એક પીડિયાટ્રિશિયન જેને શોખ છે લાખોની કિંમતના દુર્લભ સ્નીકર્સ ક્લેક્શનનો

ભાવનગર: સામાન્ય રીતે ડોક્ટર્સને આપણે સ્ટેથોસ્કોપ, દર્દીઓની ફાઈલો અને ક્લિનિકલ વાતાવરણ વચ્ચે જ કલ્પના કરતા હોઈએ છીએ. પરંતુ મૂળ ભાવનગરના અને હાલમાં દુબઈની પ્રતિષ્ઠિત એસ્ટર હોસ્પિટલ (Aster Hospital)માં બાળરોગ નિષ્ણાત (Pediatrician) તરીકે કાર્યરત ડૉ. સ્મિત એમ. વડોદરિયાની એક અનોખી જ ઓળખ છે. ડૉ. સ્મિત પાસે વિશ્વના રેર, લિમિટેડ એડિશન અને આર્ટિસ્ટિક ગણાતા ૪૫૦થી પણ વધુ જોડી સ્નીકર્સ/શૂઝનું કલેક્શન છે!

૪૫૦ જેટલાં લિમિટેડ એડિશન શૂઝનું વિશાળ કલેક્શન
ભાવનગરના ડૉ. સ્મિત વડોદરિયા પાસે માત્ર બે-ચાર કે દસ શૂઝ નથી, પરંતુ અંદાજે ૪૫૦ જોડી અતિ દુર્લભ અને લિમિટેડ એડિશન સ્નીકર્સનું ભવ્ય કલેક્શન છે. તેમના આ વિશાળ કલેક્શનમાં વિશ્વની ટોચની બ્રાન્ડ્સ અને રેર ડિઝાઇન્સનો સમાવેશ થાય છે.

બાળપણનો શોખ અને કલેક્શનની શરૂઆત
ડૉ. સ્મિતે પ્રાથમિક અભ્યાસ ભાવનગરના વડોદરિયા પાર્ક સ્થિત ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કૂલમાંથી કર્યો છે. MBBS અને MD (Pediatrics)નો અભ્યાસ અમદાવાદની વી. એસ. હોસ્પિટલ (V.S.Hospital)માંથી પૂર્ણ કર્યો છે. ભાવનગરના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાના પુત્ર એવા ડૉ. સ્મિતને છેલ્લા ૧6 વર્ષથી સ્નીકર્સ ક્લેક્શનનો અનોખો શોખ છે. યુ.એસ. ખાતે રહેતા તેમના કઝિન્સ જ્યારે સ્કેટબોર્ડિંગ કરતી વખતે ‘Nike SB Dunks’ પહેરતા, ત્યારે નાના સ્મિતના મનમાં શૂઝ અને તેની ડિઝાઇન પ્રત્યે એક અલગ જ આકર્ષણ ઊભું થયું હતું. બાળપણથી જાગેલો આ શોખ સમય જતાં વધુ ઘેરો બન્યો અને તેમણે ગંભીરતાથી રેર સ્નીકર્સ કલેક્ટ કરવાનું શરૂ કર્યું.

૭,૦૦૦ થી ૨૫ લાખ સુધીની સફર: ‘Nike SB What The Dunk’
તેમના કલેક્શનના સૌથી ખાસ અને મોંઘા સ્નીકર્સમાં ‘Nike SB What The Dunk’ નો સમાવેશ થાય છે. આ શૂઝ જ્યારે રીલીઝ થયા ત્યારે તેની મૂળ રીટેલ કિંમત અંદાજે ૭,૦૦૦ રૂપિયા હતી. પરંતુ આજે સ્નીકર કલ્ચરમાં તેની માંગ અને દુર્લભતાના કારણે તેની કિંમત વધીને અંદાજે ૧૫ લાખથી ૨૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે! આ ઉપરાંત તેમના કલેક્શનમાં ‘Off-White Chicago’ જેવા અતિ મોંઘા અને કિંમતી સ્નીકર્સ પણ સામેલ છે.

