Home Blog Page 993

અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર ભૂકંપ

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં 19 એપ્રિલ, 2025ના રોજ સવારે 12:17 વાગ્યે (IST) રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અનુભવાઈ, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર (એપિસેન્ટર) તાજિકિસ્તાનના રાશ્ત (Rasht) શહેરથી આશરે 36 કિલોમીટર પૂર્વમાં, અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર વિસ્તારમાં હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી આશરે 94 કિલોમીટર નીચે હતી, જેના કારણે તેની અસર વિશાળ વિસ્તારમાં અનુભવાઈ, પરંતુ નુકસાન ઓછું થયું હોવાનું પ્રાથમિક અહેવાલો સૂચવે છે.

ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરના પૂંછ અને શ્રીનગર જેવા વિસ્તારોમાં અનુભવાયા, જ્યાં લોકો ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ, લાહોર અને અન્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

હિન્દુ નેતાની ક્રૂર હત્યા મામલે ભારતે યુનુસ સરકારને ઘેરી

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું, બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુઃખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.

સુરક્ષાની જવાબદારી લો: ભારત સરકાર

પોતાના ટ્વીટમાં જયસ્વાલ લખે છે, અમે આ ક્રૂર હત્યાની નિંદા કરીએ છીએ અને ફરી એકવાર બાંગ્લાદેશની વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈપણ બહાના કે ભેદભાવ વિના હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે.

બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની અપહરણ પછી હત્યા

નવી દિલ્હીઃ ઉત્તરીય બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાના અપહરણ કર્યા પછી તેમની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી હતી. બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના બાસુદેવપુર ગામમાં રહેતા ભાવેશ ચંદ્ર રોય (58)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી.

તેઓ બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી, બે બાઇક પર ચાર માણસો તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા હતા.

પ્રત્યક્ષદરશીના જણાવ્યા અનુસાર તેમને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશને બેભાનાવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અબ્દુસ સબુરે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ કરી રહી છે. ભાવેશની પત્ની શાંતાનાએ કહ્યું કે તે બે હુમલાખોરોને ઓળખી શકે છે.

ભારતે બાંગ્લાદેશને લાલ આંખ કરતાં લઘુમતીઓ પર ધ્યાન આપવા કહ્યું હતું. ભારતે બાંગ્લાદેશને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર નૈતિક ઉપદેશ આપવાને બદલે તેના દેશમાં લઘુમતીઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

ગોંડલમાં પદ્મિનીબા વાળા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ

ગોંડલમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપનો ગંભીર આરોપ લાગતાં ખળભળાટ મચી ગયો છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે, આરોપીઓએ એક યુવતી મારફતે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

ફરિયાદ પ્રમાણે, તેજલ છૈયા નામની યુવતીએ ફરિયાદીને વીડિયો કોલ અને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો. આ દરમિયાન યુવતીએ પોતાના શરીરનો ભાગ બતાવીને ફરિયાદીને ફસાવ્યા અને બાદમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી. આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી, જેમાં પદ્મિનીબા વાળાએ ફરિયાદીને જાહેરમાં કપડાં કાઢી મારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.

ફરિયાદીએ બળજરી પૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી, અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચર્ચાનો વિષય બની છે, અને લોકો પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

મૃતક ભાઈના નામે કરી 26 વર્ષ નોકરીઃ પત્ની લેતી રહી પેન્શન

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સહકારી વિભાગમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ મૃત ભાઈના નામે 26 વર્ષ સુધી નોકરી કરી હતી અને મૃતકની પત્ની પેન્શન લેતી હતી. આ કૌભાંડનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. આ કેસનો આરોપી હવે મહાપ્રબંધક પદેથી રિટાયર્ડ થઈ ચૂક્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના બંને ભાઈ અને તેની પત્ની સહિત ત્રણ લોકો પર છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારના ડારી ખુર્દ ગામના દિનેશ કુમાર શુક્લા 20 એપ્રિલ, 1993માં દિલ્હીના શીલમપુર ફેઝ-3 માં મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક હતા. તેમણે સાથે લખનૌમાં લોવર સબ-ઓર્ડિનેટની પરીક્ષા 1997માં આપી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ADO તરીકે સિલેક્ટ થયા હતા. 25 એપ્રિલ, 1997એ નિયુક્તિ પહેલાં જ તેમનું મોત થયું હતું.

