Home Blog Page 982

પહેલગામ હુમલા પછી દિલ્હી-મુંબઇ અને UPમાં હાઇ એલર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે UP, દિલ્હી અને મુંબઈમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલો 2019ના પુલવામા હુમલાના પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો ગણવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળોએ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

દિલ્હી પોલીસને પણ પ્રવાસન સ્થળો અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓ પર કડક નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસનાં સૂત્રોએ આ સંબંધમાં માહિતી આપી છે. મુંબઇમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. યુપી DGP પ્રશાંતકુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા અધિકારીઓને સતર્કતા જાળવવા માટે આદેશ આપ્યો છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવાં ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. DGPએ તમામ જિલ્લાઓમાં દેખરેખ વધારવાની સૂચના આપી છે.

આ ઘાતક આતંકી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંસ્થાઓએ બુધવારે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે અને તેને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.
પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણાના લોકો સામેલ છે. આતંકવાદીઓએ ખાસ કરીને પરિવાર સાથે ફરવા આવેલા લોકોને ટાર્ગેટ કર્યા હતા. એટલું જ નહીં, આતંકવાદીઓએ લોકોનાં નામ પૂછીને ગોળી મારી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે દહેરાદૂનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લામાં સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  જિલ્લાની સીમાઓ તથા આંતરિક માર્ગો સહિત તમામ મુખ્ય સ્થળોએ દરેક વાહન અને વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ અધિક્ષક વિકાસનગર અને ઋષિકેશે પણ પોતાના વિસ્તારના ચેકિંગની જાતે હાજર રહીને સમીક્ષા કરી છે.

ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર, ધૂળની ડમરી સાથે ગરમ પવનની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ભયંકર ગરમીનો કહેર યથાવત છે. હવામાન વિભાગ (IMD)એ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ-ભેજવાળા પવન અને તાપમાનમાં 1-2 ડિગ્રી વધારાની આગાહી કરી છે. રાજ્યના 10થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું, જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું. રાત્રે પણ ગરમ પવનથી રાહત નથી.

IMD અનુસાર, અમદાવાદમાં 41.9°C, અમરેલીમાં 42.5°C, કેશોદમાં 42.0°C, ગાંધીનગરમાં 41.8°C, ડીસામાં 41.7°C, વડોદરામાં 41.4°C, કંડલામાં 41.3°C અને ભાવનગરમાં 40.0°C તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તર-પૂર્વના ગરમ પવન અને ધૂળની ડમરીની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળના ગુચ્છા સાથે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

IMDએ હીટવેવ માટે યલો એલર્ટ જારી કર્યું, જેમાં 41-45°C તાપમાનની ચેતવણી છે. આગામી 24 કલાકમાં તાપમાન સ્થિર રહેશે, પરંતુ 24 એપ્રિલથી 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. નાગરિકોને બપોરે 12થી 3 વચ્ચે બહાર ન નીકળવા, પાણીનું સેવન વધારવા અને હળવા કપડાં પહેરવા સૂચન છે. ગરમીના કારણે હીટસ્ટ્રોકનો ખતરો વધ્યો છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે.

પૌઆનો શીરો

કાંદા-પૌઆ, બટેટા-પૌઆનો તીખો નાસ્તો તો તમે બનાવ્યો હશે જ! પણ પૌઆનો ગળ્યો શીરો બનાવ્યો છે? હા, પૌઆનો શીરો પણ બને છે અને તે બને છે સ્વાદિષ્ટ!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • તાજું છીણેલું નાળિયેર ½ કપ
  • ગોળ સમારેલો 1 કપ
  • દૂધ 2½ કપ
  • ઘી 1 કપ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • તજનો પાઉડર 2-3 ચપટી
  • કિસમિસ 6-7 નંગ
  • કાજુ 7-8 નંગ,
  • બદામ 7-8 નંગ

રીતઃ પૌઆને કઢાઈમાં ગેસની મધ્યમ-ધીમી આંચે શેકી લો. પૌઆ ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક રવા જેવા પીસી લો.

