા આ Gold-to-Cash મશીન તૈયાર કરવામાં આવ્યું છે, જેને હાલ શાંઘાઈમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનની કાર્ય પદ્ધતિ અત્યંત સરળ અને ટેક્નોલોજીથી સજ્જ છે. યુઝર્સને તેમના સોનાના દાગીના, સિક્કા કે બિસ્કિટ મશીનમાં મૂકવા પડશે. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું કે સોનાનું વજન ત્રણ ગ્રામથી વધુ અને શુદ્ધતા 50 ટકાથી ઉપર હોવી જોઈએ.
સૌથી ખાસ વાત એ છે કે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને માત્ર 30 મિનિટમાં પૂરી થાય છે.
આ વર્ષે ભારત પ્રજાસત્તાક દેશ બન્યાનો અમૃત મહોત્સવ ઊજવે છે. એ જ વર્ષે એટલે કે ૧૯૫૦ની ૧૭ સપ્ટેમ્બરે ભારતે એક દેશ તરીકે ઈઝરાયલને સત્તાવાર માન્યતા આપી હતી. આનો અર્થ એ કે ભારતે ઈઝરાયલનો સ્વીકાર કર્યાનાં ૭૫ વર્ષ પણ થોડા મહિનામાં પૂર્ણ થશે. યોગાનુયોગ, ૧૭ સપ્ટેમ્બર એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે!
ભારતે ભલે ૧૯૫૦માં ઈઝરાયલને માન્યતા આપી, પરંતુ આપણા બન્ને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો તો છેક ૧૯૯૨માં સ્થાપિત થયા હતા. મને યાદ છે, તેત્રીસ વર્ષ પહેલાં એટલે જૂન, ૧૯૯૨માં યુવા રાજદ્વારી તરીકે હું દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતર્યો હતો. અમારું મિશન હતું, નવી દિલ્હીમાં અમારો દૂતાવાસ સ્થાપવાનું. એના થોડા જ દિવસ પછી મારે અમારા કૉન્સ્યુલેટની મુલાકાત માટે મુંબઈ જવાનું પણ થયું હતું.
મારા માટે ભારત આવવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. આનું કારણ એ કે બાળપણમાં મારા પર ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનો બહુ પ્રભાવ હતો. ખાસ તો મહાત્મા ગાંધી. પ્રાચીન સભ્યતા અને યુવા લોકશાહી રાષ્ટ્ર તરીકે ઈઝરાયલ અને ભારત વચ્ચે સમાનતા પણ અનેક. ભાગલાનો પીડાદાયક અનુભવ તથા બન્ને દેશની પ્રજાને અન્ન, પાણી અને આજીવિકાની સમાન તક પૂરી પાડવાનો પડકાર પણ લગભગ એકસરખો. ત્યારથી માંડી અત્યાર સુધી આપણા દ્વિપક્ષી સંબંધો સમાંતર પાટાની જેમ આગળ વધ્યા છે અને હવે તો ખૂબ વ્યાપક બન્યા છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, વિજ્ઞાનીઓ અને સરકારી તથા બિનસરકારી સંસ્થા એવા કેટલાય સ્તરે આ સંબંધ પહોંચ્યા છે. નિતનવી ટેક્ધોલૉજી અને સંરક્ષણ ક્ષેત્રે સહકારનો તો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. ભારત-ઈઝરાયલ કૃષિ પ્રોજેક્ટ એ વિશ્ર્વનો અમારો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિકાસ સહયોગ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઈઝરાયલે ભારતમાં ૩૦ કેન્દ્રો (સેન્ટર ઑફ એક્સેલન્સ) ઊભાં કર્યાં છે, જે હજારો ભારતીય ખેડૂતોને ઈઝરાયલના કૃષિઅનુભવના આધારે કંઈ નવું શીખવા માટે મંચ પૂરો પાડે છે. ઈઝરાયલની રાજનીતિમાં પાણીવ્યવસ્થાપન મોખરાનું સ્થાન ધરાવે છે. અમારી સરકારે નવી દિલ્હીસ્થિત દૂતાવાસમાં વૉટર એટેચીનું એક નવું પદ બનાવ્યું છે એ જ એનું સૌથી મોટું ઉદાહરણ છે. બુંદેલખંડ હોય, મરાઠવાડા હોય કે મુંબઈ મહાપાલિકા હોય, ઈઝરાયલ એક મંત્રને સાર્થક કરવા માટે ઉત્સુક છે કે દરેક ટીપાં પર વધુ પાક (More Crop Per Drop) અને પાણીનાં દરેક ટીપાંનો પુન: ઉપયોગ અર્થાત્ પાણીનો શૂન્ય વ્યય. ભારતીય કૃષિક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે ઈઝરાયલમાં કોઈ પણ વ્યક્તિ કૃષિપ્રધાનના હોદ્દે હોય, એ ભારતની મુલાકાતે અચૂક આવે. ખેતી અને જળવ્યવસ્થાપન (વૉટર મૅનેજમેન્ટ)ની જેમ ઈઝરાયલ સાઈબર સુરક્ષાના ક્ષેત્રમાં પણ વિશ્ર્વ નેતા તરીકે ઊભરી આવ્યું છે.
