Home Blog Page 987

સપનાંની પાંખે… અંતરીક્ષની સફરે

કેરળનું એક તદ્દન નાનકડું ગામડું થુમ્બા. નવેમ્બર, 1963ની એક સવારે ગામના દરિયાકિનારે થોડા લોકો ભેગા થયા હતા. એ લોકોને વિશ્વાસ હતો કે ટૂંક સમયમાં એક ઈતિહાસ રચાઈ જવાનો છે, એવો ઈતિહાસ જે થોડાં વર્ષમાં આખી દુનિયાને અચંબામાં મૂકી દેશે. થુમ્બાના રહેવાસીઓએ આગલા દિવસોમાં થોડી ચહલપહલ નિહાળી હતી, જેમ કે એક સાઈકલ પર બે લોકો કોઈ અણીદાર પદાર્થ લઈને ગામ તરફ આવી રહ્યા છે અને એ પછી એક બળદગાડામાં એવો જ બીજો કોઈ સામાન  લાવવામાં આવી રહ્યો છે.

 

 

 

દેશના પહેલવહેલા રોકેટના પુરજાઓની પ્રારંભિક સવારી આ રીતે સાઈકલ પર થઈ હતી

બળદગાડામાં જે સામાન  આવ્યો હતો એ હકીકતમાં આપણા પહેલા સાઉન્ડિંગ રોકેટનો નીચેનો હિસ્સો હતો, જ્યારે સાઈકલ પર જે અણીદાર પદાર્થ હતો એ હતો રોકેટનો ટોચનો ભાગ. થુમ્બાના દરિયાકિનારે ભેગા થયેલા પેલા લોકો એટલે કે આપણા વિજ્ઞાનીઓએ રોકેટના બધા પુરજા એક કર્યા અને એને પૃથ્વીના વાતાવરણની બહાર મોકલવાનો પહેલો પ્રયાસ કર્યો. ત્રીસેક કિલો વજન સાથે આપણું એ પહેલું રોકેટ ભલે પૃથ્વીની સપાટીથી બસ્સોએક કિલોમીટર જ ઉપર ગયું હતું અને ભલે એ એક બહુ નાનીસી શરૂઆત હતી, અત્યારે આપણે અવકાશવિજ્ઞાન ક્ષેત્રે જે હવાઈ કૂદકા મારીએ છીએ અને એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યા છીએ એના પાયામાં એ એક નાનુંઅમથું પગલું હતું.

1980ના દાયકા સુધી રૉકેટના પુરજા લઈ જવા માટે ક્યારેક બળદગાડા સુદ્ધાંનો ઉપયોગ થતો હતો!

આમ જોઈએ તો આ એક સપનું હતું, આપણા દૂરદર્શી અવકાશવિજ્ઞાની વિક્રમ સારાભાઈ અને એમના ચુનંદા સાથીઓનું, જે એમણે સાવ જ ટાંચાં સાધનો સાથે સાકાર કર્યું હતું. અત્યારે વિશ્વની સૌથી સફળ અવકાશયાત્રાના ચાલક અને વાહક તરીકે ભારતની ગણતરી થાય છે, એનું શ્રેય થુમ્બાથી છોડવામાં આવેલા સાઉન્ડિંગ રોકેટના એ પ્રયોગને જાય છે.

થુમ્બાથી શરૂ થયેલા સપનાએ આજે વિશ્વની અવકાશયાત્રામાં ભારતને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું

આપણે ચંદ્રની સપાટી પર ભારતીય તિરંગો લહેરાવ્યો છે, મંગળની ભ્રમણકક્ષા સુધી આપણો ઉપગ્રહ (મંગલયાન)  પહોંચાડ્યો છે, ઔર એક ઉપગ્રહ (આદિત્ય-L1) સૌરજ્વાળાનો અભ્યાસ કરી રહ્યો છે… એક જમાનામાં આ બધું કદાચ કોઈને દીવાસ્વપ્ન લાગતું હશે, પણ આપણે એ શક્ય બનાવ્યું છે. આવા અનેક સોપાન ભારતીય અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ઈસરોએ સર કર્યા છે.

સોવિયેત રશિયાની મદદથી આપણે બનાવેલો પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’

1963માં રોકેટ છોડવાના પહેલા પ્રયોગ પછી આપણે ચાર વર્ષમાં પહેલો ઉપગ્રહ (RH 75) બનાવ્યો, 1975માં આપણે રશિયન રોકેટની મદદથી પહેલો ઉપગ્રહ (આર્યભટ્ટ) અવકાશમાં તરતો મૂક્યો તો 1980માં આપણે ઘરઆંગણે વિકસાવેલા રોકેટ (સેટેલાઈટ લૉન્ચ વેહિકલ)થી રોહિણી ઉપગ્રહ વહેતો મૂક્યો. ભારતની ભૂમિ (શ્રીહરિકોટા લૉન્ચ સાઈટ) પરથી એ ઉપગ્રહ તરતો મૂકવા સાથે ભારત માટે એક નવી દિશા ખૂલી ગઈ.

