જગત દોશી બાહોશ, હોશિયાર અને સફળ વ્યક્તિ છે. મોટી કંપનીમાં સીઈઓ છે. એ
એની કંપનીની મહત્ત્વની મીટિંગમાં જઈ રહ્યો છે. લેપટોપની સાથે સાથે એણે ‘આજે તો બધાને બતાવી જ આપવું છે કે જગત કંપની માટે કેટલો મહત્ત્વનો છે. મારા વગર કંપનીને તાળાં લાગી જશે,’ જેવા વિચારોનું પોટલું પણ લીધું છે.
ઘરેથી નીકળતી વખતે જગતનો સ્વભાવ જાણતા એના કાકા શાંતિથી મામલો હેન્ડલ કરવાની વિનંતી કરે છે અને કહે છે કે, ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આગળ સમજી-વિચારીને બોલજે… શબ્દો માપી-તોળીને વાપરજે.’
વડીલની સલાહ શાંતિથી સાંભળવાને બદલે જગત ભીતરના અહંકાર નામના અસુરને જગાડે છે. તે વિચારે છે, ‘હું એમબીએ, ગોલ્ડ મેડલિસ્ટ, આટલું બધું જાણું છું… કાકા કોણ આવ્યા મને શીખવનારા?’

મીટિંગમાં એ આક્રમક બનીને પ્રેઝન્ટેશન કરે છે. વધુ પડતા આત્મવિશ્વાસમાં આગ ઓકતી સ્પીચ આપે છે. પરિણામ? બોર્ડ એ સમયે તો ડઘાઈ જાય છે, પણ વ્યવસ્થિત રીતે પાળ બાંધી થોડા સમય બાદ જગતને છૂટો કરે છે. બહાર એવી હવા ફેલાવે છે કે જગત બિનકાર્યક્ષમ છે.
જગત સમજી જ શકતો નથી કે વડીલની એક નાની, પણ સોનેરી શિખામણ ન માનીને તેણે કેટલું મોટું નુકસાન વહોરી લીધું છે.
ટૂંક સમયમાં જ આપણે દશેરા ઊજવીશું. આ દિવસે રાવણદહનનો મહિમા છે. પરંતુ દસ માથાળા અસુરને મારવો એટલો મહત્ત્વનો નથી, જેટલો ભીતરના અહંકાર, ક્રોધ, લોભ અને ખાસ તો અભિમાનરૂપી અસુરને બાળવાનો છે.
રાવણ પાસે તો અદ્ભુત જ્ઞાન અને શક્તિ હતાં, છતાં અહંકારે તેનો સર્વનાશ કર્યો. તો આપણે તો સામાન્ય માનવી છીએ… કલ્પના કરો, આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે આ અસુર?
માનવીની અંદર છુપાઈ બેઠેલો માનરૂપી શત્રુ વ્યાવહારિક જીવનમાં પ્રગટ થઈને ડગલે ને પગલે તેનું અહિત કરતો આવ્યો છે. એટલે જ કહ્યું છે : ‘અહં, તું જ મૃત્યુ છે.’
અરે, મરીને નહીં, જીવતેજીવ પણ માનના લીધે મનુષ્ય પાપની શૃંખલા સર્જી બેસે છે.
સંત તુલસીદાસજી જણાવે છે :
દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટ મેં પ્રાન…
ધર્મના મૂળમાં દયા છે, તો એની સામેના છેડાનાં કર્મો એટલે કે પાપનાં મૂળમાં અભિમાન છે. તુલસીદાસજીએ અભિમાનને સૌથી મોટો દુર્ગુણ બતાવ્યો છે. ક્રૂરતાને બદલે અભિમાનને દયાવિરોધી વૃત્તિ ગણાવીને એ સૂચવે છે કે અભિમાન તો ક્રૂરતાથી પણ ચડિયાતો દુર્ગુણ છે.
અહંકારથી સ્પર્ધા-હરીફાઈનો ભાવ જાગે છે અને એમાંથી વેરની ખતરનાક વૃત્તિ ઉદ્ભવે છે. અભિમાન પર હુમલો થતાં માણસનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે અને તરત જ કલહનો દાવાગ્નિ સળગી ઊઠે. અહંકારના કારણે લડાયેલાં યુદ્ધોના દાખલા ઇતિહાસમાં શોધવા જવા પડે એમ નથી.

આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્માના જોડાણ વચ્ચે અભિમાનનો ખડક જ અંતરાયરૂપ થઈ પડે છે. અહંકારમાંથી રાગ-દ્વેષ ઉદ્ભવે છે, મારા-તારાનો ભેદ સર્જાય છે અને માયાનું સર્જન થાય છે.
અહંકારના નાશ સાથે માયા નાશ પામે છે. પરિણામે આત્મા બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ માણસ અજ્ઞાનતાને કારણે ‘હુંભાવ’ છોડતો નથી.
નરસિંહ મહેતા લખે છે :
હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા… શકટનો ભાર જેમ શ્વાન તાણે.
જીવનમાંથી ‘હુંભાવ’ દૂર થાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ રેલાય છે. અજ્ઞાનરૂપી તિમિરને હરવા માટે આ એક દિવ્ય તેજપુંજની આવશ્યકતા છે.
‘હું કંઈ નથી, બધા મારાથી મોટા છે.’ એવી ભાવનાનું સતત આલોચન જ માનરૂપી શત્રુને હણી શકે છે.
સન ૧૯૮૬માં સારંગપુરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લેવાતો હતો. સભામાં વિશાળ જનમેદની વચ્ચે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘સ્વામીજી, આપને શું થવું ગમે?’

સ્વામીશ્રી તરત બોલ્યા, ‘અમને સેવક થવું ગમે.’ સેવા અને દાસત્વનો બોધ આપીને સ્વામીશ્રીએ માનરૂપી શત્રુથી પરાભવ ન પામવાનો શાશ્વત ઉપાય બતાવી દીધો.
જ્યાં સુધી આપણે બાહ્ય દુશ્મનો સામે લડીશું, પણ ભીતર બેઠેલા અહંકાર અને માનરૂપી અસુરને ઓળખી તેને હરાવીશું નહીં, ત્યાં સુધી ખરા અર્થમાં આપણા જીવનમાં વિજયાદશમી નહીં આવે. હા, ખરો વિજય તો એ જ કે માણસ અહંકાર પર અંકુશ મેળવીને નમ્ર બને.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




