રાજકોટ : શહેરની સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા 6 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ કરી છે. યુવાધનને જુગારના રવાડે ચડાવવાના પ્રયાસો પર રાજકોટ પોલીસે લાલ આંખ કરી છે. આ ઈન્ફ્લુએન્સર્સ ઈન્સ્ટાગ્રામ પર ગેમ્બલિંગ વેબસાઈટ્સની લિંક્સ શેર કરી, રીલ દીઠ ₹7,000 અને કમિશનથી લાખો રૂપિયા કમાતા હતા.
આ મામલે DCP (ક્રાઈમ) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું, “સાયબર ક્રાઈમનું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. આ દરમિયાન 6 ઈન્ફ્લુએન્સરની ગેમ્બલિંગ પ્રમોશનની ગતિવિધિ ઝડપાઈ.” આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઑફ ગેમ્બલિંગ એક્ટની કલમ 12-A, IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો.
પોલીસે ઈન્ફ્લુએન્સર્સના મોબાઈલ ફોન જપ્ત કરી, તેમના બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી. ASI વિવેક કુચડિયાએ ફરિયાદ નોંધી, જેમાં જણાવાયું કે આરોપીઓ યુવાનોને ગેમ્બલિંગ એપ્સમાં રોકાણ માટે લલચાવતા હતા. રાજકોટ પોલીસે અગાઉ પણ ધાર્મિક વાઘાણી અને દીપ ગોસ્વામીની ધરપકડ કરી હતી, જેમના 95.4K અને 322K ફોલોઅર્સ હતા. આ કેસ ગુજરાતમાં ઓનલાઈન ગેમ્બલિંગ પર સરકારની કડક નીતિ દર્શાવે છે. ગુજરાતમાં જુગાર સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, અને આવા પ્રમોશનને ગેરકાયદે ગણવામાં આવે છે. પોલીસે નાગરિકોને ફેક લિંક્સથી સાવધ રહેવા અને ગેમ્બલિંગ એપ્સથી દૂર રહેવા અપીલ કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ લાગુ કરાયેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત પડોશી દેશોમાંથી આશ્રય લેનાર હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે, આવતીકાલે તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓઢવનગર ખાતે એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ સમારંભમાં ઠાકોર સમાજ દ્વારા શ્રી હર્ષ સંઘવીનું વિશેષ સન્માન કરવામાં આવશે.
પડોશી દેશોમાં દમનનો ભોગ બની ભારતમાં આશ્રય લેનાર વ્યક્તિઓને નાગરિકતા આપવાનો આ કાર્યક્રમ ગુજરાત સરકારની તેમના કલ્યાણ અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. CAAના અમલીકરણ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી તેઓ સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકે. આ કાયદા હેઠળ નાગરિકોને મળતા તમામ અધિકારો અને લાભો સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર સતત પ્રયાસરત છે.
આ કાર્યક્રમ CAAના સફળ અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નોંધપાત્ર પગલું છે, જે નિર્વાસિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના રાજ્ય સરકારના સંકલ્પને દર્શાવે છે. રાજ્ય સરકાર આવા પ્રયાસો દ્વારા નાગરિકોના હિતોનું રક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું. પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ શાહે કહ્યું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમિત શાહ BSFના ખાસ હેલિકોપ્ટરમાં શ્રીનગર જવા રવાના થયા છે. ત્યાં પહોંચ્યા પછી, તેઓ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરશે, જેમાં સીએમ અબ્દુલ્લા પણ ભાગ લેશે.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ ઘોડા પર સવાર હતા. આ હુમલામાં કેટલાક ઘોડાઓ પણ ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.
Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir. My thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences.…
તમામ પક્ષોના નેતાઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરી છે અને તેને પ્રદેશની શાંતિ અને પર્યટન ક્ષેત્ર પર હુમલો ગણાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને કહ્યું કે તે ઘૃણાસ્પદ છે. તેમણે કહ્યું કે ગુનેગારો “પ્રાણીઓ, અમાનવીય અને નફરતને પાત્ર” હતા. “મને ખૂબ જ આઘાત લાગ્યો છે. અમારા મુલાકાતીઓ પરનો આ હુમલો ઘૃણાસ્પદ છે. આ હુમલાના ગુનેગારો પ્રાણીઓ છે, અમાનવીય અને ઘૃણાસ્પદ છે. નિંદા કરવા માટે કોઈ શબ્દો પૂરતા નથી. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના પાઠવું છું,” તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું.
બૈસરન ખીણમાં હુમલો
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ખચ્ચર દ્વારા જ પહોંચી શકાય છે. આજે સવારે પ્રવાસીઓનું એક જૂથ ત્યાં મુલાકાત માટે ગયું હતું. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ નજીકથી પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા. હુમલા સમયે ઘટનાસ્થળે હાજર એક મહિલાએ જણાવ્યું હતું કે, “મારા પતિને માથામાં ગોળી વાગી હતી, જ્યારે હુમલામાં સાત અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.”
નવી દિલ્હીઃ માર્કેટમાં એક નવું કૌભાંડ આવ્યું છે. આ કૌભાંડનો શિકાર થતાં જ તમારું આખું વોટ્સએપ અકાઉન્ટ હેક થઈ શકે છે. આ કૌભાંડની શરૂઆત એવા વોટ્સએપ મેસેજથી થાય છે, જે તમારા પહેલેથી સેવ કરેલા કોન્ટેક્ટ લિસ્ટમાં આવે છે. હેકર તમારા મિત્ર કે પરિવારના વોટ્સએપ નંબરથી તમને મેસેજ કરીને OTP માગે છે. તમે જો એ OTP મોકલી દો, તો તત્કાળ તમારું વોટ્સએપ અકાઉન્ટ હેક થઈ જશે અને હેકર તમારો સંવેદનશીલ ડેટા સરળતાથી એક્સેસ કરી શકે છે.
વોટ્સએપ હેક સ્કેમ શું છે?
હેકર તમારું વોટ્સએપ અકાઉન્ટ હેક કરે છે અને તેના માધ્યમથી તમારા મિત્રો અને પરિવારજનોને મેસેજ કરીને પૈસાની માગ કરે છે. એ સિવાય હેકર તમારા તમામ કોન્ટેક્ટ્સ, ફોટોઝ, વિડિયો, UPI ટ્રાન્ઝેક્શન સહિત તમારા વ્યક્તિગત ડેટાને પણ હેક કરી લે છે.
વોટ્સએપ ઇમેજ કૌભાંડ
આ કૌભાંડ હેઠળ હેકર તમારા મિત્રો અથવા સંબંધીઓના નંબરથી મેસેજ મોકલે છે અને કહે છે કે એમણે એક OTP ભૂલથી તમારા નંબર પર મોકલી દીધો છે. પછી તે OTP તમારી પાસે માગે છે. કારણ કે મેસેજ ઓળખીતા વ્યક્તિના નંબર પરથી આવે છે, તમે એ વાત ગંભીરતાથી ન લો અને વિચાર્યા વિના એને OTP મોકલી દો છો. બસ, એટલું કરતાં જ હેકર તમારું આખું વોટ્સએપ અકાઉન્ટ હેક થઈ જાય છે.
હેક થવા પર શું કરવું?
જો તમારું અકાઉન્ટ હેક થઈ ગયું હોય, તો તરત વોટ્સએપ અનઇન્સ્ટોલ કરો. પછી ફરીથી તેને ઇન્સ્ટોલ કરો. હવે SMS દ્વારા નવો વેરિફિકેશન કોડ મેળવો અને તમારું અકાઉન્ટ રિ-રજિસ્ટર કરો. આવું કરતાં જે હેકરે તમારું અકાઉન્ટ હેક કર્યું હતું, તેનું ડિવાઇસ આપમેળે લોગઆઉટ થઈ જશે.
