વર્ષ હતું 1963. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના રસ્તા પર લાખો લોકોનો માનવમહેરામણ ઊમટ્યો હતો.
અડગ વિશ્વાસ સાથે માર્ટિન લુથર કિંગ જુનિયર કામચલાઉ સ્ટેજ પર આવ્યા. પિનડ્રૉપ સાઇલન્સ વચ્ચે એમનો અવાજ ગુંજ્યો: “મેં એક સપનું જોયું છે! આઈ હૅવ અ ડ્રીમ!”
માર્ટિન લુથર કિંગ જુનિયર અમેરિકામાં નાગરિક અધિકારો માટે ગાંધીચીંધ્યા માર્ગે ચળવળ ચલાવતા પાદરી હતા. તેમણે 1950 અને 1960ના દાયકામાં અમેરિકામાં અશ્વેતો સામે થતા રંગભેદ, અસમાનતા અને અન્યાય સામે અહિંસક લડત ચલાવી હતી. જ્યાં રંગભેદ ન હોય એવા સમાન સમાજનું સપનું રજૂ કરતું 1963માં વૉશિંગ્ટન ખાતે એમણે આપેલું ‘આઈ હૅવ અ ડ્રીમ’ ભાષણ પ્રખ્યાત છે. અહિંસાના માર્ગે માનવ અધિકારો માટે લડવા બદલ તેમને ૧૯૬૪માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માર્ટિન લુથર પાસે અસ્ત્ર-શસ્ત્ર નહોતાં, માતબર નાણાભંડોળ નહોતું. હતી તો માત્ર ભવિષ્યની એક સ્પષ તસવીર: એક સપનું, એક વિઝન! એ વિઝન એટલું પ્રભાવશાળી હતું કે એણે સદીઓથી ચણાયેલી રંગભેદની દીવાલોને ધ્વસ્ત કરી નાખી.
ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં કોઈ પણ મહાન પરિવર્તન કે વિરાટ કાર્યની શરૂઆત ઈંટ-સિમેન્ટથી નહીં, પરંતુ મનમાં ચમકી ગયેલા એક દિવ્ય પ્રકાશ એટલે કે વિઝનથી, એટલે કે દૂરંદેશીથી થાય છે. વિઝન મહાન હોય ત્યારે પરિણામો પણ અદ્ભુત આવે છે.

લોખંડી પુરુષનું બિરુદ પામનાર સરદાર વલ્લભભાઈ પટેલનું વિઝન હતું કે ભારત એક અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં-નાનાં રજવાડાંને ભારતીય સંઘમાં ભળી જવા સમજાવવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી. દેશ-દુનિયાના મહાન પુરુષોએ ઇતિહાસ સર્જ્યો તેનું એક કારણ તેમની દૂરંદેશી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા સ્વાતંત્ર્યસેનાનીઓની દૂરંદેશીના પરિણામે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં આ જ સત્યને બહુ સચોટ રીતે નોંધ્યું છે: “હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. એમનામાં અસાધારણ શક્તિ-ક્ષમતા હોવા છતાં તેઓ એ શક્તિનાં યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા. આનું એક કારણ એ છે કે તેમની પાસે દૂરંદેશી નથી, મનના સંકલ્પોનું સુસ્પષ્ટ ચિત્ર નથી. શું કરીશ? શું થશે? ફેઇલ જઈશ તો? જેવા વિચારોમાં અટવાઈને યુવાની વેડફી નાખે છે.”
વર્ષો પહેલાં ચીનના સ્પૉર્ટ્સ કમિશનના ચૅરમૅન માઓ ઝેદોન્ગે નક્કી કર્યું કે ઑલિમ્પિક્સની બધી જ રમતોમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ વિઝન સાથે તેમણે બાસ્કેટબૉલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીની ઊંચાઈ છ ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે, જ્યારે ચીનની પ્રજાનાં શરીરનું બંધારણ જ ઠીંગણા કદનું છે. તો શું કરવું?

આના ઉપાયરૂપે માઓ ઝેદોન્ગે ચીનમાં સૌથી ઊંચું કદ ધરાવતી એક કન્યા ફેંગ ઝ્ડગીને પસંદ કરી. 15 વર્ષની એ છોકરીને દેશ માટે બાસ્કેટબૉલ રમવાનું કહ્યું. ફેંગે પ્રૅક્ટિસ શરૂ કરી. તે 28 વર્ષની થઈ ત્યારે સ્પૉર્ટ્સ કમિશને એનાં લગ્ન ચીનના સૌથી ઊંચા પુરુષ સાથે કરાવ્યાં.
12 સપ્ટેમ્બર, 1980ના રોજ ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. એનું નામ: યાઓ મિંગ. જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પળે ચીનના સ્પૉર્ટ્સ કમિશનના વડાએ કહ્યું, “આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા.”
એ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડાસાત ફૂટ. યાઓ મિંગે બાસ્કેટબૉલમાં અનેક મેડલ મેળવ્યા અને ઑલિમ્પિક્સમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય દૂરંદેશી. કોઈ પણ કાર્ય માટે જ્યારે એક વિઝન અથવા લક્ષ્ય નક્કી કરવામાં આવે છે ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે. આગળ જતાં આ જ શક્તિ આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ બની જતી હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વર પ્રાપ્ત થાય છે.

અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જૅક વેલ્ચ કહે છે, “સારા નેતા એક લક્ષ્ય નક્કી કરે છે, એને સ્પષ્ટ કરે છે, પછી ખંતપૂર્વક એને પાર પાડીને જ જંપે છે. ખરેખર, વ્યક્તિ માત્રએ નક્કી કરેલું લક્ષ્ય કે એની દૂરંદેશી તેને સફળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.” માટે જ, યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે વિઝન નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મુહૂર્ત ચૂકી જવાશે. ખલાસી ભરતીની તક લઈને હોડી પાણીમાં તરતી મૂકે છે. જો એક ભરતી ચૂક્યો તો પૂરા ચોવીસ કલાકની રાહ જોવી પડે. માટે જ, હિંમત રાખો, મજબૂત બનો, એક વિઝન સાથે પુરુષાર્થ કરવા મંડી પડો. યાદ રહે, તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






