પરમાત્મા સાથેના પ્રેમની જીવંત અભિવ્યક્તિ

સપ્તાહનો લેખ આપ વાંચી રહ્યા હશો તેના બે દિવસ બાદ એટલે 22 એપ્રિલ, 2023ના મંગળ દિવસે ‘ચિત્રલેખા’ સાપ્તાહિક તેની સ્થાપનાનાં 73 વર્ષ પૂર્ણ કરી 74મા વર્ષમાં પ્રવેશ કરશે. આ નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિકના સંચાલકોને, ટીમ ‘ચિત્રલેખા’ને ખૂબ ખૂબ શુભેચ્છા અને એ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ કરતું રહે એ જ પ્રાર્થના.

પ્રાર્થના. નાનો, પણ શક્તિશાળી, અસરકારક શબ્દ. આજથી આશરે 53 વર્ષ પહેલાં અમેરિકાએ સમાનવ યાન ઍપોલો-૧૩ અંતરીક્ષમાં છોડ્યું. કમનસીબે, એ પૃથ્વીથી ૩ લાખ કિમી. દૂર ચંદ્રની કક્ષામાં હતું ત્યારે કેટલીક યાંત્રિક ખામીના લીધે જીવલેણ કટોકટી સર્જાઈ. અવકાશયાત્રીઓ ઑક્સિજનની ઊણપ અને ઈલેક્ટ્રિસિટીના અભાવે લાચાર બન્યા, માથે જીવનું જોખમ ઊભું થયું. જે વિજ્ઞાનીઓ હ્યુસ્ટન સ્પેસ સેન્ટરથી અવકાશયાત્રીઓ સાથે સંપર્કમાં હતા, તેમણે અથાક્ પ્રયત્ન કર્યા, પરંતુ બધાં અદ્યતન સંસાધન એક પછી એક હાથ ઊંચાં કરી રહ્યાં હતાં. વિજ્ઞાનીઓએ તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સનને પરિસ્થિતિથી વાકેફ કર્યા. રાષ્ટ્રપ્રમુખે થોડો વિચાર કર્યો ને પછી એમણે રાષ્ટ્રજોગ સંદેશ બહાર પાડ્યોઃ

‘ચંદ્રની કક્ષામાં પહોંચેલા આપણા ત્રણ અવકાશયાત્રીઓને બચાવવાનો હવે એક જ રસ્તો છે. હું દેશના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મૃત્યુમુખમાં ફસાયેલા આ અવકાશયાત્રીઓ માટે ઘૂંટણિયે પડી ભગવાનને પ્રાર્થના કરો.’ સંદેશો પ્રસારિત થયો અને વાત પ્રસરતી ગઈ ત્યારે માત્ર અમેરિકનોએ જ નહીં, વિશ્વ સમસ્ત એમની સાથે પ્રાર્થનામાં જોડાયું.

આ મિશનના અલાર્મ સિસ્ટમ એન્જિનિયર જેરી વુડ્રિલે પાછળથી એક લેખ લખેલો, જેનું શીર્ષક હતું- ‘વૉટ રિયલી હૅપન્ડ ટુ ઍપોલો-13? આ લેખમાં એમણે સ્વીકાર કર્યો કે મિશનનો બચાવ કેવળ પ્રાર્થનાથી જ થયો.’

પ્રાર્થનાને શબ્દોનાં, ભાષાનાં કે સરહદનાં બંધન નથી હોતાં. શુદ્ધ સમજણ અને હૃદયની શુદ્ધ ભાવનાથી પ્રાર્થના કરવામાં આવે ત્યારે તેનું ફળ મળતું જ હોય છે. તેથી જ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘પ્રાર્થનામાં શબ્દોનું નહીં. પણ શુદ્ધ હૃદયનું અને આપણી શ્રદ્ધાનું મહત્ત્વ હોય છે.’  આ સૂત્ર એમના જીવનમાં ચરિતાર્થ થયેલું જણાય છે. જ્યારે જ્યારે સમાજ કે રાષ્ટ્ર પર કુદરતી કે માનવસર્જિત વિઘ્ન આવ્યાં ત્યારે તેમણે સૌપ્રથમ પ્રાર્થનાનો આશરો લીધો. ૧૯૯૯માં ઈઝરાયલપ્રવાસ દરમિયાન એમણે જેરુસલેમમાં યહૂદીઓના શ્રદ્ધાસ્થાન વેઈલિંગ વૉલની મુલાકાત લીધી. એમ કહેવાય છે કે આ વૉલ અથવા દીવાલ એ સ્થાન છે, જ્યાં ભગવાન હંમેશાં હાજર હોય છે અને બધાની પ્રાર્થના સાંભળે છે. પ્રમુખસ્વામીએ બીજાએ કરેલી શુભ પ્રાર્થનાઓ ફળે તે માટે ત્યાં પ્રાર્થના કરી હતી.

ક્યારેક એવુંય બને કે પ્રાર્થના કરવા છતાં ધારેલાં પરિણામ ન આવે. ત્યારે થાય કે ભગવાન મારી પ્રાર્થના નથી સાંભળતા, પરંતુ એક વાત સમજવાની કે પરમકૃપાળુ પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળે છે ત્યારે તેઓ આપણી શ્રદ્ધા અને વિશ્વાસને વધારે છે. જ્યારે તેઓ પ્રાર્થના સાંભળવામાં વાર લગાડે છે ત્યારે આપણી ધીરજને વધારે મજબૂત બનાવે છે. તો અમુક લોકો એવું ધારે છે કે જેને પોતાના પુરુષાર્થ પર ભરોસો નથી એવા લોકો જ પ્રાર્થના કરે છે. પરંતુ પ્રાર્થના કરવી તે અંધશ્રદ્ધા કે નબળાઈ નથી, પરંતુ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતીતિ છે.

ફ્રાન્સમાં એક વાર ભીષણ યુદ્ધમાં એક પગ ખોઈ બેઠેલા સૈનિકને ધર્મસ્થાનમાં પ્રાર્થના કરતો જોઈ ત્યાં ઉપસ્થિત કોઈએ ટીકા કરી: ‘શું આ સોલ્જર એવું માનતો હશે કે પ્રાર્થના કરશે એટલે ભગવાન તેને નવો પગ આપશે?’

સૈનિક આ સાંભળી ગયો. તેણે પેલા ટીકાકારને વિનમ્રતાથી કહ્યું, ‘મને ખબર છે કે ઈશ્વર મને નવો પગ નહીં આપે, પરંતુ એક પગથી જીવન જીવવાનું બળ એ ચોક્કસ આપશે.’

માનવીની ઉત્કટ શ્રદ્ધાનો દીપ પ્રજ્વલીત રાખવા માટે પ્રાર્થના એક ઉત્તમ ઈંધણ છે, પ્રાર્થના એ પરમાત્મા સાથેના પ્રેમની જીવંત અભિવ્યક્તિ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)