આ દરમિયાન મૃતકની પત્ની અનસુયા અને ચોથા નંબરના ભાઈ કૈલાશ નારાયણ શુક્લાની સાથે મળીને ત્રીજા નંબરના ભાઈ નરેશ કુમાર શુક્લે પોતે સ્વર્ગસ્થ દિનેશ કુમાર શુક્લા બનીને નોકરી કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે મૃતકના બીજા નંબરના ભાઈ મુકેશ કુમાર શુક્લાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ વિશે ફરિયાદ કરી હતી.

હાલ DMએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યાર બાદ નરેશ કુમાર હાઈકોર્ટ ગયા હતા અને ત્યાંથી સ્ટે ઓર્ડર લાવીને નોકરી કરવા લાગ્યા હતા. હવે 26 વર્ષની નોકરી બાદ તે રિટાયર્ડ થઈ ગયા છે. બીજી બાજુ, બીજા નંબરના ભાઈએ RTI કરીને કૌભાંડને ઉઘાડું પાડ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે ભાઈઓ અને તેની પત્ની વિરુદ્ધ કેસ નોંઘ્યો છે.

World Liver Day: લિવરના નુકસાનના શરૂઆતના લક્ષણો શું છે?

ફેટી લીવરના વધતા જતા કેસો ખરેખર ચિંતાનો વિષય છે. જો તમે તમારા લીવરને વધુ નુકસાન થતું અટકાવવા માંગતા હો, તો તમારે લીવરના નુકસાનના કેટલાક શરૂઆતના લક્ષણો વિશે જાણવું જોઈએ. લીવર શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને તમારા લોહીને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. તેથી, લીવરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પેટમાં દેખાતા લક્ષણો
શું તમારું પેટ ફૂલેલું રહે છે અથવા તમને પેટમાં ભારેપણું લાગે છે? જો હા, તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે આ લક્ષણ લીવરને નુકસાન સૂચવી શકે છે. આ ઉપરાંત ભૂખ ન લાગવી એ પણ લીવરના ખરાબ સ્વાસ્થ્યની નિશાની સાબિત થઈ શકે છે. જો તમારા પેશાબનો રંગ ઘેરો થઈ ગયો છે, તો તમારે આ લક્ષણને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ.

સુસ્તી અનુભવવી
શું તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો થયો છે અથવા તમે ખૂબ થાકેલા અને નબળા અનુભવો છો? જો હા, તો આ લક્ષણ લીવરના ખરાબ સ્વાસ્થ્યને પણ સૂચવી શકે છે. ખૂબ ઊંઘ આવવી કે સુસ્તી લાગવી એ પણ ક્ષતિગ્રસ્ત લીવરની નિશાની હોઈ શકે છે. વારંવાર નાકમાંથી રક્તસ્ત્રાવ; આવા લક્ષણને અવગણવું તમારા લીવર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

અચાનક વજન ઘટાડવું
ઉબકા, ઉલટી અથવા અચાનક વજન ઘટાડવું એ લીવરના ખરાબ સ્વાસ્થ્યનો સંકેત હોઈ શકે છે. ત્વચા પીળી પડવી એ પણ ક્ષતિગ્રસ્ત લીવરની નિશાની હોઈ શકે છે. લીવરને નુકસાન થવાને કારણે, તમારે મૂડ સ્વિંગનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમને આવા લક્ષણો એકસાથે જોવા મળી રહ્યા છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

(નોંધ:આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ પગલાં લેતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.ચિત્રલેખા કોઈ પણ દાવાની પુષ્ટી કરતું નથી)

રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગમાં પેન ઘુસાડી ઇજા પહોંચાડ્યાના આક્ષેપ

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવાના ગંભીર આરોપે શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. બાળકીની માતાએ સ્કૂલની શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇજા પહોંચાડવા, પોક્સો એક્ટ, અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે તેણે માતાને ગુપ્તાંગમાં દુખાવાની ફરિયાદ કરી. શરૂઆતમાં માતાએ તેને ગરમીના કારણે બળતરા માની, પરંતુ બીજા દિવસે બાળકીના ગુપ્તાંગમાંથી ચીકણો પદાર્થ અને પરુ નીકળતું જોતાં માતાને શંકા જાગી. તેમણે તાત્કાલિક બાળકીના પિતાને જાણ કરી, અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગમાં ઇજા થઈ હોવાનું જણાયું. બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તે બે દિવસથી સારવાર હેઠળ છે. બાળકીએ સ્કૂલના સ્ટાફના ફોટા જોતાં શિક્ષિકા મિત્તલબેન પર આરોપ મૂક્યો, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી.