1975માં આર્યભટ્ટથી શરૂ કરીએ તો 2025ના આરંભ સુધીમાં ભારતે પોતાના કુલ 130 ઉપગ્રહ છોડ્યા છે, જેમાંથી પચાસથી વધુ હજી સક્રિય એટલે કે એમની કામગીરી બજાવી રહ્યા છે. એમ તો ઈસરોએ અત્યાર સુધી 433 વિદેશી ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂક્યા છે. હજી થોડા મહિના અગાઉ જ યુરોપિયન સ્પેસ એજન્સીએ એના પ્રોબા-થ્રી  તરીકે ઓળખાતા મિશનના બે સેટેલાઈટ આપણા રોકેટથી તરતા મૂક્યા તો અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરો  મળીને નિસાર  નામનો પ્રકલ્પ સંયુક્તપણે પાર પાડવાનાં છે. આ નક્કર હકીકત સૂચવે છે કે આપણે કેટલું ગજું કાઢ્યું છે. ચંદ્રયાન અને મંગલયાન પણ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માર્સ ઑર્બિટર મિશન (મંગલયાન)ના માધ્યમથી પહેલે જ પ્રયાસે મંગળ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ભારતે એની ટેક્નોલૉજિકલ ક્ષમતા તો પુરવાર કરી જ, સાથોસાથ અવકાશમાં સંશોધનનો અતિ વાજબી દરનો વિકલ્પ પણ વિશ્વ સમક્ષ મૂક્યો.

ભારત અને અમેરિકા સાથે મળી ‘નિસાર’ નામે સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે

આશાસ્પદ ભવિષ્યની દિશામાં ભારતનો હવાઈ કૂદકો

પાછલાં વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તો ભારતે મોટી છલાંગ જ મારી છે. 2014માં નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળતાં વેંત આ ક્ષેત્રે અનેક સુધારાની શરૂઆત કરી, જેનું એક મહત્ત્વનું પગલું એટલે ખાનગી ક્ષેત્રના સહભાગ સરળ બનાવવા (IN-SPACe)ની સ્થાપના. આજે પાંચ વર્ષ કરતાંય ઓછા સમયમાં આપણે ત્યાં 300 જેટલાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સ કંઈક નવું કરવા તત્પર છે, એ એનો પ્રતાપ છે. વર્ષ 2019માં ભારતે ચંદ્રયાન-2 તરતું મૂકીને ઔર એક મહત્ત્વની સિદ્ધિ એના નામે કરી. આ પ્રોજેક્ટ હેઠળ એનું લૅન્ડર ભલે અતિ નિયંત્રિત ગતિએ ચંદ્રની ભૂમિ પર ઊતરી ન શક્યું (સૉફ્ટ-લૅન્ડિંગ ન કરી શક્યું), ચંદ્રની ફરતે ફરી રહેલું ઑર્બિટર હજી આપણા આ ઉપગ્રહની સપાટી પરની મહત્ત્વની વિગત એકત્ર કરીને મોકલી જ રહ્યું છે.છેલ્લા દાયકા દરમિયાન જ આપણે દેશનું એકસોમું લૉન્ચ વેહિકલ (રોકેટ) અવકાશમાં મોકલ્યું અને આ જ દાયકામાં આપણે ઔર એક છોગું ઉમેર્યું છે- એ હતું ચંદ્રયાન-3નું પહેલા જ પ્રયાસમાં ચંદ્રના તદ્દન અંધારિયા એવા દક્ષિણ ગોળાર્ધ નજીક સૉફ્ટ-લૅન્ડિંગ. દુનિયાભરના વિજ્ઞાનીઓને ચંદ્રના આ વિસ્તારની ભૂગોળ અને ત્યાંના વાતાવરણ વિશે જાણવામાં રસ છે. ચંદ્રયાન-૩ના રોવર તરીકે ઓળખાતા ઉપકરણે ત્યાં અનેક પ્રયોગ કરી ઘણી મૂલ્યવાન માહિતી એકઠી કરી છે.

એની સફળતાને આગળ વધારવા ચંદ્રયાન-4 મિશન પણ થોડા સમયમાં આવશે. ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં વધુ પ્રયોગો હાથ ધરવા અને ત્યાંની માટીના નમૂના ભેગા કરી એનાં સંશોધન માટેનું આ મિશન છે, જે માટે આપણે 9200 કિલો વજનનો ઉપગ્રહ મોકલવાના છીએ.

