ડિજિટલયુગમાં વંશાવળી લખવાની ઉજ્જ્વળ બારોટપરંપરા

થોડાં વર્ષો પહેલાં (૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં) અમેરિકન લેખક એલેક્સ હાલે રૂટ્સ: ધ સાગા ઑફ ઍન અમેરિકન ફૅમિલી નામની એક ઐતિહાસિક કાલ્પનિક નવલકથા લખેલી, જેના પરથી અમેરિકામાં મિની ટીવી-સિરીઝ પણ સર્જાયેલી. ખરું જોતાં પુસ્તકના લેખકમાં પોતાના વડવાઓ વિશે, મૂળ-કુળ જાણવાની જિજ્ઞાસા જાગે છે, પણ આ માટે કોઈ સામાજિક વ્યવસ્થા નથી, છતાં એ પ્રયાસ કરે છે. એક મિશનના સ્વરૂપમાં આ કામ હાથમાં લે છે. આ સ્વાનુભવો એમણે પુસ્તકમાં આવરી લીધા છે.આ પુસ્તકના વાચકોએ અને ટીવી-સિરીઝના દર્શકોએ પણ પોતાનાં મૂળ-કુળ વિશે જાણવામાં રસ લીધો, પણ મોટા ભાગનાને નિષ્ફળતા જ હાથ લાગી, કેમ કે વિદેશોમાં કુટુંબની વંશાવળી, વતન, ગોત્ર, કુટુંબના રીત-રિવાજો, કુળદેવી, એમનું સ્થાનક, નિવિદ કેવી રીતે થાય છે એવી આધારભૂત માહિતી ઉપલબ્ધ બને એવી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ આપણે ત્યાં મુઠ્ઠી ઊંચેરી બારોટ પરંપરા છે.

બારોટ… આ શબ્દ ભારતીય સમાજ માટે અજાણ્યો નથી. શક્ય છે કે આજની ડિજિટલ પેઢી માટે આ શબ્દ એ અટક પૂરતો સીમિત હોય, પરંતુ આ એક શબ્દ કે અટક નથી, પરંતુ પ્રાચીન પૂજનીય પરંપરા છે. પોતાના યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ, એમનાં જીવનકાર્યોની મહત્ત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક નોંધ રાખીને યથાસમય એનું વાંચન કરતા, વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતા એ બારોટ.બારોટપ્રથા મહાભારતના સમયકાળથી ચાલી આવતી હોવાનો ઉલ્લેખ અમુક ગ્રંથોમાં છે. કહેવાય છે કે કાગળની શોધ થઈ નહોતી એ સમયે ભોજપત્ર કે કપડામાં કુટુંબની વંશાવળી બારોટ લખતા. દિલ્હીના પ્રતાપી રાજવી પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં ચંદ બારોટનું કેટલું મહત્ત્વ હતું એનો ઈતિહાસ સાક્ષી છે.

હવે તો માઉસના એક ક્લિકથી કમ્પ્યુટરમાં માહિતીનો ખજાનો ખૂલી જાય છે, પરંતુ એક સમય એવો હતો કે કોઈ વ્યક્તિનાં કુળ-મૂળ પ્રમાણભૂત આધારો સાથે જાણવાં હોય તો બારોટના ચોપડાનાં પાનાં ખોલવા પડતાં. રાજાશાહી વખતે બારોટને ખૂબ આદર આપવામાં આવતો. રાજાનો દરબાર ભરાતો ત્યારે બારોટ માટે અલગ આસન રાખવામાં આવતું. એમનું અને એમના ચોપડાનું સમ્માન કરવામાં આવતું.ઉલ્લેખનીય છે કે દરેક કુટુંબના, સમાજના અલગ-અલગ બારોટ હોય છે. કુટુંબમાં દીકરા-દીકરીના જન્મ બાદ બારોટના ચોપડે એનું નામ ચડાવવાનું આવે એટલે જાણે પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ જાય. યજમાન રૂબરૂ બારોટના ઘરે જઈને એમને પધારવાનું આમંત્રણ આપે. બારોટ પધારે ત્યારે એનું અદકેરું સમ્માન કરવામાં આવે. કુટુંબના બધા સભ્યો ભેગા થાય. પહેલાં તો બારોટ બાજોઠ પર લાલ પૂંઠાવાળા ચોપડાનું પૂજન કરે. જે દીકરા-દીકરીનું નામ લખવાનું હોય એને પણ સામે બેસાડી ચાંદલો કરવામાં આવે. ત્યાર બાદ કુટુંબના નવા સભ્યનું હર્ષોલ્લાસ સાથે બારોટના ચોપડામાં નામ ઉમેરવામાં આવે. ભારતીય સંસ્કૃતિની આ એક ઉજ્જ્વળ પરંપરા છે.

