(ડો. અમરજીત સિંહ)
મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે બોમ્બે ટાપુ અને તેની નજીકનો, તેનાથી પણ મોટો સાલ્સેટ દ્વિપ કે જેના પર હાલમા થાણે અને મીરા-ભાયંદર જેવાં ઉપનગરો વસેલાં છે તે ગુજરાતના સુલતાનોના આધિપત્ય હેઠળ હતો અને તેમના શાસનના અભિન્ન અંગ જેવા આ ટાપુઓ પર ગુજરાતના સુલતાનોનાં થાણાં હતાં.
૧૩મી સદીના અંતમાં જ્યારે ૧૨૯૭-૯૮માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ ગુજરાત અને ઉત્તર કોંકણને તેના રાજપૂત શાસકો પાસેથી જીતી લીધાં ત્યારથી આ ટાપુઓ મુસ્લિમ અધિપત્ય હેઠળ આવ્યા. ત્યારબાદ ખિલજીના પુત્રના સેનાપતિઓએ આ નવા જીતાયેલા ટાપુઓ પર તેમની પકડ મજબૂત બનાવી. પ્રાંતને મુસ્લિમ સૂબેદારોના હવાલા હેઠળ મૂકવામાં આવ્યો, જેનું મુખ્ય મથક પાટણ-અણહિલવાડની પ્રાચીન રાજધાનીમાં હતું અને તાબાના અધિકારીઓ હેઠળ લશ્કરી ચોકીઓ વ્યૂહાત્મક સ્થળો પર તૈનાત હતી, જેમાંથી એક ચોકી થાણે ખાતે હતી.
૧૦૦ વર્ષ પછી દિલ્હી સલ્તનતના વિઘટન બાદ અને ૧૫મી સદીના પ્રથમ દાયકામાં અમદાવાદના સુલતાનોના સ્વતંત્ર વંશના ઉદય પછી, બોમ્બે અને સાલ્સેટનો ઉત્તર કોંકણ સાથે સુલતાનોના વિસ્તરતા રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો. ૧૫૩૪માં મોગલ સમ્રાટ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યાં સુધી આ જ સ્થિતિ ચાલુ રહી. ગુજરાતના સુલતાન, બહાદુરશાહે, હુમાયુ સામે પોર્ટુગીઝની મદદ મેળવવા પોર્ટુગીઝ વાઈસરોય નુનો દ કુન્હા સાથે બસૈણ (વસઈ)ની સંધિ કરી, જેના હેઠળ તેણે પોર્ટુગલના રાજાને વસઇનો ટાપુ અને તેનો કિલ્લો, સાલ્સેટનો સમગ્ર દ્વિપ સમૂહ જેનાથી હાલના મુંબઇ મહાનગરની રચના થયેલી છે તે તબદીલ કર્યા. તે ઉપરાંત કરંજા, એલિફન્ટા અને અન્ય નાના ટાપુઓ પણ તબદીલ કર્યા. આ કમનસીબ ઘટના બાદ ઑક્ટોબર ૧૫૩૫માં આ બે પક્ષો વચ્ચે થયેલી બસીનની બીજી સંધિ થકી પોર્ટુગીઝને દીવ ખાતે કિલ્લો બનાવવાની પરવાનગી પણ આપવામાં આવી. પોર્ટુગીઝોએ ૧૫૩૭માં બહાદુરશાહને દીવના બંદરમાં ડૂબાડીને દીવ શહેર કબજે કર્યું. બીજાં ૧૦ વર્ષ વીતી ગયા બાદ તેઓએ દમણ નગર અને તેના કિલ્લા કબજો કરી લીધો.