અવકાશ સંશોધનના આ અને બીજા પ્રકલ્પ આપણા રાષ્ટ્રીય વિકાસમાં નોંધપાત્ર પ્રદાન આપી રહ્યા છે. ઉપગ્રહો દ્વારા મેળવવામાં આવતી માહિતી આપણને ખેતી, નગરવિકાસ તથા કુદરતી આપદાના સામના માટે સજ્જ થવા સહિત અનેક કામમાં મદદરૂપ થઈ રહી છે. જળશક્તિ વૉટર કન્ઝર્વેશન પ્રોગ્રામ  અંતર્ગત ભૂગર્ભમાં રહેલાં પાણીના જથ્થા વિશેની માહિતી આપણને પૃથ્વીની એક ગંભીર સમસ્યાના નિવારણ માટે કેવી સહાય કરી શકે છે એનો દાખલો છે.

ભારતના અવકાશયાત્રીઓનું અવકાશ તરફ પ્રથમ પગલું એટલે ગગનયાન મિશન

ભારતના અવકાશ સંશોધનને લગતી બીજી તમામ યોજના પણ આશાસ્પદ ભવિષ્ય તરફ લઈ જવાની અપાર શક્યતા ધરાવે છે. આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશ જે કરી શક્યા છે અને આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ એવો એક પ્રોજેક્ટ છે ગગનયાન-ભારતના ચુનંદા અવકાશવિજ્ઞાનીઓને આપણી જ સ્પેસફ્લાઈટ (અવકાશયાન)માં પૃથ્વીની સપાટીથી આશરે અઢીસો કિલોમીટર જેટલે દૂર મોકલવાનો આ પ્રકલ્પ છે. અમુક આંતરરાષ્ટ્રીય એજન્સીના સહકારથી આપણા એ ચુનંદા અવકાશયાત્રીઓ (ગગનવીર)ની તાલીમ અત્યારે ચાલી રહી છે. આપણા એ અવકાશયાનની સુરક્ષા તથા એમાં સવાર થનારા અવકાશયાત્રીઓની સલામતીમાત્રની યંત્રણાને લગતાં પરીક્ષણ હાલ થઈ રહ્યાં છે. એ ગગનવીરોને અવકાશમાં મોકલતાં પહેલાં મિશન માટેની આપણી સજ્જતા ચકાસવા ત્રણ માનવરહિત ટેસ્ટ ફ્લાઈટ છોડવાની આપણી યોજના છે.

ગગનયાન  જેવી ઔર એક મહત્ત્વાકાંક્ષી યોજના છે 2035 સુધીમાં અવકાશમાં આપણું પોતાનું કહી શકાય એવું ભારતીય અંતરીક્ષ સ્ટેશન. અવકાશમાં જ લાંબો સમય રહીને આપણા વિજ્ઞાનીઓ વિવિધ પરીક્ષણ કરી શકે અને ભવિષ્યના અનંત અવકાશમાં થઈ શકે એવા ડીપ-સ્પેસ મિશન માટેની તૈયારી તરફનું આ એક મહત્ત્વનું પગલું છે. હમણાં થોડાં સપ્તાહ અગાઉ જ ઈસરોએ અવકાશમાં બે પ્રયોગાત્મક ઉપગ્રહોને એકદમ નજીક લાવી એમનું ડોકિંગ  (સાદી ભાષામાં કહીએ તો બે ઉપગ્રહનું મિલન) કરાવ્યું. SpaDeXના આપણા આ સફળ પ્રયોગને પગલે ભવિષ્યમાં આ રીતે બે ઉપગ્રહ કે સ્પેસસ્ટેશન વચ્ચે ક્રૂ કે માલસામાન અથવા તો ઈંધણની અદલાબદલી પણ શક્ય બનશે. આ ક્ષમતાના બળ પર આપણે પાંચ હિસ્સામાં બનનારું સ્પેસસ્ટેશન વિકસાવી રહ્યા છીએ, જેનું પહેલું મોડ્યુઅલ (હિસ્સો) આપણે 2028 સુધીમાં અવકાશમાં તરતો મૂકવા ધારીએ છીએ. પછીનાં વર્ષોમાં બાકીના હિસ્સા તબક્કાવાર અવકાશમાં મોકલી એમને એકબીજા સાથે જોડી (ડોકિંગ કરાવી) સ્પેસસ્ટેશન તૈયાર કરવામાં આવશે.

