એક કહેવત છે : ‘દીવા તળે અંધારું…’ પણ શું એ અંધારાને કારણે દીવાને બુઝાવી દેવાય? એક નકારાત્મક અનુભવને કારણે હજારો વર્ષની ધરોહર પર સવાલ ઉઠાવાય
વિદેશની ધરતી પરથી સ્વદેશાગમન કરનાર કોઈ પોતાના જ ઘરના આંગણાને હીન નજરે જુએ ત્યારે પેલી કહેવત સાચી પડતી દેખાય : ‘સૂરજ સામે ધૂળ ઉડાડવાથી સૂરજ ઝાંખો નથી થતો, પણ ઉડાડનારની આંખો જ અંજાઈ જાય છે.’
હમણાં વિદેશપ્રવાસ દરમિયાન એક પ્રવચન બાદ કોઈ ભાઈ મને મળવા આવ્યા. ચાળીસેક વર્ષથી એ ભારતથી દૂર વસે છે. કહે, ‘સ્વામી, તમે તમારા પ્રવચનમાં ભારતની મહાન સંસ્કૃતિ, ઉચ્ચ મૂલ્યો અને ભવ્ય પરંપરા વિશે જણાવ્યું. સાંભળવામાં આ બધું બહુ સારું લાગ્યું, પણ મને તો ક્યાંય આના છાંટા પણ દેખાતા નથી. અભરાઈમાં સજાવીને મૂકેલી આવી સંસ્કૃતિનાં ગુણગાન ગાવાનો શું અર્થ?’
પોતાનો ઊભરો ઠાલવ્યા બાદ એમણે એક ભારતપ્રવાસ દરમિયાન એમની સાથે શું બનેલું એ કહ્યું. માત્ર એક પ્રતિકૂળ ઘટના એમની સાથે ઘટી અને એમણે આખેઆખી ભારતીય સંસ્કૃતિને મૃત ઘોષિત કરી દીધી.
સમાજમાં કે રાષ્ટ્રમાં કે અંગત જીવનમાં કશુંક અનિચ્છનીય બને ત્યારે આખી સંસ્કૃતિને કે પરંપરાને દોષ દેનારી આવી અનેક વ્યક્તિઓ આપણે જોઈ છે. આ આપણી જૂની ટેવ છે. આપણી ચર્ચામાં ભારત દેશની ગરીબી અને અછતની વાત ન આવે એવું ભાગ્યે જ બને.
એથીયે વધારે અક્ષમ્ય તો એ છે કે અમુક લોકો અણસમજ અને યોગ્યતા વગર નવા, ક્રાંતિકારી વિચારો આપવાની સ્પર્ધામાં સંસ્કૃતિખંડન કરીને ખુશ થતા હોય છે. નવો વિચાર કે નવો દૃષ્ટિકોણ આપવો સારી બાબત છે, પણ કોના ભોગે? શું પોતાનાં જ મૂળ ઉપર પ્રહાર કરીને ક્યારેય કોઈ વૃક્ષ ઊભું રહી શકે ખરું?

કૂવાના દેડકાની (કૂપમંડૂકની) વાત આપણે ઘણી વાર સાંભળી છે. હા, તેની ભૂલ તો છે જ, પરંતુ તે ક્ષમ્ય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ પ્રમાણે દેડકો પોતાના સ્થાનનો મહિમા કહ્યા કરે છે, પરંતુ દેડકાનો એક ગુણ એ છે કે તે સમુદ્રની નિંદા નથી કરતો. તે ત્યાં પોતાની શ્રેષ્ઠતા બતાવવા ગયો પણ નથી. તે નિજાનંદમાં મસ્ત છે, નિંદાનંદમાં તેને રસ નથી.
શું આપણી પરંપરામાં બુદ્ધિમત્તા અને તર્કસિદ્ધિને સ્થાન જ નહોતું? ન્યાયદર્શનના ગ્રંથોએ જે પ્રખર તર્કસભર શાસ્ત્રાર્થની પદ્ધતિ આપી છે તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. સામાન્ય બુદ્ધિશાળી માણસોની બુદ્ધિસીમા પછી ન્યાયદર્શનની સીમાનો આરંભ થાય છે.
હા, આ ગ્રંથોને ભણવા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની પ્રજ્ઞા જોઈએ. આવા તાર્કિક દર્શનોમાં પણ ભગવાન, આત્મા, મંદિર, પરંપરા, પ્રણાલી આદિનું મંડન જ થયું છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે જ આ ગ્રંથો હતા. જો કોઈને ખરેખર બુદ્ધિશાળી, વિચારક, વિવેચક, મીમાંસક કે તાર્કિકનું પાટિયું લગાડવું હોય તો એક વાર ન્યાય-વેદાંતનાં શાસ્ત્રોને જોવાં જ રહ્યાં.

