સદગુરુ: લોકો તેમના જીવનમાં જે કંઈપણ મહત્વાકાંક્ષા રાખે – પછી તે વ્યવસાય વિકસાવવાની હોય, ઘર બનાવવાની હોય કે અન્ય કઈ પણ હોય – એક વિચાર: “હું આ ઈચ્છું છું” ઉદભવે છે. એક વખત આ વિચાર આવે, ત્યાર પછી મોટા ભાગનાં લોકો કાર્ય થકી તે ચીજ પર તેમની ઊર્જા કેન્દ્રીત કરે છે અને તેના પર કામ કરવાનું શરૂ કરી દે છે. જો તે કાર્ય પૂરતું મર્મભેદી હોય, તો તેમનો વિચાર વાસ્તવિકતા બની જાય છે. વિશ્વમાં સામાન્યપણે લોકો આ રીતે કામ કરતાં હોય છે.
જોકે, તમારી ઊર્જામાં, ભૌતિક શરીરથી પર અમુક ગતિશીલતા હોય, જો ગતિશીલતા એક સભાન પ્રક્રિયા બની જાય, તો તમે એક સ્થળે બેસી શકશો અને તમારી ઊર્જાઓને અન્યત્ર મોકલી શકશો. પરંતુ, જો તમે તમારી જીવન ઊર્જાઓ પર પૂરતું પ્રભુત્વ મેળવ્યા વિના આમ કરશો, તો ઊર્જાઓને તમારામાં પરત કેવી રીતે લાવવી તે તમે નહીં જાણી શકો. આ રીતે તમે તમારૂં જીવન ગુમાવી શકો છો.
મોટાભાગનાં લોકોની મહત્વાકાંક્ષાઓ અસ્થિર હોય છે. પણ જો કોઈ વ્યક્તિ કોઈ બાબતે અત્યંત પ્રબળ મહેચ્છા સેવે, તો તે યુવાન વયે મૃત્યુ પામે છે, પછી તેની મહેચ્છા સાકાર થાય કે ન થાય ખાસ કરીને જો તે સાકાર થાય, તો તેઓ અકાળે મૃત્યુ પામે છે, કારણ કે જીવન ઊર્જાને બહાર ફેંકતાં તેમને આવડે છે, પરંતુ કાર્ય કરીને પરત ફરવા માટેની પૂરતી નિપુણતા તેઓ નથી ધરાવતાં.
વિચાર સ્વયં એક પરાવર્તન, એક ઊર્જા છે. તમે ઊર્જા વિના વિચાર ઉત્પન્ન કરી શકો નહીં. બસ, વાત કેવળ એટલી છે કે તે આકસ્મિક રીતે આકાર પામે છે, તેથી તે સ્વયંને સ્પષ્ટ કરવા માટે પૂરતી ઊર્જાનો અભાવ ધરાવે છે. તમે તમારી વિચાર પ્રક્રિયામાં એટલી બધી ઊર્જા ઉત્પન્ન કરી શકો છો કે તમે કોઈ વ્યક્તિને મારી શકો. જ્યારે તમારૂં દિમાગ એક જ બાબત પર કેન્દ્રીત હોય, ત્યારે તે શક્તિશાળી સાધન બની જાય છે. કમનસીબે, એક જ બાબત પરની આ એકાગ્રતા લોકોમાં મોટાભાગે નકારાત્મક રીતે આકાર પામે છે, હકારાત્મક રીતે નહીં. ક્રોધિત અને લંપટ દિમાગ એક બાબત પર અત્યંત કેન્દ્રીત હોય છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં બાળકોને હંમેશા ચેતવવામાં આવે છે, “જ્યારે તમે ક્રોધિત હોવ, ત્યારે કોઈ વિશે નકારાત્મક બોલવું નહીં,” કારણ કે જો તમારૂં દિમાગ ક્રોધમાં એક બાબત પર કેન્દ્રીત થયુ હોય, તો તે સરળતાથી સ્વયંને વ્યક્ત કરી શકે છે.
ચાલો, એક વિચાર જન્માવવાની પ્રક્રિયા પર નજર કરીએ. શું તમારો વિચાર સચેત છે કે પછી તે તમારામાં રહેલી લાખો બાબતોનું કેવળ એક પરિણામ માત્ર છે? જ્યારે તમારી વિચાર પ્રક્રિયા અજાણ હોય છે, ત્યારે મોટાભાગના સમયે તે માનસિક અતિસાર જેવું હોય છે. તેના પર કોઈ નિયંત્રણ નથી હોતું. આ પેટની ગરબડ જેવું છે, તમારા પેટમાં જેટલો વધારે ખરાબ ખોરાક હોય, તેટલા સમય સુધી અતિસારની સમસ્યા રહે. જ્યારે તમને માનસિક અતિસાર હોય, ત્યારે તમે તેને વિચાર કહી શકો નહીં.
જો તમે બ્લેકબોર્ડ પર લખવા ઈચ્છો, તો સૌપ્રથમ તો તમારે તેને લૂછીને સાફ કરવું પડશે. તે પછી જ તમે સ્પષ્ટપણે લખી શકશો. જો તેના પર સેંકડો વાતો લખાઈ ચૂકી હોય અને તમે તેના પર કશું લખો, તો તમે શું લખ્યું છે, તે કોઈ જાણી શકશે નહીં. સૌપ્રથમ તો તમારે જગ્યા સાફ કરવી પડશે અને પછી સભાનપણે એક વિચાર જન્માવવો પડશે.
જો લોકોએ તેમની જગ્યા સાફ કરી દીધી હોય અને પછી વિચાર જન્મે, તો આ વિચાર ખરેખર જ મહત્વનો બની રહે છે, કારણ કે તે સભાન પ્રક્રિયા થકી આવ્યો છે. એક વખત આ રીતે વિચાર ચાલુ થઈ જાય અને તે સ્પષ્ટતા સાથે જન્મ્યો હોય, તો તેમાં ઊર્જા રેડવી શક્ય બને છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.