થોડા મહિના અગાઉ ભારતે અવકાશમાં બે ઉપગ્રહોને નજીક લાવી એમનું મિલન (ડોકિંગ) કરાવ્યું

અત્યારે આપણે સ્પેસ બાયોલૉજી અને બાયોટેક્નોલૉજીના અભ્યાસ ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. બાહ્ય અવકાશના વાતાવરણની અસર હેઠળ માનવશરીરને ટકવામાં મદદ કરે એવી ઔષધિ અને અમુક વનસ્પતિના વિકાસની શક્યતા આપણા વિજ્ઞાનીઓ તપાસી રહ્યા છે.ભારતની અવકાશને આંબતી આવી સફળતા એ માત્ર ટેક્નોલૉજીના વિકાસને કારણે નથી, એ પાછળ આપણા નેતૃત્વની દૂરંદેશી અને અમુક નીતિવિષયક સુધારા પણ છે. વિશેષ તો પાછલા દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રની ક્ષમતા માપીને જે પગલાં લીધાં છે એનાથી આપણા વિજ્ઞાનીઓને વિશ્ર્વાસનું ઈંધણ મળ્યું છે. ઈસરોના વિજ્ઞાનીઓ એમની નિપુણતાને નિતનવી શોધ તરફ વાળી રહ્યા છે. સરકારની દૂરદર્શિતાને કારણે ખાનગી ક્ષેત્રનો સહકાર વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એ માટે અનેક અવસર ઊભા થયા છે. આગામી વર્ષોમાં આપણે ન્યુ જનરેશન લૉન્ચ વેહિકલ  અર્થાત્ અતિ આધુનિક રોકેટ બનાવી રહ્યા છીએ, જે આપણી ક્ષમતા ઔર વધારશે. આ રોકેટ 30,000 કિલો જેટલા વજનની સામગ્રી લો અર્થ ઑર્બિટમાં ગોઠવવામાં સહાયરૂપ બનશે.

આગે આગે દેખિયે હોતા હૈ ક્યા?

અવકાશ સંશોધન અંતર્ગત આપણે નેવિગેશન વિથ ઈન્ડિયન કૉન્સ્ટેલેશન  (NavIC system)ની ક્ષમતા પણ વધારી રહ્યા છીએ. જીપીએસ  જેવી આ સિસ્ટમ માટે આપણે વધુ ઉપગ્રહ તરતા મૂકવાના છીએ, જે આપણને કુદરતી સંપત્તિ શોધવાના અને કેટલાક વ્યૂહાત્મક પ્રકલ્પ માટે કામ આવશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા  સાથેનું નિસાર  મિશન આપણી પર્યાવરણ વ્યવસ્થાનો અભ્યાસ કરશે તો એ પછી ભારત જપાનીઝ ઍરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી  સાથેનું લ્યુનાર પોલાર એક્સ્પ્લોરેશન મિશન  (LUPEX) પણ અવકાશમાં મૂકવાનું છે. એમ તો શુક્ર ગ્રહના અભ્યાસ માટે પણ ઉપગ્રહ મોકલવાની આપણી યોજના છે અને વધુ એક મંગલયાન  પણ ખરું જ. આદિત્ય-L1  બાદ ઈસરો  હવે સૂર્ય પરની ગતિવિધિના ગહન અભ્યાસ માટે આગળ વધવાનું વિચારી રહ્યું છે.

આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આપણી બે રોકેટ લૉન્ચિંગ સાઈટ છે જ. મોદી સરકારે ત્યાં હવે વધુ એક લૉન્ચ પૅડ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે તો તામિલનાડુના કુલશેખરપટ્ટીનમ નજીક આપણું નવું સ્પેસ-પોર્ટ બનશે, જ્યાંથી આપણે વધુ ઉપગ્રહો તરતા મૂકી શકીશું. અવકાશમાં જતાં લૉન્ચ વેહિકલ (રોકેટ)ના ટુકડા, જેની અવધિ પૂરી થઈ ગઈ હોય એવા ઉપગ્રહો તથા અન્ય પ્રકારનો અવકાશી કચરો દૂર કરવાની દિશામાં કંઈક નક્કર કરવાનું પણ ઈસરોની વિચારણા હેઠળ છે. એક જવાબદાર દેશ તરીકે આપણે આ કામ પણ કરવું રહ્યું.

અંતે એટલું ઉમેરવાનું કે દેશનો સ્પેસ પ્રોગ્રામ આપણાં સપનાં, આપણી અપેક્ષા અને આપણા ખંતની સફર છે. કેરળના એક છેવાડાના ગામથી શરૂ થયેલી આપણી આ સફર છે, જે આજે એક મહત્ત્વના પડાવ સુધી પહોંચી છે. પાછલાં વર્ષોમાં આપણે એ દિશામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. એ માટે આપણે જે દૃષ્ટિ કેળવી છે એને કારણે ભારત એક નવા યુગમાં પ્રવેશ્યું છે. આજે ભારત અંતરીક્ષમાં વધુ ને વધુ ઊંચાઈ સર કરી રહ્યું છે ત્યારે વિશ્વ સમસ્તની નજર આપણા પર છે, આપણી કુશળતા અને કાર્યક્ષમતા પર છે.

(ડૉ. જિતેન્દ્રસિંહ)

(લેખક વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો ધરાવે છે. કેન્દ્ર સરકારમાં ભૂવિજ્ઞાન, અંતરીક્ષ વિભાગ અને વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાનનો કાર્યભાર સંભાળે છે.)

