આધ્યાત્મિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેના બે માર્ગ

સદગુરુ: તમારા કર્મનો આધાર તમારી પસંદ અને નાપસંદ ઉપર છે. બાકીનું સઘળું તેના પર આધારિત છે. તમે કોની સાથે રહી શકો-કોની સાથે ન રહી શકો, તમે કેવા પ્રકારનું ભોજન આરોગો -કેવા પ્રકારનું નથી આરોગતા, તમે ક્યાં જાઓ છો – ક્યાં નથી જતા, તમે કેવા પ્રકારના વિચારોને આવકારો છો- કેવા વિચારોને નામંજૂર કરો છો– આ સઘળાં મૂળ તમારી પસંદ અને નાપસંદમાં રહેલાં છે. જો તમે આ એક બાબતને કાઢી નાંખો, તો આધ્યાત્મિક પ્રક્રિયા ધીમે-ધીમે આકાર નહીં પામે, બલ્કે તમારામાં તેનો વિસ્ફોટ થશે.

જ્યારે તમે એવી સ્થિતિમાં હોવ, કે જેમાં તમે આને પ્રેમ કરો અને તેને ધિક્કારો, ત્યારે તમે દ્વૈતભાવ દર્શાવો છો. એક વખત તમે દ્વૈતભાવ પ્રસ્થાપિત કરો, તો પછી આધ્યાત્મિકતા ન રહી શકે, કારણ કે મુખ્યત્વે યોગ એટલે સંમિલન. જો તમને આ ભાગ ન ગમે, તો તમે સમાવેશક કેવી રીતે બની શકો? તે સ્વ-પરાજયની પ્રક્રિયા છે. મુખ્ય સમસ્યા એ છે કે તમે તમારા વિચારો, મનોભાવો અને તમે જેને ‘હું’ ગણો છો – એ તમને એક વ્યક્તિ બનાવતી સઘળી સામગ્રી છે – તે તમામ સાથે અતિશય મહત્વ જોડી દો છો. તમે તેમને અત્યંત મહત્વનાં બનાવી દો છો કારણ કે આ બધી એ વસ્તુઓ છે, જે તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

તે માટેના બે માર્ગ છે. એક માર્ગ અસ્તિત્વ ધરાવનારી તમામ ચીજોને પવિત્ર તરીકે જોવાનો છે. તમારૂં કામ, પત્ની, બાળક, પતિ,  શ્વાન, માતા, ઇશ્વર – બધું જ, એટલે સુધી કે શૌચાલય જવાની ક્રિયા સુદ્ધાં – તે તમામને પવિત્રતાથી જુઓ. કાં તો પછી તમે દરેક વસ્તુને વાહિયાત તરીકે – પૂર્ણ અણગમા સાથે – જુઓ, જેમાં તમારા ભગવાન, મગજ અને શરીર, આધ્યાત્મિકતા, ધ્યાન, તમામનો સમાવેશ થઈ જાય છે.

જો તમે દરેક વસ્તુને પવિત્ર તરીકે જુઓ, તો તે માર્ગ ઘણો વધુ સરળ છે. દરેક ચીજને અત્યંત અણગમા સાથે જોવા માટે અલગ પ્રકારની શક્તિની જરૂર પડે છે. ભારતમાં નાગા બાવાઓનું એક મોટું જૂથ છે. જેમાં બે પ્રકાર હોય છે. એક વર્ગ દરેક વસ્તુને પવિત્ર તરીકે જુએ છે. પછી તેઓ કોઈ પથ્થરને જોતા હોય, પુરુષને, સ્ત્રીને કે પ્રાણીને કે પછી કશું પણ જોતા હોય, તેઓ દરેકને શિવ તરીકે જુએ છે. તો વળી, બીજો વર્ગ અત્યંત વિકરાળ છે. આ સમુદાય દરેક ચીજને ભારે તિરસ્કાર સાથે જુએ છે. તે તમારા માટે અત્યંત અસભ્ય ભાષાનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, તે શિવ માટે પણ આ જ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ આવા છે. આ બંને અદભૂત રીતે કાર્ય કરે છે.

જો તમે દરેક ચીજને પવિત્ર તરીકે જોવાનો માર્ગ પસંદ કરો છો, તો તમે સ્વયંને સંપૂર્ણપણે દરેક ચીજને આપો છો. તમે દરેક વસ્તુને દિવ્ય તરીકે જુઓ છો, તો પછી શેના કરતાં શું વધારે સારૂં, શું વધારે મહત્વપૂર્ણ છે, તેનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તમારે સ્વયંને દરેક ચીજ માટે આપવાની રહે છે.

આ બે વચ્ચેનો તફાવત એ છે કે, જો તમે દરેક વસ્તુને પવિત્ર તરીકે જોશો, તો તમે જીવનમાં અઢળક પ્રવૃત્તિ ધરાવશો. બીજી તરફ, જો તમે દરેક ચીજને વ્યર્થ તરીકે જુઓ, તે કપરો પણ ઝડપી માર્ગ છે. જોકે, તમે સામાજિક પરિસ્થિતિઓમાં આ કરી શકો નહીં. તમને જે પણ સાનુકૂળ હોય, તે કરો. ચાહે તમે દરેક વસ્તુને પવિત્ર રીતે જોતા હોવ કે તદ્દન અર્થહીન રીતે, તેમાં કઈ પસંદ અને નાપસંદ નથી. તે  સાધન છે. જો તમે એક વસ્તુને પવિત્ર અને બીજીને અસભ્ય બનાવો છો, તો જ્યાં સુધી આધ્યાત્મિક પ્રક્રિયા ચાલે છે, ત્યાં સુધી તમે અગરબત્તીની માફક સળગતા રહો છો – ધીમે-ધીમે. પણ જેવો તમે તમારી પસંદ-નાપસંદને નેવે મૂકશો, તો ચમકારા સાથે તમારી આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ થઈ જશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.