આવતી કાલથી એટલે પચીસ જુલાઈથી શિવજીની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે. આ સાથે શરૂ થશે ચર્ચા, શંકા-કુશંકાઃ ઉપવાસ, એકટાણાંથી શું થાય? શું ફળ મળે? શું ફાયદો થાય?
આ વાત હમણાં બાજુએ રાખી ને એક ઉદાહરણ જોઈએઃ ધારો કે તમારી સોસાયટીમાં વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. એ વખતે તમે શું કરો? રિપૅર કરવાની ટ્રાય કરશો, વીજકંપનીને ફોન કરશો? કે પછી બીજાની પણ ગઈ છે કે નહીં એ ચેક કરીને વૉટ્સેપમાં બિઝી થઈ જશો?
વિવિધ દેશમાં અચાનક અંધારું થઈ જવાની ઘટનાનું ઍનાલિસીસ કરીએ તો સૌથી પહેલા અમેરિકાવાળાનો બિનધાસ્ત અભિગમ સામે આવશે. એ લોકો સીધો કંપનીને ફોન કરીને સ્ટાફને ખખડાવશેઃ લાઈટ ગઈ જ કેમ? કોઈ વળી કેસ કરવાની ધમકી આપેઃ 22 મિનિટ ઈલેટ્રિસિટી ખોરવાઈ ગઈ એમાં મને બે લાખનું નુકસાન થઈ ગયું. જપાનીઓ ઝાઝી માથાકૂટ કરવાને બદલે જાતે રિપૅર કરી નાખશે.
આ બાબતમાં આપણે નસીબદાર છીએ. બહુ મગજમારી કરવાની નહીં. બધાની આવશે ત્યારે આપણી આવશે. આ અટિટ્યૂડ સારો છે, પણ આવો ચાલ્યા કરેવાળો અટિટ્યૂડ પ્રગતિમાં સ્પીડબ્રેકર બની શકે. અંગ્રેજીમાં જેને લેઈડબૅક અટિટ્યુડ કહે છે એનાથી પ્રગતિ ન થાય. આપણો અટિટ્યૂડ, અંધારું ચલાવી જ ન લેવાય એવો હોવો જોઈએ. અંગ્રેજીનો અટિટ્યૂડ કે ગુજરાતીમાં અભિગમ એ ચાર અક્ષરનો શબ્દ છે, જે જીવનમાં બહુ મોટો ફેર લાવી શકે છે.
-અને જીવનમાં અટિટ્યુડ માત્ર પોઝિટિવ જ નહીં, પણ મોટો રાખવો જોઈએ. સાથે સાથે નબળા વિચાર પણ નહીં રાખવાના. હંમેશાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જવું, ઍડજસ્ટમેન્ટ કરી લેવાનો અટિટિયુડ રાખવો. પાણીનો અટિટ્યુડ તમે જોયો હશેઃ જેવું વાસણ એવો આકાર ધારણ કરી લે. ગ્લાસ હોય, બાલદી હોય કે બૉટલ હોય. જેમાં રેડવામાં આવે એવો શેપ એ ધારણ કરી લે.
એમ કહેવાય છે કે ઍડજસ્ટમેન્ટ ઈઝ લાઈફ. કૉમ્પ્રોમાઈઝ ઈઝ લાઈફ… ઍડજસ્ટમેન્ટ ઍન્ડ કૉમ્પ્રોમાઈઝ ઈઝ અટિટ્યુડ ઑફ લાઈફઃ પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાનો અને સમાધાન કરી લેવાનો અભિગમ રાખવો. કેમ કે હંમેશાં આપણે ધારીએ એમ જ થાય એ જરૂરી નથી. બીજા શબ્દોમાં, દુનિયા આપણા હિસાબે ચાલે એ જરૂરી નથી.
ઘણાનો અટિટ્યૂડ જક્કી હોય છે. “આજે મિટિંગમાં મેં અમારા બાયરને (ક્લાયન્ટને) ચોખ્ખું કહી દીધું કે અમારી ટર્મ્સ-કન્ડિશન સાથે સંમત થતા હો તો જ આપણે વાત કરીએ, નહીંતર આપણી ચર્ચા અહીં પૂરી થાય છે.”
દુનિયાની મહાન વ્યક્તિઓ આવો અટિટ્યૂડ રાખીને મહાન નથી બની. મહાન વ્યક્તિઓનો સક્સેસ મંત્ર હોય છેઃ સીએમપી અર્થાત્ કૉમન મિનિમમ પ્રોગ્રામઃ “થોડું મારું રાખું છું, થોડું જતું કરું છું… તમે પણ તમારું થોડું રાખીને, થોડું જતું કરો. એક કૉમન પ્લૅટફૉર્મ પર આવીએ, એક વચલા રસ્તા પર ભેગા મળીએ, સાથે મળીને કામ કરીએ, નક્કર પરિણામ લાવીએ.”
આવો અટિટ્યુડ રાખીને કામ કરશો, આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે. જક્કી વલણ અથવા બીજાનું ન સાંભળવાનો અભિગમ ડેવેલપમેન્ટની આડે આવતો મોટો અવરોધક છે.
હવે શ્રદ્ધાની વાત, શ્રાવણ માસની વાત. તો હું તમને એટલું જ કહીશ કે તમે પ્રોફેશનલી ભગવાનમાં માનો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી, ઉપવાસ કરવાથી ચમત્કાર થશે, ધન-સમૃદ્ધિ મળશે, સ્વર્ગ, મોક્ષ મળશે એ બધાંની હમણાં આપણે વાત નથી કરતા. બસ, પ્રોફેશનલી શ્રદ્ધા રાખો. આપણાં પુરાણો, શાસ્ત્રો પ્રત્યે આસ્તિકભાવ રાખવો એ પણ એક અટિટ્યુડ છે.
અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં થયેલા એક સંશોધનનાં તારણ કહે છે કે દરરોજ ભગવાનની સામે પૂરી આસ્થાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી ઑસ્ટિયોપોરોસીસની સમસ્યા દૂર રહે છે, ભગવાનના નામસ્મરણથી યાદશક્તિ તેજ થાય છે, આત્મવિશ્વાસ વધે છે. જપ-જાપ, નામસ્મરણ તમને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે. આ હું નહીં, પણ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં વિવિધ વયજૂથનાં સ્ત્રી-પુરુષો પર થયેલા અભ્યાસનાં તારણ કહે છે. આવા તો અનેક વૈજ્ઞાનિક ફાયદા આપણા ધર્મ-નિયમના છે.
ટૂંકમાં, ભગવાન જ કર્તાહર્તા છે, જગતનિયંતા છે એવો પોઝિટિવ અટિટ્યુડ રાખશો તો શારીરિક-માનસિક શાંતિ રહેશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