(શબ્દાંકન: ઉમંગ વોરા)

પંચાંગ 22/04/2025

રામબનમાં વાદળ ફાટવાથી તબાહી, ગુજરાતી મુસાફરો સુરક્ષિત, રાહત કાર્ય શરૂ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 20 એપ્રિલ, 2025ના રોજ વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી, જેના કારણે નેશનલ હાઈવે 44 પર ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના હજારો મુસાફરો ફસાયા. ગુજરાત સરકારના રાહત કમિશનર આલોક કુમાર પાંડેના જણાવ્યા મુજબ, 50 ગુજરાતી મુસાફરો સુરક્ષિત છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે અરવલ્લીના 40, ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 સહિત 1000થી વધુ ગુજરાતીઓ ફસાયા છે.

ગુજરાતના મુસાફરોની ટ્રાવેલ્સ બસ ભૂસ્ખલનથી દૂર સુરક્ષિત ઝોનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાઓને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ સાથે સંકલન કરી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી. આર્મીના જવાનોએ ફસાયેલા મુસાફરોને ખોરાક, પાણી અને આર્મી કેમ્પમાં રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડી.

રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક એસપી અને કલેક્ટર સાથે વાતચીત કરી વ્યવસ્થા કરાઈ છે, અને મુસાફરોને પરત લાવવા માટે વાતચીત ચાલુ છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રામબન-બનિહાલ હાઈવે પર અનેક ટ્રક અને વાહનો ફસાયા, જેમાં કેટલાક ખીણમાં પડ્યા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા. કાશ્મીર પોલીસે જમ્મુથી આવતા વાહનોને પાછા ફરવા અને શ્રીનગરથી આવતા વાહનોને નજીકના કેન્દ્રોમાં રોકાવાની સૂચના આપી. ટ્રાફિક જામને કારણે હાઈવે પર કલાકો સુધી અફરાતફરી રહી, જેના કારણે ફ્લાઈટના ભાડામાં પણ તોતિંગ વધારો થયો.

સેન્સેક્સ 855 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી બેન્ક નવા રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ એશિયન બજારોમાં નબળાઈ અને ગિફ્ટ નિફ્ટીમાં નરમાઇ છતાં ઘરેલુ શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક રેકોર્ડ ઊમચાઈએ બંધ થયો હતો. નિફ્ટી બેન્ક સૌપ્રથમ વાર 55,000ને પાર થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી. IT શેરોમાં પણ નોંધપાત્ર તેજી થઈ હતી. FMCG સિવાય બધા સેક્ટર ઇન્ડેક્સમા તેજી થઈ હતી.

નિફ્ટી 24,000ને પાર બંધ થયો હતો. BSEમાં લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરને પહોંચી શક્યું હતું. ગઈ વખતે એ આંકડો 20 જાન્યુઆરીએ પાર થયો હતો. દેશનું ઇક્વિટી બજાર સાત એપ્રિલે 4.5 લાખ કરોડના માર્કેટ કેપે ફસક્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 500 અબજ ડોલરથી અધિકની રિકવરી થઈ હતી.અમેરિકા અને ભારતની વચ્ચે વેપાર સમજૂતીની સંભાવનાની સકારાત્મકતા ચરમ પર છે. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ હાલ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે છે. બંને દેશો દ્વિપક્ષી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવા માટે જુલાઈમાં સમયમર્યાદા પહેલાં કામ કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 855 પોઇન્ટ ઊછળી 79,409ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 269 પોઇન્ટ ઊછળી 24,120ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 1014 પોઇન્ટ ઊછળી 55,305ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 1317 પોઇન્ટ ઊછળી 53,917ના મથાળે બંધ થયો હતો.  

BSE પર કુલ 4208 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2298 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1320 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 167 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 73 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 356 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

રાજકોટ-મુંબઈ વચ્ચે શરૂ થઈ તેજસ એક્સપ્રેસ રેલ સુવિધા

રાજકોટ: રેલવે તંત્રએ ઉનાળુ વેકેશન દરમિયાન આજથી રાજકોટ અને મુંબઈ વચ્ચે  તેજસ એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રિમિયમ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધી ચાલી રહી છે ત્યારે તેને સૌરાષ્ટ્ર સુધી લંબાવવાની રજૂઆતો અનેક વખત કરવામાં આવી હતી.

રેલવે સત્તાધીશોએ જણાવ્યું ટ્રેન નંબર 09005 તેજસ એક્સપ્રેસ તારીખ 21 એપ્રિલથી મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડી રાજકોટ બીજા દિવસે 11.45 કલાકે આવશે. દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉપડશે. તા. 21 થી 28 મે સુધી આ ટ્રેન ચાલશે.