તાજું નાળિયેર છીણી લો. તેમાં ¼ કપ દૂધ મેળવીને મિક્સીમાં અધકચરું વાટીને પૌઆના પાઉડરમાં મેળવી દો. બાકીનું દૂધ પણ તેમાં મેળવીને પૌઆને ઢાંકીને થોડીવાર રાખી મૂકો.

ગોળને સમારીને ½ કપ પાણી સાથે એક તપેલીમાં ગરમ કરવા મૂકો. ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. આ પાણી ઠંડું થાય એટલે ચાની સ્ટીલની ગળણીમાં ગાળી લો.

કાજુ તેમજ બદામના ટુકડા કરી લો. એક કઢાઈમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં ગુલાબી રંગના થાય તેવા સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. આ ઘીમાં ગોળનું પાણી રેડી દો. ત્યારબાદ તેમાં દૂધમાં પલાળેલા પૌઆ જે હવે ફુલી ગયા હશે તેને ઉમેરીને તવેથા અથવા ઝારા વડે હલાવતા રહો. થોડી થોડી વારે તેમાં 1-1 ચમચી ઘી રેડીને ઝારા વડે હલાવતા રહો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી. આ રીતે લગભગ 15 મિનિટ સુધી સાંતળવો અને થોડી થોડીવારે 1 ચમચી ઘી રેડતા રહેવું. ત્યારબાદ તેમાં એલચી પાઉડર, તજ પાઉડર મેળવીને કાજુ-બદામના ટુકડા પણ મેળવી દો.

2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને હલવો ખાવા માટે પીરસો.

પાકિસ્તાનને બાલાકોટ જેવી જવાબી કાર્યવાહીનો ડર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 27 લોકોના મોત થયા છે. હવે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી નથી લીધી, પણ તેમના ફન્ડિંગથી ચાલી રહેલા આતંકવાદી સંગઠને સંદેશ જારી કર્યો છે. એ દરમ્યાન પાકિસ્તાનને હવે જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે.

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશન અબ્દુલ બાસિદનું કહેવું છે કે પાકિસ્તાન હાલના સમયે દહેશતમાં છે, એને જવાબી હુમલાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનની એરફોર્સને અલર્ટ રાખવામાં આવી છે. આવું કંઇક દ્રશ્ય પુલવામા હુમલા પછી પણ જોવા મળી હતી, ત્યારે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.બીજી બાજુ, દેશના લોકોમાં આંતકવાદને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. PM મોદી પણ તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. ત્યારે હવે પડોશી દેશ પાકિસ્તાન આ મામલે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી TRF નામના આતંકવાદી સંગઠને લીધી છે. એ ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટના નામથી પણ ઓળખાય છે. એ પાકિસ્તાનથી જોડાયેલું છે.

પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનર તરીકે સેવા આપી ચૂકેલા અબ્દુલ બાસિતે સોશિયલ મીfડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના કોઈ પણ દુ:સાહસને અટકાવવા માટે ઈસ્લામાબાદ તમામ શક્ય પગલાં લઈ રહ્યું છે. મને એમાં કોઈ શંકા નથી કે આ વખતે પાકિસ્તાનનો પ્રતિસાદ ખૂબ જ કડક હશે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ભારતીય કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે તેઓએ આખી રાત પાકિસ્તાની વાયુસેનાને એલર્ટ મોડ પર રાખી હતી.

World Book And Copyright Day 2025 : પુસ્તકોના આ ઘરો વિશ્વમાં છે પ્રખ્યાત

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book And Copyright Day) એ વિશ્વ સાહિત્ય માટે એક પ્રતીકાત્મક દિવસ છે. 1995માં ફ્રાન્સમાં યોજાયેલી યુનેસ્કો પરિષદમાં 23 એપ્રિલને વિશ્વ પુસ્તકો અને કોપીરાઈટ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. તેનું ધ્યેય લેખિત શબ્દને જીવંત અને સ્વસ્થ રાખવાનું અને કોપીરાઈટ દ્વારા વાંચન, પ્રકાશન અને બૌદ્ધિક સંપદાના રક્ષણને પ્રોત્સાહન આપવાનું છે. આ દિવસ સાહિત્ય પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપે છે અને લોકોને દરરોજ વાંચનની ટેવ વિકસાવવા પ્રોત્સાહિત કરે છે. જ્યારે આપણે પુસ્તકો વિશે વાત કરીએ છીએ, ત્યારે પુસ્તકાલયોનો પણ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે. જાહેર પુસ્તકાલય એટલે એક એવું સ્થળ જે દરેક માટે હોય.