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને થોડા દિવસો પહેલા રૂહ અફઝા અંગે આપેલા નિવેદન બદલ ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવની ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. આ અંગે બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે ‘અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું. 22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. એ દરમિયાન કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તે એવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મિડિયા પોસ્ટ નહીં કરે જેનાથી બીજા પક્ષને વાંધો આવે. બાબા રામદેવને સોગંદનામું દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી પહેલી મેએ નક્કી કરવામાં આવી છે.
જાણો શું છે મામલો?
હાલમાં જ બાબા રામદેવનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો હતો. આમાં બાબા રામદેવ અન્ય શરબત કંપનીઓ પર કટાક્ષ કરતાં અને તેમના પર ‘શરબત જેહાદ’ કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા.
પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે બાબા રામદેવે દાવો કર્યો હતો કે રૂહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. ત્યાર બાદ બાબા રામદેવે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે મેં કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. આ મામલે હમદર્દે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો, જેમાં બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીનો વિડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે 22 એપ્રિલએ ચાલી સુનાવણી કરવામાં આવી હતી.
હું ભારતની ઝડપી પ્રગતિથી સતત પ્રભાવિત થઈ રહી છું, જેમાં મેં અનુભવેલો ગુજરાતનો વિકાસ પણ સામેલ છે. પ્રગતિની આ ગતિ UK-ભારત ભાગીદારીમાં પણ પ્રતિબિંબિત થાય છે. આપણા સંબંધોએ અનેક મહત્ત્વનાં સીમાચિહ્નો પાર કર્યાં છે અને પાછલાં વર્ષો દરમિયાન એ એક Comprehensive Strategic Partnership (વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી)માં પરિવર્તિત થયાં છે. આજે UK-ભારત સહયોગ આર્થિક વૃદ્ધિને ટેકો આપે છે, જળવાયુ પરિવર્તનનો સામનો કરે છે, વૈજ્ઞાનિક નવીનતા અને ટેક્નોલૉજી સહયોગને પ્રોત્સાહન આપે છે અને બન્ને દેશો તથા લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બન્ને રાષ્ટ્રો વચ્ચેના વિશાળ અને સમકાલીન સાંસ્કૃતિક સંબંધો એક Living Bridge (જીવંત સેતુ) જેવા છે, જે લોકોને પરસ્પર જોડવાનું કામ કરે છે.
આપણા સહિયારા Living Bridge (જીવંત સેતુ)માં 17 લાખથી વધુ ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, જે UKમાં જીવનનાં તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે. એમાંથી લગભગ અડધા લોકોનાં મૂળિયાં તો ગુજરાત સાથે જોડાયેલાં છે. વિચારો, સંસ્થાઓ, આહાર, રમતગમત અને બીજું ઘણું બધું જોડતો આ અનોખો સેતુ UK અને ભારત વચ્ચે ઊંડી સમજણની અજોડ સમૃદ્ધિ લાવે છે. વ્યાપારી સંબંધો ખીલે છે, રમત-ગમતની મૈત્રીપૂર્ણ સ્પર્ધા ફૂલેફાલે છે, શૈક્ષણિક તકો વિસ્તરે છે અને પરિણામે આપણી બન્ને સંસ્કૃતિ સમૃદ્ધ બને છે.
‘ક્વીન્સ યુનિવર્સિટી’ ગુજરાતના ગિફ્ટ સિટીમાં શાખા શરૂ કરવાની છે
શિક્ષણ એ આપણા Living Bridge (જીવંત સેતુ)નો એક મુખ્ય આધારસ્તંભ છે, કારણ કે UKમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં સૌથી મોટાં જૂથોમાંથી એક ભારતીય વિદ્યાર્થીઓનો સમૂહ છે. આથી જ મને ખુશી થાય છે કે ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટે ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City)માં કૅમ્પસ ખોલવાની યોજના જાહેર કરી છે. ક્વીન્સ યુનિવર્સિટી યુકેની અનેક યુનિવર્સિટીઓમાંની એક છે, જે ભારતમાં પોતાનું વિસ્તરણ કરવા માગે છે. UKનું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત છે અને આ પ્રગતિથી વધુ પ્રતિભાશાળી યુવા ભારતીય મનોને એનો અનુભવ કરવાની તક મળશે.