બાળકીના વાલીએ શિક્ષિકા પર આરોપ મુક્યો હતો કે, તેમણે બાળકીને ડરાવી અને ગુસ્સો કરીને માર માર્યો હતો. આ ઉપરાંત શંકા વ્યક્ત કરી કે આવું અન્ય બાળકો સાથે પણ થયું હશે, અને કડક કાર્યવાહીની માગ કરી. બીજી તરફ, શિક્ષિકા મિત્તલબેને આરોપોને ખોટા ગણાવ્યા અને જણાવ્યું કે તેમણે બાળકીને સંતાનની જેમ ભણાવી. તેમણે દાવો કર્યો કે સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં આવું કશું નથી, અને વાલીએ અન્ય જગ્યાઓની પણ તપાસ કરવી જોઈએ. સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરિયાએ પણ આરોપોને નકાર્યા અને જણાવ્યું કે સ્કૂલમાં સીસીટીવી કેમેરા છે, અને શિક્ષિકા ચાર વર્ષથી બાળકોની સંભાળ લે છે.

પોલીસે ડોક્ટરના એમએલસી રિપોર્ટના આધારે ફરિયાદ નોંધી, શિક્ષિકા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ રાજકોટમાં શિક્ષણ જગતને હચમચાવી દીધું છે, અને સોશિયલ મીડિયા પર લોકો આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે, જેથી સત્ય બહાર આવે.

દયાળપુરમાં ચાર માળની ઇમારત ધ્વસ્તઃ ચારનાં મોત, 25 ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુરમાં આવેલી એક ચાર માળની ઇમારત ધરાશાયી થતાં આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે હજુ પણ 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

આ દુર્ઘટના રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં એડિશનલ DCP સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

10થી વધુ લોકોને બચાવાયા છે જ્યારે અન્ય 20થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.NDRF, ડોગ સ્કવોડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.

ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે સવારે ધરાશાયી થયેલી ચાર માળની ઇમારત 22 વર્ષ જૂની હતી. તેમાં તેમનો આખો પરિવાર બાળકો સહિત રહેતો હતો. પરિવારના સભ્યો ઉપરાંત ઘણા ભાડૂતો પણ ત્યાં રહેતા હતા. હાલ સૌ પોતાની નજીકના લોકોને શોધી રહ્યા છે અને રડી-રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિક લોકો કહે છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સ્થાનિક લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પરંતુ બહાર નીકળી જોયું તોકે આખી ઇમારત જ જમીનદોસ્ત થઈ ગઈ હતી.

 

 

 

 

 

બ્રહ્મણો પર પેશાબ કરીશ…અનુરાગ કશ્યપના નિવેદનથી વિવાદ, બાદમાં માંગી માફી

પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફૂલે’ જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી વિવાદોમાં છે. સમાજ સુધારક જોડી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આ ફિલ્મ, બ્રાહ્મણ સમુદાય દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અને બ્રાહ્મણ સમુદાય દ્વારા ફિલ્મ સામે વ્યક્ત કરાયેલા વાંધાને લઈને એક પોસ્ટ લખી હતી, જેનાથી એક નવો વિવાદ સર્જાયો.

બ્રાહ્મણો પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં બ્રાહ્મણ સમુદાય પર પ્રહારો કર્યા અને વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે યુઝર્સે તેમની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે ‘બ્રાહ્મણો પર પેશાબ કરવા’ વિશે પણ વાત કરી. તેમણે એક ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે ‘બ્રાહ્મણો પે મુતુંગા…કોઈ પ્રોબ્લમ?’ દિગ્દર્શકની આ ટિપ્પણી પછી વિવાદ વધુ ઘેરો બન્યો. આવી સ્થિતિમાં હવે તેમણે માફી માંગી છે અને આ માટે સ્પષ્ટતા આપી છે. અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાના નિવેદન પર પોતાનો પક્ષ રાખ્યો છે. પરંતુ માફી માંગતી વખતે પણ તે બ્રાહ્મણોને નિશાન બનાવવાનું ભૂલ્યા નથી.