સાચી બુદ્ધિમત્તા સંસ્કૃતિના ખંડનમાં નહીં, પરંતુ તેના જતનમાં છે. તે જ સાચું જ્ઞાન છે. એટલે જ સંસ્કૃતિના રક્ષક અને પરંપરાના નિર્વાહક મહાપુરુષોને લોકો બુદ્ધિશાળી નહીં, પરંતુ જ્ઞાની કહે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા સન ૨૦૦૦ના ઓગસ્ટમાં વર્લ્ડ પીસ સમિટનું આયોજન થયેલું. આ સભામાં ૫૪ દેશોમાંથી ૧,૮૦૦ ધર્મગુરુઓએ ભાગ લીધો હતો.
વિશ્વના પ્રમુખ ધર્મ-સંપ્રદાયોના પ્રતિનિધિઓને સભાને સંબોધવા માટે આમંત્રિત કરાયા હતા, જેમાં સનાતન હિંદુ ધર્મનું વૈશ્વિક પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું.

સનાતન સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, પ્રવચનની ગુજરાતી ભાષા, વૈદિક મંત્રગાન તથા ભગવાનની ચલમૂર્તિનું અખંડ સાંનિધ્ય — સ્વામીશ્રીના માધ્યમથી યુનોની આ સભામાં ભારતની અસ્મિતા પ્રતિષ્ઠિત થઈ ગઈ.
જ્ઞાની મહાપુરુષોની એક મુલાકાતથી યુનો જેવી શ્રેષ્ઠ સંસ્થાના જનરલ સેક્રેટરી કોફી અન્નાન પણ પ્રશંસક થઈ જતા હોય, એમની પરંપરાને કોઈ પછાત કહી શકે? જે સંસ્કૃતિ યુગો-યુગોના ઝંઝાવાતો, આક્રમણો અને પરિવર્તનોને પચાવીને આજે પણ અડીખમ ઊભી છે, એ કોઈ એકાદ વિપરીત ઘટનાથી ઝાંખી પડી શકે જ નહીં. જે વૃક્ષનાં મૂળિયાં ઊંડાં હોય તે ભલભલાં વાવાઝોડાં સામે ટકી શકે.

ખરી બુદ્ધિમત્તા કોઈ સ્થાપિત વિરાસતને તોડી પાડવામાં નથી, પરંતુ તેની પાછળના રહસ્યને સમજીને તેને આત્મસાત્ કરવામાં છે. ટીકા કરવી સહજ છે, પણ નિષ્ઠા રાખવી સાધના છે. આપણી સંસ્કૃતિ કોઈ શો-કેસમાં સજાવવાની વસ્તુ નથી, એ તો શ્વાસમાં વણાયેલી જીવંત અનુભૂતિ છે. જ્યારે આપણા ભવ્ય વારસાને તર્ક અને શ્રદ્ધા સાથે ઓળખીશું, ત્યારે જગત સમક્ષ આપણી અસ્મિતા આપોઆપ દીપી ઊઠશે. પ્રશ્ન સંસ્કૃતિની ભવ્યતાનો નથી, પ્રશ્ન આપણી દૃષ્ટિનો છે. વૃક્ષને ફળ આપતું જોવા માટે તેનાં મૂળિયાં સાચવવાં જ પડે. આ જ સનાતન સત્ય છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