દીવ અને દમણનાં બે મુખ્ય બંદરો પર કબજો મેળવ્યા બાદ પોર્ટુગીઝોએ ખંભાતના મહત્ત્વના અખાત પર અધિપત્ય મેળવ્યું, જે ગુજરાતી વેપારીઓના વર્ચસ્વવાળા ખંભાત બંદરથી મલાક્કા સાથેના વેપાર માટે મહત્ત્વની કડીરૂપ હતું. એ વખતના આંતર-એશિયાઈ વેપારમાં કાપડનો વેપાર મુખ્ય હતો. જાવા અને મલાયાના લોકો ખાદ્યપદાર્થો અને મસાલાઓના બદલામાં કાપડ સિવાય અન્ય કોઈપણ ઉત્પાદનો સ્વીકારતા ન હતા. ભારતીય વેપારીઓ પાસેથી મેળવેલા કાપડના બદલામાં બર્મા (મ્યાનમાર) પેગુ પાસેથી ચોખા અને ચાંદીની આપ-લે કરતું હતું. દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેનાં વાણિજ્યિક જોડાણો એટલાં મજબૂત હતાં કે પોર્ટુગીઝ ઔષધિ વિક્રેતા ટોમી પિરેસના જણાવ્યા મુજબ ‘મલાક્કા ખંભાત વિના અને ખંભાત મલાક્કા વિના જીવી શકે તેમ ન હતા.’
તે પછીનાં ૧૩૦ વર્ષ સુધી આ સ્થળો, પોર્ટુગીઝ શાસન હેઠળ હતાં, બસૈણ તેમની રાજધાની અને ‘ઉત્તર પ્રાંત’ના મુખ્ય વહેવટી થાણાં હતાં. ઉત્તર કોંકણમાં પોટુગીઝ પ્રદેશ બે વિભાગોમાં વિભાજિત થયેલો હતો – દમણ અને વસઇ. દમણના વહીવટીક્ષેત્રની હદમાં સંજાણ, તારાપોર, દહાણુ અને માહિમના ૪ જિલ્લાઓનો સમાવેશ થતો હતો; જ્યારે વસઇનું અધિકારક્ષેત્ર ઉત્તરમાં અગાશીથી દક્ષિણમાં કરંજા ટાપુ સુધી વિસ્તરેલું હતું. દક્ષિણ કોંકણમાં ગોવાની આસપાસની તેમની મુખ્ય સંપત્તિથી આ ભાગને અલગ પાડવા પોર્ટુગીઝોએ તેઓ જેને ‘ઉત્તરનો પ્રાંત’ કહેતા તેની રચના કરી હતી.
મે ૧૬૬૧માં, ઇંગ્લેન્ડના ચાર્લ્સ બીજા અને પોર્ટુગીઝ રાજાની પુત્રી કેથરીન ઓફ બ્રાગાન્ઝાનાં લગ્ન વખતે બોમ્બે અંગ્રેજોને દહેજમાં આપવામાં આવ્યું હતું. જો કે પોર્ટુગીઝોએ વસઇ, સાલ્સેટ, સાયન, ધારાવી, મઝગાંવ, વરલી, પરેલ અને વડાલાનો કબજો જાળવી રાખ્યો હતો. ત્યારબાદ, ૧૬૬૮માં ઈંગ્લેન્ડના રાજાએ બોમ્બેનો કબજો વાર્ષિક ૧૦ બ્રિટિશ પાઉન્ડના નજીવા ભાડાથી લીઝ પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપ્યો. આ રીતે ગુજરાત સાથે બોમ્બેનો સંપર્ક પુનઃસ્થાપિત થયો કારણ કે આ ટાપુના પ્રથમ ચાર ગવર્નરો સૂરત ખાતેની અંગ્રેજી ફેક્ટરીના પ્રમુખ હતા. ૧૭૧૨માં આખરે કંપનીનું મુખ્યમથક સૂરતથી બોમ્બે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સાથે આ ટાપુએ એક સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ પ્રાપ્ત કર્યું, જ્યાં એકમાત્ર અંગ્રેજી માલિકી હતી. તેમ છતાં, તેણે સૂરતના કારખાનાના ઉત્પાદનના આજ પર્યંત ચાલતા વેપારના આધારે અને સૂરતમાં અને મોગલ સામ્રાજ્યમાં બનતી રાજકીય અને ઐતિહાસિક ઘટનાઓમાં સક્રિયતા વધારીને ગુજરાત સાથે તેના સંપર્કો ચાલુ રાખ્યા. વર્ષ ૧૮૦૦ સુધી સૂરતનું સમગ્ર સંચાલન ત્યાંના અંગ્રેજ વહીવટકર્તાઓ દ્વારા, બોમ્બે ખાતેના તેમના ઉપરી અધિકારીઓના નિર્દેશો હેઠળ કરવામાં આવતું હતું.