ટ્રેન નંબર 09006 રાજકોટથી સાંજે 18.30 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મંગળવાર , ગુરુવાર અને શનિવાર આ ટ્રેન રાજકોટથી રવાના થશે. તા. 22 થી 29 એપ્રિલ સુધી હાલ આ ટ્રેન ચાલશે. સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા થઈને મુંબઈ જશે. આ પ્રીમિયર ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માત્ર ઉનાળા વેકેશન માટે નહી કાયમી ધોરણે આ ટ્રેન ચાલુ રાખવાની લોકોમાં માગણી ઊભી થઈ છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

સમય રૈનાની મુશ્કેલીઓ વધી, અપંગ લોકો પર ટિપ્પણી કરવી ભારે પડી

કોમેડિયન સમય રૈના લાંબા સમયથી વિવાદોમાં છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં માતા-પિતા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સમય, રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ માખીજાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન, સમયની મુશ્કેલીઓ વધતી જતી લાગે છે. સુપ્રીમ કોર્ટે તે સમયના અપંગતા અને બીમારી પર મજાક બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમને પક્ષકાર બનાવવા કહ્યું છે. ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સંગઠને કોર્ટને જણાવ્યું હતું કે સમય રૈનાએ અપંગ લોકો પર ટિપ્પણીઓ કરી છે. તેમના પર મજાક ઉડાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ બાબતે કડક છે. કોર્ટે સમયા રૈનાની ક્લિપ રેકોર્ડ પર લીધી છે, જેમાં એક દૃષ્ટિહીન વ્યક્તિ તેમજ બે મહિનાના બાળકની મજાક ઉડાવવામાં આવી હતી. તે બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી.

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે આવા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. હવે આપણે જોવાનું છે કે આ મામલે આગળ શું થાય છે. એક તરફ, સમય રૈના એક નવા મુદ્દાને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય તેવું લાગે છે, તો બીજી તરફ, આસામ અને મહારાષ્ટ્રમાં પણ તેની સામે માતા-પિતા પર ટિપ્પણી કરવા બદલ કેસ ચાલી રહ્યો છે.

રણવીર અલ્હાબાદિયાની અરજી પર 28 એપ્રિલે સુનાવણી

રણવીર અલ્હાબાદિયાના કેસ પર સુપ્રીમ કોર્ટ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. રણવીરે સુપ્રીમ કોર્ટને પોતાનો પાસપોર્ટ રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટ સોમવારે તેમની અરજી પર સુનાવણી કરશે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે અમે આ અરજી પર 28 એપ્રિલે વિચારણા કરીશું. માતા-પિતા પર ટિપ્પણી કર્યા પછી, સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાનીની ચારે બાજુથી ટીકા થઈ રહી હતી. સમયને યુટ્યુબ પરથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ પણ દૂર કરવા પડ્યા.

રાહુલ ગાંધીએ USમાં મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉઠાવ્યો મુદ્દોઃ ભાજપનો પલટવાર

બોસ્ટનઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સત્ર કર્યું હતું. આ દરમિયાન તેમણે ગયા વર્ષની મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે દેશની ચૂંટણી વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસ નેતાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે સાફ શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં યુવાનોના મતદારોની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં વધુ હતી. આ એક હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજના 5.30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા અને સાંજે 5:30થી 7:30 વાગ્યાની વચ્ચે જ્યારે મતદાન સમાપ્ત થવું જોઈતું હતું ત્યારે 65 લાખ મતદારોએ મતદાન કર્યું હતું.

હવે, તે થવું શારીરિક રીતે અશક્ય છે, તે નથી? કારણ કે એક મતદારને પોતાનો મત આપવા માટે લગભગ ત્રણ મિનિટનો સમય લાગે છે અને જો તમે ગણતરી કરો તો તેનો અર્થ એ થશે કે સવારે બે વાગ્યા સુધી મતદારોની કતારો હતી અને તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા અને આવું થયું નહીં.

તેમણે કહ્યું હતું  અમે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે શું મતદાન પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. પંચે સ્પષ્ટ ના પાડી દીધી અને તેણે કાયદો પણ બદલી નાખ્યો. તેથી, હવે તમે મતદાન પ્રક્રિયાની વિડિયોગ્રાફી માટે પણ કહી શકતા નથી. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પંચે સમાધાન કર્યું છે. તે ખૂબ જ સ્પષ્ટ છે કે ચૂંટણીપ્રક્રિયામાં ઘણી ખામીઓ છે. આટલું જ નહીં, રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ મુદ્દો મેં અગાઉ પણ ઘણી વખત ઉઠાવ્યો છે.

