ભારતના જુદા-જુદા રાજ્યોમાં દિવાળી ઉજવણીની ૧૦ રોચક પરંપરા!

દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં તેની ઉજવણી કરવાની રીતો અને પરંપરાઓ અત્યંત અદ્ભુત અને રોચક છે. આવી જ 10 પરંપરા વિશે આજે આપણે વાત કરીએ…૧. અભ્યંગ સ્નાન (કર્ણાટક)
કર્ણાટકમાં દિવાળીની શરૂઆત સૂર્યોદય પહેલાં પવિત્ર તેલ સ્નાન (અભ્યંગ સ્નાન)થી થાય છે. એવી માન્યતા છે કે આ સ્નાન શરીર અને આત્મા બંનેને શુદ્ધ કરે છે. એવી ધાર્મિક માન્યતા છે કે નરકાસુરના વઘ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ વિજય મેળવીને સ્નાન કર્યું હતું. આ સ્નાન શારીરિક અને માનસિક શુદ્ધિનું પ્રતીક છે, જે શરીર અને આત્મા બંનેને પવિત્ર કરે છે.૨. દેવ દિવાળી, વારાણસી (ઉત્તર પ્રદેશ)
દિવાળીના ૧૫ દિવસ પછી વારાણસી (કાશી)માં દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગાજીના ઘાટો પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે, જે અદ્ભુત દ્રશ્ય સર્જે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવીને દિવાળી ઉજવે છે. આ પર્વ અંધકાર પર પ્રકાશના અને અનિષ્ટ પર સતના વિજયની ખુશાલીમાં મનાવવામાં આવે છે.૩. કૌન્રિયા કાઠી (ઓડિશા)
ઓડિશાની આ પરંપરામાં સળગતી શણની લાકડીઓ (Jute sticks) ઊંચી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોત પિતૃઓની આત્માને માર્ગદર્શન પૂરું પાડે છે. આ પ્રથા પાછળ એવી ભાવના છે કે પિતૃઓની આત્માઓ જે અંધારામાં ભટકી રહી છે તેમને આ અગ્નિની રોશનીથી યોગ્ય માર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.૪. પથ્થર મેળા (હિમાચલ પ્રદેશ)

હિમાચલ પ્રદેશમાં દિવાળી પછીની આ એક સદીઓ જૂની પરંપરા છે, જેમાં ગામલોકો એકબીજા પર પથ્થરો ફેંકે છે. ઇતિહાસ અનુસાર આ પ્રથા નરબલિની જૂની કુપ્રથાને નાબૂદ કરવા અને તેને બદલે લોહી વહેવડાવવાની પ્રતીકાત્મક વિધિ તરીકે શરૂ થઈ હતી, જે આજે પણ પરંપરાગત રીતે ઉજવાય છે.૫. દિયારી / દેવારી (છત્તીસગઢ)

છત્તીસગઢના આ લોકઉત્સવમાં સમૃદ્ધિ અને સારા પાકની ઈચ્છા સાથે પાકના પ્રતીકાત્મક લગ્ન કરાવવામાં આવે છે. આ ઉત્સવ પ્રકૃતિ અને ખેતી સાથે જોડાયેલો છે. સારો પાક થાય, ઘરમાં અન્ન-ધનનો ભંડાર ભરેલો રહે અને ઉત્સવ દ્વારા સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે આ વિધિ કરાય છે.૬. ઇંગોરિયાની લડાઈ, સાવરકુંડલા (ગુજરાત)
ગુજરાતના સાવરકુંડલામાં દિવાળીના તહેવાર પર સદીઓ જૂની લડાઈની પરંપરા છે, જેમાં લોકો એકબીજા પર અગ્નિ વરસાવતા ફટાકડા (ઇંગોરિયા) ફેંકે છે. આ સદીઓ જૂની રમત ગામલોકો વચ્ચે ઉત્સાહ, સાહસ અને વીરતાના પ્રદર્શન તરીકે ઉજવાય છે. જેમાં પરસ્પર ભાઈચારો જળવાઈ રહે છે.૭. નરકાસુર વઘ (ગોવા)
ગોવામાં દિવાળીના દિવસે સૂર્યોદય પહેલાં અસુર નરકાસુરના વિશાળ પૂતળાઓનું દહન કરવામાં આવે છે, જે અનિષ્ટ પર સતના વિજયનું પ્રતીક છે. આ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અત્યાચારી રાક્ષસ નરકાસુરના વધની કથા પર આધારિત છે. તે અન્યાય, અસત્ય અને અહંકારનો નાશ કરીને સારાઈનો ફેલાવો કરવાનું પ્રતીક છે.૮. બંધી છોડ દિવસ (પંજાબ)

પંજાબમાં ગુરુ હરગોબિંદ સાહિબની મુક્તિની યાદમાં ગુરુદ્વારાઓને રોશનીથી ઝળહળ કરવામાં આવે છે અને દિવાળીની ઉજવણી થાય છે. આ દિવસે છઠ્ઠા શિખ ગુરુ શ્રી ગુરુ હરગોબિંદ સાહિબ ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત થઈને અમૃતસર પરત ફર્યા હતા અને તેમની સાથે અન્ય હિન્દુ રાજાઓને પણ મુક્ત કરાવ્યા હતા. આ દિવસ સ્વાતંત્ર્ય અને ન્યાયનું પ્રતીક છે.૯. ગોરેહબ્બા, કર્ણાટક-તમિલનાડુ બોર્ડર

આ એક અનોખી પરંપરા છે જેમાં ગામલોકો તેમના દેવતા ‘બીરપ્પા’ના આશીર્વાદ મેળવવા માટે એકબીજા પર છાણ ફેંકે છે. આ અનોખી પ્રથા પાછળ એવી માન્યતા છે કે તેમના સ્થાનિક દેવતા ‘બીરપ્પા’ ગાયના છાણમાં પ્રગટ થયા હતા. આ પરંપરા જાળવવાથી ગામમાં આરોગ્ય સારું રહે છે અને દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

૧૦. ઇગાસ બગવાલ (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડમાં સામાન્ય દિવાળીના બરાબર ૧૧ દિવસ પછી સળગતી મશાલો સાથે ‘ઇગાસ’નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકવાયકા મુજબ, ભગવાન રામના અયોધ્યા પરત ફરવાના સમાચાર પહાડી વિસ્તારોમાં ૧૧ દિવસ મોડા પહોંચ્યા હતા. જેથી આ પ્રદેશમાં દિવાળી મોડી ઉજવવાની પરંપરા છે. આ ઉત્સવ પહાડી સંસ્કૃતિ અને એકતાની ઓળખ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)