અલબત્ત, આવી સુંદર રીતે ગોઠવાયેલી વહીવટી વ્યવસ્થાને બાદ કરતાં, તે સમયનું બોમ્બે આજની મોહમયી મુંબઇ નગરીની કોઇ લાક્ષણિકતા ધરાવતું ન હતું. તે વખતનું બોમ્બે ખાડીઓથી વિભાજિત થયેલા સાત ટાપુઓનું બનેલું હતું. દરેક ભરતી વખતે દરિયાનું પાણી આ ખાડીઓમા વહી આવતું હતું અને ઓટ વખતે આ ખાડીઓ દુર્ગંધયુક્ત કાદવકિચડનાં ખાબોચિયાં જેવી બની જતી હતી. આ સાત ટાપુઓ પૈકી સૌથી મહત્વનો ટાપુ માહિમ હતો. દરિયાકિનારે ભરાઇ જતા કાંપથી આ ટાપુઓની સંખ્યા ૧૬૭૩ સુધીમાં ઘટીને ૪ થઈ ગઇ હતી. આ ૪ ટાપુઓને ૧૮મી સદીના અંત સુધીમાં ઊંચા કોઝવે અને પાળાથી તથા નીચાણવાળા પાટ્ટામાં પૂરણ કરીને લેન્ડ રેક્લેમેશનથી જોડી દેવામાં આવ્યા.
સમય જતાં કોલાબાથી માહિમની ખાડી સુધીના સમગ્ર ટાપુ-સમૂહને મુંબઈ નામ આપવામાં આવ્યું. પોર્ટુગીઝ શાસકોએ અપભ્રંશ કરીને બોમ્બેઇમ અથવા મોમ્બાઈમ નામ આપ્યું, જે અંગ્રેજી કંપનીના નિયંત્રણ હેઠળ આવ્યા પછી બોમ્બે તરીકે ઓળખાવા લાગ્યું.
પોર્ટુગીઝોના બોમ્બે સાથેના સંપર્કના ઐતિહાસિક સંદર્ભો વર્ષ ૧૫૦૯ અને ૧૫૧૭ના વર્ષમાં નોંધાયેલા જોવા મળે છે. પરંતુ પોર્ટુગીઝ દફ્તરમાં નોંધાયેલો ૧૫૨૯નો એક કિસ્સો ઉલ્લેખનીય છે. આ વર્ષે પોર્ટુગીઝ ભારતનો ગવર્નર હેઇટર ડી સિલ્વીરા ભારતીય સમુદ્ર પર પોર્ટુગીઝ પ્રભુત્વ સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે ચૌલ અને બોમ્બેના કિનારા પસાર કરીને તેના નૌકાકાફલા સાથે ગુજરાતના નૌકાકાફલાને મહાત કરવા ચડી આવ્યો. આ બહાદુર અધિકારી સિલ્વીરા હેઠળના નૌકાકફલાની એક ટુકડીએ નાગોથના નદીના મુખ ખાતે ગુજરાતના નૌકા કાફલાને હરાવ્યો. ત્યારબાદ તે તેના માણસો સાથે દરિયાકાંઠાની આ તરફના જુદા જુદા ટાપુઓ પર ઘૂસી આવ્યો અને ત્યાં તેણે ભાત સાથે માંસની જ્યાફતો ઉડાવી. ત્યાં મોજમસ્તીમાં વિતાવેલા દિવસોની યાદમાં બોમ્બેને ઇલ્હા દ બોન વિડા (ઐયાશ જીવનનો ટાપુ) નામ આપ્યું. જ્યારે બોમ્બેના જીવન અને વિકાસના બીજ રોપાઇ રહ્યાં હતાં તે સમયે આ ટાપુને આવું નામ આપી તેની આગવી ઓળખ ઊભી કરી, જે આવનારાં વર્ષોમાં તેની સમૃદ્ધિની રસપ્રદ ભવિષ્યવાણી જેવી હતી.
