મોટા બનવું સહેલું, મોટા મનના બનવું અઘરું!

1995નું વર્ષ. દક્ષિણ આફ્રિકા વર્ષો સુધી રંગભેદની આગમાં સળગી ચૂક્યું હતું. લાખો લોકો પર અત્યાચાર થયા હતા. જેલ, જુલમ, અપમાન અને અસંખ્ય નિર્દોષોના આંસુઓનો ઇતિહાસ હજુ તાજો હતો. આવા સમયે દેશદ્રોહના આરોપસર 27 વર્ષ કાળકોટડીમાં વિતાવનાર નેલ્સન મંડેલા જેલમાંથી બહાર આવ્યા અને ચૂંટણી જીતીને દેશના પ્રમુખ બન્યા.

દુનિયાભરના લોકોને લાગતું હતું કે હવે તેઓ બદલો લેશે. જેમણે તેમની સાથે અન્યાય કર્યો હતો, તેમને સજા મળશે. પરંતુ મંડેલાએ આખા વિશ્વને ચોંકાવી દીધું. તેમણે કહ્યું: “જો હું જેલમાંથી નફરત લઈને બહાર નીકળ્યો હોત, તો હું આજે પણ જેલમાં જ હોત.”

વેરને બદલે મંડેલાએ ક્ષમાનો માર્ગ પસંદ કર્યો. 1996માં રંગભેદના અંત બાદ તેમણે દક્ષિણ આફ્રિકામાં ‘Truth and Reconciliation Commission’ની રચના કરી, જ્યાં પીડિતોને પોતાનું દુઃખ વ્યક્ત કરવાની તક મળી અને ગુનેગારોને પોતાની ભૂલો જાહેરમાં સ્વીકારવાની તક આપવામાં આવી. આ પ્રક્રિયાએ સમગ્ર વિશ્વને શીખવ્યું કે કોઈ પણ રાષ્ટ્ર તલવાર કે તોપથી નહીં, પરંતુ ક્ષમા અને સ્વીકારથી સાચા અર્થમાં ફરી ઊભું થઈ શકે છે.

જો વર્ષો સુધી ઘવાયેલું એક રાષ્ટ્ર અને તેનો નેતા માફ કરવાની હિંમત બતાવી શકે, તો આપણે આપણા સંબંધોમાં ‘સોરી’ કહેવામાં અથવા ‘જા, તને માફ કર્યો’ કહેવામાં અસમર્થ કેમ બની જઈએ છીએ? કદાચ આ દુનિયામાં સૌથી અઘરી ક્રિયા છે માફી માગવી અને માફ કરવી. ભલભલી બહાદુર વ્યક્તિ પણ જ્યારે “મને માફ કરી દો” કહેવાનો સમય આવે છે ત્યારે નબળી પડી જાય છે. તેવી જ રીતે, સામેની વ્યક્તિને દિલથી માફ કરવાની ઉદારતા પણ દરેકમાં હોતી નથી. તેનું મુખ્ય કારણ છે — અહંકાર.

અંગ્રેજીમાં એક સુંદર કહેવત છે: “It’s nice to be important, but it’s more important to be nice.” અર્થાત્, મહત્ત્વના બનવું સારું છે, પરંતુ સારા બનવું તેનાથી પણ વધારે મહત્ત્વનું છે.

પોતાનું મહત્ત્વ વધારવું, માન-સન્માન મેળવવું અને લોકોની નજરમાં આવવું એ માનવીનો સહજ સ્વભાવ છે. કોઈ વિચિત્ર વેશભૂષાથી તો કોઈ પોતાની કળા-કૌશલથી લોકોનું ધ્યાન ખેંચે છે. નોંધપાત્ર બનવામાં એક અલગ આનંદ છે, પરંતુ આ આનંદ ક્ષણિક છે. તે જેટલો ઝડપથી આવે છે, એટલો જ ઝડપથી જતો પણ રહે છે.

એક ચિંતકે લખ્યું છે: “The greatest happiness on this earth is the conviction that we are loved.” અર્થાત્, “આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી પ્રેમ કરે છે, એવી પ્રતીતિ થવી.”

આપણી ગેરહાજરીમાં પણ કોઈ સ્વાર્થ વિના આપણને યાદ કરે, આપણી હાજરીની ઝંખના રાખે અને આપણા પ્રત્યે આદર વ્યક્ત કરે, ત્યારે સમજવું કે આપણે લોકોના હૃદયમાં સાચું સ્થાન મેળવ્યું છે. સમાજમાં મળતું સન્માન સંપત્તિ કે હોદ્દાથી નહીં, પરંતુ ચારિત્ર્ય અને સદગુણોથી ટકે છે. સદગુણોમાં શિરમોર છે નમ્રતા. મહાભારતના શાંતિપર્વમાં પરાશર ઋષિ રાજા જનકને કહે છે:

બુદ્ધિમાનોમાં આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે અને આત્મજ્ઞાનીઓમાં પણ અહંકારરહિત વ્યક્તિ સર્વશ્રેષ્ઠ છે. મહાન પુરુષોની મહાનતા તેમની નમ્રતામાં રહેલી હોય છે. તેઓ પોતાની બુદ્ધિ, પ્રતિભા કે સફળતાનો દેખાડો કરતા નથી. તેમની નમ્રતા જ તેમને લોકોના હૃદયમાં અમર બનાવે છે.

કબીરદાસજી પણ કહે છે:

“ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ…
નીચા નીચા જો કોઈ ચાલે, તો સબસે ઊંચા હોય…”

નમ્રતાની અનેક કક્ષાઓ છે. પરંતુ સૌથી ઊંચી કક્ષા ત્યારે આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ વાંક વિનાના આક્ષેપો સામે પણ અહંકારથી જવાબ આપવાના બદલે સંબંધ બચાવવા માટે નમ્રતાથી માફી માંગે. આવી નમ્રતા જ હૃદય જીતી લે છે અને જીવનભર અવિસ્મરણીય છાપ છોડી જાય છે.

ચાલો, મહાન પુરુષોના પગલે ચાલીને નિતાંત નમ્રતા, ક્ષમા અને મોટા મનનો ગુણ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. કારણ કે મોટા બનવું સહેલું છે, પરંતુ મોટા મનના બનવું સાચી મહાનતા છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)