નરેન્દ્ર મોદી અને ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની મૈત્રીએ આ સંબંધને નોખી ઊંચાઈએ પહોંચાડ્યો છે
ડિજિટલ ક્રાંતિનો અનુભવ કરી રહેલું અને પ્રતિભાનું કેન્દ્ર બનેલું ભારત અત્યારે ઈઝરાયલ માટે એક આદર્શ ભાગીદાર છે. આંતરિક સુરક્ષા, તબીબી ઉપકરણો, એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), રોબોટિક્સ, મટીરિયલ સાયન્સ, ક્લીન ઍન્ડ ગ્રીન ટેક્ધોલૉજી અને ફિન્ટેક એવાં કેટલાંક ક્ષેત્રો છે, જેમાં મને આપણા બે દેશ વચ્ચે દ્વિપક્ષી સહયોગ માટે મોટી તક દેખાય છે. બે દેશના કુશાગ્ર અને બુદ્ધિશાળી લોકો મળે ત્યારે સફળતા મળવી સ્વાભાવિક છે. ઉચ્ચ શિક્ષણ માટે ઈઝરાયલ આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો ટોચ પર હોય છે. ઈઝરાયલી યુનિવર્સિટીઓ અને કંપનીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા આતુર રહે છે.
આઠેક વર્ષ પહેલાં ઈઝરાયલી કૅબિનેટે ઔદ્યોગિક સંશોધન અને વિકાસ, ટેક્ધોલૉજી નવીનતા, વગેરે ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ માટે ૫૦૦ કરોડ રૂપિયાના વિશેષ ભંડોળને મંજૂરી આપી હતી. એ ભંડોળમાંથી સાઈબર સુરક્ષા, સ્ટાર્ટ-અપ્સ, અન્ય નવતર પ્રયોગો, વગેરે પર કામ થાય છે અને વિવિધ અહેવાલો, પ્રોજેક્ટ્સ, વગેરેનું સંકલન કરવામાં બન્ને દેશોના ઉદ્યોગ સાહસિકોને મદદ મળે છે. આનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં ખાનગી સંસ્થાઓની ભાગીદારીને સરળ બનાવવાનો પણ છે. ઈન્ડિયા ઈઝરાયલ સીઈઓ ફોરમ પણ ઔદ્યોગિક સંશોધન અને વિકાસની દિશામાં કામ કરે છે. ભારત ૩૮૫ અબજ ડૉલરના કુલ મૂલ્યાંકન સાથેના ૧૧૮ યુનિકૉર્નનું ઘર છે. ઈઝરાયલમાં ૯૦થી વધુ ટેક યુનિકૉર્ન છે, જેનું સંયુક્ત મૂલ્યાંકન ૨૩૩.૭ અબજ ડૉલરથી વધુ છે. અમેરિકામાં યુનિકૉર્નના સ્થાપકોમાંથી ૯૦ ભારતીય મૂળના છે, જ્યારે બાવન ઈઝરાયલમાં જન્મેલા છે. સિલિકોન વૅલીમાં હિબ્રૂ અને હિંદી એક પ્રકારની માતૃભાષા બની ગઈ છે.