સિલ્વીરા તે પછી બસીનના કિલ્લા તરફ આગળ વધ્યો અને સુરક્ષિત ગણાતા આ મુસ્લિમ કિલ્લા પર હુમલો કરીને નગરને લૂંટીને ત્યાં આગ ચાંપી દીધી અને પછી બોમ્બે પાછો ફર્યો. જાન્યુઆરી ૧૫૩૧માં પોર્ટુગીઝોએ તેમની નૌકાદળની શક્તિ દર્શાવવા અને સ્થાનિક શાસકોને ડરાવવા માટે બોમ્બે ખાતે નૌકાદળ અને પાયદળનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. આ પછી માર્ચ ૧૫૩૧માં ગુજરાતના દરિયાકાંઠે છમકલાં કરી કનડગત ઊભી કરવાના ઇરાદે એક અધિકારીની પ્રતિનિયુક્તિ કરવામાં આવી. મહુઆ, વલસાડ, તારાપુર, સૂરત, ઘોઘા અને અન્ય નગરો પર હુમલા કરી લૂંટફાટ કરવામાં આવી. ત્યાર બાદ, ડિસેમ્બર ૧૫૩૨માં, ૮૦૦ કનારીઓ (કન્નડ ભાષીઓ) ઉપરાંત લગભગ ૨૦૦૦ પોર્ટુગીઝ સૈનિકોએ વસઇ પર હુમલો કર્યો. ઉગ્ર પ્રતિકાર બાદ મુસ્લિમ કિલ્લો કબજે કરવામાં આવ્યો. ત્યારબાદ થાણા, બાંદ્રા અને માહિમ તથા બોમ્બે ટાપુઓ પણ કબજે કરવામાં આવ્યા.
પોતાના સામ્રાજ્ય પર મોગલોના આક્રમણથી દબાયેલા ગુજરાતના સુલતાને સુલેહની શરતો નક્કી કરવા એક દૂત મોકલ્યો. ૨૩મી ડિસેમ્બર ૧૫૩૪ના રોજ નુનો દ કુન્હા અને સુલતાન બહાદુરશાહના દૂત વચ્ચે બસીન બંદરે સેન્ટ મેથ્યુ નામનું વહાણ પર એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કમનસીબ સંધિથી વસઇનું ફળદ્રુપ પરગણું તેના સમગ્ર વિસ્તાર અને ટાપુઓ સાથે પોર્ટુગીઝના કબજા હેઠળ આવી ગયું. કોઇ યુરોપીયન સત્તા અને ભારતીય શાસક વચ્ચે થયેલી આ પ્રકારની પ્રથમ સંધિ તરીકે પણ આ સંધિ ઓળખાય છે. તેનાથી ઉત્તર કોંકણના કિનારે પોર્ટુગીઝને પ્રથમ પગપેસારો કરવાની તક મળી.
બહાદુરશાહનો રાજદૂત તેના ધર્મના રક્ષણ માટે સંધિમાં એક કલમ દાખલ કરવામાં સફળ રહ્યો. બહાદુરશાહ દ્વારા પોતાના શાસન હેઠળનો વિસ્તાર પોર્ટુગીઝોના હવાલે કર્યા પછી પોર્ટુગીઝે અગાઉની જેમ મસ્જિદોના ખર્ચને પહોંચી વળવા દર વર્ષે તેમની આવકમાંથી ૫૦૦૦ લેરીન આપવાના હતા. પરંતુ નવા શાસકોએ થોડા સમયમાં જ આ શરત નકારી કાઢી અને આ રકમનો ઉપયોગ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કરવા લાગ્યા. આ નવા હસ્તગત કરેલા પ્રદેશોમાં પોતાને સ્થાપિત કરી ચૂકેલા ધર્મઝનૂની પોર્ટુગીઝ પાદરીઓ એક પછી એક મસ્જિદોનો નાશ કરતા રહ્યા.
(લેખક ડો. અમરજીત સિંહ ગુજરાત રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી છે.)