UKના વિકાસ અને સાંસ્કૃતિક વિવિધતામાં ગુજરાતીઓનું યોગદાન ઉલ્લેખનીય
ભારત સાથે મુક્ત વેપાર કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિ તરફની તાજેતરની વાટાઘાટોના પુન: પ્રારંભ સાથે બન્ને રાષ્ટ્રોનો આર્થિક સહયોગ પણ વધુ વિકસવા માટે તૈયાર છે. UKનું સ્થાન સતત ભારતના ટોચના વેપારી ભાગીદારોમાં રહ્યું છે. બીજી તરફ, ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એવું એક રાષ્ટ્ર છે જે અનેક પ્રકારના બ્રિટિશ વ્યવસાયો માટે આકર્ષક રોકાણની તકો પૂરી પાડે છે. UK અને ભારત હાલમાં અનુક્રમે છઠ્ઠી અને પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ છે, જેનો વેપાર સંબંધ આશરે 41 અબજ પાઉન્ડનો છે. UKમાં 950થી વધુ ભારતીય માલિકીની કંપનીઓ અને ભારતમાં 650થી વધુ બ્રિટિશ કંપનીઓ કાર્યરત છે, જે બન્ને અર્થવ્યવસ્થાઓમાં એકંદરે છ લાખથી વધુ લોકો માટે રોજગાર સર્જે છે.
ભારત-UKના વ્યાપારમાં ગુજરાતનો ફાળો અમૂલ્ય રહ્યો છે
ભારતની વૃદ્ધિ અને વિકાસની અપાર સંભાવના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી છે, જે એની ગતિશીલ અર્થવ્યવસ્થા, નવીન પ્રતિભા સંપત્તિ અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ દ્વારા સંચાલિત છે. UK આ સંભાવનાને ઓળખે છે અને ઉન્નત સહયોગની અનેક તકો જુએ છે, જે ભારતીયો અને બ્રિટિશ લોકો માટે ઉજ્જવળ, સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે.
ઉદાહરણ તરીકે, UK-India Technology Security Initiative-TSI (યુકે-ઈન્ડિયા ટેક્ધોલૉજી સિક્યોરિટી ઈનિશિયેટિવ) દ્વારા બન્ને દેશો પ્રાધાન્યતા ધરાવતાં ક્ષેત્રોમાં નિર્ણાયક અને ઊભરતી ટેક્નોલૉજીમાં લક્ષપૂર્વક સહયોગ કરી રહ્યા છે. TSIએ આ દાયકાની સટીક ટેક્નોલૉજી, જેવી કે ટેલિકૉમ, મહત્ત્વપૂર્ણ ખનિજો, AI, ક્વૉન્ટમ, હેલ્થ/બાયો ટેક, અતિ મહત્ત્વનાં ખનિજ અને સેમિકન્ડક્ટર્સ પર સહિયારી કામગીરીનો નવો અને સાહસિક અભિગમ નક્કી કર્યો છે.
ભારતની આ રસપ્રદ યાત્રાના આવા રોમાંચક સમયે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર બનવું એ એક વિશેષાધિકાર છે. મને દરરોજ યાદ આવે છે કે શા માટે ભારત 21મી સદીને આકાર આપશે. UK વિકસિત ભારતના એના વિઝનમાં ભારતને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. એથી જ વિશ્વમાં અમારું સૌથી મોટું વિદેશી નેટવર્ક અહીં ભારતમાં છે.