આ વિધિ કરનારને વહીવંચા બારોટ પણ કહેવાય છે. વહી એટલે લાલ કલરના પૂંઠાવાળા, સફેદ કાગળના વળીવાળા ચોપડા. અલગ-અલગ લિપિમાં એ લખેલા હોય છે. વહી વાંચનારા એ વહીવંચા કહેવાયા. એક સમયે સંસ્કૃત જેવી માગધી ભાષામાં વહી લખવામાં આવતી હતી, પરંતુ સમયની સાથે ભાષા બદલાતી રહી. બારોટસમાજની આજની યુવાપેઢી ગુજરાતી ભાષામાં વહી લખે છે. વહી લખવાની ખાસ રીત હોય છે. વહી લખતી વખતે પૅરેગ્રાફ પાડવામાં આવતો નથી. સફેદ કાગળમાં એક સમયે લાલ શાહીથી લખવામાં આવતું, હવે કાળી શાહીથી લખવામાં આવે છે.

જાણીતા લોકસાહિત્યકાર અને છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી બારોટપરંપરાનું કાર્ય કરી રહેલા ગુલાબદાન બારોટ ચિત્રલેખા.કોમને કહે છે: ‘આ વહી અમારી રોજી-રોટી છે. દરેક બારોટ એને જીવની જેમ સાચવે છે. ભલે કદાચ આજની પેઢી આ પરંપરાથી વાકેફ ન હોય, પરંતુ દરેક કુટુંબના વડીલો આ પ્રથા વિશે જાણતા જ હોય. સમાજમાં બારોટનું મુઠ્ઠીઊંચેરું સ્થાન છે. દરેક વ્યક્તિનાં કુળ અને મૂળની આધારભૂત વિગત બારોટના ચોપડામાંથી મળી જાય. બારોટના ચોપડે આશરે ૭૦૦ વર્ષ જૂની માહિતી સચવાયેલી હોય છે. ત્રીસ-પાંત્રીસ પેઢી સુધીનો રેકૉર્ડ મળી શકે છે. માત્ર નામો જ નહીં, કુટુંબમાં કોઈએ યાત્રા કે સામાજિક કાર્યો કર્યાં હોય તો એની પણ નોંધ કરવામાં આવે છે, આગલી પેઢીને એના વડવાએ કેવાં કાર્યો કર્યાં છે એની ખબર પડે.’

એ ઉમેરે છે કે બારોટ સ્પષ્ટવક્તા હોય છે. યજમાનને જ્યારે જરૂર પડે ત્યારે સાચી સલાહ, માર્ગદર્શન એ આપતા રહ્યા છે. બારોટ હંમેશાં યજમાનનું ભલું ઈચ્છતા હોય છે. આજના કપરા સમયમાં બારોટપ્રથા લુપ્ત ન થાય અને આ વારસો જળવાઈ રહે એ માટે અમારા સમાજના જ આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં રાજકોટ જિલ્લાના રતનપરમાં ગુજરાતભરના બારોટનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં યુવાઓને આ પ્રાચીન પરંપરા વિશે જાણકારી આપી એને સાચવવા અપીલ કરવામાં આવી હતી.

બારોટના ચોપડે માત્ર કોઈ કુટુંબ જ નહીં, પણ દેશ કે પ્રાંતમાં કોઈ મોટો પ્રસંગ બન્યો હોય તો એની પણ નોંધ કરવામાં આવે છે. ૨૦૨૩માં અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ, એની નોંધ રતનપરમાં યોજાયેલા સંમેલનમાં અઢારે વરણના બારોટના ચોપડામાં કરવામાં આવી. આ ઉપરાંત, દ્વારકાના આંગણે આહીરસમાજ દ્વારા ૩૭,૦૦૦ આહીરાણીઓએ મહારાસ લઈને વિશ્વવિક્રમ કર્યો એની નોંધ પણ તમામ સમાજના બારોટના ચોપડે કરવામાં આવી. આવી ઐતિહાસિક ઘટનાઓને પણ આ પ્રથામાં સાચવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં સમાજના લોકો આ પ્રસંગોથી વાકેફ થાય.

