સવાલ: કુંડલિની શું છે?
સદગુરુ: ચાલો, હું તમને તમારા પોતાના અનુભવ દ્વારા સમજાવું, કારણ કે કુંડલિની વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે.

તમારા ઘરની દીવાલમાં એક પ્લગ પોઈન્ટ હોય છે. પરંતુ તે દીવાલ પરનો પ્લગ પોઈન્ટ જાતે કોઈ વીજળી ઉત્પન્ન કરતો નથી. બીજે ક્યાંક એક વિશાળ વીજ ઉત્પાદન મથક (પાવર સ્ટેશન) હોય છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. પરંતુ તે વીજળી તમને સીધી મળતી નથી; તે પ્લગ પોઈન્ટ દ્વારા જ તમારા સુધી પહોંચે છે. કુંડલિની એ પ્લગ પોઈન્ટ છે, પાવર સ્ટેશન નહીં.

તમે કદાચ સાત ચક્રો વિશે સાંભળ્યું હશે. આ સાત ચક્રોમાંનું પ્રથમ ચક્ર મૂલાધાર ચક્ર પ્લગ પોઈન્ટ જેવું છે. તેથી જ તેને મૂલાધાર કહેવાય છે, જેનો અર્થ થાય છે મૂળભૂત અથવા પાયારૂપ. બાકીના પાંચ ચક્રો પ્લગનું કામ કરે છે અને સાતમું ચક્ર એક લાઇટ બલ્બ જેવું છે. જો તમે તેને યોગ્ય રીતે પ્લગમાં જોડો, તો તમારા જીવનનું બધું જ ઝળહળી ઊઠશે. એકવાર યોગ્ય રીતે જોડાઈ જાઓ, પછી દિવસના 24 કલાક પ્રકાશ ચાલુ રહે તો પણ કોઈ સમસ્યા નથી, કારણ કે તમારી ઊર્જા ક્યારેય ખૂટતી નથી.
હાલ પણ તમારી અંદર ઊર્જા છે. તમે જીવંત છો, એટલે તમારી શક્તિઓ કાર્યરત છે. પરંતુ તે ખૂબ મર્યાદિત સ્તરે કામ કરી રહી છે. જો આ શક્તિ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થાય અને તમે યોગ્ય રીતે જોડાયેલા હોવ, તો તમે શું કરી શકો તેની કોઈ સીમા નહીં રહે. પરંતુ મોટાભાગના લોકો પોતાની અંદરથી જ ઊર્જા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જ દિવસમાં અનેક વખત ભોજન લેવા છતાં તેઓ થાક અનુભવે છે. જીવનને જાળવી રાખવું જ સંઘર્ષ બની જાય છે.
ઊર્જા માત્ર શારીરિક શક્તિ નથી. જીવનના સંદર્ભમાં સમગ્ર સૃષ્ટિ ઊર્જાનું જ સ્વરૂપ છે. આ ઊર્જાને સમજવી એટલે જીવનના મૂળભૂત આધારને સમજવો. જો તમને ઊર્જા વિશે યોગ્ય સમજ હોય, તો તમે સમગ્ર સર્જનની રચનાને પણ સમજી શકો. જ્યારે તમે યોગ્ય રીતે ‘પ્લગ’ થયેલા હોવ, ત્યારે ઊર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જાણવું જરૂરી નથી. પરંતુ તે શું છે, તે તમારા માટે શું કરી શકે છે અને તેમાંથી તમે શું સર્જી શકો છો, તે ચોક્કસ જાણી શકો છો. ત્યારે તમે અનંત શક્તિના સ્રોત સાથે જોડાયેલા હોવ છો – એ જ કુંડલિની છે.
પરંતુ કોઈપણ ઉપકરણને પ્લગમાં જોડવા માટે હાથ સ્થિર હોવા જરૂરી છે. જો હાથ ધ્રૂજતા હોય, તો આખી દીવાલ ઘસાઈ જશે, છતાં પ્લગ જોડાશે નહીં. એ જ રીતે, માનવીનું શરીર, મન, ભાવનાઓ અને ઊર્જા અસ્થિર હોય, તો તે જીવનના મૂળ સ્રોત સાથે જોડાઈ શકતું નથી.

આ જ કારણ છે કે યોગ જરૂરી છે. યોગનો મૂળ હેતુ માત્ર શરીરને લવચીક બનાવવાનો નથી, પરંતુ શરીર, મન, ભાવનાઓ અને ઊર્જાને એટલી સ્થિરતા આપવાનો છે કે જીવન અનંત ઊર્જાના સ્રોત સાથે જોડાઈ શકે.
એકવાર તમે આ અવિરત ઊર્જા સાથે જોડાઈ જાઓ, પછી જીવન સ્વાભાવિક રીતે પોતાની યોગ્ય દિશામાં આગળ વધવા લાગે છે. તમે તમારી કલ્પનાઓ, સપનાઓ, વિચારો કે ભાવનાઓની ગૂંચવણમાં અટવાતા નથી. તમે સીધા જ જીવનના સાચા લક્ષ્ય તરફ આગળ વધો છો, કારણ કે હવે તમે સમગ્ર સૃષ્ટિના મૂળ સ્રોત સાથે જોડાયેલા છો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.




