સંસારમાં કેટલીક વ્યક્તિઓ વસ્તુનિષ્ઠ હોય છે, કેટલાક લોકો વ્યક્તિનિષ્ઠ હોય છે, તો કેટલાક લોકો મૂલ્યોમાં નિષ્ઠા રાખે છે. પરંતુ પ્રભુનિષ્ઠ વ્યક્તિ માટે સંસારમાં પરમાત્માથી વધીને કોઈ બીજું આકર્ષણમૂર્ત હોતું નથી. પ્રભુમાં નિષ્ઠા રાખવા કરતાં અન્ય વ્યકિતઓમાં નિષ્ઠા રાખવી સહેલી છે. પ્રભુનિષ્ઠ વ્યક્તિને પરમાત્મા એક ચુંબકની જેમ ખેંચે છે. તેમના આ ગુણને લીધે તેમનું એક નામ કૃષ્ણ (નિરાકાર ભગવાનને કૃષ્ણ પણ કહેવાય, કારણકે તેઓ પવિત્ર આત્માઓને ખેંચે છે.) પણ છે. તેઓ આપણને ઇન્દ્રિયોના આકર્ષણથી ઉપરામ અતીન્દ્રિય સુખમાં રમણ કરાવે છે. આવી અશરીરી અવસ્થામાં આત્મા તથા પરમાત્માના મિલનથી આધ્યાત્મિક શક્તિ પ્રવાહીત થાય છે. તાર ઊપર ચઢેલ આવરણની જેમ શરીરનો પણ કોઈ અર્થ નથી.
દેહ એક આવરણનું કામ કરે છે. પરંતુ ઈશ્વરીય શક્તિઓનો આત્મામાં પ્રવાહ થાય તેના માટે શરીરનો કોઈ હસ્તક્ષેપ નથી. કર્મેન્દ્રિયો પોતાનું કામ કરે છે અને ચૈતન્ય આત્મા પોતાનું ચિંતન. જેવી રીતે થર્મોસના બે આવરણની વચ્ચે રહેલ હવા બહારના વાતાવરણની અસર અંદર નથી થવા દેતી, એવી જ રીતે આત્માની ચારે બાજુ ઈશ્વરીય શક્તિઓનો ઘેરાવ કર્મેન્દ્રિયોના વિવિધ પ્રભાવને આત્મા સુધી પહોંચવા દેતો નથી. બે યુગો સુધી ઇન્દ્રિયોના આકર્ષણથી ટેવાયેલ આત્મા માટે સૌથી મોટી દવા પરમાનંદ જ છે. જે પુરુષોત્તમ સંગમયુગની સૌથી મોટી પ્રાપ્તિ છે.
સંસારની રચનામાં ત્રણ શક્તિઓ પરમાત્મા, આત્મા અને પ્રકૃતિની જ મૂળ ભૂમિકા છે. પરમાત્મા પિતા સત-ચિત્ત- આનંદ સ્વરૂપ છે. આત્મા સત ( અવિનાશી) તથા ચિત્ત છે. અને પ્રકૃતિને ફક્ત સત (અવિનાશી) માનવામાં આવે છે. પ્રકૃતિ પોતાના પાંચ તત્વો સહિત આત્માને જીવનનો આધાર આપે છે. આ પાંચમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ મનુષ્ય જીવન માટે મુશ્કેલી ઉભી કરે છે. થોડા વર્ષો પહેલા ગુજરાત, રાજસ્થાન તથા ભારતના અમુક પ્રદેશોમાં પણ ભયંકર ભૂખમરાની અસર જોવા મળી હતી. રાજસ્થાન તો અનાજ, પાણી ઘાસચારાની અછતના કારણે ખૂબ વ્યાકુળ થયું. બે-ત્રણ વર્ષો સુધી વાદળો દ્વારા અંગુઠો બતાવવાનું પરિણામ એ આવ્યું કે, જમીન ઉપરના પાણીના સ્ત્રોત સુકાઈ ગયા. તથા જમીનમાં પાણીનું લેવલ ખૂબ જ નીચે જતું રહ્યું. પાણીની તંગીના કારણે પશુ, પક્ષી તથા માણસોના મૃત્યુ થવા લાગ્યા. દૂર દૂર સુધી રાજસ્થાનની ધરતી પર ફેલાયેલ અરવલ્લી પર્વતો ઉપર સુકાયેલ વૃક્ષોની વચ્ચે એક પણ લીલા પાંદડાના દર્શન દુર્લભ થઈ ગયા. સુમસામ સડકો તથા ઉજ્જડ ખેતરો, સ્મશાનમાં શાંતિ લપેટાયેલ નજર આવવા માંડી. આ તમામ ચહલ-પહલ, ઉમંગ- ઉત્સાહ પાણીના પ્રશ્નમાં ગુચવાઈ ગયા.
ભૌતિક જીવન માટે જે પ્રકારે પાણી તથા અન્ય પ્રાકૃતિક તત્વોની જરૂરિયાત છે તેવી જ રીતે માનવીના આધ્યાત્મિક અસ્તિત્વને બનાવી રાખવા માટે સત્ય તથા સત્યની અનુભૂતિ અને ધારણા પણ અતિમહત્વ પૂર્ણ છે. પરમપિતા પરમાત્મા શિવ દ્વારા ઉચ્ચારાયેલ સત્ય જ્ઞાનના આધારે આપણે જાણીએ છીએ કે, ચક્રના ચાર યુગોમાં પહેલા બે યુગ સતયુગ અને ત્રેતાયુગમાં દરેક મનુષ્ય દૈવી ગુણની ધારણાઓથી સંપન્ન હોય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