અનુરાગ કશ્યપે આ વાતો લખી
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘આ મારી માફી છે, મારી પોસ્ટ માટે નહીં પણ તે એક લાઇન માટે જે સંદર્ભની બહાર લેવામાં આવી હતી અને જે નફરત પેદા કરી રહી છે. મારી પુત્રી, પરિવાર, મિત્રો અને સહકાર્યકરોને સંપ્રદાયના લોકો તરફથી બળાત્કાર અને મૃત્યુની ધમકીઓ મળે તો કોઈ પણ કાર્યવાહી કે વાણી યોગ્ય નથી.’

 

View this post on Instagram

 

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

 

વધુમાં તેમણે કહ્યું કે,’ જે કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું નહીં લઉં, પણ તમે ગમે તેટલી મને ગાળો આપી શકો છો, મારા પરિવારે ન તો કંઈ કહ્યું છે અને ન તો તેઓએ કંઈ કર્યુ છે. તો જો મારા તરફથી માફી જોઈએ જ છે, તો હું માફી માંગું છું.બ્રાહ્મણો, સ્ત્રીઓને છોડી દો,આ મૂલ્યો શાસ્ત્રોમાં પણ છે, ફક્ત મનુવાદમાં જ નહીં.તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો.બાકી મારા તરફથી માફી.’

શું મામલો છે?
ખરેખર, આ આખો મામલો ‘ફૂલે’ ફિલ્મના ટ્રેલરના રિલીઝ સાથે શરૂ થયો હતો. દિગ્દર્શક અનંત મહાદેવનની આ ફિલ્મ ‘જ્યોતિબા ફૂલે’ના જીવનની વાર્તા કહે છે. જ્યોતિબા ફૂલે એક સમાજ સુધારક હતા જેમણે 19મી સદીમાં કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં જ તેમના જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલે’નું ટ્રેલર રિલીઝ થયું હતું. આનો વિરોધ પણ જોવા મળ્યો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમુદાયે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવી પડી. બ્રાહ્મણોનો આરોપ છે કે પાત્રોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી, ત્યારે અનુરાગ કશ્યપ ગુસ્સે થયા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ બનાવ્યો છે. 18 એપ્રિલ, 2025ના રોજ અંદાજે 1.75 લાખ કટ્ટાથી વધુ ચણાની આવક નોંધાઈ, જેના કારણે યાર્ડની આસપાસનાં મેદાનો ચણા ભરેલાં વાહનોથી ખીચોખીચ ભરાઈ ગયાં. ગત રાત્રિથી ચણાની આવક શરૂ થઈ, જેમાં 1100 વાહનોનો સમાવેશ થયો. આ ઉપરાંત, ચાર દિવસ અગાઉ ધાણાની પણ રેકોર્ડબ્રેક આવક થઈ હતી, જેના કારણે યાર્ડનાં છાપરાં અને ગ્રાઉન્ડ ચણા-ધાણાની જણસથી ઉભરાઈ ગયાં છે.

બપોર સુધીમાં યાર્ડની બહાર 800થી વધુ ચણા ભરેલાં વાહનો કતારમાં હતાં. નેશનલ હાઈવે પર સિક્સ-લેનનું બાંધકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં યાર્ડના સંચાલકોએ નજીકનાં ગ્રાઉન્ડ ભાડે રાખીને વાહનો માટે વ્યવસ્થા કરી છે. ગત દિવસે પાકગના મેદાનમાં 2000થી વધુ વાહનોની નોંધણી થઈ હતી.

યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, 4 એપ્રિલ, 2025ના રોજ ચણાની 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. હાલ ચણાના ભાવમાં સુધારો થતાં ખેડૂતો પોતાનો માલ વેચવા ઉત્સુક છે. જોકે, આગામી દિવસોમાં ભાવમાં વધઘટની શક્યતાને લીધે ચણાની આવકમાં ઘટાડો થવાનો અંદાજ છે. રેકોર્ડબ્રેક આવકને કારણે યાર્ડના સત્તાધીશોએ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ચણા અને ધાણાની આવકે ગોંડલ માર્કેટિંગ યાર્ડને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. ખેડૂતો અને વેપારીઓ ભાવના સુધારાનો લાભ લેવા ઉત્સાહિત છે, પરંતુ ટ્રાફિક અને જગ્યાની અછતની સમસ્યા વધી રહી છે. યાર્ડની આસપાસની અવ્યવસ્થા ઘટાડવા સત્તાધીશો દ્વારા વધુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.