UK આ વિસ્તારમાંના એના મજબૂત સંબંધોને આ લેખ જેટલું જ મહત્ત્વ આપે છે. UK-ભારતના Living Bridge (જીવંત સેતુ)ની જેમ ચિત્રલેખા સામયિક પણ ગુજરાત અને કરોડો ગુજરાતીઓને બીજા કોઈ જોડી ન શકે એમ જોડે છે: માત્ર ભારતમાં જ નહીં, પણ UKમાં સ્થાયી થયેલા બિનનિવાસી ગુજરાતીઓને પણ.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં કુલ છ લોકો ઘાયલ થયા છે. ચાર પ્રવાસી અને બે ઘોડાવાળા ઘાયલ થયા છે. આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હજી ઘાયલોની સંખ્યા વધી શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું. આ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોરચું સંભાળી લીધો છે અને આતંકવાદીઓની શોધ માટે તલાશી અભિયાન ચાલી રહ્યું છે.પહેલગામ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે અને અહીં ગરમીના મોસમમાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ ફરવા આવે છે. આતંકવાદીઓએ જેને નિશાન બનાવ્યા તે પ્રવાસીઓનું જૂથ રાજસ્થાનનં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હુમલામાં બે પ્રવાસીઓની હાલત ગંભીર છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી કે કુલ કેટલા પ્રવાસી ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા વધી પણ શકે છે.
તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે હિન્દુઓને લઈને ઉશ્કેરણીભર્યું નિવેદન આપ્યું હતું. એ પછી જ આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. એ સાથે જ અમરનાથ યાત્રા પણ થોડા દિવસોમાં શરૂ થવાની છે. આ સિવાય આતંકવાદીઓએ પ્રવાસીઓને એવા સમયે નિશાન બનાવ્યા છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા છે.
રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની એડ-હોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીના નિવેદનને લઈને હોબાળો થયો છે. લખનૌ સામે રાજસ્થાન રોયલ્સનો કઠોર મેચ હારી ગયા બાદ, જયદીપે એક નિવેદનમાં આડકતરી રીતે ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો. જોકે, જયદીપના આ નિવેદનથી રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટ ગુસ્સે ભરાયું છે. IPL ફ્રેન્ચાઇઝીએ આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી, રમતગમત મંત્રી અને રમતગમત સચિવને ફરિયાદ કરી છે. રાજસ્થાન રોયલ્સે જયદીપ બિહાની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
રાજસ્થાન રોયલ્સે સ્પષ્ટતા આપી
ટીમ મેનેજમેન્ટે જયદીપ બિહાની દ્વારા રાજસ્થાન રોયલ્સ સામે લગાવવામાં આવેલા મેચ ફિક્સિંગના આરોપોને સંપૂર્ણપણે બકવાસ ગણાવ્યા છે. રાજસ્થાન ટીમના વરિષ્ઠ અધિકારી દીપ રોયે જણાવ્યું હતું કે બિહાની દ્વારા ટીમ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા, બકવાસ અને ખોટા છે. તેમણે કહ્યું કે આના કોઈ પુરાવા નથી. બિહાનીએ લખનૌ સામે રાજસ્થાનની 2 રનથી થયેલી હાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મેચ સંપૂર્ણપણે રાજસ્થાનના નિયંત્રણમાં હતી, તો છેલ્લી ઓવરમાં આટલા ઓછા રન બનાવવા છતાં ટીમ કેવી રીતે હારી ગઈ?
રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટે એક નિવેદન જારી કરીને આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, અમે એડ-હોક કમિટીના કન્વીનર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. જનતાની સામે આપવામાં આવેલા આવા નિવેદનો માત્ર ગેરમાર્ગે દોરનારા જ નથી, પરંતુ રાજસ્થાન રોયલ્સ, રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલ અને BCCI ની છબીને પણ નુકસાન પહોંચાડે છે.