ભાજપનો પલટવાર

રાષ્ટ્રીય પ્રવકતા શહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો ઉદ્દેશ વિદેશમાં જઈને દેશને અપમાનિત કરવાનો છે. ભાજપે કોંગ્રેસ સાસંદ પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ ફિલ્મ્સ અને ડોક્યુડ્રામામાં બતાવાયું છે પોપ ફ્રાન્સિસનું જીવન

પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું છે. વેટિકન ન્યૂઝ અનુસાર, પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. ગઈકાલે એટલે કે રવિવારે ઇસ્ટરના પ્રસંગે તે લાંબા સમય પછી લોકો સમક્ષ હાજર થયો. વેટિકન કાર્ડિનલ કેવિન ફેરેલે કહ્યું કે પોપ ફ્રાન્સિસનું આખું જીવન ભગવાનની સેવામાં સમર્પિત હતું. પોપ ફ્રાન્સિસના જીવનની ઝલક રૂપેરી પડદે જોવા મળી. તેમના જીવનની ઝલક ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જાણીએ તે ફિલ્મો વિશે.

2015 સુધી બનેલી બે બાયોપિક
વર્ષ 2015 સુધીમાં પોપ ફ્રાન્સિસ પર બે બાયોપિક બની ચૂકી હતી. ‘કોલ મી ફ્રાન્સેસ્કો’ ફિલ્મ 2015માં બનાવવામાં આવી હતી, જેમાં રોડ્રિગો ડે લા સેર્ના અભિનીત હતા. આ એક ઇટાલિયન બાયોપિક છે. આ ઉપરાંત, ‘ફ્રાન્સિસ: પ્રે ફોર મી’ પણ તે જ વર્ષે બનાવવામાં આવી હતી, જેમાં ડારિયો ગ્રાન્ડિનેટ્ટીએ અભિનય કર્યો હતો. આ એક આર્જેન્ટિનાની ફિલ્મ છે. નવેમ્બર 2015માં ફ્રાન્સિસના ભાષણો અને સંગીત ધરાવતું એક આલ્બમ, વેક અપ, રિલીઝ થયું હતું.

પોપ ફ્રાન્સિસ પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ
આ ઉપરાંત પોપ ફ્રાન્સિસના જીવન પર ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ બનાવવામાં આવી હતી. ‘પોપ ફ્રાન્સિસ: અ મેન ઓફ હિઝ વર્ડ’ (2018) આવી જ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે. વિમ વેન્ડર્સે તેને લખી હતી અને દિગ્દર્શન પણ કર્યું હતું. આ દરમિયાન ઓક્ટોબર 2020 માં ફિલ્મ નિર્માતા એવજેની અફિનેવસ્કી દ્વારા દિગ્દર્શિત ડોક્યુમેન્ટ્રી ફ્રાન્સેસ્કોનું પ્રીમિયર થયું. ઓક્ટોબર 2022માં ‘ધ લેટર: અ મેસેજ ફોર અવર અર્થ’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ YouTube Originals પર પ્રીમિયર થઈ હતી. તેનું દિગ્દર્શન નિકોલસ બ્રાઉન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ ઓફ ધ ફેન્સ દ્વારા લૌડાટો સી મૂવમેન્ટ સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાયોપિક ‘ધ ટુ પોપ્સ’ (2019) પણ છે. આમાં પોપ ફ્રાન્સિસની ભૂમિકા જોનાથન પ્રાઇસ દ્વારા ભજવવામાં આવી હતી. ઉપરાંત, ફિલ્મ કોન્ક્લેવ (2024) નવા પોપને ચૂંટવા માટેના સંમેલનનું ચિત્રણ કરે છે, જોકે તે એક કાલ્પનિક વાર્તા છે.

પોપ ફ્રાન્સિસ આ ફિલ્મમાં દેખાયા હતા
પોપ ફ્રાન્સિસ પોતે 2028 માં રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ‘પોપ ફ્રાન્સિસ: અ મેન ઓફ હિઝ વર્ડ’ માં કેમેરા સામે દેખાયા હતા. આ સ્વિસ-ઇટાલિયન-ફ્રેન્ચ-જર્મન સહ-નિર્માણનો પ્રીમિયર 2018 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયો હતો. તે ૧૮ મે ૨૦૧૮ ના રોજ યુ.એસ.માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પોપ ફ્રાન્સિસ દ્વારા આધુનિક યુગમાં શાંતિનો સંદેશ ફેલાવવાના તેમના પ્રયાસોને અનુસરે છે.

IPL 2025: રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી, રેકોર્ડ્સનો નવો ઈતિહાસ

મુંબઈ, 21 એપ્રિલ 2025: IPL 2025ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવી દીધું, જેમાં રોહિત શર્માની 76 રનની અણનમ ઈનિંગે ચમક બિખેરી. વાનખેડે સ્ટેડિયમમાં રોહિતે 45 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી નવાજવામાં આવ્યો. આ સાથે રોહિતે IPLમાં નવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા.

