આજે સમાચાર વાંચવામાં આવ્યા કે વર્ષ 2026નો ફિઝિયોલોજી અથવા મેડિસિન
(મેડિકલ/ન્યુરોસાયન્સ) ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ઑપ્ટોજેનેટિક્સ ક્ષેત્રે મહત્ત્વની શોધ કરવા બદલ સંયુક્ત રીતે ત્રણ વિજ્ઞાનીઓને એનાયત કરવામાં આવ્યો: અમેરિકાના કાર્લ ડાયસેરોથ, જર્મનીના પીટર હેગેમેન અને જર્મનીના જ જ્યોર્જ નાગેલ…

આ સમાચારની સાથે જ બીજા એક સમાચારનું સ્મરણ થઈ આવે છે, જેને નોબેલ પુરસ્કાર સાથે ગાઢ સંબંધ છે.
1888માં ફ્રાન્સના એક છાપાએ પહેલા પાને સમાચાર છાપ્યા: “ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલનું અવસાન.”
સમાચારને હેડિંગ આપ્યું કે, “ધ મર્ચન્ટ ઑફ ડેથ ઇઝ ડેડ” (The Merchant of Death Is Dead), અર્થાત્ “મોતના સોદાગરનું અવસાન.”
સમાચારમાં એવું પણ લખવામાં આવ્યું કે, “આલ્ફ્રેડ નોબેલ એ માણસ છે, જેણે ઓછા સમયમાં વધુ લોકોનાં મોત થાય એવો ડાયનામાઇટ બનાવીને અઢળક સંપત્તિ કમાઈ છે.”
હકીકતમાં આલ્ફ્રેડ નોબેલના ભાઈ લુડવિગ નોબેલનું અવસાન થયેલું. આ ગડબડ બદલ છાપાએ તો માફી માગી લીધી, પરંતુ જીવતાંજીવ પોતાના વિશે આવું નકારાત્મક લખાણ વાંચીને આલ્ફ્રેડ નોબેલને આઘાત લાગ્યો. એમને થયું કે દુનિયા તેમને આ રીતે યાદ રાખશે?
તરત જ એમણે પોતાની સંપત્તિનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થઈ શકે તેવાં કાર્યો પાછળ કરવાનો નિર્ણય લીધો. આ વિચારના પરિણામે એમણે 1895માં પોતાની વસિયત બનાવી, જેના આધારે વિવિધ ક્ષેત્રોમાં નોંધનીય પ્રદાન બદલ નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ.
સ્વીડનના સ્ટોકહોમમાં જન્મેલા વિજ્ઞાની આલ્ફ્રેડ નોબેલને આજે લોકો નોબેલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે.
કબીરજીનો એક દુહો છે:
“જબ તૂ આયા જગ મેં, લોગ હંસે તૂ રોયે, ઐસી કરની ના કરો, પીછે હંસે સબ કોયે.”
અર્થાત્ નવજાત શિશુ રડતું-રડતું પૃથ્વી પર આવે છે, પણ એનાં સગાં-સંબંધીઓ હસે છે, એના આગમનનો આનંદ મનાવે છે. કિંતુ જીવનમાં એવાં કાર્યો ન કરવાં કે વિદાય બાદ લોકો આનંદ મનાવે.

એક બાળકનો જન્મ થાય ત્યારે સૌથી વધુ આનંદ એનાં માતા-પિતા, સગાં-સંબંધીઓ અને મિત્રોને થાય છે, પરંતુ રડતું કોણ હોય છે? નવજાત શિશુ પોતે.
અને આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ ત્યારે આનાથી ઊલટું થવું જોઈએ. આપણને આનંદ થવો જોઈએ એ બાબતનો કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી એના કરતાં વધુ સારી દુનિયા છોડીને જઈ રહ્યા છીએ.
હા, જ્યારે તમારા મૃત્યુ પછી પણ તમારા માટે કોઈ રડે છે, યાદ કરે છે તો સમજી લો કે તમે હજુ જીવિત છો. એટલે જ જીવન એવું જીવવું કે આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે. સારી ભાવનાથી, નહીં કે ઘૃણાથી!
‘બીજાનું ભલું કરવું’, ‘બીજા માટે ઘસાવું’ આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સન્માનનીય બને છે, આદરણીય બને છે, સ્મરણીય બને છે.
પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે, ‘બીજાના સુખમાં આપણું સુખ.’ અને એ પ્રમાણે તેમણે લાખો લોકોના વ્યક્તિગત પ્રશ્નોમાં સ્વજનની પેઠે રસ લઈને એના ઉકેલ લાવી આપ્યા. લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ રોજ સેંકડો લોકોને મળતા રહ્યા, હજારો પત્રો લખતા રહ્યા.

એટલે જ આજે તેમના ધામગમનને દાયકો વીતી ગયો છતાં લાખો લોકો તેમને રોજ હૃદયપૂર્વક યાદ કરે છે.
લોકોનાં હૃદયમાં આપણી શાશ્વત સ્મૃતિ રહે તે માટે એક તત્ત્વચિંતક કહે છે, “ઇતિહાસ તપાસી જોજો. આજ સુધી કોઈ પણ વ્યક્તિનું સન્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું? પણ એણે દુનિયાને શું અને કેટલું આપ્યું, એટલા માટે કરવામાં આવ્યું હશે.”
જો આપણી ઇચ્છા હોય કે લોકો આપણને યાદ રાખે અને બધાનાં હૃદયમાં આપણું સ્થાન હોય તો બીજા લોકો માટે આપણે ભોગ આપવા તત્પર થઈએ. સમયનો ભોગ, શક્તિનો ભોગ, નિઃસ્વાર્થ સેવાનો ભોગ અને આપણાં કાર્યોથી સમાજને મદદરૂપ થવા માટે ભોગ આપીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