રાજસ્થાન એક રોમાંચક મેચમાં હારી ગયું
લખનૌ સામે રમાયેલી મેચમાં મેચ સંપૂર્ણપણે રાજસ્થાન રોયલ્સનાં હાથમાં જણાતી હતી. છેલ્લી ઓવરમાં, ટીમને જીતવા માટે ફક્ત 9 રનની જરૂર હતી અને શિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલની જોડી ક્રીઝ પર હાજર હતી. જોકે, અવેશ ખાનની શાનદાર બોલિંગને કારણે રાજસ્થાન લક્ષ્યથી 2 રનથી ઓછું રહી ગયું અને લખનૌ રોમાંચક મેચ જીતવામાં સફળ રહ્યું.
મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં મંગળવારે એક બોલેરો પુલ પરથી સૂકી નદીમાં પડી જતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત નોહતા પોલીસ સ્ટેશન વિસ્તારના સિમરી ગામ પાસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને દમોહ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બધા મૃતકો એક જ પરિવારના હતા અને બંદકપુરની મુલાકાત લઈને જબલપુર પરત ફરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનવાર ચોકી મહાદેવ ઘાટ પુલ પાસે એક બોલેરો વાહન નિયંત્રણ બહાર થઈ ગયું અને નીચે પડી ગયું, જેમાં બોલેરોમાં સવાર એક ડઝનથી વધુ મુસાફરોમાંથી 8 મુસાફરોના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે જબલપુરના ભીટા ફુલર ગામનો એક પરિવાર બંદકપુરથી જટાશંકર ધામના દર્શન કરીને જબલપુર પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પુલ પર આ અકસ્માત થયો. બોલેરોમાં 13 લોકો હતા. જેમાંથી 6 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે બાળકોના દમોહ જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. દમોહ જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ અન્ય 5 ઘાયલોને જબલપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: સોશિયલ મીડિયા પર ‘હેલ્મેટ-મુક્ત ગુજરાત’ના નામે વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે. આ મેસેજમાં દાવો કરાયો હતો કે ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહીં રાખવાનો નિર્ણય લીધો. ગુજરાત પોલીસે આને ફેક ન્યૂઝ ગણાવી, નાગરિકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે.
21 એપ્રિલે X પર વાયરલ થયેલા આ મેસેજમાં 2019ના એક જૂના નિર્ણયનો હવાલો આપી ખોટી માહિતી ફેલાવાઈ રહી છે. ગુજરાત પોલીસે X પર જણાવ્યું, “આવો કોઈ નવો નિર્ણય લેવાયો નથી. હેલ્મેટ સલામતી માટે જરૂરી છે.” સુરત સિટી પોલીસે પણ પુષ્ટિ કરી કે હેલ્મેટનો કાયદો યથાવત છે.
🚨 ફેક ન્યૂઝથી સાવધાન! 🚨
‘હેલ્મેટ મુક્ત બન્યું ગુજરાત’નો વાયરલ મેસેજ તદ્દન ખોટો છે. આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હેલ્મેટ આપણી અને આપણા પરિવારની સલામતી માટે છે.
ઉલ્લેખનીય છે કે, 11 ફેબ્રુઆરી 2025થી રાજ્યના DGP વિકાસ સહાયે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે, જેમાં નિયમભંગ કરનારને દંડની જોગવાઈ છે. આ નિર્ણય સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની તૈનાતી સાથે અમલી બન્યો.
વાયરલ ફેક ન્યૂઝથી નાગરિકોમાં મૂંઝવણ ફેલાઈ, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે હેલ્મેટ રોડ સેફ્ટીનો આધાર છે. ગુજરાતમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, અને નિયમનું પાલન ન કરનાર સામે દંડની કાર્યવાહી થાય છે. પોલીસે લોકોને ફેક ન્યૂઝથી સાવધ રહેવા અને હેલ્મેટ પહેરી જીવન બચાવવા અપીલ કરી.