 

સ્નીકર્સ માટે ચંડીગઢની ઉડાન

સ્નીકર્સ મેળવવાનું તેમનું ઝનૂન એટલું કે એકવાર કોઈ ચોક્કસ સેલિબ્રિટી માટે રિઝર્વ રખાયેલા ખાસ ‘Yeezy’ સ્નીકર્સ ખરીદવા અને તેને સુરક્ષિત રીતે મેળવવા માટે તેઓ ખાસ ચંડીગઢ ફ્લાઈટ પકડીને પહોંચી ગયા હતા. સ્ટોરના માલિકે કહ્યું કે, તેમણે સ્નીકર્સ લેવા માટે રૂબરૂ આવવું પડશે. જો નહીં આવે તો તેઓ બીજી વ્યક્તિ કે જે સેલિબ્રિટી છે, તેને આપી દેશે.

હોસ્પિટલ ડ્યૂટી અને ‘Yeezy 350’નો સાથ
પીડિયાટ્રિશિયન તરીકે હોસ્પિટલમાં લાંબા કલાકો સુધી ઊભા રહેવું અને દર્દીઓની સંભાળ રાખવી એ તેમની દિનચર્યા છે. પોતાના આટલા મોટા કલેક્શનમાંથી ડૉ. અસ્મિત ‘Yeezy 350’ને સૌથી વધુ કમ્ફર્ટેબલ ગણાવે છે. હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન તેમજ લાંબા કલાકો સુધી ઊભા રહેવા માટે તેઓ દરરોજ આ જ શૂઝ પહેરે છે.

કલેક્શનના અન્ય અનોખા અને ખાસ શૂઝ
• હીટ-એક્ટિવેટેડ (Heat-activated) સ્નીકર્સ: તેમના કલેક્શનમાં ‘Civilist’ બ્રાન્ડના એવા સ્નીકર્સ પણ છે જે ગરમી કે તાપમાનના સંપર્કમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે.
• પ્રથમ બેપ (Bape) કોપ: પોતાના ‘Bape’ કલેક્શનમાં તેમણે સૌથી પહેલાં શૂઝ ‘Batman Bapestas’ લીધા હતા. જે મેળવવાનો ઉત્સાહ તેમના માટે આજે પણ યાદગાર છે.

ડિઝાઇન, ઈતિહાસ અને અંડરકવર સ્કિલ
ડૉ. સ્મિત માટે સ્નીકર્સ કલેક્ટ કરવા એ માત્ર શૂઝ ભેગા કરવા પૂરતું સીમિત નથી. તેઓ ‘Kanye West’ ના ડિઝાઇન્સ, સ્નીકર આર્ટ અને સ્નીકર્સના ઈતિહાસ વિશે ખૂબ જ ઊંડો રસ અને જ્ઞાન ધરાવે છે. સ્નીકર કલ્ચરના ઈતિહાસની બારીકાઈઓ જાણવી એ તેમની એક વિશેષ ‘અંડરકવર સ્કિલ’ છે.

ક્લેક્શનને સાચવવાનો પડકાર
ડૉ. સ્મિત વડોદરિયાના આ 450થી વધુ સ્નીકર્સને ખરીદવા પાછળ તો રોકાણ કર્યું જ છે. પરંતુ આ દુર્લભ કલેક્શનને ધૂળ, ભેજ કે બગડી જવાથી બચાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. આ તમામ સ્નીકર્સને એક ખાસ ‘ક્લાઈમેટ-કંટ્રોલ્ડ’ (Climate-Controlled) રૂમમાં યોગ્ય વાતાવરણમાં સાચવીને રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

 ડૉ. સ્મિત વડોદરિયા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે તબીબી જવાબદારીઓની સાથે-સાથે માણસ પોતાના પર્સનલ પેશનને કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે.

(રાઘિકા રાઓલ – અમદાવાદ)