રોહિતે બે વર્ષ બાદ 20મી વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો. તેણે વિરાટ કોહલી (19 એવોર્ડ્સ) અને એમએસ ધોની (18 એવોર્ડ્સ)ને પાછળ છોડી દીધા, એબી ડી વિલિયર્સ (25) અને ક્રિસ ગેલ (22) પછી વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય છે, જેણે IPLની સૌથી ધનિક લીગમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું.

આ ઉપરાંત, રોહિતે શિખર ધવન (6769 રન)ને પાછળ રાખી IPLમાં 6786 રન સાથે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી. વિરાટ કોહલી 8326 રન સાથે ટોચ પર છે, જે એકમાત્ર ખેલાડી છે જેણે 8000 રનનો આંકડો પાર કર્યો. રોહિતની આ ઈનિંગે મુંબઈને મજબૂત જીત અપાવી અને ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો. આ પ્રદર્શન રોહિતની ફોર્મમાં વાપસી અને તેની બેટિંગ કૌશલ્યનો પરચો આપે છે, જે IPLના ઈતિહાસમાં તેને વધુ ખાસ બનાવે છે.

ભારતના 6 રાજ્યના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાએ લગાવ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. અમુક ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનું કારણ વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી અને સ્ટડી વિઝાનો દુરુપયોગ કરી ફુલ-ટાઈમ નોકરી કરવાના આરોપો છે. આ પ્રતિબંધ 2023માં પણ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના જણાવ્યા મુજબ, આ રાજ્યોના અમુક વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર આવીને અભ્યાસ બદલે વોકેશનલ કોર્સમાં જોડાય છે અથવા નોકરી કરવા લાગે છે. આનાથી યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિને નુકસાન થાય છે. ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના અહેવાલ મુજબ, ભારતીય વિદ્યાર્થીઓની લગભગ 24.3% અરજીઓને “ફ્રોડ્યુલન્ટ” અથવા “નોન-જેન્યુઈન” ગણવામાં આવે છે, જે 2012 પછીનો સૌથી ઊંચો રિજેક્શન રેટ છે.

વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી અને ફેડરેશન યુનિવર્સિટી સહિતની સંસ્થાઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અથવા કડક ચકાસણી શરૂ કરી છે. 2023ની શરૂઆતમાં એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે વિક્ટોરિયા યુનિવર્સિટીએ રાજસ્થાન સહિત આઠ રાજ્યો પર નિયંત્રણો લાદ્યા હતા.

અમેરિકા અને કેનેડામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા રિજેક્શન દર વધ્યો છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષક વિકલ્પ બન્યું હતું. જોકે, 2022-23 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની વિઝા મંજૂરી 48% ઘટી, જે ઓસ્ટ્રેલિયાના 2025 સુધી નેટ માઈગ્રેશન અડધું કરવાના લક્ષ્ય સાથે જોડાયેલું છે.

એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝેન્ટેટિવ ઈન ઈન્ડિયા (AAERI)એ આ પ્રતિબંધને ખોટો ગણાવ્યો છે, જણાવ્યું કે વ્યક્તિગત કેસના આધારે મૂલ્યાંકન થવું જોઈએ. ભૂતપૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ પણ આને ખોટો અભિગમ ગણાવ્યો, જે ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી અભ્યાસ કરતા અથવા કામ કરતા ભારતીયોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તેમણે ઉમેર્યું કે આવી નીતિઓ માત્ર ભારત સાથે જ નહીં, ચીન અને અન્ય એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓ સાથે પણ અપનાવવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન સરકારે આ રાજ્યો પર સરકારી સ્તરે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી; આ નિર્ણયો સ્વતંત્ર યુનિવર્સિટીઓ દ્વારા લેવાયા છે. 2023ના પ્રતિબંધો પછી કેટલીક યુનિવર્સિટીઓએ નિયંત્રણો હટાવ્યા હતા, પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કેટલીક સંસ્થાઓએ ફરીથી પ્રતિબંધ લાગુ કર્યો છે. જોકે, ઉચ્ચ રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે આ પ્રતિબંધોની ઓછી અસર થઈ શકે છે, કારણ કે તેમની પ્રવેશ પ્રક્રિયા પહેલેથી જ કડક હોય છે.

આ પ્રતિબંધથી ખાસ કરીને નાની અથવા ઓછી રેન્કિંગવાળી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અસર થશે. ભારતમાં 60,000થી વધુ કોલેજો હોવા છતાં, ઘણા વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારી લાઈફસ્ટાઈલ અને વૈશ્વિક કારકિર્દીની તકો માટે વિદેશ જવાનું પસંદ કરે છે. આ નીતિઓથી વિદ્યાર્થીઓની આશાઓને નુકસાન થઈ શકે છે, ખાસ કરીને જેઓ નિયમોનું પાલન કરીને અભ્યાસ કરવા ઈચ્છે છે.