બારોટી સાહિત્યના વિષય પર પુસ્તકો લખનારા લોકસાહિત્યના સંશોધક ડૉ. નિરંજન રાજ્યગુરુ કહે છે: ‘લોકજાતિઓનો જીવંત અને પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી બારોટપરંપરા સદીઓ જૂની છે. એટલું કહી શકાય કે સમયની સાથે આ પ્રથામાં પરિવર્તન આવતું ગયું છે. એક સમયે બારોટને ખૂબ માન-સમ્માન મળતાં, પણ હવે નવી પેઢીમાં બારોટને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. જો કે આજે પણ કુટુંબનો આંબો અને રીતરિવાજો વિશે આધારભૂત માહિતી મેળવવી હોય તો બારોટનો ચોપડો જ એનું ઉત્તમ માધ્યમ છે.’

એ ઉમેરે છે કે વહી ચોક્કસ લિપિમાં અને સાંકેતિક ભાષામાં લખાયેલી હોય છે. આ વહી બીજા કોઈના હાથમાં જાય તો એની ભાષા ઉકેલવી કે સમજવી આસાન નથી. બારોટી સાહિત્ય વિશે વર્ષો સુધી સંશોધનના મારા અનુભવમાં વ્યક્તિગત સંબંધોને કારણે મને કેટલીક વહી વાંચવાની તક મળી છે. બારોટના ચોપડે નામ માંડવાની એક ખાસ પ્રક્રિયા હોય છે. લોકજીવનનો સમૃદ્ધ ઈતિહાસ બારોટપરંપરામાં સચવાયો છે. કોઈ કુટુંબની પેઢીનાં નામ જ નહીં, પરંતુ એમનું મૂળ ક્યાં છે, તેઓ કયા પ્રદેશમાંથી આવ્યા એ સ્થાન, શાખા-પ્રશાખા, કુળદેવી, સુરાપુરા, ગોત્ર, ગામ-ગરાસ, એનું ક્ષેત્રફળ, નાના-મોટા પ્રસંગો… આવી અનેક માહિતી બારોટના ચોપડામાં હોય છે. જેમ વિવિધ જ્ઞાતિમાં લગ્નાદિક વિધિ બ્રાહ્મણ કુળગોર કરે છે તેમ બારોટ એ વંશમાં જન્મનારની તથા એનાં મહત્ત્વનાં કાર્યોની વહીમાં નોંધ રાખે છે એટલે વહીવંચા બારોટને પણ કુળગોર કહેવાય છે.

કળગર પોથાં કંધ ધરે, વિધવિધ કરે વખાણ, જિણ ઘર કળગર ન સંચરે, સો ઘર જાણ મસાણ… અર્થાત્ જે કુટુંબની માહિતીની નોંધ રાખનારા આવા કુળગુરુ જે ઘરમાં ન સંચરે એને મસાણ જાણજો.સમયનાં વહેણ સતત બદલાતાં હોય છે. આજના ડિજિટલયુગમાં કુટુંબની વંશાવળી લખવાની પ્રાચીન બારોટપરંપરા અનેક પડકારો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ પરંપરાને જીવતી રાખવા બારોટસમુદાય જ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  અને કેટલીક સંસ્થાઓ તેમ જ સાહિત્યસંશોધકોએ પ્રયાસો શરૂ કર્યા છે તો બારોટસમાજના યુવાનોએ સોશિયલ મિડિયા ગ્રુપ બનાવ્યું છે. તે થકી કાર્યક્રમ-સેમિનાર યોજીને પરંપરા જાળવવા પ્રયત્નશીલ રહે છે. સમાજના અમુક લોકોને એવો ભય સતાવે છે કે બારોટના ચોપડાનું ડિજિટલાઈઝેશન થશે તો એક ક્લિકમાં તમામ માહિતી સ્ક્રીન પર મળી જશે. પછી કુટુંબની માહિતી મેળવવા લોકો બારોટ પાસે જવાનું ટાળશે. આવો ભય અસ્થાને નથી, કેમ કે સમયની સાથે પરિવર્તન લાવવું પણ જરૂરી છે.

આ ઉપરાંત, બસ્સો-પાંચસો વર્ષ જૂના ચોપડાની સાચવણી કપરી છે. ચોપડાને ઊધઈ લાગે અથવા પાનાં ફાટી જાય એવું બની શકે. બારોટસમુદાય માટે આ ચોપડા રોજી-રોટી છે એટલે એને જીવની જેમ સાચવવા પડે. બારોટસમાજની નવી પેઢીના કેટલાક યુવાઓ હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે, એમને વડીલો આ વારસો જાળવવા સમજાવે છે અને એમને ચોપડા લખતાં શીખવે છે. આનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

(તસવીરો- નીશુ કાચા)