લોકોને મળતી વખતે થતી બેચેની દૂર કરવા માટે શું કરવું?

પ્રશ્ન: હું જયારે પણ કોઈને મળું ત્યારે તેમની સાથે ખુલીને હળવા – મળવામાં બહુ બેચેનીનો અનુભવ કરું છું. શું આ કોઈ માનસિક સમસ્યા છે કે હું માત્ર આ સમાજમાં ફિટ નથી થતો? હું શું કરું?

સદ્‍ગુરુ: તમે જરૂર આ શબ્દ સાંભળ્યો હશે – “યોગ”. જયારે હું “યોગ” કહું છું તો લોકો તરત જ તેમના શરીરને કોઈ આસનમાં મરોડવા વિષે વિચારે છે. ના, યોગ શબ્દનો અર્થ છે “જોડાણ”. તમારા જીવનના બોધમાં તમે છો અને વિશ્વ છે. તો આ વાસ્તવમાં તમારી વિરુદ્ધ બ્રહ્માંડ છે. તમારી વિરુદ્ધ બ્રહ્માંડ એ બહુ ખરાબ સ્પર્ધામાં જોડાવા જેવું છે. શું તમને લાગે છે કે તમે આ સ્પર્ધા જીતો તેની કોઈ સંભાવના છે? બ્રહ્માંડ સાથે સ્પર્ધામાં ના ઉતરો.

એટલા માટે જ આપણે યોગ નામનો રસ્તો શોધ્યો છે. યોગ અથવા જોડાણ એટલે તમે જારૂકતાપૂર્વક તમારા વ્યક્તિત્વની સીમાઓનો નાશ કરો છો, જેથી તમે અને બ્રહ્માંડ એવી કોઈ વસ્તુ રહેતી નથી – તે એક જેવું અનુભવાય છે. તમારે થોડો યોગ કરવાની જરૂર છે, નહીંતર તમારું મન વિવિધ પ્રકારના વિચારો, લાગણીઓ અને અભિપ્રાયોથી ગુંચવાઈ જશે.

જો તમે તેને થોડું ખુલ્લું કરો, જો તમે તમારા વ્યક્તિત્વની સીમાઓ ઓગાળી દો, તો તે બહુ સરળ થઈ જશે કારણ કે જયારે તમે અહીં બેસો ત્યારે તમે બીજી વ્યક્તિને તમારા એક ભાગ સ્વરૂપે જોશો. પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય કે પ્રાણી તમને કોઈ સમસ્યા નહિ થાય. તમે બધા સાથે એકદમ વ્યવસ્થિત રીતે વાતચીત કરશો કેમ કે તમે તમારી સીમાઓ ઓગાળી નાખી છે. જયારે તમે તમારી સીમાઓને મજબૂત કરો છો હંમેશા માત્ર ત્યારે જ સમસ્યા આવે છે. જો તે પુરુષ હોય તો એક પ્રકારની સમસ્યા. જો તે સ્ત્રી હોય તો બીજા પ્રકારની સમસ્યા.

તમારી જાતને સહજ બનાવવા પર કામ કરવાનો સમય આવી ગયો છે – માત્ર બીજા લોકો સાથે નહિ, જીવન સાથે. જીવન- જે તમે પોતે છો તે સહજતામાં હોવું જોઈએ. જો તમે સહજતામાં નહિ હોવ, તો તમે ક્યારેય તમારી ક્ષમતાઓને પુરી રીતે ખીલવી નહિ શકો.

દરેક મનુષ્યમાં અમુક પ્રતિભા રહેલી છે. પરંતુ નવ્વાણું ટકા લોકો તેમની પ્રતિભાને ઉજાગર કર્યા વિના જ જીવે છે અને તેમ જ મૃત્યુ પામે છે. તેના ખીલવા માટે, તમારી વાસ્તવિક પ્રતિભાના ખીલવા માટે, તમારું જીવન સહજતાપૂર્ણ બનવું જોઈએ.

યોગ તરીકે ઓળખાતું એક આખું વિજ્ઞાન અને ટેક્નોલોજિ છે, જે તમારું શરીર, રસાયણો, માનસિક પરિસ્થિતિ અને ઊર્જાની જાળવણી કઈ રીતે કરવી તેના પર પ્રકાશ પાડે છે. જો તમે આને અમુક સ્તર પર લાવો તો કોઈ પણ સામે આવે, તમે સહજ રહેશો. ઉશ્કેરાટમાં બધું જ વિકૃત થઇ જાય છે. તેથી, સહજ હોવું અત્યંત મહત્વનું છે, નહીંતર તમે જીવનને તે જેવું છે તે રીતે નહિ અનુભવો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.