સંતુલનની ચાવી

સદગુરુ: જીવન એક સંતુલન છે. તમે જેને જીવન તરીકે જુઓ છો તે બધું, તમે પોતાને જે જુઓ છો તે બધું જ સંતુલિત હોય ત્યારે જ સુંદર હોય છે. તમારું શરીર, તમારા વિચાર, તમારી ભાવના, તમારી પ્રવૃત્તિ, દરેક વસ્તુ સંતુલિત હોય તો જ સુંદર છે.

તો, કેવી રીતે આ સંતુલન કોઈના જીવનમાં લાવવું? આ સંતુલનનો આધાર શું છે? જ્યારે બાહ્ય પરિસ્થિતિની વાત આવે છે, ત્યાં સંપૂર્ણ સંતુલન જેવી કોઈ વસ્તુ નથી. મારી અંદર, હું એકદમ સંતુલિત થઈ શકું છું, પરંતુ પ્રવૃત્તિમાં તે હજી પણ સતત એક ગોઠવણ છે. આ ગ્રહ પર કોઈ નથી જેણે તેની બહારની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે સંતુલિત કરી હોય. હું માનું છું કે આ સંપૂર્ણ છે, પરંતુ કોઈક કહે છે કે આ બકવાસ છે. શું આ કુટુંબમાં બનતું નથી?

તેથી બાહ્ય પરિસ્થિતિઓમાં હંમેશા ગોઠવણની જરૂર રહે છે. તેથી તે પ્રવૃત્તિ નથી જે સંતુલિત છે. જો તમે તમારી અંદર શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે એકદમ સંતુલિત હોવ તો આ કુદરતી રીતે તમારી પ્રવૃત્તિમાં અભિવ્યક્ત થશે. જો તમે આ ભૌતિક શરીર અને આ મનને તેના ઉચ્ચતમ સંભવિત રૂપે કાર્ય કરવા માટે તૈયાર કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે આ વિશ્વમાં જે પણ કરી શકો છો, તે તક અને પરિસ્થિતિના આધારે તમે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. તે જ તમે કરી શકો છો.

તેથી, જ્યારે આપણે સંતુલન કહીએ છીએ, ત્યારે તમારા માટે સંતુલનનો વિચાર શું હશે? આજે જો દિવસ સારો પસાર થાય, તો તમે તેને સંતુલન કહો છો? મારા માટે સંતુલનનો અર્થ છે – જો હું મારો દરવાજો બંધ કરું છું અને ચાર કે પાંચ દિવસ બેસું છું તો મારા મનમાં એક પણ વિચાર નહીં આવે. હું ના વિચારવાનો પ્રયાસ નથી કરી રહ્યો; જો મારે વિચારવું હોય તો મારે વિચારવું પડશે, નહીં તો મારા મગજમાં કંઇ આવતું નથી. પરંતુ દરેક વ્યક્તિ સાથે એવું થતું નથી. તેઓ તેમના જીવનમાં વિચાર વગરની એક ક્ષણ પણ જાણતા નથી સિવાય કે તેઓ બહારની કોઈ વસ્તુ સાથે સંડોવાયેલા હોય, શું તેમ નથી? તે તમારા દ્વારા ક્યારેય બન્યું નથી કારણ કે તમે કોઈ એવી વસ્તુથી ઓળખ બનાવો છો જે તમે નથી. જે ક્ષણે તમે એવી કોઈ વસ્તુ સાથે ઓળખ બનાવો છો જે તમે નથી, વિચાર એ એક અનંત પ્રક્રિયા છે.

તેથી જો તમે આ અવસ્થામાં જવા માંગતા હો, તો તમારે શું કરવું જોઈએ? તમારું મગજ તમારી પાસેથી સૂચનાઓ લેતું હોવું જોઈએ, તે સૌથી અગત્યની બાબત છે. ઘણી રીતે, તે વ્યક્ત કરવામાં આવે છે – ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં. ઈસુ પણ આ કહેવાની હદ સુધી ગયા, ‘જો તમારી આંખ એકલી હોય, તો તમારું શરીર પ્રકાશથી ભરાઈ જશે.’ એટલે કે, તમારી ભૌતિકતામાં હંમેશાં તમે અને હું જ છીએ. જો તમારે કોઈ પણ વસ્તુનું સંતુલન રાખવું હોય, તો ત્યાં બે નું હોવું જરૂરી છે, તો જ સંતુલન એક આવશ્યકતા બની જાય છે. જો તમારા જીવનના અનુભવથી તમે હમણાં કોણ છો તેના દ્વૈતને ઓળંગી ગયા છો, જો તમે ભૌતિક મર્યાદાઓને ઓળંગશો, તો ભૌતિક બહારનું કંઈક જીવંત વાસ્તવિકતા બની જાય છે.

હવે બધું સંપૂર્ણ સંતુલન છે. તમારે હવે સંતુલન માટે મહેનત નહીં કરવી પડે; અસ્તિત્વ એ જ સંતુલન છે. તે માત્ર ભૌતિક વાસ્તવિકતા છે જેમાં વધઘટ થયા કરે છે. બાકીનું બધું સંપૂર્ણ સંતુલન છે. તે ફક્ત ભૌતિક છે જે ઉપર અને નીચે જઈ રહ્યું છે. શું એવું નથી?

તેથી, માનવ જીવનની સૌથી અગત્યની બાબત એ છે કે તમે ભૌતિકતાની મર્યાદાઓને વટાવી જાઓ. બીજા બધા જીવો તેમની ભૌતિકતામાં ફસાયેલા છે. તમે આ ગ્રહ પર એક માત્ર પ્રાણી છો જે ભૌતિકતાથી આગળ વધવાની ક્ષમતા સાથે આવ્યા છે પરંતુ તમારી ભૌતિકતાની વિરુદ્ધ નથી. આ શરીરને નકારી કાઢવા વિશે નથી, આ થોડું ઊંડાણપૂર્વક જવાની વાત છે, સપાટી પર રહેવાની વાત નથી. આ એક એવી વસ્તુ છે જે દરેક મનુષ્યને થવી જ જોઇએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)