એક નિષ્ફળતા આખી જિંદગીનું સરવૈયું નથી

શહેરના રમણીય ઉદ્યાનમાં એક નાનકડો છોડ એક ખૂણે ઊગેલો. સવારના પહોરમાં સૂર્યકિરણ ઝીલી હળવેથી ઝૂમતો, વરસાદનાં ટીપાંમાં ભીંજાતો અને પવન સાથે રમતો… બગીચાની મુલાકાત લેનારા રોજ એને જોતા, કોઈ એને પાણી આપતા અને કહેતાઃ “હજુ નાજુક છે, થોડા દિવસમાં મજબૂત થઈ જશે.”

એક દિવસ અચાનક જોરદાર પવન ફૂંકાયો. બગીચામાં ઊભેલાં મોટાં વૃક્ષો હલ્યાં, પાંદડાં ખર્યાં, ડાળીઓ ડોલી, પણ થોડા સમય પછી બધું ફરી શાંત થઈ ગયું. વૃક્ષો ફરી ઊભાં રહી ગયાં, પરંતુ પેલો નાનકડો છોડ એક ઝટકે વળી ગયો, થોડી વારમાં સુકાઈ પણ ગયો.

માણસનું જીવન પણ આજકાલ કંઈક આવું જ થઈ ગયું છે. મુશ્કેલીઓ પહેલાં કરતાં ઓછી નથી, પણ મનની મજબૂતી પહેલાં જેવી રહી નથી. નાનો ઠપકો, નાની નિષ્ફળતા, થોડું અપમાન, સંબંધમાં સહેજ તિરાડ અને આખું જીવન જાણે વેરવિખેર થઈ જાય છે.

સવાલ એ છે કે આપણે જીવનને જીવવા માટે ઊછરી રહ્યા છીએ કે હળવા ધક્કા-આંચકાથી તૂટી પડવા માટે? શું આપણું અસ્તિત્વ એવું ક્ષણભંગુર છે કે પળવારના દુઃખ સામે આખું આયખું હોમી દઈએ?

માણસનું જીવન એ માત્ર શ્વાસોચ્છવાસની અનંત પ્રક્રિયા નથી, પણ ધીરજ-સંયમના પાયા પર રચાયેલી અખંડ સાધના છે. માણસ જ્યારે સંવેદનાના અતિરેકમાં વહી જાય છે અને જીવનના વહેણને એક નાનકડા આઘાત કે તિરસ્કારના ત્રાજવે તોળવા લાગે છે ત્યારે સમજવું કે એની અંદર રહેલી અડગતા ક્યાંક ક્ષીણ થઈ રહી છે. ઈશ્વરે બક્ષેલી અણમોલ માનવકાયા કંઈ કાચનું પાત્ર નથી કે સહેજ ઠેસ વાગતાં ચકનાચૂર થઈ જાય. એ તો એવો લોઢું છે, જે જેટલું વધુ તપે, એટલું તેજસ્વી બને છે, પરંતુ આજે માણસ સંવેદનશીલતા અને ક્ષણિક આવેગોની દોડમાં ક્યાંક ને ક્યાંક સહનશક્તિ ગુમાવી રહ્યો છીએ.

હવે એક સવાલ જાતને પૂછવાનો સમય આવી ગયો છેઃ એક કાંકરી વાગતાં આખી ઈમારત તૂટી પડે એવા ચણતરને કેટલું મજબૂત ગણવું? એક પંખી બેસે ને ડાળ ભાંગી જાય તો એ ઝાડ કેટલું બરડ કહેવાય? હવે માણસનાં જીવન પણ મહદ અંશે આવાં જ થઈ ગયાં છે.

આજે સમય એવો આવ્યો છે કે સંતાનોને અભ્યાસનું કહેતાં મા-બાપને ડર લાગે છે. આપણા વડીલો એક કહેવત કહી ગયાઃ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ, પરંતુ આજે શિક્ષકથી જરા વધારે કહેવાઈ જાય, માતા-પિતાથી ઠપકો અપાઈ જાય તો બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ મૃત્યુ વહાલું કરે છે. વિદ્યાર્થીજીવન છોડો, સુખ-શાંતિભર્યાં ગૃહસ્થજીવન પણ સહેજ અમથી વાતમાં છૂટાછેડા અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે.

‘દુર્લભો માનુષો દેહ’ અર્થાત્ અતિશય દુર્લભ એવા મનુષ્યદેહની કિંમત જણાવતાં અમેરિકન પ્રોફેસર મોરોવિટ્સ કહે છે કે, ‘આત્મા વગરના માત્ર મનુષ્યદેહની કિંમત 6000 ટ્રિલિયન ડૉલર છે’.

શું અમુક વેણ, એક સ્માર્ટ ફોન ન મળ્યો જેવાં કારણ આવા દુર્લભ માનવદેહને ટૂંકાવી દેવા માટે યોગ્ય છે?

મહારાષ્ટ્રના એક ગામમાં થોડાક મશ્કરા યુવકોએ કોઈ મહાત્માનું મૂંડન કરી, એમના માથે ચૂનો ચોપડી, ગળામાં શાકભાજીનો હાર પહેરાવી ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફેરવ્યા. છતાં એમનું રૂવાડુંય ન ફરક્યું. એ તો ઘરે જઈ પત્નીને કહે કે, “જમવા માટે શાકભાજી આવી ગયાં, આપણાં લગ્ન વખતે ફુલેકું નહોતુ થયું તે આજે થઈ ગયું, માથાનો ખોડો પણ વગર ખર્ચે મટી ગયો.”

એ મહાત્મા એટલે સંત તુકારામ. તેઓ આવું વર્તી શક્યા, કારણ કે તેઓના શાણપણયુક્ત વિચારો સ્પષ્ટ હતા.

મહેલમાં રહેનારને એકાદ દિવસ મચ્છર કરડે તો તે મહેલનો ત્યાગ નથી કરતો. ગાડીનાં વાઈપર ન ચાલતાં હોય તો કોઈ ગાડી નથી ફેંકી દેતું. તેમ આપણે પણ નાનીસરખી વાતનો શોરબકોર કરવાને બદલે વિચારપૂર્વક, જાત પર થોડો સંયમ કેળવી સાચા અર્થમાં જીવન જીવતાં અને માણતાં શીખીએ તો? જગતમાં એવી કોઈ સમસ્યા નથી જે સામસામે બેસીને વાતચીતથી ન સુલઝાવી શકાય.

એક અંગ્રેજી કાવ્યની પંક્તિ છેઃ આઈ કેન ટેલ યુ હાઉ ટુ લિવ બટ ઈટ્સ અપ ટુ યુ ટુ લિવ ઈટ અર્થાત્  જીવન કેવી રીતે જીવવું તેનો બોધ હું આપી શકું, પરંતુ કેમ જીવવું તેનો નિર્ણય તમારા હાથમાં છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)