શું કોઈ પણ વ્યક્તિ પ્રાણપ્રતિષ્ઠિત સ્થળ બનાવવાનું શીખી શકે? સદ્ગુરુ સમજાવે છે કે પોતાને પ્રતિષ્ઠિત કર્યા વિના તમે બીજી કોઈ વસ્તુને પ્રતિષ્ઠિત કરી શકતા નથી.
પ્રશ્ન: શું તમે અમને સમજાવી શકો કે વસ્તુઓમાં ઊર્જાનો સંચાર કેવી રીતે કરવો અને કોઈ સ્થળને પ્રાણપ્રતિષ્ઠિત કેવી રીતે કરવું, તેનું જ્ઞાન તમને કેવી રીતે પ્રાપ્ત થયું? શું તમે જન્મથી જ આ ક્ષમતા ધરાવતા હતા કે સમય જતાં તે શીખ્યા છો? શું હું પણ આ શીખી શકું?

સદ્ગુરુ: અમે અમારા કાર્યક્રમોમાં તમને જે શીખવીએ છીએ, તે એક એવી પદ્ધતિ છે, જેના દ્વારા તમે ધીમે ધીમે પોતાને પ્રતિષ્ઠિત કરી શકો છો. જો તમે પહેલાં પોતાને પ્રતિષ્ઠિત નહીં કરો, તો બીજી કોઈ વસ્તુને પવિત્ર કેવી રીતે કરી શકશો?
તમે પોતે જે નથી, તે તમે જીવનમાં બીજાને આપી શકતા નથી. તમે તેનો દેખાવ કરવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ તેનાથી કંઈ વળવાનું નથી. જો તમે કોઈ ચોક્કસ ગુણ કે ઊર્જાનો સંચાર કોઈ વસ્તુ અથવા વ્યક્તિમાં કરવા સક્ષમ બનવા માંગતા હો, તો પહેલાં તમારે પોતે તે ગુણ કે ઊર્જાથી સભર બનવું જરૂરી છે. જે તમારી અંદર ઘટિત થઈ રહ્યું નથી, તે તમે બહારની દુનિયામાં સર્જી શકતા નથી.
આ સંસ્કૃતિમાં સાધના કરનારા લોકોને, જો તેઓ કોઈ આંતરિક અસંતુલન કે વ્યાકુળતાની સ્થિતિમાં હોય, તો થોડા સમય માટે પોતાની પ્રવૃત્તિઓમાંથી પાછા હટી જવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તમારી અંદરની અવ્યવસ્થા દુનિયામાં ફેલાય એવું ન થવું જોઈએ. સૌપ્રથમ હું ઇચ્છું છું કે તમે પોતે પ્રતિષ્ઠિત થાઓ.

એક રીતે જોઈએ તો માત્ર મૂર્તિઓ, સ્વરૂપો કે સ્થળોને પ્રતિષ્ઠિત કરવાં એ આદર્શ બાબત નથી. તેના કરતાં મનુષ્ય પોતે પ્રતિષ્ઠિત થાય એ વધુ સરળ અને શ્રેષ્ઠ છે. પરંતુ સમસ્યા એ છે કે લગભગ અઠ્ઠાણું ટકા લોકો થોડીક મિનિટો માટે પણ પોતાની પ્રાથમિકતાઓ એકસરખી રાખી શકતા નથી. જે લોકો સતત યુ-ટર્ન લેતા રહે છે, તેઓ સ્પષ્ટપણે કોઈ નિશ્ચિત મુકામે પહોંચવાનો ઇરાદો ધરાવતા નથી.
અત્યારે તમે અહીં ઈશા યોગ કેન્દ્રમાં છો. તમે જાણતા હો કે ન જાણતા હો, આદિયોગીની ઊર્જા તમારા અસ્તિત્વમાં પ્રવેશી રહી છે. અહીં આદિયોગી આલયમમાં આવેલા લિંગનો સંદર્ભ છે. આજે તમે પ્રાણપ્રતિષ્ઠિત સ્થળો વિશે વાત કરી રહ્યા છો. હવે જોઈએ કે તમે આ ઇચ્છા અને સંકલ્પને કેટલા લાંબા સમય સુધી જાળવી શકો છો. જો તમે કોઈ વસ્તુને પ્રાણપ્રતિષ્ઠિત કરવા માંગતા હો, તો સૌપ્રથમ તમારે પોતે એક જીવંત મંદિર બનવું પડશે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.