ભારત સાથેનો સંબંધ કૃષિ ક્ષેત્રે વિશ્ર્વના સૌથી મોટા સહયોગ પ્રોજેક્ટ સુધી પહોંચ્યો છે
ભારત-ઈઝરાયલી દ્વિપક્ષી વેપાર ૧૯૯૨માં ૨૦ કરોડ ડૉલરથી ઝડપથી વધીને અત્યારે ૧૦.૭૭ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે. ઈઝરાયલ અત્યારે એશિયામાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બન્ને દેશ વચ્ચેના આપસી વ્યાપારમાં ભારત પરંપરાગત રીતે ઈઝરાયલ સાથે નોંધપાત્ર સરપ્લસ ધરાવે છે. એટલે કે ઈઝરાયલમાં ભારતની નિકાસ એની આયાત કરતાં વધુ છે. હવે બન્ને રાષ્ટ્રો વચ્ચે સંભવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોને વેગ આપવાનો નિર્ણય આ વર્ષે માર્ચમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આપસી સહકાર અને એકમેકની સાથે ઊભા રહેવાની વાત આવે તો એ ઉલ્લેખ કરવો રહ્યો કે ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯નાં યુદ્ધોમાં ભારતને ઈઝરાયલ દ્વારા મહત્ત્વપૂર્ણ સહાય આપવામાં આવી હતી, તો કચ્છમાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી ઈઝરાયલ દ્વારા ફીલ્ડ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી હતી.
ગુજરાત સાથે ઈઝરાયલનો વિશેષ નાતો રહ્યો છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી તત્કાલીન કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવાર સાથે ઍગ્રિટેક કૉન્ફરન્સ માટે ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. ૨૦૧૭માં ઈઝરાયલની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા. પછીના વર્ષે, ૨૦૧૮માં પ્રધાન મંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતના લોકોએ એમનું જે ભવ્ય સ્વાગત કર્યું હતું એ ઈઝરાયલના નાગરિકોને હજી પણ યાદ છે. એ જ વર્ષે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. ઈઝરાયલની સૌથી પ્રખ્યાત ટપક સિંચાઈ (ડ્રીપ ઈરિગેશન) કંપનીમાંની એક, નેટાફિમ વડોદરા નજીક એક ઉત્પાદનસુવિધા ધરાવે છે. છેલ્લાં ૩૫ વર્ષોમાં ગુજરાતના સેંકડો યુવાનોએ વિવિધ ઈઝરાયલી કિબુટ્ઝ (એક પ્રકારના કમ્યુનિટી લિવિંગ)માં થોડા મહિના વિતાવ્યા છે.
આ સહકાર શિક્ષણ સહિતનાં અનેક ક્ષેત્ર સુધી વિસ્તર્યો છે, બન્ને દેશના યુવાનો પણ એક લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે
તાજેતરમાં I2U2 અને IMEC જેવાં બહુપક્ષી જૂથોની સ્થાપના સાથે આપણા દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સુધારો થયો છે. ભારત મધ્ય પૂર્વ કોરિડોરનું પ્રારંભિક બિંદુ ગુજરાતમાં મુન્દ્રા બંદર પર છે તો ભારતના ઉદ્યોગગૃહ અદાણી ગ્રુપ સંચાલિત ઈઝરાયલનું હાઈફા બંદર ભારતને યુરોપ અને અમેરિકા સાથે જોડે છે. આજે કુલ વૈશ્ર્વિક ઉત્પાદનમાં ૨.૮ ટકા યોગદાન સાથે ભારત વિશ્ર્વનો પાંચમા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. એની પાસે ખૂબ જ ઝડપથી સીડી ઉપર ચઢવાની મોટી સંભાવના છે. ઈઝરાયલ એની અનોખી વિચારસરણી અને અત્યાધુનિક ટેક્ધોલૉજી સાથે આત્મનિર્ભર ભારતના નિર્ધારને આગળ વધારી શકે છે અને એનો લાભ પણ મેળવી શકે છે.
