માણસનું જીવન એ માત્ર શ્વાસોચ્છવાસની અનંત પ્રક્રિયા નથી, પણ એક અખંડ
સાધના છે, જે ધીરજ અને સંયમના પાયા પર રચાયેલી છે. માણસ જ્યારે સંવેદનાના અતિરેકમાં વહી જાય છે અને જીવનના વહેણને એક નાનકડા આઘાત કે તિરસ્કારના ત્રાજવે તોળવા લાગે છે ત્યારે સમજવું કે એની અંદર રહેલી અડગતા ક્યાંક ક્ષીણ થઈ રહી છે.
ઈશ્વરે બક્ષેલી અણમોલ માનવકાયા કંઈ કાચનું પાત્ર નથી કે સહેજ ઠેસ વાગતાં ચકનાચૂર થઈ જાય. એ તો એવો લોઢું છે, જે જેટલું વધુ તપે, એટલું તેજસ્વી બને છે, પરંતુ આજે માણસ સંવેદનશીલતા અને ક્ષણિક આવેગોની દૌડમાં ક્યાંક ને ક્યાંક સહનશક્તિ ગુમાવી રહ્યો છીએ.
હવે એક સવાલ જાતને પૂછવાનો સમય આવી ગયો છેઃ શું આપણું અસ્તિત્વ એવું ક્ષણભંગુર છે કે પલકવારના દુઃખ સામે જીવન આખું હોમી દઈએ? એક કાંકરી મારતાં આખી ઈમારત તૂટી પડે એવા ચણતરને કેટલું મજબૂત ગણવું? એક જ વાર ધોવાથી કપડું ચડી જાય કે રંગ સાવ ઊતરી જાય તો એને કેટલું ટકાઉ ગણવું? એક પંખી બેસે અને ડાળ ભાંગી જાય તો એ ઝાડ કેટલું બરડ કહેવાય? આજના મૉડર્ન યુગમાં જીવતા માણસનાં જીવન પણ મહદ અંશે આવાં જ થઈ ગયાં છે.

આજે સમય એવો આવ્યો છે કે સંતાનોને અભ્યાસનું કહેતાં મા-બાપને ડર લાગે છે. એક કહેવત હતી કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ, પરંતુ આજે શિક્ષકથી થોડું વધારે કહેવાઈ જાય, માતા-પિતાથી ઠપકો અપાઈ જાય તો આજના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ મૃત્યુ વહાલું કરે છે, એના વિડિયો વાઈરલ થઈ જાય છે. વિદ્યાર્થીજીવન તો છોડો, સુખ-શાંતિભર્યાં ગૃહસ્થજીવન પણ સહેજ અમથી વાતમાં છૂટાછેડા અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે, સુખી સંસાર વેરવિખેર થઈ જાય છે.
‘દુર્લભો માનુષો દેહ’ અર્થાત્ અતિશય દુર્લભ એવા મનુષ્યદેહની કિંમત જણાવતાં અમેરિકન પ્રોફેસર મોરોવિટ્સ કહે છે કે, ‘આત્મા વગરના કેવળ મનુષ્યદેહની કિંમત 6000 ટ્રિલિયન ડૉલર છે’. શું અમુક વેણ, એકસ્માર્ટ ફોન ન મળ્યો જેવાં કારણ દુર્લભ માનવદેહને ટૂંકાવી દેવા માટે યોગ્ય છે? આવી રીતે રજનું ગજ કરવું યોગ્ય છે? થોડો વિચાર તો કરો. સજ્જનતા અને માનવતાથી સજ્જડ અને મજબૂત એવો ભવ્ય વારસો ભૂલી, અસંયમિત અને અનિયંત્રિત એવા જીવનમાં ફસાઈ રહ્યો છે આજનો માનવી. કડવા શબ્દો બોલાઈ ગયા, ખાવાનું ખૂટી પડ્યું, ખાવાનું સારું ન બન્યાની ફરિયાદ કરી, મોબાઈલ ન મળ્યો જેવા નાના નાના પ્રશ્નો માટે જીવન વેડફતાં પહેલાં સહેજ વિચારવું તો જોઈએને.

મહારાષ્ટ્રના એક ગામમાં થોડાક મશ્કરા યુવકોએ કોઈ મહાત્માનું મૂંડન કરી, એમના માથે ચૂનો ચોપડી, ગળામાં શાકભાજીનો હાર પહેરાવી ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફેરવ્યા. છતાં એમનું રૂવાડુંય ન ફરક્યું. એ તો ઘરે જઈ પત્નીને કહે કે, “જમવા માટે શાકભાજી આવી ગયાં, આપણાં લગ્ન વખતે ફુલેકું નહોતુ થયું તે આજે થઈ ગયું, માથાનો ખોડો પણ વગર ખર્ચે મટી ગયો.” એ મહાત્મા એટલે સંત તુકારામ. તેઓ આવું વર્તી શક્યા, કારણ કે તેઓના શાણપણયુક્ત વિચારો સ્પષ્ટ હતા.
મહેલમાં રહેનારને એકાદ દિવસ મચ્છર કરડે તો તે મહેલનો ત્યાગ નથી કરતો. ગાડીનાં વાઈપર ન ચાલતાં હોય તો કોઈ ગાડી નથી ફેંકી દેતું. તેમ આપણે પણ નાનીસરખી વાતનો શોરબકોર કરવાને બદલે વિચારપૂર્વક, જાત પર થોડો સંયમ કેળવી સાચા અર્થમાં જીવન જીવતાં અને માણતાં શીખીએ તો? એક અંગ્રેજી કાવ્યની પંક્તિ છેઃ આઈ કૅન ટેલ યુ હાઉ ટુ લિવ બટ ઈટ્સ અપ ટુ યુ ટુ લિવ ઈટ અર્થાત્ કેવી રીતે જીવવું તેનો બોધ હું આપું, પરંતુ કેમ જીવવું તેનો નિર્ણય તમારા હાથમાં છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