સૌથી મોટી લાઇબ્રેરી વોશિંગ્ટન ડીસીમાં છે

સદીઓથી પુસ્તકાલયોને જ્ઞાન અને સંસ્કૃતિના ભંડાર તરીકે જોવામાં આવે છે, જે સંશોધન અને શિક્ષણ માટે આવશ્યક સંસ્થાઓ તરીકે સેવા આપે છે. વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરીનું બિરુદ સામાન્ય રીતે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં સ્થિત લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ (LCC) ને આપવામાં આવે છે. તેની સ્થાપના 24 એપ્રિલ, 1800 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના બીજા રાષ્ટ્રપતિ જોન એડમ્સના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી, જ્યારે યુએસ રાજધાની ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયાથી વોશિંગ્ટન, ડીસી ખસેડવામાં આવી હતી.

સૌથી જૂની લાઇબ્રેરી મોરોક્કોમાં છે

મોરોક્કોમાં નવમી સદીની લાઇબ્રેરી, અલ-કારાવીયન, વિશ્વની સૌથી જૂની લાઇબ્રેરી માનવામાં આવે છે. આ પુસ્તકાલયને પુનર્જીવિત કરવામાં આવી રહ્યું છે જેથી તેને ભવિષ્યની પેઢીઓ માટે સાચવી શકાય. મોરોક્કોની ભૂતપૂર્વ રાજધાની ફેસમાં એક મહિલા દ્વારા સ્થાપિત અલ-કારાવીયન લાઇબ્રેરી, વિશ્વની કેટલીક દુર્લભ અને અનોખી હસ્તપ્રતોનું ઘર છે.

ભારતના સૌથી પ્રખ્યાત પુસ્તકાલયો

તમિલનાડુના તંજાવુરમાં સ્થિત સરસ્વતી મહેલ પુસ્તકાલય ભારતનું સૌથી જૂનું જાણીતું પુસ્તકાલય છે અને એશિયાના સૌથી જૂના પુસ્તકાલયોમાંનું એક છે. આ પુસ્તકાલય તેના તાડપત્ર હસ્તપ્રતો, સંસ્કૃત અને તમિલ હસ્તપ્રતો અને સ્થાનિક ભાષાના પુસ્તકોના સંગ્રહ માટે વ્યાપકપણે જાણીતું છે. આ પુસ્તકાલયમાં 49,000 થી વધુ ગ્રંથો ઉપલબ્ધ છે અને તેને ભારતનું સૌથી નોંધપાત્ર પુસ્તકાલય કહેવામાં આવે છે.

શું તમે પટનામાં આ પુસ્તકાલય જોયું છે?

ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી, એશિયાની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક, પટનામાં સ્થિત છે, જે ઇતિહાસ અને સંસ્કૃતિથી સમૃદ્ધ શહેર છે. 1891માં ખાન બહાદુર ખુદા બખ્શ દ્વારા સ્થાપિત આ પુસ્તકાલયમાં 21,000 થી વધુ દુર્લભ હસ્તપ્રતો અને 2, 50,000 મુદ્રિત પુસ્તકોનો ઉત્તમ સંગ્રહ છે.

પુસ્તકાલયો ચાલીને લોકો સુધી પહોંચ્યા

પુસ્તકો દરેકને ઉપલબ્ધ થાય તે હેતુથી વિશ્વભરમાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. પાછળથી, દૂરના વિસ્તારોના લોકો સુધી પુસ્તકો સુલભ બનાવવા માટે મોબાઇલ લાઇબ્રેરીઓ પણ બનાવવામાં આવી. આવી જ એક ટ્રાવેલિંગ લાઇબ્રેરી 1956માં ઝારખંડના દુમકાના સંથાલ પરગણામાં સ્થાપિત થઈ હતી. કુલ 76000 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ, તેને 2022માં વારસાનો દરજ્જો આપવામાં આવ્યો.