સંરક્ષણ ક્ષેત્રે ઈઝરાયલ વર્ષોથી ભારતને સહકાર કરતું આવ્યું છે
ગાઝા અને નજીકના વિસ્તારમાં આતંકવાદ સામેના અમારા યુદ્ધમાં ભારતે ઈઝરાયલને સમર્થન આપ્યું છે એ માટે તમામ ઈઝરાયલી નાગરિકો ભારતનો હૃદયપૂર્વક આભાર માને છે. સાત ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ થયેલો આતંકવાદી હુમલો યહૂદી રાજ્યના ઈતિહાસમાં સૌથી વિનાશક ઘટનામાંની એક હતી. આતંકવાદ સામેની અમારી લડાઈમાં સામાન્ય ભારતીય લોકોનો ટેકો અમારા માટે મોટો આધાર બની રહ્યો છે.
ભીષણ દુષ્કાળ, કમોસમી વરસાદ, રણનો વધતો વ્યાપ અને સરેરાશ તાપમાનમાં વધારા જેવી ગંભીર સમસ્યા સામે સંવેદનશીલ દેશો તરીકે ઈઝરાયલ અને ભારત કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં સાથે મળીને ઘણું કરી શકે છે. સૌરઊર્જા, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ગ્રીન હાઈડ્રોજન અને કૃષિ જેવાં ક્ષેત્રો ભારત-ઈઝરાયલ વચ્ચેના વધુ ને વધુ સહયોગ માટેનાં નવાં શિખર બની શકે છે. ભારતીય ફિલ્મો ઈઝરાયલમાં ખૂબ જ લોકપ્રિય છે અને મને વિશ્ર્વાસ છે કે નજીકના ભવિષ્યમાં તમે ઈઝરાયલમાં શૂટ થયેલી બોલીવૂડ ફિલ્મ જોશો.
ઈઝરાયલ અને ભારતના સંબંધના ભવિષ્ય વિશે હું ખૂબ આશાવાદી છું, કારણ કે મને બન્ને રાષ્ટ્રોની યુવાપેઢીમાં વિશ્ર્વાસ છે. આ પેઢી બુદ્ધિશાળી છે, એમનું લક્ષ્ય એમની નજર સામે છે અને વધુ સારી દુનિયા બનાવવા માટે આ પેઢી પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે. પ્રાચીન સભ્યતા ધરાવતાં આપણાં બન્ને રાષ્ટ્ર આ સદીના મધ્ય સુધીમાં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે આ ભાગીદારી માનવતા માટે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની આપણી આશામાં ખૂબ મહત્ત્વ ધરાવે છે.
(કોબ્બી શોશાની)
(લેખક ઇઝરાયલના મુંબઇસ્થિત કોન્સલ જનરલ છે. એમના આ લેખનમાં પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી યશ સ્વારનો સહયોગ છે.)
