સાધનાનું સાતત્ય : સફળતાનો શાશ્વત નિયમ

માલ્કમ ગ્લેડવેલ એ કેનેડિયન પત્રકાર, લેખક તથા પ્રવચનકાર છે. એમનાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા વર્ષ પહેલાં પ્રકાશિત થયેલું માલ્કમનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું. આ પુસ્તકમાં એમણે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોનાં જીવનનો અભ્યાસ કરીને એનો નિચોડ આપ્યો છે. ખાસ તો, આ સફળ લોકો સફળ થયા કેવી રીતે અથવા એમની સફ્ળતાનું રહસ્ય. આ માટે એમણે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ આપ્યો છે. અર્થાત્

10,000 કલાકનો નિયમ એટલે કોઈ પણ કળા, કૌશલ્ય કે વેપારમાં વૈશ્વિક સ્તરની નિપુણતા પ્રાપ્ત કરવી હોય તો અંદાજે 10,000 કલાકની સભાન અને સઘન સાધના અનિવાર્ય છે. માલ્કમે આ તર્કને પુષ્ટિ આપવા ધ બીટલ્સે હેમ્બર્ગમાં આપેલા અવિરત કાર્યક્રમો અને બિલ ગેટ્સના પ્રારંભિક જીવનમાં પ્રોગ્રામિંગ પાછળ ખર્ચેલા અગણિત કલાકો જેવાં ઉદાહરણ આપ્યાં છે. માલ્કમ કહે છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી માસ્ટર ક્રિમિનલ્સ જે કોઈ નિષ્ણાત થયા છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે. જો કે કોઈએ એવી દલીલ પણ કરી કે, માત્ર કલાકોની ગણતરી પૂરતી નથી, પરંતુ એ કલાકો દરમિયાન કરવામાં આવેલી સભાન સાધના (ડેલિબરેટ પ્રેક્ટિસ) સાચા કૌશલ્યનું ઘડતર કરે છે.

મૂળ વાત છેઃ સાધના અથવા સાધનાનું સાતત્ય. માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.

પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.

વિદ્યાનગરમાં ગણિતના ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, આપની સફ્ળતાનું રહસ્ય શું છે? તો ઉત્તરમાં તેમણે જણાવ્યું, 20 વર્ષ સુધી સતત દિવસના 18 કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફરવા જવાનું નહીં. તો વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના.

મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસભર એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય. વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે બાકીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સાવ સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. આવા અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે.

આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)