કોલકાતામાં હુગલી નદી પર ભારતની પ્રથમ બોટ લાઇબ્રેરી આવેલી છે. પશ્ચિમ બંગાળ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હેરિટેજ બુક સ્ટોરના સહયોગથી યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીનું સંચાલન કરે છે. તેમાં હિન્દી, અંગ્રેજી અને બંગાળી ભાષામાં વિવિધ શૈલીઓને આવરી લેતા 500થી વધુ પુસ્તકો છે. બાંગ્લાદેશમાં મેનહટન અને ગુમાની નદીમાં પણ આવી તરતી લાઇબ્રેરીઓ અસ્તિત્વમાં છે.

વાહ ભાઈ વાહ! – ૨૩ એપ્રિલ ૨૦૨૫

૨૩ એપ્રિલ ૨૦૨૫

પંચાંગ 23/04/2025

કોઈને પણ છોડવામાં નહીં આવે, આતંકી હુમલા બાદ PM મોદીનું ટ્વિટ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે, વડા પ્રધાન મોદીએ પહેલા ગૃહમંત્રી સાથે વાત કરી અને તેમને જમ્મુ અને કાશ્મીર જવા કહ્યું. અમિત શાહ પણ જમ્મુ અને કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે હુમલાખોરોને બક્ષવામાં આવશે નહીં.

 

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ X પર લખ્યું કે હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને બક્ષવામાં આવશે નહીં!

પીએમ મોદીએ લખ્યું કે તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.

સોશિયલ મીડિયામાં ‘Stay Strong’ એ પણ દુઃખની ભાષા છે!

અંજલિ, 28 વર્ષીય એક આધુનિક યુવતી, અમદાવાદના મોંઘા એપાર્ટમેન્ટમાં રહેતી. ઇન્સ્ટાગ્રામ પર એની પ્રોફાઈલ જોઈને લોકોની આંખ ચમકી જાય, સુંદર સેલ્ફી,  હસી પડતી તસવીરો, મોટિવેશનલ ક્વોટ્સ,  યોગા વિડીઓ…એકદમ #PositiveVibesOnly

દરરોજ એ સ્ટેટસ મૂકે,

“Be the energy you want to attract”,

“Pain is temporary, pride is forever”,

“You never know how strong you are until being strong is the only choice you have.”

એના મિત્રો, ફોલોઅર્સ, સગા-સંબંધી બધાને લાગતું કે, વાહ! કેટલી મજબૂત છે અંજલિ! પણ વાસ્તવિકતા એ હતી કે અંજલિ કોઈને કહી નહોતી શકતી કે, આખી રાત રડીને એ ચહેરા પર ખુશીનું નકલી માસ્ક પેહરીને ફોટો ક્લિક કરે છે!

અંજલિનો પતિ વિવેક એક નામી કોર્પોરેટ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરે છે, પરંતુ બંનેના સંબંધ લાગણી શૂન્ય છે. એકબીજાની આંખોમાં ક્યારેય પ્રેમ જોવા નથી મળતો. લગ્ન પછી જીવન સંબંધમાં બાંધેલું લાગતું હતું. એકવાર અંજીલિની વેદના અજાણતા છલકાઈ પણ ગઈ.. દુઃખમાં એ બોલી બેઠી કે ‘હું ખુશ નથી…’ પણ એ વાક્ય પૂરું કરતાં પહેલા જ જવાબ મળ્યોઃ છોડ યાર! તું તો કેટલી પોઝિટિવ છે! કેટલા લોકો તને ફોલો  કરે છે! તું વળી કયાંથી દુઃખી કહેવાય..મજાક કરે છે અમારી સાથે?

બસ, એ દિવસથી અંજલિએ પોતાનું દુઃખ એના શબ્દો નહીં,  સ્ટેટ્સ દ્વારા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એક દિવસ, એણે એક રીલ મૂકી.. તેરે બીના જીના પાયેંગે હમ, અને કેપ્શનમાં લખ્યું..

Sometimes smiles are just masks, and strength is just silence.

એ Reel પર કોમેન્ટ આવી,

Such a strong soul!

Always inspiring!

U r Queen ..

પણ એ રાતે, અંજલિને ઉંઘ ન આવી, એ પોતાની ડાયરીમાં લખતી રહી કે, જો હું મારા દુઃખની વાત કરું, તો  શું મને કોઈ સાંભળશે? કે પછી ફરી કહેશે – તું તો મજબૂત છે!

અંજલિની આ વાત ઘણીબધી મહિલાઓ, જે સોશિયલ મિડીયા પર મજબૂત દેખાય છે એમને લાગુ પડે છે. આજે અનેક મહિલાઓ, યુવતીઓ, પોતાની અંદરની તકલીફોને સમાજ સામે વ્યક્ત નથી કરી શકતી. કારણ કે સમાજ એને મજબૂત માને છે, માટે એને તૂટવાની, થાકવાની પણ મંજૂરી નથી. જો કે આવી અનેક મહિલાઓના મોટીવેશનલ સ્ટેટસ હકીકતમાં કાલ્પનિક મજબૂતીનું કવચ હોય છે, જેને પાછળથી ધીમે ધીમે એકાંત વિલીન કરે છે. એના આ સ્ટેટસથી બીજા ઈમ્પ્રેસ થઈ જાય છે, પરંતુ એ પોતે અંદરની અંદર ક્ષણે-ક્ષણે તૂટ્યા કરે છે.

શું ખરેખર આવા પોઝીટીવ સ્ટેટસથી મહિલાઓને જજ કરી શકાય?  લાગણીઓને વાચા આપવાના એમને હક છે? શું કામ કોઈ પણ મહિલા કે યુવતી પોતાના તકલીફ બીજા સમક્ષ રજૂ કરતા ખચકાય છે?

એ સ્ત્રીની અંદર ચાલી રહેલા તોફાન પર એક ખોટું મૌન હોય છે

અત્યારનો સમય એવો છે જ્યાં દરેક જણ પોતાના પરિબળોને સમજવાને બદલે દેખાડાને વધારે મહત્વ આપે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમાજ વધુ જટિલ બની ગયો છે. કેટલીક વાતો એવી હોય છે જે કહેવામાં શરમ આવે, અને જો હિંમત કરીને કોઈ મહિલા પોતાનું દુઃખ વ્યક્ત કરે  તો ઘણીવાર એને સહાનુભૂતિના બદલે મજાક, અવગણના કે દોષારોપણનો સામનો કરવો પડે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઉદ્યોગની મીના જયસ્વાલ કહે છે કે, “આજની સ્ત્રી હૃદયમાં વેદનાનું વાવટું લઈને ચાલે છે, પણ બહારથી હંમેશાં મજબૂત અને ખુશ દેખાવાનો ઢોંગ કરે છે. કારણ કે એમને ખબર છે કે જો કોઈ નકારાત્મક કે દુઃખદ સ્ટેટસ મૂકે તો લોકોના લાઈક્સ નહીં મળે, ફોન નહીં આવે, લોકો દૂર થવા લાગશે. ઘણા લોકો એવો જલદી નિર્ણય કરી નાખે છે કે, આ મહિલાને તો જરૂર અટેન્શન જોઈતી હશે, અથવા આમ trist trapezoid(ટ્રિસ્ટ ટ્રેપેઝોઇડ) લખવાની શું જરૂર હતી? આ સમાજમાં હવે એવા લોકોની સંખ્યા વધી રહી છે જે દુઃખ સાંભળવા નહીં, પરંતુ રીલ  જોવા તૈયાર છે. ખુશ દેખાવું હવે સામાજિક ફરજ બની ગઈ છે. ઘણીવાર એ પણ વિચારવું પડે કે જો હું મારી વાસ્તવિક સમસ્યા કહીશ, તો શું સામેની વ્યક્તિ સાંભળશે? સમજી શકશે? મદદ કરશે? મોટા ભાગે ઉત્તર ‘ના’ હોય છે. એટલે મહિલાએ પોતાનું દુઃખ પોતાના સુધી જ સીમિત રાખવાનું શીખી લીધું છે.”