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ખૂબ જ ધ્રુજી રહ્યું છે. આ સમયે, પાકિસ્તાન પુલવામા હુમલા પછીની ભારતીય કાર્યવાહીને યાદ કરી રહ્યું છે, જ્યારે ભારતીય વિમાનોએ તેના ક્ષેત્રમાં ઘૂસીને વિનાશ મચાવ્યો હતો. પીએમ મોદી સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) સાથે બેઠક કરશે. આ બેઠકમાં પહેલગામ હુમલાના જવાબ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Pakistan is politically divided , but we stand united as a nation. If attacked or threatened by India, all groups—PML-N, PPP, PTI, JUI, and others—will rally together under the Pakistani flag to defend our homeland. #Pakistan
આ બેઠક પહેલા જ પાકિસ્તાનની સેના સતર્ક થઈ ગઈ છે, જ્યારે સરકાર વિરોધી વિપક્ષી નેતાઓ પણ ભારત વિરુદ્ધ એકતાના સૂર ગાઈ રહ્યા છે. પાકિસ્તાની સેના અને વાયુસેનાને એલર્ટ કરવામાં આવી હતી અને LOC પર તૈનાત સૈનિકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત, પેટ્રોલિંગ પાર્ટીઓને પણ બેઝમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઇમરાન ખાનના પીટીઆઈના નેતા ચૌધરી ફવાદ હુસૈન, જે શાહબાઝ સરકારના વિરોધી છે, તેમણે ટ્વિટર પર લખ્યું, પાકિસ્તાન રાજકીય રીતે વિભાજિત છે, પરંતુ આપણે એક રાષ્ટ્ર તરીકે એક છીએ. જો ભારત દ્વારા હુમલો કરવામાં આવશે અથવા ધમકી આપવામાં આવશે, તો બધા જૂથો – પીએમએલ-એન, પીપીપી, પીટીઆઈ, જેયુઆઈ અને અન્ય – તેમની માતૃભૂમિની રક્ષા માટે પાકિસ્તાની ધ્વજ હેઠળ એક થશે.” આ ટ્વિટથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન જાણે છે કે ભારત આ ભૂલનો યોગ્ય જવાબ આપશે.
પાકિસ્તાની સેનાની 10 કોર્પ્સ એલર્ટ પર
પાકિસ્તાની સેનાની 10મી કોર્પ્સ જે સમગ્ર પીઓકે માટે જવાબદાર છે. તેણે પોતાના સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. પાકિસ્તાનના 10 કોર્પ્સના આગળના થાણાઓ પર તોપખાનાની હિલચાલ અને સૈનિકોની હિલચાલ જોવા મળી છે, જેનો અર્થ એ છે કે પાકિસ્તાન મોટા જવાબ માટે તૈયારી કરી રહ્યું છે. હવે આપણે જોવાનું છે કે ભારતીય સેના આ સાંકળ કેવી રીતે તોડે છે અને આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી કેવી રીતે કરે છે.
પુલવામાનો ભય
2019 માં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પુલવામા પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતે POK વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા 300 આતંકવાદીઓને ઠાર માર્યા. ભારતે 2016 માં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ લગભગ 200 આતંકવાદીઓ માર્યા ગયા હતા. બંને સર્જિકલ સ્ટ્રાઈક પછી, પાકિસ્તાની સેનાની દુનિયામાં મજાક ઉડાવવામાં આવી હતી. આ વખતે પાકિસ્તાની સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકના ડરથી સતાવી રહી છે.
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી (GCSC), અમદાવાદ પોલીસ, માયક્રોન અને મંત્રા ફોર ચેન્જના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા વિષયોની તાલીમ આપવામાં આવી હતી.આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તેમના વૈજ્ઞાનિક મોડેલો અને STEM પર આધારીત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. 70 થી વધુ વિદ્યાર્થીઓએ 23 થી વધુ વૈજ્ઞાનિક મોડેલો રજૂ કર્યા, જેમાં શ્રેષ્ઠ 3 એન્ટ્રીઝને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા.
પ્રદર્શન દરમિયાન સુધીર પટેલ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સાયન્સ સિટી), સફિન હસન (IPS, નોડલ ઓફિસર – સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ), મોઈરા દાવા (પ્રોગ્રામ મેનેજર, માયક્રોન ઇન્ડિયા), અને ડૉ. વ્રજેશ પરીખ (જનરલ મેનેજર, સાયન્સ પ્રમોશન, GCSC) દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું.
ડિસેમ્બર 2024થી અત્યાર સુધીમાં માયક્રોન STEM લેબ દ્વારા 43 શાળાઓના 3100થી વધુ વિદ્યાર્થીઓ અને 50 શાળાના 1200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. સાયન્સ સિટી અને માયક્રોન ફાઉન્ડેશનના સહયોગથી આ અભિયાન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીન વિચારશક્તિ અને AI લીટરસી વધારવાનો પ્રયાસ છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો STEM ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રુચિ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવશે.