ઘરના ડ્રોઇંગરૂમથી લઈને ડાઇનિંગ ટેબલ સુધી… આજના સમયમાં સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ છે પેઢીનું અંતર.
વાલીઓ અવારનવાર પોતાના અનુભવના આધારે સંતાનો પર વિચારો થોપવાનો પ્રયત્ન કરે છે, પણ જેન-ઝી તરીકે ઓળખાતી આ પેઢીની સમયને અનુરૂપ પસંદગી અને માનસિકતાને સમજવાનો સેતુ રચાતો નથી. નાની-નાની અસમજણો સમય જતાં મોટી ખાઈ બની જાય છે અને સંતાનો માતા-પિતા સાથે દિલ ખોલીને વાત કરવાને બદલે પોતાના જ વિશ્વમાં સીમિત થઈ જાય છે.
આપણી ભાષાનો એક સરસ શબ્દ છે : પરસ્પર સમજૂતી.
શનિવાર, 31 ઓક્ટોબરે જેમની જન્મજયંતી ઊજવાઈ એ સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ છે.
એમના પૌત્ર બિપિને અમેરિકાથી આવીને દાદાજીને, એટલે કે વલ્લભભાઈને, મળવા જવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બિપિનના પિતા ડાહ્યાભાઈએ તેને કહ્યું, ‘તું આવાં મિલમાં બનેલાં કપડાં પહેરીને જઈશ તો એમને કેવું લાગશે? એ તો ખાદીનાં વસ્ત્રોના આગ્રહી છે.’

પરંતુ બિપિને એમની વાત ગણકારી નહીં અને એ વલ્લભભાઈ પાસે પહોંચી ગયો. સરદારની સંભાળ રાખતાં તેમનાં પુત્રી અને બિપિનનાં ફોઈ મણિબહેન પણ ખિજાયાં, ‘આવાં કપડાં પહેરીને દાદા પાસે જઈશ તો એ વઢશે.’ પણ બિપિને એમની વાત પણ કાને ન ધરી.
સરદારની ચકોર નજરે બિપિનનાં મૉડર્ન કપડાંની નોંધ લઈ લીધી. હવે બિપિનને જરા બીક લાગી, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સરદાર આ બાબતે કંઈ જ ન બોલ્યા.
મણિબહેને એનાં વિદેશી કપડાં અંગે ટકોર કરી તો સરદારે શાંતિથી કહ્યું, ‘બિપિન હવે નાદાન બાળક નથી કે આપણે એને સમજાવવો પડે. એને શ્રદ્ધા હોય તો ખાદી પહેરે… ન પહેરે તો એમાં વળી શું મોટી વાત છે? પરાણે ખાદી પહેરવાનો અર્થ નથી.’
તે પછી બિપિને ખાદી પહેરવાની શરૂ કરી કે નહીં, એ લખીને વાત લંબાવવાનો અર્થ નથી, પણ મૂળ વાત છે પરસ્પર સમજૂતી. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. બાળપણમાં જે સંતાન માતા-પિતાથી જુદું પડતાં હીજરાતું, એ જ સંતાન એમની સાથે વાત કરવામાં પણ નામરજી બતાવવા માંડે, મિત્રો સાથે કલાકો સુધી ગપ્પાં મારે, પણ વાલી સાથે જરૂર પૂરતી પણ વાત નથી કરતું.

આમ થવાનું કારણ શું? સંતાનોને એવું લાગે છે કે વાલીઓ અમને સમજતા જ નથી. પરિણામે ખાઈ વધુ ને વધુ ઊંડી થતી જાય છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને એક વાર અમદાવાદમાં કેટલાક કિશોરો આવ્યા. તેમાંના એકે કાનમાં બૂટિયાં પહેર્યાં હતાં, તેથી તે વિચિત્ર લાગતો હતો.
કિશોરના વડીલે સ્વામીશ્રીને કહ્યું, ‘જુઓને, આ બૂટિયાં પહેરે છે. કેવો લાગે છે?’ સ્વામીશ્રી કહે, ‘કેમ, એમાં શું વાંધો છે? તમને આ વિચિત્ર લાગે છે, પણ પહેલાં તો ચરોતરમાં અને બધે પહેરતા હતા. ’સ્વામીશ્રી પોતાના પક્ષમાં હતા એટલે યુવક રાજી થયો. એવામાં પેલા વડીલે ફરી પૂછ્યું, ‘એટલે પહેરી રાખે તો વાંધો નહીંને?’
ત્યારે સ્વામીશ્રી કહે, ‘આપણે પહેરી રાખીએ, પણ એ લૂંટવા ચોર કાન ચીરી નાખે એવું ઘરેણું શા કામનું?’ એમની વાણીમાં આગ્રહ નહોતો, પણ કેવળ એક સમજણ હતી. આ સાંભળીને પેલા કિશોરે તરત ઇયરિંગ્સ કાઢી નાખ્યાં. પરસ્પર આદર અને પરસ્પર સમજૂતી વિના કોઈની મરજી ન હોય છતાં તેની પાસે કંઈ કરાવવામાં ભલીવાર ન આવે.

આનો અર્થ એ નહીં કે દરેક વાતે અનુકૂળ થઈ જ જવું. જરૂર પડ્યે સંતાનોને ટોકવાં, પણ તે પહેલાં સંતાનો સાથે સ્નેહતંતુથી જોડાઈ જવું. સ્નેહ એવો હોવો જોઈએ કે સંતાનો પોતાના અવિચારી નિર્ણયો છોડીને તમે કહો તેમ અનુસરવા તૈયાર થઈ જાય. અને આ વાત માત્ર સંતાનો પૂરતી જ સીમિત નથી. બીજાને સમજતાં શીખીએ, સ્નેહપૂર્વક સમજાવતાં અને અનુકૂળ થતાં શીખીએ. બીજાને સમજતાં શીખીશું તો બને કે તમને લોકો સાથે જે સમસ્યા હોય તે આપોઆપ દૂર થઈ જાય. કંઈકેટલાય સંબંધો આ જ રીતે સચવાઈ જશે અને બગડ્યા હોય તો સુધરી જશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