ઘણી સ્ત્રીઓ પોતાનું દુઃખ પોતાની રીતે જ વેઠી રહી છે

સામાન્ય રીતે સ્ત્રીને જોઈને હંમેશા એવું લાગે કે એના જીવનમાં બધું સહેજ અને શાંત છે. પરંતુ હકીકત એ છે કે દરેક ઘરમાં જેમ દૂધ ઊકળે છે, એજ રીતે દરેક સ્ત્રીના મનમાં પણ કોઈક દુઃખ ઉકળતું હોય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર રેખા ઠક્કર કહે છે કે, મહિલા પણ માણસ છે. એની લાગણીઓ છે, એની મર્યાદા છે, એની પોતાની એક આંતરિક લડત છે. પણ એ એના દુઃખ વિશે ક્યારેય જાહેરમાં કંઈ કહેતી નથી. કારણ કે એને પતિ, પરિવાર પર લાંછન લાગે એ મંજૂર નથી હોતું. એના મૌન પાછળ પરિવાર માટેનો પ્રેમ છે, સમાધાન છે અને સૌથી વધુ, સંબંધોને બચાવવાનો પ્રયાસ છે. આ ઉપરાંત, બહારની દુનિયા પણ એની વાતને સમજવા તૈયાર નથી. એના દુઃખને લોકો વહેમ, અહમ કે પછી નાટક ગણાવે છે. જ્યારે કોઈ સ્ત્રી હિંમત કરીને પોતાની લાગણી વ્યક્ત કરે છે, ત્યારે એનું દુઃખ સાચું માનવાને બદલે એને શંકાની નજરે જોવામાં આવે છે. સમાજ તરત જ એને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.  એટલે આજે ઘણી સ્ત્રીઓ પોતાનું દુઃખ પોતાની રીતે જ વેઠી રહી છે, જ્યારે બહારની દુનિયામાં એની જાણ શુદ્ધા કોઈને નથી રહેતી.

મહિલાઓ માટે સંઘર્ષ દુઃખ  નથી, પણ એને છુપાવવાની ફરજ છે

સમાજમાં સાંભળવાની જગ્યા હવે રીલને મળી ગઈ છે, લાગણીની જગ્યા હવે ફિલ્ટર અને કેપ્શનને મળી છે. જે સ્ત્રી રીલ પર Everything is fine  લખે છે, હકીકતમાં એ અંદરથી ઘણી વાર તૂટી રહી હોય છે. સાયલેન્ટલી એ હજી પણ બધા માટે ખુશ દેખાવાનો ઢોંગ કરે છે. બસ એટલે જ કે એને કોઈ ખોટી ન સમજે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભાવિકા પટેલ કહે છે કે, “ઘણીવાર એવું લાગે છે કે, મહિલાઓ માટે સૌથી મોટો સંઘર્ષ દુઃખ  નથી, પણ એ દુઃખને છુપાવવાની ફરજ છે. સમાજે સ્ત્રીઓને માત્ર મજબૂત રહેવાની ફરજ આપી છે, જેમ કે દુઃખ, થાક કે તણાવનો એના માટે અવકાશ નથી.  જો એ કદી પોતાનું અંતર્મન ખોલે તો એને તરત જ નબળી ગણવામાં આવે છે. આજે, જ્યારે કોઇ સ્ત્રી થોડું પણ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, ત્યારે એની અંદરની વાતને ગંભીરતાથી સમજવાને બદલે, એના પર ટિપ્પણીઓ શરૂ થાય છે.”

કોઈ મહિલા રીલ કે સ્ટેટસ  એ માટે નથી મૂકતી કે એ બીજાને બતાવી શકે કે એ કેટલી ખુશ છે, પણ કદાચ એ જ એનો એકમાત્ર રસ્તો છે પોતાને સમજવાનો, કે ‘હું હજી ટકી રહી છું.

હેતલ રાવ